For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અપશબ્દ ટાળો અને ગરમાગરમ ગાળોને બાળો

Updated: Jan 30th, 2024

Article Content Image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

'રોજીંદા જીવનની ઘટમાળ ટાળો, નવરાશ ભાળો અને વેકેશન ગાળો... બોલો, તમારૃં શું કહેવું છે પથુકાકા?' મારો સવાલ સાંભળતાની સાથે જ વાંકા જવાબ આપવાની ટેવવાળા કાકા બોલ્યા, 'જો ભાઈ, દિવાળીનું વેકેશન આવે કે પછી ઉનાળાનું વેકેશન આવે તેને બોલચાલની ભાષામાં વેકેશન ગાળો શું કામ કહે છે, ખબર છે? વેકેશનમાં વહુ-છોકરાવને હરવા ફરવા લઈ જાવ અને મોજથી વેકેશન ગાળો, બરાબર? હવે કોઈ કારણસર વહુ-છોકરાવને વેકેશનમાં હવાફેર કરવા લઈ જવાનું ટાળો એટલે ખલાસ. તમારા નસીબમાં આખું વેકેશન વહુની ગાળો ખાવાનું આવે, એટલે આ વેકેશન-ગાળો બહુ જ બંધબેસતો શબ્દ છે, બરાબરને?'

મેં પથુકાકાને કહ્યું , '(હો)બાળાકાકીનું વતન ભલે જામ ખંભાળીયા હોય, પણ મોટા તો સુરતમાં થયા છેને?એટલે ગાળોનું મુખ્યાલય ગણાતા સુરતની ગાળો તો ગળથૂંથીમાં મળી હશેને?'

પથુકાકા હકારમાં માથું ધુણાવી બોલ્યા , 'સાવ સાચી વાત તારી, નાની નાની વાતમાં તારી કાકી શાકાહારી ગાળો સંભળાવે અને વળી પાછી કહે પણ ખરી કે અમારા સુરતની ઘારીમાં ગળપણ અને અમારી 'હુરટ'ની બોલીમાં ગાળ-પણ.'

મેં કાકાને કહ્યું, 'એટલે જ તો સુરતમાં રેડિયો સ્ટેશન નહોતું સ્થપાયું, કારણ કે રેડિયો ઓન કરતાંની સાથે જ આકાશવાણીને બદલે આ-ગાળવાણી વહેવા માંડે તો શું કરવું?'

પથુકાકા બોલ્યા, 'દાયકાઓ પહેલાં કચ્છમાં એક મોટા ગજાના નેતા હતા. ચૂંટણી વખતે તેમનાં 'ગાળપ્રચૂર' ભાષણો સાંભળવા ખરી ભીડ જામે. દ્વિઅર્થી ભાષા વાપરે તો ક્યારેક એવા સિફતથી બોલે કે સાંભળનારા ચોંકી ઉઠે. મને યાદ છે કે એક વાર ચૂંટણીની જાહેરસભામાં એ નાગરબંધુ નેતાજી બોલવા ઊભા થયા. પહેલાં જ વાક્યથી ફટકાબાજી શરૂ કરતાં બોલ્યા કે ફલાણા નેતાની તો માને... ઢીંકણા નેતાની માને...આ સાંભળી શ્રોતાઓએ બૂમાબૂમ કરી મૂકી કે આ બધા નેતાઓને કેમ ગાળો આપો છો? એટલે તરત જ ભાષણવીરે આગળ ચલાવ્યું કે ફલાણા નેતાની માને... ઢીંકણા નેતાની માને... પૂંછડા નેતાની માને... લોકો એ બધા નેતાઓની વાત માને, પણ મારી વાત ન માને....'

મેં કાકાને કહ્યું, 'તમે અને કાકી હવે ગાળો બોલવામાં સંભાળજો, હો! વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ નાસિકની જાહેરસભામાં બધાને અને ખાસ કરીને યુવાવર્ગને અપશબ્દો ન બોલવાની હાકલ કરી હતી, ખબર છેને?'

કાકા બોલ્યા, 'આપણે તો બોલવામાં સો ટકા ધ્યાન રાખીશું, બાકી ઘણાને વગર કારણે ગાળો બોલવાની કુટેવ હોય છે એને કોણ રોકે? બાળકોને જેમ બાળોતિયાં પહેરાવાય છે એમ ગાળબોલુઓના મોઢે ગાળોતિયાં થોડા  જ બંધાય?'

હજી તો કાકાએ વાક્ય પૂરૃં કર્યું ત્યાં તો સૌરાષ્ટ્ર મેલ નહીં પણ સૌરાષ્ટ્ર ફિમેલની જેમ ઘસમસતાં આવી ચડેલાં (હો)બાળાકાકી ચમચો ઉગામી તાડુક્યાં, 'ગાળાગાળી વિષે અમથો ટાઈમ ગાળો છો તો ગઈ રાત્રે સૂતા સૂતા મને શું ગાળો ભાંડતા હતા જરા કહો તો ખરા!'

પથુકાકા બોલ્યા, 'હું કાઈ સૂતો નહોતો, જાગતો હતો...' 

આ સાંભળતાંની સાથે જ કાકીએ છૂટ્ટો ચમચો માર્યો...

