લેડીઝની લટકાબાજી અને હવે ફિમેલની ફટકાબાજી

Updated: Nov 29th, 2022


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

નારી કભી ના હારી... નારીના અટાણ સુધી  જોયા લટકા હવે  જુઓ ફટકા... સવારના પહોરમાં  સોસાઈટીના  ગ્રાઉન્ડમાંથી  તીણા અવાજમાં  સંભળાતી આ  નારાબાજી  નહીં, પણ નારી-બાજી સાંભળી હું  અને પથુકાકા  દોડાદોડ  દાદરો  ઉતરીને ગ્રાઉન્ડમાં  પહોંચ્યા. જઈને જોયું તો  અમારા  બેઉની આંખો પહોળી થઈ ગઈ. (હો)બાળાકાકી, પરભાબેન, બબુબેન અને મનુબેન  સહિતની સહુ આઘેડ વયની  બાનુઓ વાઈટ ટી-શર્ટ અને વાઈટ પેન્ટ પહેરીને ક્રિકેટ રમતી હતી.  ખરેખર અત્યાર  સુધી જેના લટકા જોયા હતા એમનાફટકા જોવાનો લ્હાવો મળ્યો.

રમતમાં બ્રેક પડયો એટલે પથુકાકા પોતાના જ્ઞાનનું એક્ઝિબિશન  કરતા બોલ્યા,' હવે બ્રેક-અપ થયુંને?  જરા શ્વાસ ખાવ અને જવાબ આપો કે આ તમને ઓચિંતુ ક્રિકેટ રમવાનું  શૂરાતન  કેમ ચડયું? કિચનમાંથી  સીધો  ક્રિકેટમાં  કેમ ઠેકડો માર્યો?'

ગ્રાઉન્ડમાં એક ટેબલ ઉપર  હારબંધ  રકાબીઓ ગોઠવેલી, એ  ટેબલ પાસે જઈને આ મહિલા ક્રિકેટ ટીમના બની બેઠેલાં કેપ્ટન (હો)બાળાકાકીએ  ખોંખારો  ખાઈને જવાબ આપ્યો, 'આપણી લેડીઝ ક્રિકેટ ટીમે સાતમી વાર વર્લ્ડ કપ જીતીને આખા દેશની મહિલાઓનું  માથું ગર્વથી ઊંચુ કર્યું, બરાબરને?  એટલે આપણી આ સોસાયટીની બહેનોએ  નક્કી કર્યું કે લેડીઝ ક્રિકેટ ટીમે વર્લ્ડ  કપ જીત્યો,  તો આપણે કપ નહીં તો  રકાબી જીતવા માટે (કમરા જેવી) કમર કસીએ. તો જ કપ-રકાબીનો મેળ થાય કે  નહીં? ક્રિકેટ કા ખેલ દેખો, કપ-રકાબી કા મેલ દેખો ઔર મેદાન મેં મેલ કે  બદલે  ફિમેલ દેખો...'

પથુકાકા રંગમાં  આવી બોલ્યા, 'ભલે, ભલે...રમો રમો...  તમતમારે  ઘરમાં  બોલ-બોલ કરી માથું  કાણું કરો છો એના કરતાં ભલે મેદાનમાં બોલિંગ-બોલિંગ કરો...'

(હો)બાળાકાકીએ સામો ફટકો  લગાવ્યો કે, 'અમે ફોનમાં ચેટિંગ કરતા એ સાંભળીને તમારા પેટમાં ચૂંક આવતીને?  હવે ચેટિંગને બદલે અમારી આ બેટિંગ જુઓ...'

પથુકાકાએ તો આ સાંભળીને  ટકોર કરી, 'દિલ્હીમાં બેઠેલી તમારી  નિર્મળાબેન બેઠી બેઠી આખા દેશને  (આર્થિક) ફટકા  ઉપર ફટકા મારે જ છેને? એટલે હવે તમેય મારો ફટકા એટલે નિર્મળાબેનના પણ કંપની રહેને? એટલે જ કહું છું-

ટકે શેર ખાજા

ટકે શેર ભાજી

એવી અંધેરી નગરીથીય 

આકરી છે આર્થિક ફટકાબાજી.'

