- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
- જ્યારથી એક વર્ષ સોનું નહીં ખરીદવાની સલાહ અપાઈ ત્યારથી હું મારી જાતને દેશભક્ત ગણું છું બોલ!
તેલ જુઓ તેલની ધાર જુઓ... તેલ કા ખેલ દેખો... તેલની મચી છે ધૂમ અને તેલ ખાતર દબાવે છે એકમેકની દૂમ... જહાં તેલ હૈ વહાં મેલ હૈ... આવાં આવાં તેલિયા વાક્યો મનોમન મમળાવતો હું પથુકાકાને ઘરે પહોંચ્યો ત્યારે ઘરની અંદરનો નઝારો જોઈને નવાઈ લાગી. પથુકાકા હિંચકે બેસીને સાવ કોરા બટેટા પૌઆ ખાતા હતા અને (હો) બાળાકાકી માથામાં તેલ તકતકાવીને બેઠા હતા.
મેં પૂછ્યું 'કાકા આમ સાવ કોરા પૌઆ કેમ ખાવ છો?' કાકાએ જવાબ આપ્યો આ તારી કાકી કહે છે કે તેલની બચત કરવાની છે,એટલે કોરા પૌઆ ખવડાવે છે મને.'
મેં કહ્યું 'તમને કોરા પૌઆ ખવડાવી તેલની બચત કરે છે, અને કાકી પોતે કેમ તેલ તકતકાવીને બેઠા છે?' પથુકાકા બોલ્યા કે એ તો એવું જ ચાલે છે ભાઈ, નિયમનો અમલ બીજાએ જ કરવાનો હોય પોતે નહીં.'
મેં (હો) બાળાકાકીને હસતાં હસતાં કહ્યું કે 'આમ માથે તેલ તકતકાવીને બેસો નહીં, ક્યાંક ઓલો ટ્રમ્પુ દાદો છે ને ઈ મિસાઈલ છોડી માથું ઉડાડી દેશે હો? ઈ રોયો તેલ જોઈને ભૂરાંટો થાય છે ભૂંરાટો.'
પથુકાકા બોલ્યા કે 'હું પણ તારી કાકીને સલાહ આપું છું કે આમ તેલ તકતકાવ નહીં, તેલની બચત કરતા શીખ. પણ તારી કાકી માનતી જ નથી, ઈ એક જ પૂછડું પકડીને બેઠી છે કે તેલ પેટમાં ઓછું જવું જોઈએ, બાકી માથાને પૂરતું તેલ પીવડાવવું જોઈએ તો જ મગજ દોડેને?'
અમારી ચર્ચા સાંભળીને કંટાળેલા (હો) બાળાકાકી તાડૂક્યા કે 'આમ શું નવરા બેઠાં વાતોના વડા કરો છો?' કાકા બોલ્યા 'અમે વાતોના વડા નથી કરતા, અમે તો વડાની વાતું કરીએ છીએ, દેશના વડાએ સલાહ આપી છે ને કે કરકસર કરો, તેલ ઓછું વાપરો એટલે અમે વડાની વાતુ કરીએ છીએ.'
મેં કહ્યું કે 'સરકાર જે જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં ત્યાં નાણાંની કોથળીના મોઢા ખુલ્લાં મૂકી દે અને ચૂંટણી પતે એટલે પાડાને વાંકે પખાલીને ડામ એ ન્યાયે કરકસરની સલાહ આપે અને મોંઘવારી વધારીને વસૂલી કરે. હમણાં પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ અને કેરળમની ચૂંટણી યોેજાઈ એ દરમ્યાન કરકસરની કોઈ વાત ન કરી, જેવી ચૂંટણી પતી અને બે રાજ્યોમાં જીત્યા એટલે પછી શરૂ કર્યું કરકસર પુરાણ, બરાબરને?'
