FOLLOW US

'વણે' નરસૈયો તેનું દર્શન કરતા (અનુ)કૂળ એકોતેર તાર્યા રે....

Updated: Feb 28th, 2023


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

જાગને જાદવા

કૃષ્ણ ગોવાળીયા

તુજ વિના

ધેનમાં કોણ જાશે...

પહેલી જ વાર સવારના પહોરમાં પથુકાકા અને (હો)બાળાકાકીને સૂરમાં નહીં, બકા-સૂરમાં  ગાતા સાંભળી હું પથારીમાંથી ઊઠી આંખો ચોળતો ચોળતો  એમના ઓટલે ગયો અને પૂછ્યું,  'સવાર-સવારમાં આ શું ગાવા માંડયાં? પાડોશીની ઊંઘ બગડે કે નહીં?' કાકા બોલ્યા, 'અમે બન્નેએ  મોર્નિંગયા એટલે  પ્રભાતિયાં ગાવાનું શરૂ કર્યું છે. અમે ઊંઘ બગાડવા નહીં, સહુને જગાડવા ઓટલે બેસી  ગાઈએ છીએ, પડી સમજ? અમારા જેવાં  વીરપુરના સદાય જાગૃત સંતના ભક્તો કહે  છે કે કોઈને એલારામ (એલાર્મ)  જગાડે, તો  કોઈને જલારામ જગાડે...'

મોર્નિંગીયા પૂરા થયા પછી કાકા-કાકીએ ભજન ઉપાડયું, 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણેે રે... એમાં છેલ્લી કડી કાને પડી. એ સાંભળી હું ચોંક્યો.  બન્નેએ ગાયું ઃ 'વણે' નરસૈયો  જેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યા રે...'

મેં કાકાને ટપાર્યા કે 'વણે' નરસૈયો નહીં પણ ભણે નરસૈયો  એમ ગાવ... કેમ ગોટાળો કરો છો? પથુકાકા 'સોરી... સોરી... સોરી' કહી બોલ્યા, 'આ હમણાં જ આપણાં નર-સિંહને પાટલો વેલણ લઈ રોટલી વણતા છાપામાં ફોટામાં  જોયા એટલે  'ભણે' નરસૈયો ... ને બદલે 'વણે' નરસૈયો ગવાઈ ગયું. ભૂલ થઈ ગઈ, બસ? બાકી આમ તો બેઉ નર-સિંહ વડનગરા ખરાને?' 

મેં કાકાને ચાનક ચડાવતા કહ્યું, 'તો તો પછી તમારી  રીતે શબ્દ રમત કરીને થોડું ગાઈ સંભળાવોને?'

કાકા તરત જ ખોંખારો ખાઈને લલકાર્યુંઃ

''વણે' નરસૈયો

જેનું દરશન કરતા

(અનુ)કૂળ એકોતેર

તાર્યા  રે...'

પછી બોલ્યા , 'અત્યારના નર-સિંહને જે અનુકૂળ હોય એને તાર્યા અને પ્રતિકૂળ હોય એને ટાળ્યા...'

મેં કહ્યું, 'કાકા, અત્યારના વડા રોટલી વણે તો છે! ઓલા વિપક્ષી પરમ-પૂજ્ય (પપૂ) તો ગરીબોને ઘરે તૈયાર ભાણે રોટલા ખાવા બેસી જાય છે  એનાં ફોટા છાપામાં જોયા હતા, યાદ છેને?'

કાકાબોલ્યા, 'જો ભાઈ, એક વાત ધ્યાનથી સાંભળ કે રોટલી કે રોટલા બનાવવામાં શું જોઈએ? લોટ, બરાબર? હવે આ સત્તાધારી  હોય કે પછી વિપક્ષી, એના રોટલા કે રોટલીમાં લોટ સાથે વોટની પણ મિલાવટનું  ધ્યાન  રાખવામાં આવે છે. એટલે જ મારે 'ભારત-જોડો'ને બદલે 'જોડકણાં જોડો' યાત્રા  ચાલુ રાખવી પડે છેને? સાંભળ નવું એક જોડકણું-

રૈયત વણે રોટલી

વડા વણે વોટલી

ચૂંટણી વખતે ખોલી પોટલી

સહુ ગણે કેટલી થઈ વોટલી.'

