Get The App

નસીબદારના ભાગ્યમાં હોય કાંધોતર દીકરા અથવા રાંધોતર ધણી

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
નસીબદારના ભાગ્યમાં હોય કાંધોતર દીકરા અથવા રાંધોતર ધણી 1 - image

- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી

ઘણા પ્રેમમાં પડે પણ અમારાં (હો)બાળાકાકી વ્હેમમાં પડે. રોજ સવારે જે રસ્તે દેવદર્શને જતાં તેને બદલે શોર્ટ-કટ લઈને મંદિરે જતી વખતે ફૂટપાથ પર લપસી પડતા ડાબા હાથમાં ફ્રેકચર આવ્યું અને હાથ ઝોળીમાં આવી ગયો.  જે ખબર કાઢવા આવે તેને કાકી એક જ વાત કહે કે, 'રોજનો રસ્તો છોડી શોર્ટ-કટના ખોટે રસ્તે ચડી ગઈ એમાં પડી ગઈ.' 

આ સાંભળી પથુકાકા પણ કહે કે, 'તું ખોટે રસ્તે ચડી ગઈ એમાં પડી ગઈ, એવી રીતે કેટલાંક કહેવાતા ગુરુંઘંટાલો પણ ખોટે રસ્તે ચડી લપસીપડે છે. તપ કરે એ તપસ્વી અને લપસી પડે એ લપસ્વી.'

કાકી ઘાયલ થયાં એ ખબર પડતાંની સાથે હું પણ પહોંચી ગયો (હો)બાળાકાકીના હાલહવાલ પૂછવા. ઘરમાં પગ મૂક્યો ત્યારે રસોડામાંથી ઘોઘરા સાદે ગાતા કાકાનો અવાજ કાને પડવા માંડયોઃ 'કૂક... કૂક... કૂક... કૂક... રોટી કે પીછે ક્યા હે રોટી કે પીછે... રોટી મેં દિલ હૈ મેરા... રોટી મેં 'મીલ' હૈ મેરા...'

મેં દિવાનખંડમાં સૂતેલા કાકીને પૂછ્યું, 'આ પથુકાકાની ડાગળી ચસકી ગઈ છે કે શું? 'ખલનાયક' ફિલ્મના 'ચોલી કે પીછે ક્યા હૈ...' ગીત ઉપરથી નવું ગીત બનાવી 'રોટી કે પીછે ક્યા હૈ...' એમ કેમ ગાય છે?' 

કાકીએ જવાબ આપ્યો, 'તું રસોડામાં જઈને નજરે જો તો ખબર પડશે કે તારો કલાકાર કાકો શું કામ આ ફેરવીને ગીત ગાય છે?'

કિચનમાં જઈને જોયું તો કાકા જુદા જુદા દેશના નકશા જેવી રોટલી વણી વણીને તાવડી ઉપર ચોડવતા જતા હતા. મેં પૂછ્યું, 'પથુકાકા, તમને કેમ રોટલી શેકવાનો વારો આવ્યો?' 

કાકા જરી વાર ગેસ બંધ કરી કપાળેથી પરેસવો લૂંછીને બોલ્યા, 'આ તારી કાકી લપસી પડી અને એક હાથ ભાંગ્યો  એટલે એણે એકહથ્થું સત્તાના તોરમાં આદેશ આપ્યો કે આજથી રોટલી તમારે બનાવવાની છે, સમજ્યા? બસ એકહથ્થું સત્તાધીશનો આદેશ માથે ચડાવીને રોટલી શેકવા માંડયો છું અને રોટલીની સાથે બીજી પણ બે ત્રણ ચીજ કૂક કરવાની નોબત આવી એટલે જ હું 'ચોલી કે પીછે...' ગીત ફેરવીને ગાઉં છુંઃ 'રોટી કે પીછે ક્યા હૈ રોટી કે પીછે... રોટીમેં દિલ હૈ મેરા... રોટી મેં 'મીલ' હૈ મેરા... મીલ એટલે ભોજન ખબર છેને? એટલે રોટલી વિના પૂરૃં ભોજન ન ગણાય એટલે જ ગાઉં છું રોટી મેં દિલ હૈ મેરા રોટી મેં 'મીલ' હૈ મેરા...'

