Editorial

મીટિંગ કરો, વો-મીટિંગ નહીં .

By GS TEAM
30 Dec 20254 mins read
મીટિંગ કરો, વો-મીટિંગ નહીં                .

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

- 'અરે ભાઈ, તમે કોને કોને વાંચ્યા છે અનેકેટલાં થોથાં પચાવ્યા છે કે ખાલી પચપચાવ્યા છે એ દેખાડવા માટે જાહેરમાં શા માટે જ્ઞાન-વમન કરો છો?ઘણા વામનમાંથી વિરાટ બને છે, અને તમે 'વમન'માંથી શા માટે વિરાટ બનવા માટે હવાતિયાં મારો છો? આમાં તમારૃં પોતાનું શું છે?'  

કુટુંબ નિયોજનનું સૂત્ર 'એક કે બે બસ' એક જમાનામાં બહુ ગાજેલું, યાદ છેને? એ જમાનામાં રાજકોટથી લીંબડી જવા માટે બસ-ડેપોમાં ઊભોે હતો. બસનો ટાઈમ થયો એટલે બસને રિવર્સમાં પ્લેટફોર્મ પર લાવવામાં આવતી હતી. બસની પાછળ એક કે બે બસની જાહેરાત વાંચી એક ગામડિયા ભાઈ છણકો કરીને બોલ્યા, 'આ એસટીવાળા ગજબના છે હો! રાજકોટ લીંબડીના રૂટ પર આટલી અવરજવર રહે છે છતાં શું કામ એક કે બે બસ રાખતા હશે?' તમે જ કહો કે  એસટીના કારભાર સામે આપણા જેવાં 'બે-બસ' પ્રવાસીઓ શું જવાબ આપે? હું તો મનોમન જૂની 'જુલી' ફિલ્મનું ગીત ગણગણવા માંડયોઃ ના કુછ તેરે 'બસ'મેં જુલી ના કુછ મેરે 'બસ'મેં...

રાજકોટથી બસ ઉપડી અને ખાડાખબડાવાળા રસ્તે ઊછળી ઊછળીને આગળ વધવા માંડી. ઊછાળાને લીધે મેં બપોરે દહીં ખાધેલું એની લસ્સી થઈ ગઈ. એ વખતે કોણ જાણે મારી સાથે બસમાં ચડેલા ગામડિયા ભાઈના ગોરાણીને બસ ચડી. એમણે છેલ્લી સીટની બારીમાંથી ઓ...ક્...ક્ કરીને બારીમાંથી ફુવારો ઉડાડયો. 

અડધી કલાક પછી એક ગામ આવતાં બસ ઊભી રહી. ત્યાં ફરીથી ગામડિયા જણના પત્નીએ બારીમાંથી  ઉલ્ટી કરી. 

ચારેક મિનિટનો હોલ્ટ કરીને એસટીનો ડ્રાઈવર કડક-મીઠી ચા પીને પાછો ફરી સ્ટિયરિંગ વ્હીલ પર ગોઠવાયો અને બધા આવી ગયા કે નહીં એની ખાતરી કરવા મોટેથી પૂછ્યું, 'બધા ઓ.કે. છે?' 

આ સાંભળી મેં  કહ્યું, 'બધા ઓકતા નથી, આ એક મહિલા પેસેન્જર જ વારેવારે ઓકે છે...' 

આ સાંભળી બસમાં બીજા બધા પેસેન્જરો હસી પડયા.

આ કિસ્સો શું કામ યાદ આવ્યો, ખબર છે? જાહેરમાં પ્રવચન આપતાં મોટીવેશનલ  સ્પીચ આપતા કે વ્યાખ્યાનો આપતા બધા જ વક્તાઓ ઓકતા નથી હોતા,  અમુક જ એવા હોય છે કે જે પોતે દેશ-દુનિયાના કેવા કેવા મોટા મોટા લેખકો, સાહિત્યકારો, કવિઓને વાંચી નાખ્યા છે, તેની શ્રોતાઓને  ખબર પડેે એ માટે ઓકતા હોય છે. એમ સમજો કે આવવાં મુઠ્ઠીભર વક્તાને મેં સાંભળ્યા છે, જે જાહેરમાં ઓકવાના 'ઓકે-ઝન'ની તલાશમાં હોય છે. હવે આને કોણ વશમાં રાખે? એટલે ગાવું પડે કેઃ ના કુછ તેરે બસ મેં...ના કુછ મેરે બસ મેં...

પથુકાકાના સિનિયર સિટીઝન એસોસિએશન તરફથી થોડા દિવસ પહેલાં 'વાણી કાં તારે કાં ડૂબાડે' વિષય ઉપર લેખક અને પાણીદાર વકતા તરીકે  'નામચીન' ફુલચંદ 'ફૂલઝાડ'નું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.  ગુલઝારનો અનુવાદ કરી ફૂલઝાડ ઉપનામ રાખી ચૂકેલા વક્તા મંચ ઉપર આવ્યા.

