- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
કચરે મેં પવન કી આઈ બહાર.... ધાણ છલકે હો ધાણ છલકે... સચરાચરમાં વ્યાપેલા કચરાચરને જોઈને 'ઝૂલે મેં પવન કી આઈ બહાર પ્યાર છલકે...' ગીતની પેરડી ગાતા પથુકાકાને અધવચ્ચે અટકાવી પૂછયું, 'આમ અચાનક કેમ કચરાલક્ષી ગીત ગાવા માંડયા?' કાકા છણકો કરીને બોલ્યા, 'કચરિયું ગીત ન ગાઉં તો બીજું શું કરું? આજકાલ ફિલ્મોમાં કચરા જેવું જ સંગીત પીરસાય છેને? એટલે મેં નવો પ્રયોગ કર્યો. સફાઈ કર્મચારી આવતો નથી અને કચરો વધતો જાય છે એ જોઈને મેં સંગીતમય રીતે કચરાની ફરિયાદ કરી.'
મેં પૂછયું, 'સોસાયટીમાં સૂકો કચરો ઉપાડવા માટે જે ડ્રાય- ક્લીનર દગડુ આવતો એ ક્યાં ગુમ થઈ ગયો?'
કાકાએ ખોંખારો ખાઈને જવાબ આપ્યો, 'અરે ભાઈ દગડુની શું વાત કરું? એના નામનો તો શહેરમાં ડંકો વાગે છે ડંકો, દગડુનો વાગે છે ડંકો, પતા હૈ સબ જન કો.... દગડુનો વાગે છે ડંકો...'
મેં કચરામય કવિતા અને કચરાલક્ષી ગીતો ગાતા પથુકાકાને પૂછયું, 'દગડુએ એવું શું કામ કર્યું છે કે શહેરમાં એના નામનો ડંકો વાગે છે?'
સવાલ સાંભળી ખડખડાટ હસીને કાકા બોલ્યા, 'ભાઈ ભાઈ... આ દગડુ છેને એ છૂટક છૂટક કચરો વાળતો એમાં એને કાંઈ વધુ પૈસા મળતા નહીં. એમાં એના નસીબે જોર કર્યું એટલે મ્યુનિસિપાલિટીની કચરાગાડીમાં નોકરી મળી ગઈ. રોજ સવારે જુદા જુદા એરિયામાં કચરો ભેગો કરવા જવાનું અને દરેક મકાનની બહાર ગાડી ઊભી રાખી ડંકો વગાડવાનો, એટલે સોસાઈટીઓવાળા દોડી દોડીને કચરો ઠાલવી જાય. એટલે હું કાયમ કહું છું કે ઘંટાગાડીમાં દગડુનો ડંકો વાગે એટલે સહુ કચરો નાખવા ભાગે....'
મેં કહ્યું, 'કાકા, ધર્મસ્થાનોમાં ડંકો વાગે એ સહુને જગાડેએને ઘંટાગાડીમાં ડંકો વાગે એ સહુને ભગાડે.'
પથુકાકા કહે, 'દગડુ જેમ ડંકો વગાડી બહારનો કચરો સાફ કરે છે એમ ધર્મસ્થાનોમાં ડંકો વગાડી અંદરનો કચરો સાફ કરવામાં આવે ને તો ભયો ભયો થઈ જાય. એટલે જ હું સહુને ડંકે કી ચોટ પર એક જોડકણું સંભળાયું છું કે-
અંધભક્તિ સે બચો,
કિસી કો ગુરુ
બનાને સે પહેલે કરો ગુરુ-શંકા
બસ મેલ મિટાઓ તન કા
ઔર મન કા,
તો બહાર ઔર ભીતર
બજને લગેગા ડંકા...'
મેં પથુકાકાને જોડકણાં અને તોડકણાં માં માટે દાદ આપતા કહ્યું, 'સ્વચ્છ અને શાંત વાતાવરણમાં આપોઆપ જાણે સંગીતની સુરાવલી રેલાતી હોય એવો ભાસ થાય છે.'
