- બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી
નવરાત્રીમાં ઠેકઠેકાણે બોલાતી રાસની રમઝટ વચ્ચે હું પથુકાકા અને (હો)બાળાકાકીની સિનિયર સિટીઝનોની ક્લબમાં દાંડિયા-રાસ જોવા ગયો ત્યારે જાણે સ્કૂટર કે બાઈક રેલી યોજાઈ હોય અને હેલ્મેટ પહેરી સ્ત્રી-પુરૂષો ચક્કર-ચક્કર ફરતા હોય એવો નઝારો જોઈને હું તો તાજ્જુબ થઈ ગયો.
બ્રેક વખતે પથુકાકા મારી પાસે આવ્યા અને ટોપો ઉતારીને બેઠા ત્યારે મેં પૂછયું, 'આવાં ટોપા-ટોપી પહેરીને દાંડિયારાસ કેમ રમો છો?' કાકાએ કહ્યું, 'અમે ફરજિયાત હેલ્મેટ પહેરવાનું કહેતા ટ્રાફિક પોલીસોને દેખાડી દેવા માગીએ છીએ કે ટુ-વ્હીલર પર હેલ્મેટ પહેરીને નીકળવા સામે અમારો વિરોધ છે, પણ નવરાત્રીમાં અમે ટોપા-ટોપી પહેરીને દાંડિયા-રાસ રમતાં રમતાં ચક્કર લગાવીશું. આમ વિરોધ પણ દર્શાવાય અને દાંડિયાના પ્રહારથી માથું પણ બચાવાય. બીજું, અમારી ક્લબનું નામ પણ ટોપો ઉપરથી ટોપાઝ ક્લબ રાખ્યું છે ટોપાઝ ક્લબ...'
મેં કહ્યું, 'કાકા, વિરોધ કરવાનો આ તમારો આઈડિયા મને ગમ્યો હો! બીજો ફાયદોે એ થાય કે ટોપા-ટોપી પહેર્યાં હોય ત્યારે તમારી સિનિયર સિટીઝન ક્લબના કયા વડીલ કઈ 'વડલી' સાથે દાંડિયા ટીચે છે એ ઓળખી ન શકાય બરાબરને?'
કાકા બોલ્યા, 'એટલે જ અમે આ હળવા પ્લાસ્ટિકના ટોપા-ટોપી ખાસ ઓર્ડરથી જાણીતા ટપુભાઈ ટોપાવાળા પાસે બનાવ્યા છે હો!'
મેં પૂછ્યું કે 'ટપુભાઈ ટોપાવાળાને તમારી ટોપાઝ ક્લબનો ઓર્ડર આપતા સારી કમાણી થઈ હશે બરાબરને?'
પથુકાકા પોરસાઈને બોલ્યા, 'કમાણી તો થાય જ ને? એમનું એકદમ ટકાટક કામ જોઈને હવે અમે તેમને શિયાળામાં કાન ઢાંકવા માટે કાનટોપી પહેરીએ છીએ એવી ખાસ નાક-ટોપી પ્લાસ્ટિકમાંથી બનાવવાનો ઓર્ડર આપ્યો છે.'
મેં નવાઈ પામી પૂછ્યું, 'પ્લાસ્ટિકની નાક ટોપી બનાવવાનો કેમ ટપુભાઈને ઓર્ડર આપ્યો?'
સવાલ સાંભળીને પથુકાકાએ ખોંખારો ખાઈને જવાબ આપ્યો, ' જે કટ્ટર દુશ્મન પાકિસ્તાન ત્રાસવાદીઓને પોષે છે અને ભારત પર આતંકવાદી હલ્લા કરાવી નિર્દોષ લોકોનો ભોગ લે છે એ જ 'પાપીસ્તાની' પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાથે ભારતીય ક્રિકેટ ટીમ મેચ રમી. આમ આપણા ક્રિકેટરોએ પોતપોતાનાં નાક કપાવ્યા. એટલે હવે અમારા કલબના સભ્યો પોતાની પાસે આ પ્લાસ્ટિકની નાકટોપીઓ રાખશે. જાહેરમાં કે કોઈ ફંકશનમાં ક્રિકેટરો નજરે પડશે ત્યારે તેની પાસે જઈને પ્લાસ્ટિકની નાકટોપી ભેટ ધરીને કહેશું કે હે નોઝ-કટર નકટાઓ, આનેથી હવે નાક ઢાંકો નાક.'
