નાળામાં દૂષિત પાણી, ચૂંટણી ગાળામાં દૂષિત વાણી
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
- 'માણસને પાણી અને વાણી જ બઝાવે છે. પાણી અને વાણી બન્ને ચોખ્ખાં હોવાં જાઈએ. વાણી અને પાણી છીછરાં ન હોવા જોઈએ, ઉંડાણ હોવું જોઈએ. પાણી અને વાણી ડહોળાય ત્યારે કારણ વગર ઢોળાય છે.'
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ભારે જળસંકટ ઊભું થયું હતું એ વખતનો કિસ્સો યાદ આવે છે. સાર્વજનિક નળ પાસે કેટલીય દમયંતી બેડાં લઈને લાઈનમાં ઊભી હતી. પાણી-કાપ મૂકાયો હોવાથી ધીમી ધારે પાણીની દદંુડી પડતી હતી. એમાં એક જોરાવર મહિલા ધરાર આગળ જઈને વચ્ચેથી બેડું ભરવા માંડી. પાછળવાળાએ રાડારાડ કરી મૂકી. પછી તો વાત વધી પડી અને વિફરેલી વનિતાઓએ વચમાં ઘબસેલી મહિલા ઉપર ખાલી બેડાથી પ્રહાર શરૂ કરી દીધો.
રણચંડી નહીં પણ જળચંડી બનેલી આ કાળઝાળ મહિલાઓની સર્જિકલ સ્ટ્રાઈકથી હેબતાઈ ગયેલી જોરાવર મહિલા પોતાનું બેડું પડતું મૂકીને ભાગી ગઈ. મહિલાઓએ પાણી-કાપમાં પણ પાણી દેખાડયું એ જોઈને સહુએ બેડાયુદ્ધમાં જીતેલી મહિલાઓને બિરદાવતા નારાબાજી નહીં 'નારી-બાઝી' કરી કે-
નારી કભી ના હારી,
જોરાવર બાઈનેેય હાંકી.
ખાલી બેડા મારી મારી.
આ કિસ્સો યાદ આવ્યો તેની સાથે કોઈ વિદ્વાનનું વાક્ય યાદ આવ્યું કે 'ભવિષ્યમાં પાણીના મુદ્દે યુદ્ધો ફાટી નીકળશે.'
મારી વાત સાંભળી પથુકાકા બોલ્યા, 'સાવ સાચી વાત છે. ભવિષ્યની ક્યાં વાત કરે છે? અત્યારે જ વોટર-વોર શરૂ થઈ ગઈ છે. જુદાં જુદાં રાજ્યો પાણી માટે જ બાઝે છેને?'
મેં કહ્યું, 'કાકા, મારૃં આ પાણીદાર સૂત્ર ગોખી રાખો કે માણસને પાણી અને વાણી જ બઝાવે છે. પાણી અને વાણી બન્ને ચોખ્ખાં હોવાં જાઈએ.
વાણી અને પાણી છીછરાં ન હોવા જોઈએ, ઉંડાણ હોવું જોઈએ. પાણી અને વાણી ડહોળાય ત્યારે કારણ વગર ઢોળાય છે.'
કાકા બોલ્યા, 'સુધરાઈવાળા લોકોને અપીલ કરે છે કે પાણી બચાવો, પાણી જાળવીને વાપરો, પાણીનો વેડફાટ અટકાવો, બરાબર? તો એવી રીતે નેતાઓને કોઈ કેમ નહીં કહેતું હોય કે વાણીનો વેડફાટ અટકાવો, વાણીને જાળવીને વાપરો? જળ એ જીવન છે, વોટર ઈઝ લાઈફ...'
મેં કાકાને કહ્યું, 'તમારી વાત સો ટકા સાચી કે જળ જીવન છે, વોટર ઈઝ લાઈફ... પરંતુ વાણીનો વેડફાટ કરતા આ નેતાગણ માટે તો વોટર (મતદાર) ઈઝ લાઈફ... નો વોેટર નો લીડર!'
ખોંખારો ખાઈને કાકાએ કહ્યું, 'એ વાત બરાબર છે, પણ પાણીની જેમ વાણી જાળવીને કેમ ન વાપરી શકાય? મને તું એક સવાલનો જવાબ આપ કે ઘણીવાર ચોમાસા પહેલાં પાણી-કાપ મૂકાય છે એમ ચૂંટણી પહેલાં વાણી-કાપ કેમ નથી મૂકાતો?'