મેં હસીને કાકાને કહ્યું, 'તમે કાકીની એક-હથ્થુ સત્તાના આદેશની ભારે વાત કરી હો!'  

પથુકાકા તરત દાઢમાંથી બોલ્યા, 'કાકીની એકહથ્થુ સત્તાનો આદેશ અને બીજી તરફ 'આ-દેશ'માં એકહથ્થુ સત્તા જ ચાલે છેને?'

મારી અને કાકાની રસોડાની રામાયણ ચાલતી હતી ત્યાં કૂકરની સીટી વાગી. સીટી સાંભળતાની સાથે જ પથારીમાં પડેલાં કાકીએ સિક્સર મારી, 'જો તારા કાકાએ સીટી વગાડી સીટી.' 

મેં પૂછ્યું, 'કાકાએ સીટી ક્યાં વગાડી છે? આ તો કૂકરની સીટી વાગી છે?' કાકી હસીને બોલ્યા, 'તારા કાકાને માથે રાંધવાની એટલે કૂકિંગની જવાબદારી આવી છે એટલે એ 'કૂકર' જ કહેવાયને? સિનિયર સિટીઝન ગુ્રપમાં એ સીટી (વ્હીસલ) વગાડી મજેદાર ગીતો સંભળાવે છે. એટલે હવે જ્યારે રસોડામાં કૂકરની સીટી વાગે ત્યારે હું મજાકમાં કહું છું કે કાકાની સીટી વાગી.'

કાકીને દાદ આપતા મેં કહ્યું, 'મને કૂકરની વાત પરથી એક નવું અને આજની જીવનશૈલીનો પડઘો પાડતું જોડકણું સૂઝ્યું છે, સાંભળો-

અત્યાર લગી વર કહેતા વહુને

રસોઈ તું-કર તું-કર,

હવે ધણીને રાંધવાનું ટાણું આવતાં

બની ગયા છે કૂ-કર કૂ-કર.'

કાકી બોલ્યાં, 'જે નસીબવંતી મહિલાઓના ધણી રાંધતા શીખી ગયા છે એ મહિલાઓને તો જલસા થઈ ગયા છે જલસા. એટલે હુંય તારી જેમ તોડકણું નહીં જોડકણું સંભળાવું છું-

નડે નહીં અગવડની આંધણ-કળા,

જો ધણી શીખે રાંધણ-કળા,

સંબંધો સાંધવાની એ જ છે 

સાંધણ-કળા.

અત્યારે જેમ ચૂંટણી વખતે ઉમેદવારો વોટ માગવા નીકળે છે એમ ભૂદેવો લોટ માગવા નીકળતા. 'દયા પ્રભુની ધરમનો જય...'ની  હાકલ કાને પડે એટલે ટપોટપ બૈરાંઓ લોટના  ડબા ઊઘાડવા માંડે. ત્યારે તો હાથે ઘઉં દળીને લોટના ડબા ભરવામાં આવતા. પછી તો વીજળીથી ચાલતી ચક્કીઓ ધમધમતી થઈ ગઈ. આજે તો ઘઉંના લોટના તૈયાર પેકેટો વેંચાવા માંડયા છે.  મોડર્ન હાઉસ વાઈફ ગળું છૂટ્ટું મેલીને ગાય કેઃ 'આ લોટ કે આજા મેરે મીત, તુઝે મેરે ગીત બુલાતે હૈ...' ત્યારે સમજવું કે ઘરમાં લોટ ખલાસ થઈ ગયો લાગે છે, અને બીજાને ખબર ન પડે એ માટે હાઉસ-હસબન્ડને સંકેત કરે છે.

પથુકાકા જૂના દિવસો યાદ કરતા કહે, 'અમે વર્ષો પહેલાં રાજકોટ રહેતા ત્યારે રાત્રે માગણો નીકળતા અને ટહેલ નાખતા એ બેન... કોઈ ટાઢી-સૂકી રોટલી આપજો...પણ જ્યારથી તારી કાકીની રોટલીઓ એમણે ખાધી એ પછી શું ટહેલ નાખતા, ખબર છે? એ બેન ટાઢી-સૂકી રોટલી આપજો અને ભેગી હરડે-હિમેજ પણ આપજો એટલે પચી જાય...'