મેં કહયું, 'કાકા, સત્તાધારી હોય કે પછી  વિપક્ષી હોય, રોટલા-રોટલીનું જ રાજકારણ ખેલાય છેને? એટલે જ કહેવું પડે કે-

ચૂંટણી ટાણે ખોલે

વચનની પોટલી,

અને એમાંથી કાઢે

મફતની રોટલી,

જીતીશું તો આપીશું મફત ધાન

એમ કહી હાથમાં રાખે

ગરીબોની ચોટલી.'

પથુકાકા બોલ્યા, 'હવે આજકાલના મતદારો પણ કાંઈ મૂરખ નથી કે મફતમાં લોટ આપે એને જ વોટ આપે સમજાયું? જુદા જુદા ધાન્યમાંથી  બનાવેલા 'મલ્ટી-ગ્રેન' બિસ્કિટ આવે છે , ખબર છેને? એવી રીતે જુદી જુદી  પાર્ટી પાસેથી લોટ લઈ લઈને આ 'મલ્ટી-બ્રેન' વોટરો વોટ તો આપવો હોય એને જ આપે! એટલે જ તો આ લોટ અને વોટનું રાજકારણજોઈમારે જોડકણું કહેવું પડે છે કે-

જે સત્તા માટે મૂકે દોટ

ભલે એ મફતમાં વહેંચે લોટ

પણ જનતા મરજીથી આપે વોટ

લોકોને જરાય સમજશો 

નહીં ભોટ.'

મેં કહ્યું, 'કાકા, ભોજનિયું રાજકારણ ખેલતા અને પછી ખીચડી સરકારો રચતા  આ નેતાઓને જોઈને મને વિચાર આવે છે કે રસોડાની રાણી તો સ્ત્રી  છે, તો રાજકારણના રસોડે કેમ આ પુરૂષોની બોલબાલા છે?'

ખંધુ હસીને કાકાએ જવાબ આપ્યો , 'રસોડાની રાણી ભલે સ્ત્રી હોય, પણ દેશ-દુનિયામાં  ટોચના રસોઈયાઓ (શેફ) પુરૂષો જ છેને! તું ટીવીના  કૂકિંગ શો જુએ છે કે નહીં? એક્સપર્ટ  કૂક સવારે ટીવીના પડદા પર આવી કૂક... રે... કૂક પોકારે છે એટલે ગૃહિણીઓ નવી નવી  વાનગી  શીખવા બેસી જાય છે. રસોડામાં  વાનગી હોય અને રાજકારણના રસોડામાં  ખાનગી હોય. રસોડામાં  થાય વાનગી અને રાજકારણના રસોડે  વિરોધીઓની થાય ર-વાનગી.'

મેં કહ્યું, 'કાકા, હવે તો મુંબઈ જેવા સિટીમા ંહસબન્ડ-વાઈફ બન્ને  જોબ કરતા હોય  ત્યારે પછી ધણીએ પણ રાંધતા શીખવું જ પડેને?  તમને ખબર છે, મુંબઈમાં  તો પુરૂષોને રોટલી વણવાનું  શીખવવા માટે કૂકિંગ કલાસવાળાએ  રોટલી વણતા શીખવવા શોર્ટ-ટર્મ કોર્સ શરૂ કર્યો છે!'

કાકા બોલ્યા, 'પહેલાંના જમાનામાં  લોકો કાંધોતર દીકરાની  આશા રાખતા, જ્યારે આજકાલની મોડર્ન કન્યાઓ રાંધોતર ધણીની અપેક્ષા રાખે છે.'

મેં કહ્યું, 'એટલે જ સુગર-ફ્રીની જેમ રાંધવાની સંપૂર્ણ જવાબદારીમાંથી  મુક્ત થયેલી કૂકર-ફ્રી મહિલાઓ ટેસથી ગાતી ફરે છે-

હું તો લ્હેરથી ધૂમું 

ફૂદરડી ફરી ફરી,

ધણી મારો કળાયેલ કૂકર

અને હું એની કૂકરી...'