...અને જોડકણું પણ સંભળાવ્યુંઃ
રાસે રમે છે કાન-ગોપી
તમે રમજો પહેરીને નાક-ટોપી.
રાસ-કરણમાં ખેલૈયા રાજકારણમાં ખેલાડી
રમે ઈ સહુને ગમે, પણ રાજકારણ રમે એને કોણ ખમે? પહેલાંના વખતમાં રમતગમતનાં મેદાનમાં જાત જાતની રમત રમાતી, પણ જ્યારથી મતના રાજકારણનો ખેલ શરૂ થયો છે ત્યારથી રાજકારણના મેદાનમાં અવનવી રમતો રમાવા લાગી છે.
મારી વાતનો તંતુ પકડી પથુકાકા તરત બોલી , 'નોરતામાં રાસ-કરણમાં મોજથી રાસ રમે એને કહેવાય ખેલૈયા અને રાજ-કારણમાં બોજથી રમે એને કહેવાય ખેલાડી. એટલે જ સહું કાયમ ચેતવણીના સૂરમાં કહું છું કે આડી ચાલે લાડી, આડી ઉતરે બિલાડી કે આડી રમત રમે ખેલાડી, એનાથી કાયમ ચેતવું.'
મેં કાકાને દાદ દેતા કહ્યું, 'નોરતા તો ભાવભક્તિનો અને શક્તિનો તહેવાર છે હો!'
કાકાએ તરત કહ્યું, 'હા ભાઈ હા, હું ક્યાં ના પાડું છું? પણ અગાઉ જેમ ભાવથી ઉજવાય છે એમાં શું ફેર છે, કહું?અગાઉ મોટે ભાાગે ગામના ચોકમાં કે સાર્વજનિક મંડળોના મંડપમાં ઉજવણી થતી, જ્યારે આજે તો મુંબઈ જેવાં શહેરોમાં તો ધંધાદારી આયોજનોની ધૂમ મચતી હોવાથી પહેલાં તો પાસના ભાવ કેટલા છે એની પૂછપરછ કરવી પડે, અને શક્તિ હોય તો પછી પાસ ખરીદી શકાય, એટલે ધંધાદારી આયોજનોમાં ભાવ-ભક્તિ અને શક્તિનો અર્થ જ ફરી જાય છે. મોંઘા પાસ ખરીદવાની ત્રેવડ હોય એ જુવાનિયા અને જુવાનડીઓ ભવની ભવાઈ નહીં , પણ ભાવની ભવાઈમાં ઉછળી ઉછળીને નાચે છે અને પછી ગાય છે-
ચાલ રંગે રમીએ રાસમાં
જામે રંગત પાસ પાસમાં,
વસૂલીએ નાણાં
જે નાખ્યા છે પાસમાં.'
નવરાત્રી તો રંગેચંગે ઉજવણી અને માતાની ઉપાસના કરવાનો તહેવાર છે, પરંતુ પ્રોફેશનલ આયોજનોમાં તો ભાવપૂર્વક ઉપાસનાને બદલે પાસના ભાવ પૂછાતા હોય છે. એટલે જ ત્રેવડ હોય એવા પાસવાદીઓ અને રાસવાદીઓ નીકળી પડે છે, દાંડિયા-રાસ રમવા.
પથુકાકાએ તો ભારત-પાક મેચ સામે દેશભરમાં વિરોધ થયો એ યાદ કરીને કહ્યું, 'સરકારનું ભલું પૂછવું, હો? આપણા ક્રિકેટરોને દુબઈમાં પાકિસ્તાન સામે રમવા મોકલે એવી રીતે મને તો મનમાં ફફડાટ હતો કે ક્યાંક પાકિસ્તાની રાસરસિયાઓની મંડળી સાથે દાંડિયા રમવા સરકારી રાસમંડળીને પરદેશની ધરતી ઉપર ન મોકલાય તો સારૂં!'
મેં કહ્યું, 'કાકા, આવાને આવા તુક્કા ક્યાં લડાવો છો? આપણા ખેલાડીઓને ક્રિકેટ રમવા મોકલે એ સરકાર શું દાંડિયારાસ રમવા માટે પણ મોકલે? કેવી વાત કરો છો?'
