Updated: May 6th, 2023
- હડાળા અને ભાવનગરના શખ્સો માણસો બોલાવી જુગાર રમાડતા હતા
- રાણપુર પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરીંગ સેલ અને એસઆરપીએ દરોડો પાડયો, રોકડ, પાંચ મોબાઈલ, ચાર બાઈક કબજે લેવાયા, ખાણી-પીણીની વસ્તુઓનો નાશ કરાયો
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ધંધુકાના હડાળા ગામનો વિક્રમ મેરૂભાઈ ગોહિલ, મુન્નો અને ભાવનગરનો કુલદીપસિંહ નામના શખ્સો સુંદરિયાળા ગામની સીમમાં રાજુ બાબુભાઈ ખાચની વાડીની બાજુમાં રસ્તાના ત્રિભેટે, લીમડાના ઝાડ નીચે જુગારનો અડ્ડો ચલાવતા હોવાની ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે ગુરૂવારે ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરીંગ સેલ અને એસઆરપીની ટીમે સંયુક્ત દરોડો પાડતા જુગારીઓ પોલીસને જોઈ ભાગવા લાગ્યા હતા. જો કે, પોલીસે પીછો કરી અશ્વિન બાબુભાઈ બાવરિયા (રહે, મોચીપરા, ગઢડા રોડ, બોટાદ), રવિ કરશનભાઈ બોરીચા, નિલેશ અરવિંદભાઈ બોરીચા (રહે, બન્ને ચિત્રા માર્કેટીંગ યાર્ડ પાછળ, ઈન્દીરાનગર, ભાવનગર), રણછોડ કરશનભાઈ વાટુકિયા (રહે, સાંગણપુર, તા.રાણપુર) અને મુન્ના હીરાભાઈ રોજાસરા (રહે, રામનગર સોસાયટી, રાધેકૃષ્ણ સોસાયટીની બાજુમાં, બોટાદ) નામના પાંચ શખ્સને ઝડપી લીધા હતા. જ્યારે જુગારનો અડ્ડો ચલાવનાર વિક્રમ મેરૂભાઈ ગોહિલ, મુન્નો (રહે, બન્ને હડાળા, તા.ધંધુકા), કુલદીપસિંહ (રહે, ભાવનગર) તેમજ જુગાર રમવા માટેની વ્યવસ્થા પુરી પાડનાર રાજુ બાબુભાઈ ખાચર (રહે, સંદરિયાણા, તા.રાણપુર) તેમજ ત્રણ બાઈકના માલિક મળી સાત શખ્સ નાસી ગયા હતા. પોલીસે જુગારપટમાંથી રોકડ, ઝડપાયેલા શખ્સો પાસેથી પાંચ મોબાઈલ ફોન, ચાર બાઈક, ગંજીપાનાના ત્રણ કેટ, શેત્રંજી સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. ઉપરાંત ખાણી-પીણીની ચીજવસ્તુ જેમાં વેફર, બિસ્કીટ, કુરકુરે, પાણીના પાઉચ મળી આવતા તેનો સ્થળ પર નાશ કરાયો હતો. બનાવ અંગે સ્ટેટ મોનિટરીંગ સેલના પો.કો. જે.એમ.ઝાલાએ તમામ શખ્સ સામે રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.