mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

તડકે તડકે... યૂં હી કોઈ મિલ ગયા થા

Updated: Apr 30th, 2024

તડકે તડકે... યૂં હી કોઈ મિલ ગયા થા 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

ધોમધખતા તાપમાં પથુકાકા ઉધાડે માથે પરસેેવે રેબઝેબ હાલતમાં શાક-માર્કેટથી આવતા હતા. જેવો મને જોયો એટલે 'પાકીઝા' ફિલ્મના ગીતના ઢાળમાં ગાવા માંડયાઃ યૂંહી કોઈ મિલ ગયા થા, સડેડાટ ચલતે ચલતે...

મેં કહ્યું, 'કાકા, આવા તડકામાં પણ તમને ગાવાનું સૂઝે છે? આવા તાપમાં  પણ તમે 'પાકીઝા'નું ગીત ચલતે.. ચલતે યૂંહી કોઈ મિલ ગયા થા ગાવ છો?' કાકા હસીને બોલ્યા, 'ઈ ગીત 'પાકીઝા'નું હતું અને મારૃં ગીત 'થાકી-જા' ફિલ્મનું છે. તારી કાકી આવા તડકામાં ધરાર શાક લેવા મોકલે તો શું કરૃં? ઘરમાં કાયમ તપેલી રહેતી તારી કાકીના તાપ અને સં-તાપને સહેવા કરતાં બહાર નીકળી તાપમાં તપેલા બની રહેવું સારૃં. જેને માથે સત્તાનો સૂરજ તપે છે એવા નેતાઓ પણ બહાર  ફરતા જ રહે છેને?'

મેં કહ્યું, 'કાકા માથે ટોપી તો પહેરો!' કાકા કહે, 'મને ટોપી પહેરવી ન ફાવે, હોં! ગામને ટોપી પહેરાવતા નેતાઓ પણ ઊઘાડા માથે ફરે છેને? અરે, કેટલાક તો આખા ઊઘાડા પડી ગયા છતાં કેવા શાનથી નીકળે છે! જો આખા ઊઘાડા નીકળતા હોય તો પછી આપણને ઊઘાડા માથે નીકળતા શેની શરમ?  તડકે તડકે... યૂંહી કોઈ મિલ ગયા થા સડેડાટ ચલતે ચલતે...'

મેં વળી પૂછ્યું , 'આવા તડકામાં  શું કામ બહાર નીકળ્યા?' કાકાએ મને  સામી ચોપડાવી, 'તું જાણે શીતળ ચાંદનીમાં નીકળ્યો હોય એવું શું ડહાપણ કરે છે?'

તાપમાં ને તડકામાં વાતુંના તડાકા મારતા હું અને કાકા પાછા વળતા હતા ત્યાં પાર્ક કરેલી કારનો ટેકોે લઈ પથુકાકા  થોડો વિસામો ખાવા ઊભા રહ્યા, પણ કારના બોનેટ પર હાથ મૂકતાની સાથે રીતસર ચીસ પાડી ઉઠયા, 'ઓય માડી રે ... હાથ દાઝી ગયો હાથ... આ મને શું સૂઝ્યું?'  મેં કહ્યું, 'તમારો તો માત્ર હાથ દાઝ્યો એમાં ચીસ પાડી ઉઠયા, પણ હાથના પંજાના નિશાનવાળી પાર્ટી તો હાથે કરીને આખી દાઝી ગઈ છે એમાં જ તો દાઝે ભરાઈને બરાડા પાડે છે એ તમે જોતા નથી?'

મેં થેલીમાંથી ઠંડા પાણીની બોટલ કાઢી પથુકાકાની હથેળી ઉપર રેડી એટલે એમને જરા રાહત થઈ. મેં કહ્યું ,'કાકા, હજી મુંબઈની આ ગરમી કાંઈ ન કહેવાય. વિદર્ભમાં નાગપુર બાજુ કેવી ગરમી છે, ખબર છે? હમણાં જ એક વાઈરલ થયેલા વીડિયોમાં જોયું તો એક માણસ ભરબપોરે રોટલી વણી વણીને કારના બોનેટ ઉપર ચોડવતો હતો અને બે-ચાર મિનિટમાં રોટલી શેકાઈ જતી હતી, બોલો! કારનું બોનેટ સગડી જેવું ગરમ થઈ જાય અને એની ઉપર રોટલી શેકાય એ જોઈને કેવી નવાઈ લાગે!'

મારી વાત સાંભળી કાકા બોલ્યા, 'તું કાર ઉપર રોટલી શેકવાની વાત કરે છેને? પણ કાર હોય કે સરકાર બધા પોતપોતાની રોટલી શેકવામાંથી ક્યાં ઊંચા આવે છે?'

ઉનાળામાં હું અને કાકા કોઈ પ્રસંગે  રાજકોટ ગયા હતા. બપોરે તો એટલી ગરમી પડે કે માણસ જ પાપડની જેમ શેકાઈ જાય. સાંજ ઢળે પછી થોડી ઠંડક થવા માંડે એટલે પછી રેસકોર્સ તરફ ઠંડો જ્યૂસ કે મિલ્ક-શેક પીવા નીકળીએ. પાછા આવીને અગાશીમાં  સૂઈ જઈએ. જોકે મચ્છર કનડે ખરા.  બીજે દિવસે સવારે મેં કાકાને એ જ સવાલ કર્યો, 'મચ્છરોએ સૂવા દીધા કે નહીં?'