મેં કહ્યું,'કાકા, આ ચુનાવી રાજકારણમાં આપણી જેવાને વોટર (પાણી) બચાવે છે અને ઉમેદવારોને વોટર (મતદાર) બચાવે છે.'
જૂની વાત યાદ કરતા પથુકાકાએ કહ્યું, 'મારા બાપદાદા બર્મામાં રહેતા. બાપા કહેતા કે બર્મામાં હોળી જેવો વોટર ફેસ્ટિવલ યોજાય. એમાં ફેર એટલો કે આપણે જેમ ગુલાલ અને રંગોથી હોળી-ધૂળેટીએ રમીએ એમ બર્માવાળા એકબીજા પર ચોખ્ખું પાણી ઉડાડે, પાણીની પિચકારીઓ છોડે અને એકબીજાને ભીંજવે છતાં કપડાં પર એક ડાઘ સુદ્ધાં ન લાગે, બોલો.'
મેં કહ્યું, 'ચોખ્ખા પાણીથી ઉજવાતા આ વોટર ફેસ્ટિવલમાં એકબીજા પર ડાઘ સુદ્ધાં ન લાગે, બરાબર? પણ આપણા દેશમાં દર પાંચ વર્ષે ઉજવાતા મતદારોે એટલે કે વોટરોના આ ફેસ્ટિવલમાં તો પહેલેથી જ કેટલાય ડાઘાડૂઘીવાળા ઉમેદવારો રાજ-રમતના મેદાનમાં ઠેકી પડતા હોય છે કે વોટરો તરફથી એમના પર ગમે એટલા વોટરની પિચકારીઓ છોડવામાં આવે છતાં ડાઘ નથી જતા. બાકી તો સમજદાર વોટરો જો 'વોટર' દેખાડે તો જ આ ડાઘાડૂઘીવાળા ડાધુઓ દૂર હડસેલાય.'
અને નેતાગણની તો સાઈકોલોજી નહીં, પણ માઈકોલોજી સહુ જાણે છે. જેવા માઈક સામે ઊભા રહે એટલે પછી દૂષિત પાણીના નહીં, પણ દૂષિત વાણીના જ ફૂવારા છોડવા માંડે છેને? એટલે જ હું તો કહું છું કે નો પોલિટિક્સ વિધાઉટ પોલ્યુશન.
દિલથી ઉડાડે એકબીજા ઉપર દૂષિત વાણી,
જેને ધોવા કામ ન આવે કોઈ પાણી,
બધું સમજે છે વોટરોની જમાત શાણી, વોટરો જ્યારે પછાડશે
ત્યારે એ માગશે નહીં પાણી.'
પથુકાકા બોલ્યા, 'ભાઈ, આ તો વાણી તારા પાણી એમ કહેવાય. કોઈ વાપરે પાણીદાર વાણી તો કોઈ વાણીથી ફેરવી દે પાણી. પોલ્યુશન કન્ટ્રોલ બોેર્ડવાળા રસાયણના કારખાનાવાળાને નોટિસ આપીને તાકીદ કરતા હોય છે કે દૂષિત પાણી ટ્રીટમેન્ટ (પ્રક્રિયા) કરીને નદી-નાળામાં છોડો, પણ બધા કારખાનાવાળા ક્યાં દાદ દે છે? એવું જ પોલિટિક્સનું છે હો! જાહેરમાં વાણી છોડતા પહેલાં ક્યાં કોઈ પ્રક્રિયા કરીને છોડે છે?'
મેં કહ્યું, 'કાકા, પોલિટિક્સ અને પોલ્યુશનની બાબતમાં આમ જ લોલેલોલ ચાલે છેને! એટલે જ હું કહું છું કે નાળામાં દૂષિત પાણી છોડાય અને ચૂંટણીના ગાળામાં દૂષિત વાણી છોડાય.'
અંત-વાણી
ગરીબોના ઘરે ખાય રોટલા,
અને પછી કહેશે વોટ-લા
મતની કિંમત માંગનારા કહેશેે
નોટ-લા.
** ** **
પ્રેમીઓ વાપરે હેત-વાણી
વિરોધીઓ વાપરે હેટ-વાણી.
** ** **
ઉસે કૌન સૂન સકતા હૈ,
વક્તા જો બકતા હૈ.