Get The App

ત્રાસવાદ પાછળના પાકિસ્તાનના હાથને કાપી બનાવો કાપીસ્તાન

Updated: May 27th, 2025

GS TEAM

Google News
Google News
ત્રાસવાદ પાછળના પાકિસ્તાનના હાથને કાપી બનાવો કાપીસ્તાન 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

ઘાયલ સિપાહીની જેમ પરમવીર નહીં, પણ પરણવીર પથુકાકા હાથ ઉપર બરફની કોથળીથી શેક કરતા હતા.

મેં કાકાને પૂછ્યું, 'આ શું કરો છો? ત્યારે કાકાએ  અંગ્રેજી અને ગુજરાતીની મિલાવટવાળી ગુજરેજી ભાષામાં હસીને જવાબ આપ્યો કે 'હેન્ડ-શેક કરૃં છું હેન્ડ-શેક.'

કાકાનો ગુજરેજી જવાબ સ ાંભળી મેં દાદ અને બગદાદ આપતાં કહ્યું , 'ભારતના ભાગલા વખતે કદાચ  પંડિત જવાહરલાલ નેહરૂ અને ઝીણાએ છૂટા પડતાં પહેલાં છેલ્લી વાર હેન્ડ-શેક કે શેક-હેન્ડ કર્યા હશે એ પછી જ આ બધી પીડા ઊભી થઈ છેને? આમાં ફેર એટલો છે કે તમને હાથની પીડા ઊભી થઈ એ પછી 'હેન્ડ-શેક' કરો છો જ્યારે નેહરુ અને ઝીણાએ શેક-હેન્ડ કર્યા પછી આ બધી પીડા ઊભી થઈ, બરાબરને? હવે મને જવાબ આપો કે હાથમાં ઈજા કેવી રીતે થઈ?'

ટીવી ઉપર કલાકો સુધી ભારત-પાકિસ્તાનના યુદ્ધજન્ય   સમાચારો  જોઈને એ ભાષા બોલવા માંડેલા કાકાએ કહ્યું,'હિન્દુસ્તાને સર્જિકલ એર સ્ટ્રાઈક કરીને જેમ પાકિસ્તાનની કમર તોડી નાખી એમ તારી કાકીની કાકીસ્તાની ઘેર-સ્ટ્રાઈકથી હાથની કોણી તૂટી ગઈ.'

મેં ખડખડાટ હસીને કહ્યું, 'આ તો હાથના કર્યા હૈયે વાગ્યા એવું થયુંને?  પરંતુ કારણ તો કહો કે શા માટે તમારે કાકીસ્તાની ઘેર-સ્ટ્રાઈકનો ભોગ બનવું પડયું?'

પથુકાકા બરફની કોથળી ટેબલ પર મૂકીને બોલ્યા, 'મેં તારી કાકીને ખીજવવા માટે અમસ્તું જ કહ્યું  કે જો તું મને રોજેરોજ વાસી ખાવાનું ખવડાવવાનું બંધ નહીં કરે ને તો તને દૂરને ગામ  આવેલા તારા પિયરે મૂકી આવીશ અને એને નામ ઓપરેશન-દૂર આપીશ, જોજે તો ખરી? આ સાંભળતાની સાથે જ વિફરેલી તારી (હો)બાળાકાકીએ વેલણથી મારી કોણી ઉપર પ્રહાર કરીને કોણી તોડી નાખી, બોલ. હાથે કરી સામેથી મેળવી બોણી એમ તારી કાકીએ તોડી નાખી કોણી...'

મેં કહ્યું, 'કાકા, તમે કાકીને અમથો ત્રાસ આપો તો હાથ જ તોડી નાંખે ને?' 

આ સાંભળી પથુકાકા બોલ્યા, 'હું કાંઈ એવો ત્રાસ નથી આપતો કે હાથની કોણી તોડી નાખે. બાકી તો ભારત માટે કાયમ ત્રાસરૂપ  બની  રહેલા પાકિસ્તાની ત્રાસવાદીઓના હાથ જ કાપી નાવા જોઈએ.'

મેં કહ્યું, 'ભીખ માગી માગીને ભીખીસ્તાનમાં ફેરવાઈ ગયેલું પાકિસ્તાન ભીખના કટોરા સાથેના હાથ લાંબા કરી કરીને ભીખમાં જે પૈસા મેળવે  ઈ પૈસા ત્રાસવાદીઓ પાછળ ખર્ચે છે.'

પથુકાકા તરત બોલી ઉઠયા, 'હું એટલે જ તો કહું છું કે કાપાકાપી કે પાકાપાકી ચલાવીને 'પાકી'ના હાથ નાખો 'કાપી' અને પછી પાકીસ્તાનમાંથી બનાવી નાખો કાપીસ્તાન... ના રહે હાથ, ના રહે હાથા અને ના રહે હથિયાર...'

હાથમાં પાક ને પાકનો હાથ

પહેલું સુખ તે જાતે નર્યા અને બીજું સુખ તે ડોકટરે ઠર્યા. મારા નસીબમાં બેમાંથી એકેય સુખ નથી લખેલું. અમારા ફેમિલી ડોકટર નયન રાણાની વાત કરું. એક વાર રાણા પાસે ગયા એટલે મરાણા સમજો.  નેતા બનતા જરાકમાં રહી  ગયેલા અને કોર્પોરેશનની  ચૂંટણીમાં બે વખત હારીને હેઠા બેસવાને બદલે ડોકટર રાણા હજી રાજકારણથી ધરાણા નથી. એમના પેટની  અંદર ભાષણનો જે ભરાવો થયો છે એનો ઊભરો દરદી પર ઠાલવે છે. વાતવાતમાં રાજકારણ આવી જાય.

