Get The App

પ્રભુ કાળા-ધોળા કરવા હેર-ડાય આપજે ને ઘેર-ડાહી આપજે

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
પ્રભુ કાળા-ધોળા કરવા હેર-ડાય આપજે ને ઘેર-ડાહી આપજે 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

જવાનીને કરો બાય-બાય અને વાળને કરો ડાય-ડાય...  આ સૂત્ર જીવનમાં ઉતારનારા પથુકાકા ઓટલા પર અરીસા સામે બેસી ધોળા વાળને કાળા રંગે રંગતા હતા.  ડાય કરતા કાકાનું આ ડાય-નેમિક રૂપ જોઈને મેં પૂછ્યું , 'કાકા, આ ઉંમરે વાળ રંગવાની પીંજણ શું કામ કરો છો?' 

કાકાએ તડાક કરતો જવાબ દીધો,  'જાતી જિંદગીએ ગુરુઘંટાલોની જેમ મોઢું કાળું કરવા કરતાં વાળ કાળા કરવા સારા!'

મેં પૂછયું , 'તમે હાથે વાળ રંગવા બેઠા છો તે તમારાં ઘરવાળા (હો)બાળાકાકી કેમ ડાય કરી નથી આપતા?' 

પથુકાકાએ જવાબ આપ્યો, 'તારી કાકી પાણો મારીને માથું રંગી નાખે એવી છે એ તું કયાં નથી જાણતો? એને ડાય કરી આપવાનું ભૂલેચૂકેય ન કહેવાય, નહીંતર કાળા-ધોળા કરવાના મુદ્દે લાંબુલચક ભાષણ ફફડાવી દે. એના પરથી જ ઉપરવાળાને પ્રાર્થના કરૃં છું કે હે ભગવાન, આવતે જન્મે મને એક તો સારી હેર-ડાય આપજે અને બીજું , ઘેર-ડાહી આપજે.'

મેં કહ્યું, 'તમારી જેમ કાકી ધોળા વાળ છુપાવવા વાળને ડાય કરે કે નહીં?' 

કાકાએ દાઢમાંથી જવાબ આપતા કહ્યું, 'કાકી તો વાળ રંગવા હોય ત્યારે આડો સેંથો લઈને ડાય કરે અને પાછી કહે પણ ખરી કે જુઓ આડો-ડાય... ત્યારે હું તેને કહું - હું તારી આડોડાઈ જોઈ ચૂક્યો છું...'

મેં પૂછયું, 'કાકા તમને ખબર છે, આજના જમાનામાં તો બધા જ વાળ ધોળા રંગે રંગવાની ફેશન છે?' 

કાકા બોલ્યા, 'આ કાંઈ આજની ફેશન નથી હો! મારા સસરાને માથે થોડા ધોળા વાળ કાળા કરાવવાની કાયમી ઝંઝટથી છૂટવા માટે કેમિકલથી બધા જ વાળા ધોળા કરાવી નાખ્યા હતા. માથે બધા ધોળા વાળને લીધે એમનું નામ શંભુભાઈ હતું છતાં શંભુ સુતરફેણી તરીકે ઓળખાતા હતા. એટલે જ હું તારી કાકીને મજાકમાં કહું છું કે કાળા-ધોળા કરવાવાળા ક્યાંય છાના ન રહે.'

મેં કહ્યું, 'કાકા, ખરેખર જે કાળા-ધોળા કરતા હોય એનાથી આઘા રહેવું સારૃં હો!' 

મારી ટકોર સાંભળતાની સાથે જ કાકા બોલી ઉઠયા, 'કાળા-ધોળા કરવાથી માણસ આઘા રહે, એટલું જ નહીં, માખી-મચ્છર પણ આઘા રહે, તને ખબર છે?'

