સૂર લગાના ઔર ગાના પર ગાકે કિસી કો મત ભગાના

Updated: Dec 27th, 2022


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

પથુકાકાના 'સૂર-બહાર' બંગલામાં  પગ  મૂકતાંની સાથે જ  કાકાનો અવાજ કાને  પડયો-  

વો આસમાન ઝૂક રહા હૈ ઝમીં પર

યે 'વિલન' હમને દેખા યહીં પર...

હાથમાં માઈક લઈ કરાઓ કે  ટ્રેક પર  ગાતા કાકાને  અધવચ્ચે  અટકાવી  મેં કહ્યું, ૂ'ટ્રેક  પર ભલે ગાવ પણ શબ્દોનું  તો ધ્યાન રાખો!  યે વિલન હમને દેખા યહીં પર... એમ નહીં, યે મિલન  હમને દેખા યહીં પર, એમ ગાવને?' 

પથુકાકા જરા ખીજાઈને  બોલ્યા, 'મારી જેમ કોઈ મૂડમાં  ગાતા હોય ત્યારે તારા જેવા વચ્ચે  વિલન બની હવનમાં હાડકાં  જ નાખે એટલે  પછી ગાવું જ  પડે ને કે યે 'વિલન' હમને દેખા યહીં પર...'

મેં કાકાને સોરી કહેતા કહ્યું , 'એક શેર સાંભળ્યો હતો એ  સંભળાવું, ભૂલચૂક લેવી દેવી-

સારા નરસાનું ભાન નથી 

ઘાયલ હૈયામાં ઉલટભેર આવે, 

એ ગીત ગાઈ જવામાં જ લહેજત છે.'

મેં વળી પૂછયું , 'કાકા, તમે અને કાકીએ  પ્રેમલગ્ન કર્યાં ત્યારે એકબીજાને પ્રેમથી બોલાવતી વખતે કોઈ ગીતની  કડી ગણગણતા કે નહીં?'

કાકા બોલ્યા, 'નવા નવા પરણ્યા  પછી તારી કાકીનો  ટેલિફોન આવ્યો અને લહેકાથી  ગાયું -

તુમ મેરે જીવન કા ઉપવન હો

તુમ મેરે પ્રાણ-જીવન હો.'

આ ગીતની  કડી સાંભળી મારી  કમાન  છટકી કે તું શું ગાય છે એનું તને ભાન  છે?  આપણા  જીવનના ઉપવનમાં  બે-બે  વિલન? પ્રાણ અને જીવન?  તારી કાકી  તો બિચ્ચારી  હેબતાઈ ગઈ. બસ, ત્યારથી  કોણ જાણે 'સુહાના  સફર ઔર  યે મૌસમ હસી ં' ગીતની કડી ફેરવીને ગાવાની ટેવ પડી ગઈ છે-

વો આસમાન ઝૂક રહા હૈ

ઝમીં પર,

યે 'વિલન' હમને દેખા 

યહીં પર...'

હું અને કાકા વાત કરતા હતા ત્યાં  (હો)બાળાકાકીએ રૂમમાં આવીને કરાઓકેનું  માઈક ઉપાડી ગાવા માંડયા : 'તું જહાં જહાં  ચલેગા, મેરા સાયા  સાથ હોગા ... તું  જહાં જહાં  ચલેગા...' આ સાંભળી કાકા છણકો કરી બોલ્યા, 'સાંભળ્યુંને? પરણ્યા પછી  તારી કાકી  મને ક્યાંય  એકલો  રેઢો જવા નથી દેતી,  પડછાયાની  જેમ  પાછળની પાછળ જ હોય છે. જો કે હવે મોબાઈલ  આવ્યા પછી સદેહે પીછો નથી કરતી,  એનો  વજનદાર 'પાર્થિવ દેહ' ઘરે જ હોય તો પણ  સેલફોનથી  મારો ટ્રેક રાખે છે. એટલે જ ટ્રેક ઉપર ગાય છે:  તું જહાં જહાં ચલેગા, મેરા સાયા  સાથ હોગા... હું તો  આ કારણથી જ  મારી જેવા ધણીઓની દશા જોઈને જોડકણું  સંભળાવું છું.  આમાં સેલના  બે અર્થ થાય - સેલ એટલે જેલની  કોટડી અને સેલ એટલે સેલફોન આટલું યાદ રાખજો-

જેલમાં હોય જુદી જુદી સેલ,

ધણી માટે એક જ 'સેલ' બની 

જાય જેલ,

'સેલ'થી  જાપ્તો રાખે ઘરવાળી,

ત્યાં વર બિચ્ચારો ક્યાંથી 

માણે ગેલ?'