પથુકાકા બોલ્યા આ કેવું છે ખબર છે?આપણી સોસાઈટીમાં રહેતો રંગીલો રમેશ જ્યારે મુંબઈમાં ડાન્સબાર ધમધમતા ત્યારે આખી રાત બાર ડાન્સરો પર પૈસા ઉડાડતો. ચાપ્ટર બાર ડાન્સરો રમેશ રંગીલાના પૈસા ખંખેરવા માટે લટકા-ઝટકા દેખાડતી જાય અને કહેતી જાય રંગીલા તુને મેરા દિલ જીત લીયા... આવું આવું મીઠું મીઠું બોલે અને વહેલી સવારે પૈસા ખાલી થઈ જાય એટલે રમેશ રંગીલો એ જ માનીતી બાર ડાન્સર પાસેથી ઉધાર બસો રૂપિયા લઈ ટેક્સીમાં ઘરભેગો થાય.એટલે આવો જ ખેલ ચૂંટણીમાં જોવા મળે છે. ચૂંટણીમાં પૈસા ઉડાડવાના અને ખજાનો ખાલી થઈ જાય એટલે પ્રજા પાસૈથી પૈસા વસૂલવાના ટૂંકમાં પહેલાં ઊડાડે અને પછી બુડાડે...
મેં કહ્યું 'એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવાનું એવી વડાશ્રીએ સલાહ આપી છે ખબર છેને?' પથુકાકા બોલ્યા અરે મારા રાજ્જા એક વર્ષની ક્યાં વાત કરવી? આવતા સો વર્ષ સુધી સોનું ખરીદવાની આપણી જેવાં લોકોની ત્રેવડ નથી બોલ. હજી થોડા દિવસ પહેલાં સોનું ખરીદવાની મારી ત્રેવડ નહોતી ત્યારે મને ખરેખર લાગી આવતું હતું, હું મારી જાતને કડકો ગણી કોસતો હતો, પણ જ્યારથી એક વર્ષ સોનું નહીં ખરીદવાની સલાહ અપાઈ ત્યારથી હું મારી જાતને દેશભક્ત ગણું છું બોલ!'
મેં કાકાને પૂછ્યું કે 'ગયા મહિને કાકી પિયર ગયા ત્યારે રાત્રે તમારા ઘરમાં ચોર ઘૂસ્યો હતો એ થોડું ઘણું સોનું તફડાવી ગયો હશેને?' કાકા ખડખડાટ હસીને બોલ્યા કે 'અરે ભાઈ બળબળતા ઉનાળાની રાતે હું પહેલા માળના ઘરની બાલકનીનું બારણું ઉઘાડું રાખી સૂતો હતો. મધરાતે દોઢ વાગ્યે ચોર ઘૂસ્યો. મારી પાસે આવી ઢંઢોળીને મને જગાડયો અને બોલ્યો સોના કિધર હૈ... સોના કિધર હૈ... મેં અડધી ઊંઘમાં કહ્યું જીધર ભી સોના હૈ તકિયા લેકે સો જાવ... મુઝે કયા પૂછતે હો? સોના હૈ ઉધર સો જાવ... મારો જવાબ સાંભળી ગીન્નાયેલો ચોર મને એક લાત મારી જતા જતા કહેતો ગયો કે અબે કડકે તેરે ઘર મેં કયા ચોરી કરૃં... બસ સો જા આટલું બોલી પાઈપ વાટે સડસડાટ ઉતરીને નાસી ગયો.'
મને તો પક્ષીની જેમ ઉડાઉડ કરતા વિપક્ષી અને સત્તાપક્ષી નેતાઓ કેવાં જમીન પર આવી ગયા એ જોવાની જ મજા આવે છે. બીજું આખા લાવલશ્કર જેવડો કારનો કાફલો લઈ નીકળતા કંઈક નેતા બે કાર લઈને નીકળવા માંડયા એવાં 'બે-કાર' થઈ ગયા. કોઈ બસમાં તો કોઈક બાઈક ઉપર, કોઈ ઘોડા ઉપર તો કોઈ બળદગાડામાં જવા માંડયા છે આ જોઈને કહેવાનું મન થાય કેઃ
નીકળતા હતા જે ધણમાં
એ હવે બચત કરે છે ઈં-ધણમાં
કાકા કહે કે 'પહેલાં હું ઘરથી સ્ટેશન સિટીબસમાં જતો ત્યારે ૧૦ રૂપિયાની ટિકિટ લેવી પડતી. હવે હું બસની પાછળ ઝડપથી ચાલતો ચાલતો સ્ટેશન પહોંચી જાઊં છું એટલે એટલીસ્ટ દસ રૂપિયાની તો બચત કરી કહેવાયને?' મેં કહ્યું 'કાકા એનાં કરતાં રિક્ષાની પાછળ ઝડપથી ચાલતાં ચાલતાં જાવને તો સહેજે ૩૦ રૂપિયા બચેને?'