મેં પૂછયું કે આ વળી નવી વાત ક્યાંથી લાવ્યા? પથુકાકાએ છાપામાં સમાચાર દેખાડીને કહ્યું, 'જપાનમાં ગાયને મચ્છરના અને માખીના ત્રાસથી બચાવવા માટે ગાયના શરીર ઉપર કાળા-ધોળા રંગના ચટ્ટાપટ્ટા કરવાનો નવો ઉપાય અજમાવવામાં આવ્યો છે. આને લીધે મચ્છર-માખીના ત્રાસમાંથી ગાયોને લગભગ ૫૦ ટકા રાહત મળી છે એવો જપાનના વૈજ્ઞાનિકોનો દાવો છે. એટલે દૂરથી જુઓ તો કાળા-ધોળા  પટ્ટાવાળી ગાય ઝેબ્રા જેવી લાગે.'

આ સાંભળી મેં કહ્યું, 'કાળા-ધોળા કરે એમાંથી માણસ દૂર ભાગે અને ગાયોને કાળા-ધોળા કરવાથી માખી-મચ્છર ભાગે, બરાબરને?'

કાકા બોલ્યા, 'ગાયો કાળા-ધોળા રંગે રંગાઈ ગયા પછી કનડગતથી બચી જાય છે, પણ માણસો જ્યારે જુદા જુદા  રંગે રંગાઈ જાય છે ત્યારે ઘણી વાર એને હેરાન થવું પડે છે.'

કાકા ધરમ કે રાજકારણના રંગની ગંભીર વાતને પાટે ચડી જાય એ પહેલાં મેં વાતાવરણ હળવું બનાવવા મઝેદાર ટુચકો સંભળાવ્યો.

એમાં એવું થયું કે એક પાકિસ્તાની ટુરિસ્ટ આફ્રિકા ફરવા ગયો. પકિસ્તાનની ગણના સૌથી વધુ ગધેડા ઉછેરતા દેશમાં થાય છે. એટલે  ટુરિસ્ટે ગધેડા જોયેલા, પણ બીજો કોઈ પ્રાણી ખાસ જોયેલા નહીં. કેન્યાના જંગલમાં ટુરિસ્ટ કોટેજની બહાર આ પાકિસ્તાની ટહેલતો હતો ત્યારે  ત્યાં આવી ચડેલા ગધેડાએ કચકચાવીને લાત ફટકારી. આખી દુનિયાની લાતો સહન કરતા પાકિસ્તાનનો આ ટુરિસ્ટ ગધેડાની લાત સહન કરી શક્યો. એટલે હાથમાં લાકડી લઈ ગધેડાની પાછળ દોડયો. આગળ ગધેડો અને પાછળ પાકિસ્તાની. આગે હૈ કાતિલ મેરા ઔર મેં પીછે પીછે... એવું ગાતો ગાતો આ ટુરિસ્ટ દોડી દોડીને થાક્યો. ગધેડો તો કોણ જાણે ક્યાંય ગુમ થઈ ગયો. પાકિસ્તાનીએ નક્કી કર્યું કે ગધેડાને માર્યા વિના નહીં જ મૂકું. એક પથ્થર ઉપર ટાંપીને બેઠો  હતો ત્યાં ઝાડ પાછળથી એક ઝેબ્રા નીકળ્યુ. ઝેબ્રાને જોતાની સાથે જ પાકિસ્તાની દોડયો અને લાઠી ફટકારતા બરાડયોઃ અબે ગધે, તૂ ક્યા સમઝતા હૈ...નાઈટ-ડ્રેસ પહન કે આયાઈસ લિયે તુઝે પહચાનુંગા નહીં? તુને મુઝે લાત મારી, અબ તું લાઠી ખા...

ખડખડાટ હસીને કાકા બોલ્યા, 'પાકિસ્તાનીઓને ખબર જ નથી પડતી કે કોણ ક્યારે લાત મારીને ભાગી જાય છે. આના પરથી જ કહેવત બની લાગે છે કે, લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે...'