મેં કાકાનેપૂછયું,'કરાઓકે પર તમે  આખો દિવસ ગળું  ફાડી ગાયા કરો છો, પણ કરાઓકેનો અર્થ ખબર છે?' પથુકાકાએ  'ગુંજ ઉઠી શહનાઈ'ના બાળ શરણાઈવાદકનો  ડાયલોગ  દોહરાવ્યા,ે 'મેં સૂર જાનતા હૂં, શાસ્ત્ર નહીં.'

મેં કહ્યું , 'કરાઓકે જાપાનીસ ભાષાના બે શબ્દ કરા અને ઓકે  ભેગા કરી બનાવવામાં આવ્યો છે. કરા એટલે ખાલી (એમ્પટી)  અને ઓકે એટલે  ઓકેસુતોરા (ઓરકેસ્ટ્રા) એટલે  મ્યુઝિક ટ્રેક  ઉપર ખાલી ઓરકેસ્ટ્રા વાગે  એની સાથે સાથે તમારે  ગાવાનું  એને કહેવાય  કરાઓકે, સમજાયું?'

કાકા જાપાની શબ્દનો અર્થ જાણી રાજી થઈ ગયા અન ેમને  ઓર્ડર  છોડયો, 'ફ્રિજમાંથી જા-પાન લઈ આવ.' પાન મોંઢામાં  મૂકી કાકા બોલ્યા,'હવે મારા મગજમાં બરાબર ઘડ હેઠી કે ઓરકેસ્ટ્રા સાથે ગાવાનું  હોય એને  લાઈવ સિંગિંગ કહેવાય અને  માત્ર મ્યુઝિક ટ્રેક પર ગાવાનું હોય એને  કરાઓકે  સિંગિંગ  કહેવાય. આમાં શું  ફેર છે  સમજાવું. મારી જેવા પરણેલા પુરૂષો  વહુને  લઈ ફરવા નીકળે ત્યારે એ  આબુબાજુ  'લીલોતરી' જોવાની હિંમત  ન કરી શકે. પત્નીની ભેગાં ભેગાં જ ચાલવું પડે. કરાઓકમાં  પણ આવું  જ છે,  મ્યુઝિક ટ્રેકના સૂર-તાલ  પ્રમાણે બરાબર જાળવીને  ગાવું જ પડે... જ્યારે લાઈવ સિંગિંગ એટલે  તારા જેવાંં  વાંઢા એકલા  મસ્તફકીર  બનીને નીકળી  પડે, આડુંઅવળું  જોતા જાય, 'હરિયાળી' ની મજા લેતા  જાય  અને આગળ  વધતા જાય. લાઈવ  સિંગિંગમાં  આવું જ  છે, ગાયક પોતાની રીતે  હરકત લઈ શકે,  વચ્ચે વચ્ચે   સરગમ ઉમેરી શકે અને પોતાની  મસ્તીમાં  ગાઈ શકે, બરાબરને?'

મેં કાકાને દાદ આપી અને કહ્યું, 'કરાઓકે સિંગિંગ હોય બન્નેમાં  સ્વર અને તાલ તો  જાળવવા જ  પડે. સંગીતકારો એટલે  જ કહે છે ને કે  સૂર ગયા તો નૂર ગયા ઔર  તાલ ગયા તો બાલ ગયા.'

કરાઓકે સિંગિગનો ક્રેેઝ  એટલો  બધો વધી ગયો છે કે ઠેર ઠેર કરાઓકે ગુ્રપ બિલાડીના ટોપની જેમ  ફૂટી નીકળ્યા  છે. પથુકાકા (હો)બાળાકાકી  આવા જ એક  ગુ્રપનાં લાઈફ મેમ્બર બની ગયાં છે એ   ગુ્રપના એન્યુઅલ  ફંકશનમાં બન્નેજણ  આગ્રહ  કરીને મને  ઘસડી  ગયા. મ્યુઝિકનો  મૂંઢમાર  સહન કરવાની  માનસિક  તૈયારી સાથે હું  પરાણે ગયો તો ખરો, પણ ઓલી  કહેવત છે ને કે, પારકી મા કાન વિંધે. એને બદલે  પારકા માઈક કાન વિંધે એવી પીડા શરૂ થઈ. મંચ ઉપર ગુ્રપનું નામ લખેલું :    ટ્રેકટર  ગુ્રપ. સ્ટેજ ઉપર નાનો સ્ક્રીન હતો અને કરાઓકે સિસ્ટમના માઈક રાખ્યા  હતા. મેં કાકાને પૂછ્યું કે આ ગુ્રપનું આવું વિચિ ત્ર નામ કેમ રાખ્યું ? ટ્રેકટરનો અર્થ શું થાય?' કાકાએ  કહ્યું, ટ્રેકટર નામ મેં જ આપ્યું  છે. જેમ એક્ટિંગ કરે એ  એક્ટર એમ ટ્રેક ઉપર સિંગિંગ કરે એ ટ્રેક-ટર.'