ગ્રાઉન્ડના એન્ટ્રેન્સ ઉપર ગાર્ડસ ડોગ-સ્કવોડ સાથે ઊભા હતા અને ભાવ... ભાવ... ભાવ... ભસતા હતા. આ સાંભળી મનમાં થયું કે આ કૂતરા પણ કેવાં સમજદાર છે? પાસના ભાવ કેટલા ઊંચા છે તેનો આવનારાઓને સંકેત આપવા માટે દૂરથી જ ભાવ... ભાવ... ભાવ ભસે છે.
ગ્રાઉન્ડના એન્ટ્રેન્સનું રખોપું કરતાં ગાર્ડે રૂઆબથી કહ્યું,'જો કુછ આપકે પાસ હૈ વો સબ બહાર લોકર મેં રખકે ફિર અંદર જાઓ. બોલો બહાર કયા કયા રખના ચાહતે હો?' ગાર્ડનો સવાલ સાંભળી મેં રાષ્ટ્રભાષાને બદલે સૌરાષ્ટ્ર ભાષામાં ધીમેકથી જવાબ આપ્યો, 'ઐસા ધંધાદારી ઔર ધમાલિયા રોક-ટોક વગર કા રૉક-શોે મેં શ્રદ્ધા ઔર ભક્તિ હી બહાર છોડકે જાના પડેગા...'
ગાર્ડ સાથે જીભાજોડી કરીને અંદરના બીજા ગેટ સુધી માંડ પહોંચ્યો. ચાર હટ્ટાકટ્ટા વોલિન્ટયર્સ બધાના પાસ ચેક કરતા હતા અને એન્ટ્રી આપતા હતા. મારી સામે જોઈને એક વોલિન્ટયરે દૂરથી જ અંગ્રેજીમાં બૂમ પાડી, 'અંકલ વોટ અબાઉટ યોર પાસ?' મેં મારી છાતી સામે આંગળી ચીંધી જવાબ આપ્યો, 'નો-પાસ... નો-પાસ... ઓન્લી બાયપાસ...' મારો જવાબ સાંભળીને મૂંઝાયેલા વોલિન્ટિયરે પૂછ્યું, 'વીઆઈપી પાસ, ડોનર્સ પાસ, આર્ટીસ્ટસ પાસ સાંભળ્યા છે, પણ અંકલ તમે આ નવો ક્યો બાય-પાસ લઈને આવ્યા છો?' મેં એની મૂંઝવણ દૂર કરતા કહ્યું, 'નવરાત્રી પહેલાં જ હાર્ટની બાયપાસ સર્જરી કરાવવામાં એટલાં પૈસા ખર્ચાઈ ગયા કે રાસના મોંઘાદાટ પાસ ખરીદવાના પૈસા નથી રહ્યા. અમને રાસે રમવાનું બહુ મન છે, પણ ધન નથી, શું કરવું છે એન્ટ્રી આપવી છે કે નહીં?'
વોલિન્ટિયરે એન્ટ્રી આપવાને બદલે ડિસેન્ટ્રી થઈ જાય એવી રાડ પાડી મારા જેવા ચાર-પાંચ ગેટ-ફ્રેશર મફતિયાઓને ધક્કા મારીને બહાર ધકેલી દીધા. આ 'ધક્કાદાયક' રિએકશનથી ગિન્નાયેલા એક મફતિયા રાસરસિયાએ છણકો કરીને કહ્યું, 'શું જમાનો આવ્યો છે! આ દેશમાં ત્રાસવાદીઓ ફ્રી એન્ટ્રી મેળવે અને આપભી જેવા રસિયા રાસવાદીઓએ એન્ટ્રી માટે ઊંચા ભાવના પાસ ખરીદવાના? ત્રાસવાદીઓને ફ્રી એન્ટ્રી અને રાસવાદીઓને નો-એન્ટ્રી?'
અંત-વાણી
લોકશાહીમાં રાસ-લીલા નહીં, પણ કેવી રાજલીલા રમાય છે, ખબર છે? ચૂંટણી નજીક આવે ત્યારે ઉમેદવારો આપણી આજુબાજુ ગોળ ગોળ ફરે છે અને ચૂંટાઈને જાય એટલે પછી મતદારોએ એની આજુબાજુ ગોળ ગોળ ફરવાનું.