મેં કહ્યું 'કાકા આપણાં વડાએ એક વર્ષ લગ્ન પાછા ઠેલવાનું કહ્યું છે. એ ખબર છેને?' પથુકાકા બોલ્યા કે 'તેં તો એક વર્ષની ક્યાં વાત કરે છે તેં તો સાઠ સાઠ વરસ લગ્ન પાછા ઠેલ્યાં છે એટલે તારૃં તો છ દાયકાની 'વાંઢાજનક' સ્થિતિમાં રહેવા બદલ સરકારે પદ્મશ્રીને બદલે વાંઢાશ્રી એવોર્ડ આપી સન્માન કરવું જોઈએ અને પછી એવોર્ડ વિતરણ સમારંભમાં થીમ સોંગ વગાડવું જોઈએઃ જો વાંઢા કિયા તો નિભાના પડેગા...
મેં કહ્યું 'કાકા તમને ખબર છે? આજના જમાનામાં લગ્ન સમારંભની જેમ જ્યારે છૂટાછેડા થાય ત્યારે ''ભગ્ન-સમારંભ'' પણ યોજાય છે હો?' પથુકાકા નવાઈ પામી બોલ્યા 'શું વાત કરે છે? ભગ્ન-સમારંભ પણ યોજાય છે?'
મેં કહ્યું 'લગ્ન વખતે કંકોતરી મોકલવામાં આવે છે એમ છૂટાછેડા થયા પછીની ઉજવણી માટે છૂટોતરી મોકલવામાં આવે છે હો?' કાકા કહે 'વડા પ્રધાને લગ્ન-સમાંરભ એક વરસ પાછા ઠેલવાની અપીલ કરી છે તો આ ભગ્ન સ મારંભ પણ પાછા ઠેલાશે કે નહીં?' મેં કહ્યું 'ભગ્ન સમારંભ પણ પાછા ઠેલાય જ ને? જો કે એવું છે કે એક વર્ષમાં ધણી-ધણિયાણી વચ્ચે પાછો મેળ જામી જાય તો ભગ્ન-સમારંભ પણ કેન્સલ કરવો પડે.' પથુકાકા બોલ્યા 'સંસારમાં ને રાજકારણમાં અત્યારે છૂટાછેડાની ઉજવણીનો ટ્રેન્ડ જોવા મળે છે કોઈ પોતાની પાર્ટી સાથે છેડો ફાડી સત્તાધારી પાર્ટી (પાર્ટી ઈન પાવર) સાથે છેડાછેડી બાંધે ત્યારે ધામધૂમથી વધાવવામાં આવે છેને? જે જણ સત્તાધારી પાર્ટીમાં જોડાય એનાં ગળામાં વરમાળા નહીં પા-વરમાળા પહેરાવાય છેને?'
મેં કહ્યું પથુકાકા વડાશ્રીએ તો પાવર પણ બચાવવાનું કહ્યું છે હો?' પથુકાકા બોલ્યા કે 'પક્ષપલ્ટો કરી જે નેતા પાવરમાં હોય એ પાર્ટીમાં જોડાય એને પાવરફૂલ થોડા જ બનવા દેવાય છે? એને તો પાવરની લાલચ દેખાડી 'ફૂલ' (મૂર્ખ) બનાવવામાં આવે છે. ટૂંકમાં પાવરનો આખો લાડવો ખાવા નથી આપતા એટલે પાર્ટી ઈન પાવરમાં જે જોડાય એ ''પા-વર'' બનીને જ રહી જાય છે.'
અંત-વાણી
સઃ રાજકારણમાં કેવાં કેવાં બંધન જોવા મળે છે?
જઃ ગઠ-બંધન, હઠ-બંધન અને શઠ-બંધન.
** ** **
જૂનું એટલું સોનું
નવું એટલું શો-નું.


