મહિલા કોલેજ સર્કલ પાસે યુવાન ઉપર શખસોનો સશસ્ત્ર હુમલો
- દારૂની બાતમી પોલીસને આપી હોવાની દાઝ રાખી...
- કાર અને એકટીવામાં સાત શખસે વારાફરતી આવી પાઈપ તલવારના ઘા ઝીંકી બોરડીગેટના યુવાનને આપી ધાક-ધમકી
ભાવનગર, તા. 28 જુલાઈ 2020, મંગળવાર
ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલ નજીક બોરડીગેટના યુવાનને આંતરી બે વર્ષ પૂર્વે દારૂ પકડાયેલ જે દારૂની બાતમી પોલીસને આપી હોવાની દાઝ રાખી કારમાં આવેલા ચાર શખસોએ પાઈપ તલવાર વડે આડેધડ માર માર્યા બાદ પાછળથી એકટીવા પર આવેલા ત્રણ શખસો યુવાનને માર મારી ધમકી આપતા સાત શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના બોરડીગેટ વિસ્તારમાં રહેતા વિમલભાઈ ઉર્ફે કેતનભાઈ લલીતભાઈ સોલંકી (ઉ.વ.૨૫)એ ઘોઘારોડ પોલીસ મથકમાં પ્રવિણ ઉર્ફે બાડો શામજીભાઈ રાઠોડ, જય પ્રવિણભાઈ રાઠોડ, કાળો સાચીયા, રાહુલ ઉર્ફે દુદો સાચિયા, ધર્મેશ ઉર્ફે ધમો, અશોકભાઈ રત્નાકર, સંજય અશોકભાઈ રત્નાકર અને કાળી સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, આજથી બે વર્ષ પૂર્વે વણકરવાસમાં રહેતા પ્રવિણ ઉર્ફે બાડો શામજીભાઈ રાઠોડના ઘરેથી પોલીસે ઈંગ્લીશ દારૂ પકડેલ જે દારૂની બાતમી તેઓએ પોલીસને આપી હોવાની દાઝ રાખી ગઈકાલે સવારે ૯ કલાકના સુમારે તેઓ અને તેના શેઠ કીરીટભાઈ બન્ને કાળીયાબીડ જઈ રહ્યા હતા તે વેળાએ મહિલા કોલેજ સર્કલ નજીક પ્રવિણ તેના દીકરો જય, કાળો સાચીયા અને રાહુલે કારમાં આવી તું શું પોલીસ પાસે મારી ભડવાઈ કરે છે તેમ કહી પાઈપ તલવાર વડે આડેધડ માર માર્યા બાદ પાછળથી એકટીવા ઉપર ધર્મેશ ઉર્ફે ધમો, સંજય રત્નાકર અને કાળીએ આવી લોખંડના પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉક્ત બનાવ અનુસંધાને ઘોઘારોડ પોલીસે તમામ સામે આઈપીસી ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૩૪ તેમજ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.