Updated: May 14th, 2023
- નહાવા પડેલા 2 ભાઈ ડૂબવા લાગતા બચાવવા જતાં 3 તરૂણે જીવ ગુમાવ્યો
- મુસ્લિમ સમાજના આગેવાનો, મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી ગયા : એસ.પી., ડિવાયએસપી, પીઆઈ સહિતનો કાફલો પહોંચ્યો
અરેરાટી મચાવનારી ઘટના અંગે મળતી વિગત અનુસાર બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ મહંમદનગર-૧માં રહેતા અહેમદ ઉર્ફે ભાવેશ આમીનભાઈ વઢવાણિયા (ઉ.વ.૧૬) અને તેનો ભાઈ અસત ઉર્ફે રૂમીત અમીનભાઈ વઢવાણિયા (ઉ.વ.૧૩) આજે શનિવારે બપોરના સમયે કૃષ્ણસાગર તળાવ ખાતે ફરવા ગયા ત્યારે બન્ને ભાઈ કૃષ્ણતળાવમાં નહાવા માટે પડયા હતા. ત્યારે ઊંડા પાણીમાં ડૂબવા લાગતા એક પછી એક જુનેદ અલ્તાફભાઈ કાઝી (ઉ.વ.૧૭, રહે, મહંમદનગર-૧, સાળંગપુર રોડ, બોટાદ), ફેજાન નજીરભાઈ ગાંજા (ઉ.વ.૧૬, રહે, હરણફુઈ, બોટાદ), અસદ આરીફભાઈ ખંભાતી (ઉ.વ.૧૭, રહે, વ્હોરાવાડ, ખોજાખાના પાસે, બોટાદ) સહિતના ત્રણ તરૂણ તેમને બચાવવા પડતા પાંચેયના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા હતા. બે ભાઈ સહિત પાંચ તરૂણના મોતની ઘટનાથી બોટાદ પંથકમાં ઘેરાશોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાવની જાણ થતાં એસ.પી., ડિવાયએસપી, બોટાદ પીઆઈ સહિતનો કાફલો દોડી ગયો હતો અને મૃતદેહોને તળાવમાંથી બહાર કઢાયા બાદ પીએમ માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખસેડયા હતા. તો ગમગીની સાથે આઘાત ફેલાવનારી ઘટનાની જાણ થતાં મુસ્લિમ સમાજના આગેવાનો અને મૃતકના સગા-સબંધી મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી ગયા હતા.