લેડીઝ ક્રિકેટની પ્રેકટીસ મેચ જોઈને  હું અને કાકા ઘરે પાછા ફર્યા. થોડીવારમાં  થાકીને  લોથપોથ થયેલાં (હો)બાળાકાકી આવ્યાં અને આરામ-ખુરશીમાં  રીતસર ફસડાઈ  પડતાં હાંફીને બોલ્યાં, 'જોયોને નારીશક્તિનોકમાલ? નમોજીે  સૂત્ર આપ્યું  છે કે  બેટી બચાવ... હવે  નવું  સૂત્ર આપવું  પડશે કે બેટીઓના બેટથી બચાવ!' કાકીએ ઉમેર્યું,  'બેટીઓની બેટની  કમાલ  ઓછી  ન આંકતા હો?  કૃષ્ણની  નગરીના નામ સાથે પણ અમારું બેટ જોડાયું છે  હો?'  મેં પૂછ્યું કે શ્રીકૃષ્ણની કઈ નગરીની  વાત કરો છો જેની સાથે બેટ જોડાયેલું  છે? (હો)બાળાકાકી તડાક  કરતો જવાબ દીધો, 'બેટ-દ્વારકા.' આ  સાંભળતાની સાથે જ પથુકાકા  અચાનક  ગાવા માંડયા-

'તારી આંખનો અફિણી

તારા બોલનો બંધાણી

તારા રૂપની પૂનમનો પાગલ એકલો...'

મેં કાકાને ગાતા અટકાવી પૂછ્યું કે 'તમને  અચાનક આ ગીત કેમ  સૂઝ્યું? પથુકાકા બોલ્યા કે ગુજરાતીઓનું  સૌ-રાષ્ટ્રગીત  ગણી શકાય એવું આ  મજેદાર  ગીત જેણે  લખ્યું  હતું એ  મોટા  ગજાના  કવિના નામમાં  વર,કન્યા અને ગોર મહારાજ ત્રણેય આવી  જાય.  કયું નામ ખબર છે? વેણીભાઈ પુરોહિત. વેણી એ કન્યાની નિશાની,  ભાઈ એટલે  જે વરરાજા માંડવે પરણવા  બેસે  એ અને પુરોહિત એટલે જે પરણાવે.'

મેં પૂછ્યું, 'કાકા, ક્રિકેટની વાતું કરતાં કરતાં તમે  વેણીભાઈ જેવાં રંગીલા મિજાજના  કવિની  વાતે કેવી રીતે  ચડી ગયા?' કાકા બોલ્યા,  'ધ્યાનથી સાંભળ કે  વેણીભાઈ બેટ-દ્વારકા  નજીકના  જામખંભાળીયાના, બીજું મૂડમાં હોય ત્યારે વાતે વાતે  ગુગલી ફેંકીને સામેવાળાને આઉટ  કરી નાખે અને પાછા પાન ચાવતા  ચાવતા કહે  પણ  ખરા કે  અમે ગુગળી બ્રાહ્મણ ખરાને? એટલે ગુગલી નાખતા આવડે જને? એમાં એમણે  જ્યારે 'તારી આંખના અફિણી'  ગીત લખ્યું તેની બીજી કડીમાં  લખ્યું - 'તારા બોલનો બંધાણી' એટલે ગુગલી-બોલનો મેળ જામી ગયોને?'

કાકીનો  જરા થાક  ઉતર્યો  એટલે કંઈક  બોલવા માટે  તૈયાર થયા ત્યાં  જ પથુકાકાએ  દૂરથી જ  ઈશારો  કરીને ચૂપ  રહેવાનું  કહ્યું.  કાકીનો પિત્તો  ગયો, 'આ તારા કાકા કેવું કરે છે? અમારી લેડીઝ ક્રિકેટ ટીમમાં બધા  મને વધુમાં વધુ બોલ ઉપર બોલ ફેંકવાનું કહે છે,  જ્યારે ઘરમાં તારા કાકાને  અણઘડ એમ્પાયરની  જેમ ક્રિકેટનો એક જ નિયમ આવડે છે, એેટલે બસ નો બોલ... નો બોલ... નો બોલનો ઈશારો  કર્યા કરે  છે.  હવે શું કરવું તારા કાકાનું?'  મેં કહ્યું, 'સિલેકટર તરીકે આ પથુકાકાને  સિલેકટ તો તમે જ  કર્યા હતાને?  હવે આમાં  બીજું  શું થાય?'  પથુકાકાએ વચમાં  ડબકું  મૂક્યું, 'સિલેકશન અને ઈલેકશનમાં આવું જ  થાય છેને? એક વાર સિલેકટ કરવામાં કે ઈલેક્ટ કરવામાં તમે  થાપ ખાઈ જાવ એટલે  પત્યું,  તમે હાથ  ઘસતા જ રહી જાવ છો. સાચું કે નહીં?'

