- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
આવ્યા છો તમે,
ઉતારા કરતા જાવ.
ઉતારા અમે કેમ કરીએ ગોરી,
હારે ભાઈબંધની જોડી.
આવ્યા છો તમે,
ભોજન કરતા જાવ.
ભોજનીઓ અમે કેમ
કરીએ ગોરી,
હારે ભાઈબંધની જોડી.
આહાહા... સૌરાષ્ટ્રના મોટા મનના માનવીયુંની મહેમાનગતીની ઝાંખી કરાવતું આ કેવું સુંદર લોકગીત છે! આવું મેં કોઈને નહીં પણ પથુકાકાને પૂછ્યું. સવાલ સાંભળી કાકા જરાક મૂછમાં હસીને બોલ્યા, 'મને તો આ લોજિંગ-બોર્ડિંગનું ગાણું લાગે છે, ઉતારા કરતા જાવ... ભોજન કરતા જાવ...'
મેં કાકાનો જવાબ સાંભળીને કહ્યું, 'કાકા, આ લોકગીતમાં સૌરાષ્ટ્રની પ્રજાનો ભાવ જોવાનો છે, લોજિંગ-બોર્ડિંગનું ભાડું નહીં, સમજાયું કે નહીં?'
પથુકાકા બોલ્યા, 'અમે તો તારી આ (હો)બાળાકાકીએ સિનિયર સિટીઝનની કલબમાં લોકગીત લલકાર્યું કે: પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ'તી... ગીત પૂરૃં થયું ત્યારે એક ટીખળી મેમ્બરે પૂછ્યું કે બાળાબેન, ઠેઠ પાવાગઢ ગયા તો સાથે માત્ર પાવલી લઈને જ કેમ ગયા? કાકીએ તડાક કરતો જવાબ દીધો કે પાવલી લઈને એટલે તમારા આ કાકાને લઈને ગઈ'તી, સમજ્યા? અમારામાં ધણીનું નામ ન લેવાયને એટલે મેૅં ગાયું કે, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ'તી...'
મેં કાકાને પૂછ્યું, 'તમે નક્કી ક્યાંક ડાયરામાં આ ટુચકો સાંભળીને તમારા અને કાકીના નામે ચડાવી દીધો લાગે છે, સાચું કે નહીં?'
કાકા બોલ્યા, 'હા ભાઈ હા... ડાયરામાં આ ટુચકો સાંભળેલો. બસ, હવે તારા જીવને શાંતિ? એક જમાનામાં ગામેગામ ડાયરા યોજાતા એ વખતે તો ડાયરાના કલાકારો નજીવો ચાર્જ લઈને આખી રાત ગળું છૂટ્ટું મેલીને ગાતા. ડાયરામાં મહિલા લોકગાયિકાઓ એટલે ડાયરીઓ પણ ખૂબ રંગ જમાવતી. આ કલાકારો નજીવો ચાર્જ લઈને ગાતાં. જ્યારે હવે તો ડાયરાવાળા અને હાસ્ય કલાકારો લાખો રૃપિયા ઢીલા કરો ત્યારે ગાવા અને હસાવવા તૈયાર થાય છે. ડાયરાવાળાના ચાર્જ સાંભળીને ભલભલાને ડાયરિયા થઈ જાય ડાયરિયા...'
મેં કાકાને કહ્યું, 'હમણાં જ એક જાણીતા હાસ્યકલાકાર અને હાસ્યલેખક મિત્રે મજેદાર અનુભવ કહ્યો. ઉત્તર ગુજરાતના કોઈ શહેરમાંથી એમને સાહિત્યની પ્રવૃત્તિ કરતી સંસ્થાના મોભીનો ફોન આવ્યો કે અમે અમારા શહેરમાં તમારો હાસ્ય-રમૂજનો કાર્યક્રમ ગોઠવવા માગીએ છીએ. તમારી પૂરેપૂરી આગતાસ્વાગતા કરવામાં આવશે, સન્માનવામાં આવશે અને આ કાર્યક્રમથી તમને ખૂબ નામના મળશે. હાસ્યલેખક અને હાસ્યકલાકારે મોભીને મોઢે ચોપડાવી કે મારૃં નામ જાણીતું છે એટલે તો તમે મારો કોન્ટેકટ કર્યો. હવે બીજી વાત પછી, પહેલા એ ાત કહો કે પેમેન્ટ શું આપશે?
