ભૂલો ભલે વચન, પણ ના ભૂલો વતન
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
હિંચકા પર ઝૂલતાં ઝૂલતાં અસલ રંગમાં આવી કાકા બોલ્યા, 'હમણાં અમદાવાદ ગયો ત્યારે ઝૂલતા મિનારા જોયા. એ વખતે મને વિચાર આવ્યો કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે , બરાબર? છતાં પીવાવાળા તો પીવે જ છે ને? અમદાવાદમાં ઝૂલતા મિનારા અને બાકી પીને (મારગ) ભૂલતા પીનારા! હા- હા-ેહા...'
મેં કાકાને કહ્યું, 'ઘરમાં (હો)બાળાકાકી નથી લાગતા, એટલે જ પીવાની વાત કરો છો ને?'
પથુકાકાને કંઈક યાદ આવતા સફાળા ઊભા થયા અને મોબાઈલ ફોન ગોતતાં ગોતતાં બોલ્યા, 'સારું થયું કે તેં કાકીનું નામ યાદ કર્યું. હું તો ભૂલી જ ગયો હતો, કે તારી કાકી અઢી કલાકથી શાક માર્કેટમાં ગઈ છે, હજી આવી નથી. કેમ આટલી વાર લાગી હશે? ઓળખીતા શાકવાળા મંગળદાસ મેથીવાળાને મોબાઈલમાં પૂછી તો જોઉં કે કાકી ક્યાંય ભૂલા તો નથી પડયાંને?'
પથુકાકા આટલું બોલીને હજી મંગળદાસને મોબાઈલ લગાડવા ગયા ત્યાં તો મંગળદાસ રિક્ષામાં કાકીને મૂકવા આવ્યા. કાકીનો હાથ પકડી ઘરમાં લાવ્યા અને પછી ખુરશીમાં બેસાડી મંગળદાસ બોલ્યા, 'પથુકાકા, આ મારા (હો)બાળાકાકીને હવેથી એકલાં શાક- માર્કેટમાં ન મોકલો. એમને ભૂલવાની બીમારી છે ને! એટલે આજે ઘરનો રસ્તો ભૂલી ગયા, ખબર છે? આ તો સારું થયું કે મને જોઈને ઘરે મૂકી જવાનું કહ્યું. ભૂલા પડી ગયા હોત તો શું થાત? ભલે ત્યારે, કાકીને સાચવજો, હું જાઉં હવે...'
હું તો થોડી વાર માટે રીતસર ડઘાઈ ગયો. મેં કાકાને કહ્યું, 'કાકીને સ્મૃતિભ્રંશની બીમારી લાગું પડી છે એ તો મને ખબર જ નહીં હો!'
દરેક વાત હળવાશથી લેવા ટેવાયેલા કાકા હસીને બોલી ઉઠયા, 'નેતા અને અભિનેત્રી તરીકે સ્મૃતિ ઈરાનીનું નામ જાણીતું છે એમ આ તારી કાકીનું નામ મેં પાડયું છે, સ્મૃતિભ્રંશની ઈ-રાની! હા-હા-હા... કેવું બંધબેસતું નામ છે!'
મેં ટકોર કરી, 'હવે સ્મૃતિ ઈરાનીને ભૂલાવી દેવાનો પ્રયાસ ન થાય તો સારું, બરાબરને?'
પથુકાકા કહે, 'મને વિચાર આવે છે કે જે ભૂલકણા હોય એને ભેગા કરીને નવી પાર્ટી બનાવવી જોઈએ અને આ પાર્ટીને શું નામ આપવાનું ખબર છે? ભારતીય ભૂલતા પાર્ટી (ભા.ભૂ.પા.)!'
મેં સવાલ કર્યો, 'ભારતીય ભૂલતા પાર્ટી રાજકારણમાં શું ભાગ ભજવશે એ જરા કહો તો ખરા!'
પથુકાકાએ જવાબ આપ્યો, 'જો ધ્યાનથી સાંભળો. ભારતીય ભૂલતા પાર્ટી જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે પોતાના ભૂલકણા મેમ્બરોને જુદી જુદી પાર્ટીમાં પ્રચારક તરીકે ભાડે આપશે. આ ભૂલકણા મેમ્બરોએ લખેલાં ભાષણો વાંચવાના અને વચનો આપવાના અને પ્રચારનો ચાર્જ વસૂલ કરી આવતા રહેવાનું.'
મેં નવાઈ પામી પૂછ્યું, 'ભારતીય ભૂલતા પાર્ટીવાળાને ચાર્જ લઈને મોકલવાનું કારણ શું?'
પથુકાકા બોલ્યા, 'આમ પણ ચૂંટણી વખતે જુદા જુદા પક્ષના નેતાઓ પ્રચાર માટે જાય છે, સભાઓ સંબોધે છે અન ેવચનોની લ્હાણી કરે છે અને જીત્યા પછી પોતે આપેલા વચનો ભૂલી જતા હોય છે. એ વખતે પ્રજા અને મતદારો નેતાઓને માથે છાણાં થાપે છે કે ચૂંટણી પહેલાં વચનો આપેલા એ ભૂલી ગયા? જ્યારે ભારતીય ભૂલતા પાર્ટીના મેમ્બરોને કોઈ નહીં પૂછે કે આપેલા વચનો કેમ ભૂલી ગયા? કારણ કે એમને તો ભૂલવાની બીમારી જ છે. બીજું, પાર્ટીના નામમાં જ લખેલું છેને - ભારતીય ભૂલતા પાર્ટી. એટલે આ પાર્ટીના મેમ્બરો તો સત્તાવાર રીતે આપેલાં વચનો ભૂલી જશે તો કોઈ બહુ વાંધો નહીં ઉઠાવે, બલ્કે એમના તરફ સહાનુભૂતિ દાખવી જય ઝૂલેલાલને બદલે જય ભૂલેલાલનો નાદ ગજાવશે.'