એક વો ભી દિવાલી થી

પરાક્રમી પથુકાકા દિવાળીની ઉજવણી પૂરી થયા પછી અમેરિકાથી આવેલા સ્માર્ટ ગ્રાન્ડસન સાથે બેસીને અલકમલકની વાતો કરતા હતા. મોંઘવારીની વાત નીકળી એટલે કાકા જૂના દિવસો યાદ કરતા બોલ્યા, 'બેટા, તને ખબર છે? એક જમાનો હતો જ્યારે હું ૧૦ રૂપિયા લઈને માર્કેટમાં જતો અને ફ્રુટ, શાકભાજી, દૂધ, દહી, છાશ બધું જ લઈને આવતો.' 

આ સાંભળી ગ્રાન્ડસન તરત જ બોલી ઉઠયો, 'દાદાજી, અત્યારે આ પોસિબલ નથી, કારણ કે બધી શોપ્સમાં સીસીટીવી આવી ગયા છે!'

ગ્રાન્ડસનની વાત સાંભળીને કાકા તો એકદમ સડક થઈ ગયા. પછી જરા સ્વસ્થ થઈને બોલ્યા, 'આ કાંઈ દુકાનમાંથી તફડંચી એટલે કે શોપ-લિફિટંગની વાત નથી, હો! અગાઉના જમાનામાં એટલી ચીપ-વારી (સોંઘવારી) હતી કે ક્વીન-રૂપી (રાણી છાપ રૂપિયો) પણ બુલોક-કાર્ટના વ્હીલ (ગાડાના પૈડા) જેવડો લાગતો.'

ભૂતકાળની વાતોમાં જ ભમરી લઈ લઈને ભમવામાં મજા લેતા પથુકાકાને ટપારતાં (હો)બાળાકાકી બોલ્યાં, 'હે મારા 'ચીપ-મિનિસ્ટર', સોંઘવારીની જૂની વાત સંભળાવવી  બંધ કરો તો સારૃં. આજે માલસામાન મોંઘો અને માણસ સસ્તા થઈ ગયા છે. બીજું કાંઈ નથી. એટલે જ તોમેં તમને ચીપ-મિનિસ્ટર તરીકે સંબોધવા, સમજાયું કે નહીં?' 

પથુકાકા તરત બોલી ઉઠયા, 'મને ભલે તું ચીપ-મિનિસ્ટરકહે, પણ આજેય હું તો 'રોટી, કપડા ઔર મકાન'ના 'મહેંગાઈ માર ગઈ' ગીતની કડી ગણગણું છું ઃ

પહલે મુઠ્ઠી મેં પૈસે લે કર

થૈલાભર શક્કર લાતે થે,

અબ થૈલે મેં પૈસે જાતે હૈ

ઔર મુઠ્ઠી મેં શક્કર આતી હૈ...'

(હો)બાળાકાકી બોલ્યાં, 'હવે તમે મોંઘવારીના ગાણાં ગાવાના બંધ કરોને! ઉપરવાળો છે ને? એ બધુ બેલેન્સ કરતો જ હોય છે. સાકરના ભાવ વધતા ગયા તો ભેગા ભેગા ડાયાબિટીસના દરદીઓ પણ વધતા ગયા કે નહીં?'

પથુકાકાએ દિવાળીના તહેવાર વખતે જે-જે ખરીદી કરી હતી એનાં બિલો પર ફરી પાછી નજર ફેરવી નિસાસો નાખીને કરૂણ સ્વરમાં ગણગણવા માંડયાઃ

'એક વો ભી દિવાલી થી

એક યે ભી દિવાલી હૈ,

ઉજડા હુઆ પેન્શન હૈ

બેલેન્સ સબ ખાલી હૈ...'

અંત-વાણી

શિયાળ ઓઢે સિંહની ખાલ

તો તરત પરખાઈ જાય ચાલ.

*** 

મોર આમ કળા કરે

ચોર કામ કાળાં કરે.