કાકાએ જવાબ આપ્યો, 'આ ગરમીએ તો હદ કરી છે, હો! આ મચ્છરો પણ કાનમાં આવી ગણગણાટ કરતા પૂછે છે કે અરે ભાઈ, તારૃં લોહી તો ઠંડુ છેને? પછી ચટકા ભરે છે. આપણે જેમ રાત્રે ઠંડો જ્યૂસ પીવા નીકળીએ એમ મચ્છરો પણ ઠંડો બ્લડ જ્યૂસ પીવા નીકળે તો ખરાને? ગણતંત્રમાં અમુક  લોહીપીણાં માણસો કનડે અને 'ગણગણતંત્ર'માં લોહીપીણાં મચ્છરો કનડે, આમાં કોને ફરિયાદ કરવી?'

હમણાં હું અને કાકા બપોરે મુંબઈની  લોકલની ભીડમાં ભીંસાઈને પ્રવાસ કરતા હતા. બધી બાજુથી એવું દબાણ આવે કે દબાઈ જવાય. રશમાં પણ રમૂજ ન ચૂકે એનું નામ પથુકાકા. કાકા બોલ્યા, 'મને લાગે છે કે કચ્છી દાબેલીની શોધ કદાચ લોકલ-ટ્રેનમાં જ થઈ હશે, શું લાગે છે?' મેં કહ્યું,'કાકા ભીડમાં તો દાબેલીની સાથે ઉપરવાળો બેલી યાદ આવી જાય છે, હો! (બોરી)બંદર છો દૂર છે, જાવું અંદર છે, બેલી તારો બેલી તારો બેલી તારો તું જ છે...' 

કાકા કંઈ બોલે એ પહેલાં એમને કાને ટ્રેનના ડબ્બાની ભજન-મંડળી ગાતી હતી એ ભજનના શબ્દો  કાને પડયાઃ 'કોને કરવી ફરિયાદ, ભીડ  પડે ત્યારે આવે ભગવાન યાદ...' આ સાંભળી કાકા બોલ્યા, 'ખરેખર ભીડ પડે ત્યારે જ ભગવાન યાદ આવે છેને! ઠંડીગાર એ.સી.લોકલમાં  પહોળા થઈ બેસનારા ક્યાં ભગવાનને યાદ કરે છે?' 

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (બોરીબંદર) આવવાને થોડી વાર હતી ત્યાં બેગનો ખૂણો જરાક વાગવા જેવી નજીવી વાતે બે પેસેન્જર બાખડી પડયા. જોતજોતામાં તો રેગ્યુલર ટ્રાવેલ કરનારા પેસેન્જરોના બે ગુ્રપ પડી ગયા અને જાણે રોંગ-રેસ અને ઢોંગ-રેસ પાર્ટી વચ્ચે લડાઈ  શરૂ થઈ  ગઈ. એમાં વળી કેટલાક અપક્ષો ઠેકી પડયા. ધમાલ ધમાલ મચી ગઈ. માંડ સ્ટેશન આવ્યું ત્યારે રેલવે પોલીસ દોડી આવ્યા અને હવામાં લાઠી વીંઝીને બધાને છૂટા પાડયા.મામલો થાળે પડયા  પછી પોરો ખાવા માટે બાંકડે બેસી પરસેવો લૂછતો પોલીસ હવાલદાર બોલ્યો, 'આ ગરમીમાં બધાના મગજ તપેલા હોય છે એટલે ઉનાળામાં રોજ આવી મારામારી ચાલ્યા જ કરે છે, શું કરીએ?' પથુકાકા બોલ્યા, 'ગરમીમાં વધુ મારામારી જામે છે એટલે જ તો આ ચૂંટણી ભરઉનાળે લડાય છેને! એટલે જ તો ગરમીમાં ગળુ છૂટ્ટું મેલીને ગાંગરવું પડે છે કે-

બારી બારી સબકી બારી

કિસ કી જીત, કોઈ પાર્ટી હારી,

કહીં ગાડી મેં મારામારી

કહી ગાદી કે લિયે ભેજામારી.'

અંત-વાણી

દીકરી તો પારકી થાપણ કહેવાય

ડિગ્રી તો તાપની તાપણ કહેવાય

**   **   **

પાટે ન ચડે

જે પોતાનું કરી કરે ઘર-સેવા,

વીરલા જ ઉતરે પાર જે

પાડી પરસેવા કરે પર-સેવા.

**   **   **

સઃ ભારતીય જળને અંગ્રેજીમાં શું કહેવાય?

જઃ વોટર ઓફ ઈન્ડિયા.

સઃ ભલભલાના મનસુબા પર પાણી કોણ ફેરવી શકે?

જઃ 'વોટર' ઓફ ઈન્ડિયા.

**   **   **

ઊંઘવા માટે દવા-ગોળીઓને

મૂકો હવે તડકે,

ભરબપોરે જો પડો

તમે આડેપડખે.

તો માંદગી ફરકે નહીં

તમારી પડખે

**   **   **

સહુ ચાંદથી મહોબ્બત કરે

તો સૂરજ બળે નહીં તો શું કરે?

Gujarat