મેં કાકાને કહ્યું, 'કાકીને એક જમાનામાં ક્રિક્ટનો 'ક' નહોતો આવડતો અને અને આજે ક્રિકેટના  મેદાનમાં જે છટાથી બોલિંગ અને બેટિંગ કરે છે એ જોઈને તમારે  અભિમાન લેવું જોઈએ.'

મારી વાત સાંભળી કાકાને  જૂની વાત યાદ  આવતાં મને ધબ્બો મારીને કહે, 'અમે તો જેને બેટ  પકડતાંય ન  આવડતું  હોય એ  પણ કસદાર ક્રિકેટ કલબોમાં  ઊંચા  હોદ્દાપર  ચડી જ બેસે છેને? બાકી કાકીની  વાત  યાદ આવે  છે. આ જમાનામાં ક્રિકેટ મેચ થાય ત્યારે રેડિયો પર કોમેન્ટરી  આવતી. મને ક્રિકેટમાં રસ ખરો, પણ તારી  કાકીને એમાં ઝાઝી ગતાગમ  ન પડે.  એક વાર હું રસોડામાં  જમતા જમતા ટ્રાન્ઝીસ્ટરમાં  કોમેન્ટરી  સાંભળતો  હતો. કોમેન્ટેટર કડકડાટ અને ફડફડાટ  બોલતો જતો  હતો કે  જુમલો ૧૦૦ ઉપર  પહોંચ્યો... જુમલો ૧૫૦ ઉપર પહોંચ્યો...  જુમલો ૧૭૫ પર પહોંચ્યો...  તારી કાકી  આ સાંભળીને  તરત જ બોલી ઉઠી કે મેચમાં  સૌથી  સારું આ જુમલો રમતો લાગે  છે, મારા બેટા પોણોબસો પર પહોંચી  ગયો, જુઓ તો ખરા?'

અમારી વાત ચાલતી હતી ત્યાં (હો)બાળાકાકીની  આધેડ ઈલેવન ટીમના એક મેમ્બર જયગૌરી હાથમાં  થેલી લઈને  લંગડાતી ચાલે નીકળ્યા.  મેં કાકીને પૂછ્યું, 'તમારી આઘેડ ઈલેવનના આ ધરખમ ખેલાડીને શું થયું?'  કાકીએ  જવાબ  આપ્યો, 'ગઈ કાલની પ્રેકટીસ વખતે રન ઉપર  રન લેવા  જવાની  દોડાદોડીમાં   પડયા અને પગ મરડાઈ ગયો. એટલે  આમ લંગડાતાં  ચાલે છે.' કાકાએ   તરત હસીને કહ્યું,  'મોડેલો  રેમ્પ  પર કરે એ કેટ-વોક અને જયાગોરી  લંગડાતા ચાલે છે  એને કહેવાય ક્રિ-કેટ વોક...'

મેં કહ્યું, 'સંસારના ખેલમાં  સમજીને રમો તો મન મળે અને ક્રિકેટના  ખેલમાં સમજીને  રમો તો  રન મળે, બરાબરને?'

પથુકાકાએ  માથું હલાવી  જોડકણું  અને તોડકણું  સંભળાવ્યું -

સંસારના ખેલમાં

ગામ ગજાવે  બાજી બાજી,

એનાં કરતાં મીયા-બીબી  રાજી 

તો ક્યોં ન કરે ફટકાબાજી.

 અંત-વાણી

બેટી ધૂમાવે બેટ

ભલભલાને ફટકારે ઠેઠ

જેને કોઈ ન પહોંચે

એને પહોંચે એનું 'બેટ'

**   **   **

સેલમાં  કરતી જે ચેટિંગ,

ખેલમાં  કરે એ બેટિંગ.

**   **   **

સઃ એવો કયો શબ્દ છે જે  સવળેથી  કે અવળેથી વાંચો તો નર આવે?

જઃ ર-ન-ર.

**   **   **

રમતમાં  વિકેટ પડે

રાજરમતમાં (દુષ્ટ) વિકેડ પડે.

**   **   **

સઃ ગાંધીજી સ્કૂલમાં ક્રિકેટ રમતા એનો આગળ જતા શું લાભ થયો?

જઃ અંગ્રેજોને 'આઉટ' કર્યા.

**   **   **

કિચનથી ક્રિકેટમાં

પહોંચી છે બેટી

બેટ ફેરવી ફટકાબાજી

કરે છે બેટી

ન-રથી પણ વધુ

ર-ન કરે છે બેટી

**   **   **

બેટ ઉપાડે બેટી

નરથી નારી નથી છેટી

    Sports

    RECENT NEWS