મેં કાકાને કહ્યું, '(હો)બાળાકાકી વારંવાર બધું ભૂલી જાય એ તો બહુ કહેવાય હો!'
કાકા બોલ્યા, 'તારી કાકી ભારે પાકી છે, બધુ ભૂલે છે, પણ મને કનડવાનું ભૂલતી નથી. એ તો રોજ સવારે ઊઠીને હાથ બનાવટનો શ્લોક બોલે છે-
ભૂલો ભલે બીજું બધું
ધણીને સંતાપવાનું ભૂલશો નહીં,
અગણિત છે ત્રાસ મરદોના
છાણાં થાપવાનું ભૂલશો નહીં...'
મેં કહ્યું, 'કાકી ભૂલીને કેવા ભગા કરે છે એનાં કોઈ કિસ્સા તો સંભળાવો?'
પથુકાકા બોલ્યા, 'થોડા દિવસ પહેલાં તારી કાકી એક થિયેટરમાં ગુજરાતી ફિલ્મ જોવા ગઈ હતી. થિયેટરની અંદરના ભાગમાં રાખેલા મોટા અરીસા સામેથી પસાર થઈ ત્યાર પછી વિચારવા લાગી કે આ બહેનને ક્યાં જોયા છે... ક્યાં જોયા છે? ભારે ગડમથલમાં હતી. યાદ જ ન આવે યાદ જ ન આવે. પછી ફિલ્મ પૂરી થયા બાદ વળતી વખતે હેર-ડાઈ કરાવવા માટે બ્યુટી- પાર્લરમાં ગઈ. ચેરમાં બેઠી અને અરીસામાં જોઈ બોલી ઉઠીઃ હાય રામ! આ બહેનને તો મેં હમણાં જ થિયેટરમાં જોયાં હતાં, છતાં આટલી વારમાં કેમ ભૂલી ગઈ?'
મેં કહ્યું, 'કાકા, તમે તો કાકીનો આ હાથ બનાવટનો ટુચકો સંભળાવ્યો, પણ હકીકત એ જ છે કે માણસ ખુદને જ ઓળખી નથી શકતો. પોતાને જ ઓળખવામાં માણસ ભૂલ ખાઈ જાય છે.'
પથુકાકા બોલ્યા, 'તારી વાત સાવ સાચી. માણસ પોતાના અંતરની ખોજ કરવાને બદલે બહાર ઈશ્વરને ખોજવા માટે એવો ભૂલભૂલામણીમાં ભટકી જાય છે કે ક્યાંય પત્તો જ નથી લાગતો.'
મેં કહ્યું ,'કાકા, જે ખુદને ભૂલે અને બહાર ઈશ્વરને શોધવા નીકળે એનાં પરથી જ મુંબઈના 'ભૂલેશ્વર'નું નામ પડયું હશે?'
પથુકાકા બોલ્યા, 'કોઈ રસ્તામાં ભૂવા પડે તો કોઈ રસ્તામાં ભૂલા પડે. બાકી તો ભૂલેશ્વરમાં એટલાં બધાં મંદિરો છે કે ખુદ ઈશ્વર પણ નીકળે ભૂલા પડી જાય.'
મેં કહ્યું, 'કાકા, યાદદાસ્ત તેજ કરવા માટે મને કોઈ ટિપ આપોને?'
પથુકાકા તરત મને તાલી દઈને બોલ્યા, 'ચાલ, હમણાં જ મને દસ હજાર રૂપિયા ઉધાર આપ. તારી યાદદાસ્ત એકદમ તેજ થઈ જશે અને હું વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ જઈશ. તુમ મુઝે યૂં ભૂલા ના પાઓગે...'
અંત-વાણી
મુંબઈ પુલોનું શહેર,
શ્રીનગર ફૂલોનું શહેર,
દિલ્હી ભૂલોનું શહેર.
***
મહારાષ્ટ્રમાં પૂના છે,
ગુજરાતમાં ઉના છે,
મધ્યપ્રદેશમાં ગુના છે.
***
લોકશાહીમાં જન-સત્તા,
ઠોકશાહીમાં દુર્જન-સત્તા.
***
સત્તાનો મણિ જેને હાથ લાગે એ પ્રજાની કરે સતા-મણી
***
દીવા પાછળ અંધારૂં,
વિવાહ પાછળ અણધાર્યું
***
બંધબેસતી પહેરવી નહીં પાઘડી,
ખોટું કરતાં પહેલાં વિચારો પા-ઘડી,
એટલું નક્કી છે, પાછી નહીં આવે આ-ઘડી
***
મહારાષ્ટ્રમાં એક ગામનું નામ છે અક્કલ-પાડા... એટલે શું પાડા જેવી અક્કલ? બીજા એક ગામનું નામ છે અક્કલ-કૂવા એટલે શું અક્કલ કૂવામાં પડી?
***
શોહર એટલે વર,
શોફર એટલે ડ્રાઈવર.
શૌહરનો સંબંધ લાડી સાથે,
શોફરનો સંબંધ ગાડી સાથે.
ગાડી ચાલે આડી તો
શોફર દંડાય,
લાડી ચાલે આડી તો
શૌહર ખંડાય.
શૌહર શુષ્ક મિજાજી હોય
તો એ સાવ 'ડ્રાય'વર કહેવાય!
***