પેમેન્ટની વાત સાંભળીને મોભી જરા મોળા પડી ગયા છતાં ખોંખારો ખાઈને બોલ્યા કે અમે તો સાહિત્યની સેવા કરીએ છીએ. એટલે જો કોઈ કલાકાર કે લેખકની અત્યંત નબળી સ્થિતિ હોય તો આવવા-જવાનું ગાડીભાડું આપીએ છીએ, બાકી તમારા જેવા જાણીતા હાસ્યકાર આવેને તો અમે બે ટંક પેટ ભરીને જમાડીએ છીએ અને રાત્રે ઉતારાની સગવડ કરી આપીએ છીએ. બાકી તો મારા સાહેબ, પૈસા તો હાથનો મેલ કહેવાય મેલ, શું ક્યો છો? હાસ્યકારે હસીને જવાબ આપ્યો- પૈસો હાથનો મેલ ભલે રહ્યો, એ મેલ કાઢીને તમતમારે આપી દેજોને? અમે બધા 'મેલખાઉં' પ્રોફેશનલ કલાકારો જ છીએ. હાહાહા...'
પથુકાકા આ કિસ્સો સાંભળીને બોલી ઉઠયા, 'ચાર્જ કર્યા વિના મોબાઈલ પણ નથી ચાલતો ત્યાં ચાર્જ વગર માણસ ક્યાંથી ચાલે? હું એટલો નસીબદાર છું કે કે અનેક કલાકારોને જોયા છે, માણ્યા છે, જાણ્યા છે.'
થોડા વખત પહેલાં રાજકોટ જવાનું થયું. રાજકોટમાં મને જોઈને બહુ નવાઈ લાગી કે ઠેકઠેકાણે લાઈવ ઢોકળાના સ્ટોલ જોવા મળ્યા. મેં અમારા યજમાનને પૂછ્યું કે લાઈવ પ્રોગ્રામ ઘણા જોયા, પણ આ લાઈવ ઢોકળા એટલે શું? યજમાને કહ્યું,'કૂકરમાંથી વરાળ નીકળતા ઢોકળા કાઢીને પીરસે એને કહે લાઈવ ઢોકળા.'
બીજે દિવસ યજમાનની નાતના ફંકશનમાં લઈ ગયા. નાતના કલાકારોને અને છદ્મકલાકારોને સન્માનવાનો સમારંભ હતો. એક ટેબલ પર હારબંધ ટ્રોફીઓ ગોઠવેલી હતી. પ્રમુખશ્રી માઈક સામે આવીને એક પછી એક નામ બોલતા ગયા અને કલાકારોને ટ્રોફી આપતા ગયા. પહેલુ નામ બોલાયું - ગાયક ગિરધરજી સધ્ધરજી, પછી વાયોલિનવાદક રોહિત રંગીલાજી, તબલાવાદન અને ટેબલ પર હાથ પછાડી ટેબલાવાદન કરતા ટપુભા તબલચી વગેરે વગેરે... પ્રમુખશ્રી છેલ્લું નામ બોલ્યા અને પરચિય આપ્યો, 'હવે હુ જેનું નામ લઉં છું તેને સહુ ગાયકીને લીધે નહીં ખાઈકીને લીધે ઓળખે છે, એ છે ખમણ-સમ્રાટ ખીમજી ખમણ ઢોકળાવાળા...'
તાલીઓના ગડગડાટ થયા અને ખમણ સમ્રાટે ખાસ ફૂલેલા ઢોકળાના આકારની ટ્રોફી સ્વીકારી.
ફંકશન પૂરૃં થયા પછી મેં પ્રમુખશ્રીને પૂછ્યું, 'તમે કલાકારોને તો સન્માન્યા પણ સાથે સાથે ઢોકળાવાળાનંર કેમ બહુમાન કર્યું?'
પ્રખુખશ્રીએ જરા કતરાઈને મારી સામે જોઈ જવાબ આપ્યો, 'લોકો જુદી જુદી કળામાં નિપુણતા મેળવે છે એમ દુનિયાભરમાં ગુજરાતીઓની આગવી ઓળખ બની ગયેલા ઢોકળા બનાવવા એ પણ એક કલા જ છેને! એટલે જ સહુ કલાકારની સાથે આ ઢોકળાકારનું પણ સન્માન કર્યું, એમાં શું ખોટું કર્યું? કહે છે ને કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં ઢોકળાની સોડમ જાતી...'