પથુકાકા ટીવીમાં જોયેલા સમાચાર  યાદ કરી બોલ્યા ,'તને ખબર છે, પાડોશી દુશ્મન પાકિસ્તાનમાં વોટ પડાવવા નહીં, લોટ પડાવવા માટે  રમખાણો થાય છે?' મેં ડોકું ધુણાવી હા પાડતા કહ્યું, 'આપણે ત્યાં ભૂખ લાગે માટે ઘણા ગોળી ખાય છે, જ્યારે પાકિસ્તાનમાં ભૂખ લાગે ત્યાંરે (બંદૂકની) ગોળી ખાવા તૈયાર થઈ જાય છે. ત્યાંના  એક શાયરે હમણાં જ લખેલું -

અવામ રોતી હૈ

બોલો કહાં રોટી હૈ?'

કાકા બોલ્યા, 'કાયદે આઝમ ઝીણાએ પાકિસ્તાન ઊભું કર્યું ત્યારે કલ્પના નહીં હોય કે  ભવિષ્યમાં પાક પ્રજાએ રોટી  માટેય કરગરવું પડશે. એટલે જ અત્યારે આખી દુનિયા પાસે હાથ લાંબો કરી રોકડાની ભીખ માગતી સરકાર અને રોટલાની ભીખ માગતી ગરીબ પ્રજાને જોઈને કહેવું પડે કે આ કાયદે આઝમનું  પાકિસ્તાન છે કે કાંઈ-દે-આઝમનું? આ જોઈને જોડકણું નહીં પણ તોડકણું કહેવ પડે કે - 

પાકલાની દાનત ખોટી,

પછી કોણ આપે રોટી?

ખાના કરતાં ખાનાખરાબીની 

લત મોટી,

કારણ પાકની ચીનના હાથમાં ચોટી.'

મેં કહ્યું, 'એટલે જ હું કાયમ ખોંખારો  ખાઈને કહું છું કે ભારતમાં ગણતંત્ર છે અને પાકિસ્તાનમાં  મા-ગણતંત્ર.'

હું અને કાકા રોટીની રામાયણ કરતા હતા ત્યાં  પાવ અને નાનખટાઈ વેચતો ફેરિયો માથે પતરાની પેટી લઈ નીકળ્યો અને  ઊંચા અવાજે સાદ  પાડતો જાય રોટી... ડબલ રોટી...'

પથુકાકા બોલ્યા, 'હમણાં તો બધે ડબલ એન્જિન સરકારની રાડ બોલે છે, પણ આ ડબલ-રોટીની રાડ ઘણા વખતે સાંભળી, ખરૃં કે નહીં?'

મેં કહ્યું, 'હવે ડબલ-રોટીની જ રાડ સંભળાશે, જોજો તો ખરા? એક જ પાર્ટીની  કેન્દ્રમાં  અને રાજ્યમાં  સરકાર હશે ત્યાં નેતાઓ પોતપોતાની  રોટલી શેકવામાંથી ઊંચા નહીં આવે.  ત્યારે પછી નાછૂટકે કહેવું પડશે -

ફક્ત નારા લગાવશે

જય જય ડબલ-રોટી સરકાર,

જનતાની જો કરશે નહીં દરકાર

તો આવતી ચૂંટણીએ

ખમવી પડશે ફટકાર.'

રોટલી-રોટલા પુરાણ ઉપર પૂર્ણ-વિરામ મૂકતા પથુકાકા બોલ્યા - 

'જે મોટાભાને રોટલી

વણવી હોય એ વણે,

વિપક્ષી ભલે રોટલીને વોટલી

ગણી ચણભણે,

પ્રજા તો બિચ્ચારી અચ્છે દિન

આવવાના દિવસ ગણે.'

અંત-વાણી

જબલપુરમાં પ્રશાસને પ્રદૂષણ ઘટાડવા તંદુરમાં રોટી શેકવાની મનાઈ ફરમાવી. ટૂંકમાં આ આદેશ ચાર લાઈનામાં કહી શકાય-

તંદૂરમાં પકાવશો જો રોટી

તો લાખોના દંડ જાશે ચોંટી,

પ્રદૂષણે પળોજણ ઊભી કરી મોટી

સામા થવાની હિંમ્મત ના કરશો

ખોટી.

Gujarat
News
News
News
Magazines