આ સાંભળતાની સાથે જ પથુકાકા બોલી ઉઠયા, 'મુંબઈમાં ઘંટાગાડી કચરો ભેગો કરવા આવે છે ને? એ ડંકા વગાડી કચરો ભેગો કરે છે, પણ તારી આ (હો)બાળાકાકીના પિયરને ગામ વડોદરામાં તો રીતસર લાઉડ સ્પીકરમાં ગીત વગાડતી વગાડતી કચરાગાડી આવે છે અને જુદા જુદા એરિયામાંથી કચરો ભેગો કરીને જાય છે. અગાઉ મોટા અવાજે ગીત કાને પડે કે- ગાડીવાલા આ ઘર સે કચરા નિકાલ.... ગાડીવાલા આયા ઘરે સે કચરા નિકાલ.... આ સાંભળતાની સાથે લોકો ઘરથી કચરો કાઢીને ગાડીમાં ઠાલવવા પહોંચી જાય.'
મેં પૂછયું, 'હવે એ કચરાગાડીવાળા કયું નવું ગીત વગાડે છે?'
ખોંખારો ખાઈને પથુકાકા જાણે સુગમ સંગીતની મહેફિલમાં ગાતા હોય એવો દેખાવ કરી બોલ્યા, 'હવે ગીત ફેરવાયું છે કચરાગાડીમાંથી હવે રાગ 'સ્વચ્છ-શેરી'માં નવું ગીત રેલાય છે-
સ્વચ્છ ભારત સે ઈરાદા
યે ઈરાદા કર લિયા હમને
દેશ સે અપને વાદા
યે વાદા કર લિયા હમને...'
પથુકાકાએ જે રાગમાં આ કચરાલક્ષી ગીત ગાઈ સંભળાવ્યું એનાં પરથી મેં કહ્યું, 'કાકા, મને ખરેખર એવું થાય છે કે બોલિવુડમાં અત્યારે સાવ કચરાછાપ ધૂનો રચાય છે એના કરતાં વડોદરામાં કાને પડતી આ કચરો ભેગો કરવા માટે વપરાતી ધૂન જ ફિલ્મોમાં સમાવી લેવામાં આવે તો કેવી મજા આવે? બાકી તો આ બોલિવુડમાં હવે સારું સંગીત જ સાફ થઈ ગયું છે. એટલે જ જ ફરી ગાવું પડે, 'કચરે મેં પવન કી આઈ બહાર ધાણ, છલકે હો.... ઓ.... ઓ... ધાણ છલકે....'
ગુજરાતના પ્રવાસ દરમ્યાન બપોરે જમવા માટે એક લોજમાંગયો. અંદર દાખલ થતાની સાથે જ જોયું તો પીત્તળનો મોટો ડંકો બાંધેલો હતો. સામાન્ય રીતે આપણે મંદિરમાં પ્રવેશીએ ત્યારે ઘંટ વગાડીને પછી પ્રભુને નમન કરીએ છીએ. પણ આ લોજમાં જમીને બહાર નીકળતા 'જમણેરીઓ' ઘંટ વગાડવા જતા હતા. થડા પર બેઠેલા ભાઈને મેં પૂછયું, ' આ વળી નવો રિવાજ શું છે?' લોજવાળાએ હસીને કહ્યું કે અમારી લોજમાંથી જમીને નીકળે અને ભોજન ભાવ્યું છે એ જાણ કરવા માટે ડંકો વગાડતા જાય છે.
પથુકાકાને જ્યારે મેં આ કિસ્સો સંભળાવ્યો ત્યારે કાકાના ફળદ્રુપ ભેજામાંથી નવો તુક્કો ફૂટી નીકળ્યો. કાકા કહે, 'દરેક ખાઉગલીમાં આવા મોટા મોટા પીત્તળના ઘંટ લટકાવવા જોઈએ. ખાઉગલીમાંથી ખાઈને નીકળતા જાય એ ઘંટ વગાડતા જાય.'
