Updated: Apr 18th, 2023
- કાયદાના ભંગ બદલ માતા-પિતા, કેડટર્સ, મંડપ, ગોર સહિતના મદદગારીઓ ગુન્હેગાર
- આગામી અખાત્રીજના મુહુર્તે લગ્નો વધુ થતા હોય ખાસ ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાશે
ભારતીય પરંપરા મુજબ અખાત્રીજ (અક્ષય તૃતીયા)ને શુભ દિવસ માનવામાં આવે છે અને આ દિવસે ખૂબ મોટા પ્રમાણમાં લગ્નો થતાં હોય છે. તેમજ સમૂહ લગ્નનું પણ આયોજન થયું હોય છે. આ લગ્નો પૈકી ઘણી જગ્યાએ બાળ લગ્નોની પણ સંભાવના રહેતી હોય છે. સમૂહ લગ્ન આયોજકો અને વર-કન્યાના માતા પિતા સહિત જે લોકો આવા બાળ લગ્નની મદદગારીમાં સામેલ હોય તેના પર ગુનો બને છે. આવા બાળ લગ્નોની જાણકારી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી અથવા પોલીસને મળે તો આવા લગ્ન અટકાવી શકાય છે. જેથી લગ્ન નક્કી થાય તે પહેલા જ વર-કન્યાની ઉંમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળ લગ્ન અંગેનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય.
આ માટે બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ટીમની રચના કરી તા. ૨૨-૪ને શનિવારના રોજ અખાત્રીજનાં દિવસે બોટાદ જિલ્લામાં જ્યાં લગ્ન થતાં હોય ત્યાં બાળલગ્ની તપાસ હાથ ધરવા સુચના આપવામાં આવી છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અને નિયમ ૨૦૦૮ મુજબ ૨૧ વર્ષથી નીચેનો યુવક અને ૧૮ વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવાં કરાવવા કે આવા લગ્ન કરવામાં મદદગારી કરવીએ ફોજદારી ગુનો બને છે. જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર કન્યાના માતા-પિતા, વર અને કન્યામાંથી જે પુખ્ત વયનું હોય તે અને લગ્ન કરાવનાર ગોર, મહારાજ તેમજ કેટરર્સ, મંડપ સર્વિસ વાળા, ફોટોગ્રાફર અને વિડિયો ગ્રાફર વગેરે મદદ કરનાર તમામ ઈસમો સામે ફોજદારી ગુનો બને છે. આ કાયદા હેઠળ રૂપિયા એક લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. રચાયેલ ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે અને જ્યાં ગેરરીતિ જણાય ત્યાં એકશન લેવામાં આવશે.