મેં કહ્યું,'કાકા, ટ્રેકટરનો ઉપયોગ  ખેતરમાં  પાક ઉગાડવા થાય છે એટલું ભાન નથી?' ખડખડાટ હસીને કાકા બોલ્યા, 'જરા ધીરજ રાખ, આ બધા ટ્રેક-ટર પાક ઉગાડવા નહીં, પણ તારું માથું પકાવવા તૈયાર જ છે. હમણાં હાથમાં  કરાઓકે  માઈક હાથમાં  લઈ  વિડિયો સ્ક્રીન ઉપર  ગીતના  શબ્દો આવતા જાય એ વાંચી  વાંચી આવડે એવું  ગાશે અને રાજી થાશે: ગાયક નહીં ખલ-ગાયક હૈ તું... જુલ્મી બડા દુ:ખદાયક હૈ તું...

સ્ટેજ પર એક પછી એક આવવામાંડયા (હો)બાળાકાકીનું નામ એનાઉન્સ કરતા ઉદ્ઘોષકે ઉમેર્યું,  'કાકીને  સૂર-બહારની  પદવી આપી  છે. આ  સાંભળી મને  નવાઈ લાગી  એટલે કાકાએ  પડખાંમાં  કોણી મારી  કહ્યું કે  સૂર-બહાર એટલે શું  ખબર  છે? તારી કાકી  સૂર-બહાર જ ગાય છે.'

(હો)બાળાકાકી વટથી સ્ટેજ પર આવ્યા. હાથમાં  માઈક લીધું અને મોતિયો  ઉતરાવ્યો ન હોવાથી ઝીણી આંખ કરી વિડિયો સ્ક્રીન પર  ગીતના શબ્દો  વાંચી ગાવાની શરૂઆત  કરી. પહેલી જ કડીમાં લોચો કર્યો. સ્ક્રીન પર શબ્દો બરાબર ન વંચાતા  કાકીએ  ગાયું:  'ફાંદ' ફિર નિકલા  મગર તુમ ન આયે, જલા ફિર મેરા દિલ, કરૂં ક્યાં મેં હાયે...' શ્રોતાગણમાં  હસાહસ  થઈ ગઈ  અને  કાકાએ  જોરથી  કહ્યું ફાંદ ફિર નિકલા  નહીં. ચાંદ ફિર નિકલા એમ ગા... એટલે  પછી કાકીએ  સુધારો કર્યો અને ગીત પૂરૂં  કરતા તાલીઓનો ગડગડાટ થયો.  કાકાએ  વાત પૂરી કરી અને એ  જ વખતે  સ્ટેજ ઉપરથી  એમનું  નામ બોલાયું હવે  આપની સમક્ષ ગીત રજૂ કરશે પથેન્દ્રસિંહ ઉર્ફે પથુકાકા. કાકા સ્ટે જ પર ચડતા પહેલાં  થેલીમાંથી કાળો કોટ  કાઢીને  પહેર્યો અને માથે કાળા રંગનો ટોપો પહેરી આંખે  ગોગલ્સ  ચડાવી  માઈકમાં ગાવા માંડયા: 

અરે દિવાનો મુઝે પહેચાનો

કહાં સે આયા મેં હૂં કૌન

મેં હૂં કૌન, મેં હૂં કૌન

મેં હૂં મેં હૂં મેં હૂં ડોન

ડોન... ડોન... ડોન...

તાલીઓના ગડગડાટ સાથે કાકા સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને હું અન ેકાકી બેઠાં હતાં ત્યાં હરખાતા હરખાતા કાકા આવ્યા.  કાકાએ પૂછ્યું, 'મેં ડોનનું ગીત  કેવું ગાયું?'  (હો)બાળાકાકીએ કહ્યું, 'શેરીના ગુંડાના વેશમાં તમે જમાવટ કરી, પણ હવે પછી મેં હૂં ડોન... ગાવાને  બદલે  મેં હૂં શેરી-ડોન અથવા મેં હૂં સેરી-ડોન... એવું  ગાજો તો ઔર મજા આવશે.'

અંત-વાણી

લોકસંગીતને અંગ્રેજીમાં કહેવાય

ફોક-મ્યુઝિક.

પણ આજનું પોપ-રોક મ્યુઝિક

બન્યું છે સાવ 'ફોક'-મ્યુઝિક.

    Sports

    RECENT NEWS