પ્રમુખશ્રીનો જવાબ સાંભળીને હોલની બહાર સરકી ગયો ત્યારે મારા કાનમાં કોઈ ગઝલની પેરડી ગુંજવા માંડી-
જ્યારે કળા કળા નહીં
ઢો-કળા બની જશે...
મુંબઈ આવી પથુકાકાને જ્યારે મેં ઢોકળાકારની વાત કરી ત્યારે તેમણે 'તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી...' ગીત ગણગણીને કહ્યું કે દિલીપ ધોળકિયા જેવા ગુણી ગાયક-સંગીતકાર લાખોમાં એકપાકે છે, બાકી તો ઢોકળાની જેમ ફુલીને ફાળકોે થઈ ફરતાં કરાઓકેવાળા લાઈવ ઢોકળિયા જ ભટકાય છેને?
એક જમાનામાં સૌરાષ્ટ્રના નાના ગામે કે ગામડે ડાયરા યોજાતા, જ્યારે આજે તો મુંબઈ જેવા શહેરોમાં અને પરદેશમાં પણ ડાયરાના રીતસ ર ટિકિટ શો યોજાવા માંડયા છે.
મને તો લગભગ અડધી સદી પહેલાં વતન જામખંભાળીઆ બાજુ યોજાયેલો ડાયરો યાદ આવે છે. દિવાળીના દિવસોમાં ગામવાળાએ ડાયરો ગોઠવ્યો. સૌરાષ્ટ્રના ટોચના લોકલાકારોને આમંત્રણ અપાયા, પણ તૈયાર સ્ટેજ તો હતું નહીં અને તહેવારના દિવસોમાં ડેકોરેટર્સ પણ મળે એમ નહોતા. હવે શું કરવું? ત્યાં ઘરડા ગાડાં વાળે એ કહેવત સાચી પાડતા હોય એમ બે-ચાર ઘરડા બાપા ગાડા નહીં ગાડી વાળી આવ્યા. એટલે બે ઊંટગાડી લઈ આવ્યા. બે ઊંટગાડીના કેરિયર ભેગા કર્યા. એક ઊંટનું મોઢું પૂર્વમાં અને બીજા ઊંટનું મોઢું પશ્ચિમમાં પછી બન્ને ઊંટગાડીના કેરિયર ઉપર જાડી જાજમો પાથરી માઈક ગોઠવી કામચલાઉ સ્ટેજ ઊભું કરી દીધું. ડાયરો સાંભળવા હક્ડેઠઠ્ઠ માણસ ભેગું થયું. ડાયરો શરૃ થયો. ગાયકો દુહા-છંદ અને લોકગીતોની રમઝટ બોલાવવા મંડયા. પછી તો ડાયરો ધીમે ધીમે રંગ પકડવા માંડયો. એક હલકદાર ભજનમાં ઢોલક અને તબલાવાળાએ ઉપરાઉપરી એવી જોરદાર થાપ મારી કે અત્યાર સુધી નિરાંતે ચારો ચરતા બન્ને ઊંટ ભડક્યા અને એકમેકની વિરુદ્ધ દિશામાં ભાગ્યા. કલાકારો સામૂહિક રીતે જાણે ધરતીમાં સમાણા. તબલા, હાર્મોનિયમ અને એકતારો ઉડીને પડયા. કપડાં ખંખેરી માંડ ઊભા થયેલા જાણીતા હાસ્યકલાકાર બોલ્યા, 'અમારી ચડતી આખી દુનિયાએ જોઈ, પણ આમ સામૂહિક પડતી જોવાનો લ્હાવો તો ખંભાળી આવાળાને જ મળ્યો હો મારા બાપલા...'
અંત-વાણી
સવાર: ડાયરામાં ગાઈને નામના મેળવનારી મહિલા કલાકારે પોતાનું નામ શું રાખવું જોઈએ?
જવાબ:મહિલા કલાકારે સાયરબાનુને બદલે પોતાનું નામ ડાયરાબાનુ રાખવું જોઈએ.
***
સવાલ: પોલીસ લોકઅપમાં આરોપીને ફટકારે અને તે રાડારાડ પાડે એવી રીતે રાડો પાડી પાડીને ડાયરામાં ગાતા હોય એવાં કલાકારને શું કહેવાય?
જવાબ: એવાં કલાકારને લોક-કલાકારને બદલે લોક-અપ કલાકાર કહેવાય.


