Gujarat

માતલપર ગામે પિતા-પુત્ર પર શખસે કર્યો જીવલેણ હુમલો

By GS Team
22 Jul 20201 min read
This article was originally published on 22 Jul 2020
માતલપર ગામે પિતા-પુત્ર પર શખસે કર્યો જીવલેણ હુમલો

ભાવનગર, તા. 22 જુલાઈ 2020, બુધવાર

જેસર તાબેના માતલપર ગામે વાડી વિસ્તારમાં ઈલેકટ્રીક મોટર મુકેલ હોય જેની આડશ માટે પીપરના ચરખા અને ખણીયા નાખેલ જે કાઢી લેવા માટે શખસે પિતા અને પુત્ર પર જીવલેણ હુમલો કરી કુંડળીવાળી લાકડી વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી ખણીયા હટાવી લેજો નહીં તો એકાદને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર જેસર તાલુકાના માતલપર ગામની સીમ અંધારી વાડી વિસ્તારમાં રહેતા રસીલાબેન જોરૃભાઈ વાઘેલા (ઉ.વ.૪૦)એ બગદાણા પોલીસ મથકમાં આજ ગામના સુરેશ રત્નાભાઈ વાઘેલા વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓની વાડી પાસે કાચા રસ્તાને અડીને આવેલી તેઓની હદમાં બોર પડાવી ઈલેકટ્રીક મોટર મુકાવેલ જેની પાઈપ લાઈનને ઘસારો કે નુકશાન ન થાય તે માટે આડશ કરવા માટે પીપરના લાકડા (ચરખા) નાખેલ હતા. જે મામલે ગત તા. ૧૭ના રોજ તેઓના કૌટુંબીક જેઠના દિકરા સુરેશ રત્નાભાઈ વાઘેલાએ ખણીયા ઝરડા કોણે નાખ્યા છે તેમ કહી ઉશ્કેરાઈ તેઓના પતિ અને પુત્ર શૈલેષભાઈ પર હુમલો કરી કુંડળીવાળી લાકડીના ઘા મારી તેઓના દીકરાને ગંભીર ઈજા પહોંચાડી રસ્તામાંથી ખણીયા લઈ લેજો નહીંતર હજુ કોઈપણ એકાદ જણને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઉક્ત બનાવ અનુસંધાને બગદાણા પોલીસે શખસ સામે આઈપીસી ૩૦૭, ૩૨૫, ૩૨૩, ૩૦૪, ૫૦૬(૨) તેમજ જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.