મેં સવાલ કર્યો, 'ખાઉગલીમાં શું કામ ઘંટ ટીંગાડવો જોઈએ? જરા સમજાવો તો ખરા?'
પથુકાકાએ પેટ પર હાથ ફેરવતા જવાબ આપ્યો, 'આપણાં શહેરમાં કચરો ભેગો કરવા માટે કચરાગાડી આવે છે એ ડંકો વગાડે છે કે નહીં? એવી જ રીતે ખાઉગલીમાં જુદી જુદી લારીઓ પર ઊભા રહીને ખાઈકીબાજો પાવ-ભાજી, વડા- પાવ, દાબેલી, ચાઈનીઝ ફૂડ, ઉસળ મિસળ જેવો જાતજાતનો કચરો પેટમાં ઠાલવે છે એટલે કે ભેગો કરે છે, માટે એમણે પણ ડંકો વગાડવો જોઈએને? હું તો એટલે જ કહું છું કે-
કચરાગાડીનો ડંકો વાગે ગેટમાં
કચરો ઠલવાય, પેટીમાં ને પેટમાં.'
કચરાથી અને અધકચરાથી સાવધાન
શહેરને સુધારે એને સુધરાઈ કહેવાય, બાકી સામેવાળા તરફથી હાથમાં શું ધરાય છે એ જોઈને કામ થતું હોય એને સુધરાઈ ક્યાંથી કહેવાય? સિંગાપોર અને મુંબઈની સુધરાઈમાં આટલો ફેર છે.
સિંગાપોરનો જ અનુભવ કહું. ત્યાંના રસ્તા એટલે બધા ચોખ્ખા કે જોઈને છણ ચણ છીકું આવે. ત્યાંના લિટલ ઈન્ડિયા વિસ્તારના સેરંગૂન રોડ પર ટહેલવા નીકળ્યો હતો. ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે કાગળની ચાર-પાંચ ચબરખીઓ નીકળી. મેં તો મુંબઈની આદત મુજબ ડૂચો વાળીને અજાણતાં રસ્તા પર ફેંકી. તરત જ દૂરની ચોકીમાંથી એક ગાર્ડ દોડી આવ્યો. કંઈ પણ પૂછયા વગર દસેક ડોલર પણ દંડ વસૂલ કર્યો. રસીદ બનાવી દીધી. એ થોડે દૂર ગયો ત્યાં ફરી આદત જોર કરી ગઈ. હવે રસીદનું શું કામ છે એમ વિચારી મેં ડૂચો કરી રોડ ડિવાઈડર પર ફેંકી. તરત જ પેલો ગાર્ડ દોડીને આવ્યો અને ફરી દંડ વસૂલ કરી રસીદ ફાડી. આ દંડ- કારણ્યની સજા મને એવી આકરી લાગી કે બીજી રસીદ આજ સુધી જાળવી રાખી છે.
હવે સિંગાપોરથી આવ્યા પછી મુંબઈનો અનુભવ કહું. ઈશ્વર પણ જ્યાં ભૂલા પડી જાય એવા ભૂલેશ્વરની ભીડ વીંધતો હું જતો હતો. અચાનક ઊંચા માળના ચોથે માળે વાસણનો ખખડાટ થયો અને એક બહેને એંઠવાડ ફેંક્યો. મારા મોઢામાંથી રાડ નીકળી ગઈ, 'એ... બહેન સંભળાજો...' રાડ સાંભળીને એ નકટાં બહેન બોલ્યા, 'હવે સાંભળવાનું તમારે.... અહીંથી છૂટી ગયું છે.'
સરકારી ખાતામાં બદલીની સજા પાછળ પણ આવું જ છે. અહીંની ગંદકી બીજા ખાતામાં ફેકવાની. એકવાર ફેંક્યા પછી સંભાળવાનું સામેવાળાએ જ હોય છે.
અંત- વાણી
પરી અને ઉપરીમાં શું
ફેર, જાણો છો?
પરીને પાંખ હોય અને
ઊપરીને આંખ.