ડોકટર રાણાને જઈને ફરિયાદ કરીએ કે પેટમાં બહુ બળતરા થાય છે એટલે તરત કહેશે કે, 'તમારું પેટ પણ વિરોધ પક્ષના નેતાના પેટ જેવું થઈ ગયું છે, કાયમ બળતરા જ હોય.' 

એક વાર એમના દવાખાને બેઠો હતો ત્યાં એક દરદીએ આવીને કહ્યું , 'સાહેબ, ગળામાં સોજો છે અને સાદ સાવ બેસી ગયો છે. શું કરું?' 

રાણાસાહેબે  તરત કહ્યું, 'બીજું કાંઈ કરવાની જરૂર નથી. વિપક્ષી નેતાની  જેમ રાડારાડ કરવાનું બંધ કરો ઠીક થઈ જશે.' 

ક્યારેક એવું થાય કે સ્ટેથોસ્કોપથી દરદીના ધબકારા તપાસતા હોય ત્યાં અચાનક ગુજરાતની ચૂંટણીનો કોઈ મુદ્દો યાદ આવી જાય એટલે તરત મંડે ભાષણ સોફાવવા. પોતાના કાનમાં ભરાયેલા સ્ટેથોસ્કોપની ભૂંગળી દરદીના કાનમાં ખોસી, દરદીની છાતીએ લગાડવાનું ચગદું પોતાના મોંઢા સામે લાવી માંડે ભાષણ  કરવા.

હમણા એવું થયું કે મારા જમણા હાથમાં ઓચિંતો પાક થવા માંડયો. દુઃખાવો મટે નહીં.  પાકનું કારણ જ ખબર ન પડે. હું નાછૂટકે પહોંચ્યો રાણા પાસે. દુઃખતો હાથ તપાસતાં ડોકટરને મારાથી પૂછાઈ ગયું,'ડોકટર, આ પીડાનું શું કારણ છે, કહો તો ખરા?' 

ડોકટરે રાજકારણીઓની જેમ તૈયાર જવાબ આપી દીધો, 'પીડા પાછળ 'પાક'નો હાથ લાગે છે.' 

મેં કહ્યું, 'હાથના પાક પાછળ પણ પાકનો હાથ?' 

ડોકટરે ફોડ પાડીને કહ્યું, 'આપણા નેતાઓ ગળું  ફાડી ફાડીને બરાડે છે કે બધી પીડાની પાછળ પાકનો (એટલે પાકિસ્તાનનો) હાથ છે એ તમે સાંભળતા નથી?ે એટલે તમારા હાથના પાકની પીડા પાછળ મને પાકનો હાથ દેખાય છે.'

ખુદ હજાર હાથવાળો પણ મૂંઝવણમાં પડી જાય એટલા પ્રકારના હાથો ચારે તરફ ફૂટી નીકળ્યા છે. કોઈ નામચીન ગુંડો પકડાય ત્યારે પોલીસ તરત જ સ્ટેટમેન્ટ આપે છે કેે પકડાયેલો ઈસમ ફલાણા ડોનનો જમણો હાથ હતો. આવાં સ્ટેટમેન્ટ તો અવારનવાર આવતાં રહે ત્યારે વિચાર થાય કે ડોનને કોણ જાણે કેટલા જમણા હાથ હશે? પોલીસ એવી પરાક્રમી છે કે જમણા હાથને જપકડી શકે છે, આખેઆખા ડોન છૂટા ફરે છે.'

એવું થયું છે કે લોકો બોલચાલની ભાષામાંય 'વિદેશી હાથ' ઉપયોગમાં લેતા રહે છે. લોકલ ટ્રેનમાં જતાં બે તકલાદી પ્રેમીઓ બધા સાંભળે એમ બાઝતાં હતાં. છોકરો છોકરીને ધમકાવતો હતો, 'બોલ, ગઈકાલે મરીન ડ્રાઈવના કિનારે કોની સાથે લટકમટક કરતી ફરવા નીકળી હતી?' 

છોકરી જુઠ્ઠાણું છુપાવતી હોય એવા અવાજે બોલી, 'મારી સાથે કોઈ નહોતું.'

છોકરો રાડ પાડીને બોલ્યો, 'મને ખોટો પાડે છે? કહે તો ખરી કે એકલી નીકળી'તી તો તારે ખભે હાથ કોનો હતો?'  

છોકરીએ પોલિટિકલ સ્માઈલ આપીને જવાબ આપ્યો, 'હશે કોઈ વિદેશી હાથ, લપ મૂકોને?'

ભારતની પરેશાની પાછળ પાકિસ્તાનનો જ હાથ છે એ આખી દુનિયા જાણે છે. એટલે હવે વસમા પાડોશીનો હાથ એક ઝાટકે વાઢી નાખવાનો ખરો મોકો મળ્યો છે. એટલે જ કહેવું પડે છે કેઃ

પાકલાઓને ખાલી વઢો

નહીં પણ વાઢો,

પાકલાઓ 'પોક' મૂકી રડે

એમ પીઓકેથી કાઢો.

અંત-વાણી

પ્રેમમાં થાય મસ્ત મેળાપ

પરણવા ટાણે હસ્ત મેળાપ

સંબંધ વણસે ત્યારે ત્રસ્ત મેળાપ.

**  **  **

દરેક સફળ પુરૂષ પાછળ

એક સ્ત્રીનો હાથ હોય છે,

દરેક નિષ્ફળ પુરૂષ પાછળ

બે સ્ત્રીનો હાથ હોય છે.

**  **  **

પાકની ગોળીઓ સામે 

ભારત છોડશે ગોળા,

સખત ફટકા મારીને

પાકલાઓને પાડશું મોળા,

ઝૂંટવશું 'પોક' અને ખદેડીશું

આતંકીનાં ટોળેટોળાં.