ફુલચંદજીએ વક્તવ્ય શરૂ કરતાંની સાથે જ ફફડાવવાનું શરૂ કર્યું. બર્નાર્ડ શોએ કેમ બોલવું એ વિશે આમ લખ્યું છે, શેક્સપિયરે ફલાણા નાટકમાં એક સંવાદમાં આમ લખ્યું છે, આપણા ગુજરાતી લેખકોની વાત કરૃં તો પેલા કટાર લેખકે લખ્યું છે કે વાણી અને પાણી, કાં તારે કાં ડૂબાડે... અને સ્પેનિશ લેખક પીઝા-રેએ લખ્યું છે કે શાણા માણસ ચૂપ રહે છે અને મૂર્ખ બડબડ કર્યા જ કરે છે કર્યા જ કરે છે... 

આ વાક્ય પૂરૃં થતાંની સાથે જ તાળીઓનો ગડગડાટ થયો એટલે બકતા  વક્તા સમજી ગયા કે તાળીઓ કોના માટે અને ક્યા કારણથી પડી છે. એટલે ઘડિયાળ સામે જોઈ બોલ્યા, 'વાણીને વિરામ આપતા પહેલાં મને યાદ આવે છે કે ફલાણા અંગ્રેજ સાહિત્યકારે લખ્યું હતું કે...' આ વાક્ય સાંભળતાંની સાથે જ અત્યાર સુધી માંડ માંડ ગુસ્સો દબાવી બેઠેલા પથુકાકા ઊભા થયા અને તાડૂક્યા, 'આણે આમ લખ્યું છે... ફલાણે આમ લખ્યું છે... ઢીંકણાંએ આમ લખ્યું છે... પણ કહો તો ખરા, તમે પોતે શું લખ્યું છે?' 

કાકાના સણસણતા સવાલથી થોડીવાર માટે સભાગૃહમાં ધમાલ મચી ગઈ અને સંચાલકે ઝટપટ સમાપન કરી દીધું. સભાગૃહમાંથી બહાર નીકળી હું અને કાકા રસ્તા પર આવ્યા ત્યારે પણ કાકાનો ગુસ્સો ઠંડો નહોતો થયો.  મને કહે, 'તેં કહ્યુંને કે બસ ચડે એ ઓકે છે, એમ કેટલાંક એવા છે જેને જ્ઞાન ચડે ત્યારે ઓકે છે. અરે ભાઈ, તમે કોને કોને વાંચ્યા છે અનેકેટલાં થોથાં પચાવ્યા છે કે ખાલી પચપચાવ્યા છે એ દેખાડવા માટે જાહેરમાં શા માટે જ્ઞાન-વમન કરો છો?ઘણા વામનમાંથી વિરાટ બને છે, અને તમે 'વમન'માંથી શા માટે વિરાટ બનવા માટે હવાતિયાં મારો છો? આમાં તમારૃં પોતાનું શું છે? તમારા મૌલિક વિચારો શું છે? બસ, કોઈ એક સુવાક્ય ટાંકીને એને આધારે ભાષણ ફફડાવી દેવાનું? આવું તો અમે સ્કૂલમાં ભણતા ત્યારે 'વિચાર-વિસ્તાર'ના પ્રશ્નમાં આવતું.'

મેં કહ્યું, 'કાકા, તમારી વાત સાવ સાચી છે હો! આ એકતા પાર્ટીવાળા નહીં ઓકતા પાટીવાળા  જ્ઞાન-ઓકુઓને કોઈએ કહેવું જોઈએ કે ભલે તમે મીટિંગ કરો, પણ વો-મીટિંગ ન કરો.'

પથુકાકા બોલ્યા, 'આ રીતે વોમિટ કરવાવાળા જે ગણ્યાગાંઠયા સ્પીકર નહીં, પણ લાઉડ સ્પીકર કે પછી ક્રાઉડ-સ્પીકરને બીજી પણ  શીખામણ આપવી જોઈએ કે તમે 'વાણી-વમન' પર અંકુશ રાખો, કારણ કે તમારી ઉલ્ટી કાંઈ વ્હેલની ઉલ્ટી જેવી કિંમતી નથી હોતી, સમજ્યા?'

મેં કહ્યું, 'કાકા, વ્હેલની ઉલ્ટી (અંબરગ્રીસ)ના કરોડો રૂપિયા ઉપજે છે.  એમાંથી પરફયુમ અને બીજી કેટલીય સગંધિત ચીજો બને છે. જ્યારે વાણી-વમન કરે એમાંથી એક ફદિયું પણ નથી ઉપજતું, સાચી વાત કે નહીં? હું તો એટલું સમજું છું કે-

પરદેશી લેખકોને જે પૂજે,

એને પછી પોતાનું ક્યાંથી સૂઝે?'

અંત-વાણી

જ્ઞાન-વમન કરતા વમન સ્વરૂપોને જોઈ મહાન ગીતકાર શૈલેન્દ્રના ગીતની પંકિત યાદ આવે છે-

કુછ લોગ જો જ્યાદા જાનતે હૈ

ઈન્સાન કો કમ પહચાનતે હૈ.

* * *

અતિજ્ઞાની કરતા સારા અજ્ઞાની

જે પહોંચાડે નહીં હાનિ.