મેં કહ્યું, 'કાકા, મનેય યાદ છે કે દાતણવાળી બહેનો રાત્રે નીકળતી અને આપણે વધેલું ખાવાનું આપીએ એના બદલામાં દાતણ આપી જતી, બરાબરને?' 

પથુકાકા બોલ્યા, 'તેં સારૃં યાદ અપાવ્યું. અમારા મનહર પ્લોટમાં દાતણવાળી બહેન આવતી. મેં એને પૂછયું કે તું વધેલા ખાવાના બદલામાં દાતણ કેમ આપી જાય છે? ત્યારે પોતાના દાંત દેખાડીને હસતાં હસતાં બોલી કે કાકા, તમારી દયા આવે છે એટલે દાતણ આપું છું. કાકીના હાથની ચવડ રોટલી ચાવવા માટે દાંત મજબૂત જોઈએને? એટલે દાતણ આપી જાઊં છું. પડી સમજ?'

મેં કાકાને કહ્યું, 'આજના મોડર્ન જમાનામાં તો હસબંડ અને વાઈફ બન્ને સર્વિસ કરતાં હોય છે એટલે ધણીને રાંધતા આવડવું જ જોઈએ, નહીંતર પછી ભૂખ્યા રહેવાનો વારો આવે, ખબર છે?'

પથુકાકા તરત બોલ્યા, 'હમણાં જ તેલંગણની વડી અદાલતે છૂટાછેડાના કેસમાં આજના જમાનાની જીવનશૈલીને ધ્યાનમાં લઈ આપેલા મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે નોકરી કરતી પત્ની રસોઈ ન બનાવે અને સાસુુને ઘરકામમાં મદદ ન કરે એ ક્રૂરતા ન કહેવાય.આમ કોર્ટે પતિની છૂટાછેડાની અરજીને સામાન્ય વૈવાહિક સંઘર્ષ ગણાવીને ફગાવી દીધી હતી.'

મેં કહ્યું , 'આના પરથી હું કહીશ કે સારૃં રાંધતા આવડે એને સારા સંબંધ બાંધતા આવડે. ભણેલગણેલઅને ઊંચા પગારની નોકરી કરતી પત્નીને રાંધતા ન આવડે એટલા ખાતર છોડી થોડી જ દેવાય? રસોયણી કે રસોઈયો રાખી લ્યોને? આજ સુધી સ્ત્રીઓને રસોડાની રાણી કહી હુલાવી ફુલાવી રંધાવીને તોડાવી નાખી હતી. હવે જયારે હાથે રાંધવાનો વારો આવ્યો અને રસોડાના રાણા બનવાની તક સાંપડી ત્યારે રાણા કેવા મ-રાણા... એવાં રોદણાં થોડાં જ રોવાય? 

પથુકાકા બોલ્યા, 'એમ તો આપણા દેશના નેતાઓને બધી રસોઈ ભલે ન આવડતી હોય પણ એક ચીજ આવડે છે.'

મેં પૂછ્યું, 'કાકા, કઈ એક ચીજ રાંધતા આવડે છે?' પથુકાકા બોલ્યા, 'બધાને પોતપોતાની રોટલી શેકતા આવડે જ છેને?એટલે જ તો હું કાયમ આ જોડકણું દોહરાવું છું કે-

લોટની અને વોટની

સહુ શેકે પોતપોતાની રોટલી,

પણ લીડરો ભૂલે નહીં

વોટરોના હાથમાં છે

તમારી ચોટલી.

અંત-વાણી

જેને આવડે રાંધતા

એને આવડે સંબંધ બાંધતા.

***

સવાલઃ રાજકારણમાં ચૂંટણી વખતે વોટ મેળવવા સહુ પોતાની રોટલી શેકે તેને એક શબ્દમાં શું કહેવાય?

જવાબઃ વોટલી.