મેં કાકાને કહ્યું, 'આપણે ત્યાં તો બેફામ ગાળાગાળી ચાલતી હોય છે, પણ તમને ખબર છે? જર્મનીમાં તો કોઈને ગાળ આપો તો જેલના સળિયા ગણવા પડે છે.' કાકા બોલ્યા, 'સારૃં છે. આપણે ત્યાં આવો કાયદો નથી, નહીંતર સુરત બાજુ તો મોટી જેલો જ બાંધવી પડત અને ઉપર પાટિયું મૂકવું પડતઃ આપો ગાળો અને જેલમાં સજા ગાળો.'

મેં કહ્યું , 'કાકા, હમણાં મેં સોશિયલ મીડિયા પર એક ભેજાબાજે મૂકેલી અજબ જાહેરાત જોઈ જાહેરાતમાં લખ્યું હતું કે અમે નવી નવી એકદમ મૌલિક શાકાહારી (વેજ) ગાળો ઓનલાઈન શીખવીશું. ૧૦૦ ગાળના ફકત હજાર રૂપિયા.'

કાકા બોલ્યા, 'મને લાગે છે કે ચૂંટણી નજીક આવશે ત્યારે એ ભેજાબાજ ગાળ-સર્જકને ખરો તડાકો પડશે, જુદી જુદી પાર્ટીના નેતા નવી નવી ગાળો શીખી શીખીને જાહેર સભામાં વિપક્ષોને  ગાળો ભાંડશે. માંડવાનું મૂરત હોય, કાંઈ ભાંડવાનું થોડું જ મૂરત હોય?'

 મેં કાકાની વાત સાંભળી કહ્યું , 'આવા જે ગાળો-ભાંડણિયા લીડરો હોય છે એના ભાગ્યમાં કાળસર્પ યોગ નહીં, પણ ગાળસર્પ યોગ હોય છે, પડી સમજ?' 

મેં કહ્યું ,'આપણા દેશના વડા ખુદ કહે છે કે તેમની વિરુદ્ધ વિપક્ષો તરફથી  વપરાતા અપશબ્દો તેમને માટે વરદાનરૂપબની જાય છે.'

પથુકાકા બોલ્યા, 'સાચી જ વાત છેને? ઓલી સૌથી જૂની અને સાવ ખખડી ગયેલી પાર્ટીનાં નેતીએ મોતના  સાદાગર કહ્યા એનું શું પરિણામ આવ્યું, જોયુંને? મોતના સોદાગરમાંથી નમો કેવાં મતના-સોદાગર બની ગયા!'

અમે અને કાકા નવરા બેઠા ગાળ-કાંડ પર ચર્ચા કરતા હતા ત્યાં મકાનનો ચોકીદાર આવ્યો અને કાકાને કહે કે મકાનના બહારના નાળા પાસે પાર્ક કરેલી તમારી કાર હટાવો, સુધરાઈ વાળા નાળાની સફાઈ કરવા આવ્યા છે.

હું અને કાકા પગથિયાં ઉતરી નાળા પાસે પાર્ક કરવામાં આવેલી કારને હટાવવા ગયા, પણ ખડખડ પાંચમ જેવી ગાડી કેમેય કરી સ્ટાર્ટ ન થાય. વિફરેલા કાકા ગુસ્સે ભરાઈને ગાડીને ગાળો ભાંડતા જાય, 'તારી તો મા... ગધની (ગધેડીની) બહુ નાટક કરે છે? મારી પાસે સીધી નહીં હાલેને તો જોઈ લેજે... હાડકાં ખોખરા કરી નાખીશ...' મેં હા... હાં... હાં... કરી કાકાને ટાઢા પાડવાનો પ્રયાસ કરતા સમજાવ્યા, 'આ લાડી નહીં ગાડી છે, સમજાયું? ગાડીને તમારી ગાળ ક્યાંથી લાગવાની? ઉતરો નીચે એટલે ગાડીને ધક્કા મારીને નાળાથી આઘે મૂકી આવીએ.'

પછી તો મેં, કાકા અને એકાદ બે મજૂરોએ ધક્કો મારીને કાર ખસેડી. પરસેવે રેબઝેબ થયેલા કાકા નાળાની સફાઈ માટે આવેલા સુધરાઈના મુકાદમને ખખડાવતા કહ્યું, 'નાળાની સફાઈ કરવા માટે મારી કારને ખસેડવાની શું કામ જરૂર પડી?'

મુકાદમ બોલ્યો, 'કાકા, આ નાળાની સફાઈ વખતે જે ગાળ કાઢીએ તેને બહાર નાખવાની જગ્યા તો જોઈએને?'

મેં તરત કાકાને કહ્યું ,'હવે સમજાયું ને કે તમારા મોંઢામાં અને નાળામાં શું સામ્ય છે? તમારા મોંઢામાંથી પણ ગાળ નીકળે છે અને ગંદા નાળામાંથી પણ ગાળ નીકળે છે. એટલે જ મારે કહેવું પડે છે કે- 

લીડરો ભલે એકબીજાને

ભાંડે ગાળો,

હારવાની બીકમાં ભલે 

પાણી પહેલાં બાંધે પાળો,

પણ જનતાએ સુખી 

થવું હોય તો

બસ આ ગાળો ટાળો.'

અંત-વાણી

ધરમ પાળો

અધરમ ટાળો

સુપાત્રને ફાળો

કુપાત્રને ઢાળો

બહાર આવે એ પહેલાં

ગાળોને બાળો.

Gujarat