For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સજોડે કે કજોડે, કાયમ રહેવું જોડે 'જોડે'

Updated: Jul 27th, 2021

Article Content Image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

મંગલ મંદિર ખોલો દયામય વાટ જુએ ચપ્પલ ચોરો..... પથુકાકાના મુખેથી આ પ્રાર્થનાની પેરડી સાંભળી મેં પૂછયું કે 'આ શું ગાવ છો ?' કાકા દાઢમાંથી બોલ્યા કે આ કોરોનાના પાપે મંદિરો બંધ છેને ? અને ખોલવાની વિનંતી જેમ શ્રધ્ધાળુઓ, ભકતજનો અને જેને દેવદર્શનનો નિયમ હોય એ બધા કરે છે એવી  જ રીતે બીજું કોણ કરે છે ખબર છે ? મંદિરની બહારથી ચપ્પલ ચોરી  જતા ચપ્પલ ચોરો. મંદિરો બંધ રહે એટલે ભકતો દર્શને આવે નહીં અને દર્શને આવે નહીં એટલે કોઇ પગરખા ઉતારે નહી, પગરખા ઉતારે નહીં એટલે પછી આ ચોરો ચોરી શેની કરે ? એટલે મંદિરો બંધ રહેવાથી સૌથી વધુ ફટકો આ ચોરોની મંડળીને પડયો છે. એટલે જ અંતરના ઊંડાણમાંથી આ જૂતાચોરો વિનવણી કરે છે કે :

મંગલ મંદિર ખોલો દયામય

વાટ જુએ ચપ્પલ ચોરો

દ્વાર ઉભો પડયો મોળો

દયામય મંગલ મંદિર ખોલો

મેં કહ્યું 'કાકા જૂતાચોરોની અવદશાનું તો કોઇએ વિચાર્યું જ નહીં હોય, તમારી વાત સાચી છે. લોકડાઉન પહેલાં ચપ્પલ ચોરોનો વ્યવસાય પૂરબહારમાં ખીલ્યો હતો. જુદા જુદા  મંદિરોની બહારથી બૂટ, ચપ્પલ, સેન્ડલ સીફતથી તફડાવીને સીધા પહોંચી જાય ચોરબજારમાં અથવા બાજુમાં આવેલી ગલીમાં ત્યાં સૌથી પહેલાં પગરખાનું શોર્ટિંગ થાય. લેડીઝ સેન્ડલ, જેન્ટસ  શૂઝ, નવા અને જૂના, ચામડાના અને રબ્બરના, ચોમાસામાં પહેરવા માટેના કે બારમાસી પગરખા વગેરે..... વગેરેનું શોર્ટિંગ થયા પછી ચોરને રોકડા પૈસા ચૂકવીને જૂતા વેંચતા ફેરિયા ખરીદી લે. પછી અડધી રાતે જયારે બજાર ભરાય ત્યારે ફેરિયાઓ પથારા  કરી બેસે. સવારે સુરજનું પહેલું કિરણ ફૂટે એ પહેલાં તો લે-વેચ પતાવીને રવાના થઇ જાય બોલો ! પણ કોરોના અને લોકડાઉને આ આખી ચેઇન તોડી નાખી છે, એમાં આ બાપડા જૂતાચોરો મુંઝાણા છે અને ગળગળા સાદે ગાય છે :

ઝિંદગીભર નહીં ભૂલેગી

કોરોના કી યે લાત.....

પથુકાકા કહે 'તને કદાચ ખબર નહીં હોય કે આટલા વર્ષોથી હું  દેવદર્શને જાઊં છું, છતાં આજ સુધી મારા જોડા એક પણ વખત ચોરાયા નથી બોલ.' મેં પૂછયું કે 'જોડા ન ચોરાવાનું રહસ્ય શું છે એ તો કહો?' કાકા બોલ્યા કે જયારે હું દર્શને જાઊં ત્યારે શું કરૂં ખબર છે ? એક જોડું ડાબી બાજુ ઊતારૂ અને બીજું જોડું જમણી બાજુ ઊતારૂ. હવે જૂતાચોરોને એટલો ટાઇમ ન હોય કે અહીંથી કે ત્યાંથી જોડી શોધીને મેચ કરે અને પછી તફડાવી જાય. એ તો મારા બેટા ચીલઝડપે પગરખા પહેરી પલાયન થઇ જાય.'

મેં કાકાના નુસ્ખાને દાદ આપતા કહ્યું કે 'ડાબા અને જમણાં જોડાને જુદા જુદા રાખીને પછી દર્શન કરવાનો આઇડિયા બહુ ગમ્યો હો ? આમેય આપણાં દેશમાં કયાં કોઇ દિવસ ડાબેરી કે જમણેરી ભેગા થાય છે ? જુદા જુદા જ દર્શન થાય છેને ?'

 કાકા કહે તું નહીં માને, પણ હું જયારે મંદિર જવા નીકળુને ત્યારે તારી આ (હો) બાળાકાકીને મારા કરતાં મારા મોંઘા જોડામાં જ વધુ રસ હોય. એટલે ઠેરવી ઠેરવીને સલાહ આપે કે જોડા સાચવજો..... જોડા સાચવજો..... પછી  ઘરની બહાર નીકળુ ત્યારે છણકો કરી અને લટકો કરી ગાય : 

'જોડે'  રે 'જો રાજ તમે જોડે રે' જો રાજ, ભલે દર્શન મળે કે ના મળે ભલે પરસાદ મળે કે ના મળે તમે 'જોડે' રે 'જો રાજ...'

મેં કહ્યું 'કાકા તમારી જેવાં કે કાકી જેવાં ભકતો ભલે જગન્નાથના દર્શને જાય પણ જીવ જૂતામાં હોય એવાં દર્શનના દેખાડાથી શું લાભ ?' એટલે જ હું પણ તમારી 'ઇસ્ટાઇલ'માં દો-લાઇના કહું  છું:

જેનો નાતો બંધાય

પ્રભુ જોડે

એનો જીવ ન અટવાય 

પગરખા કે 'જોડે'

કાકાએ સવાલ કર્યો  કે પુરૂષના પગરખાને જોડા કહેવાય તો સ્ત્રીના ચપ્પલને જોડી કહેવાય કે નહીં ?' મેં જવાબ આપ્યો કે કાકા સો ટકા કહેવાય. બાકી તો બધા તમારી અને કાકીની જોડા-જોડીના અતૂટ  સંબંધની મનોમન ઇર્ષા કરતા હશે, નહીં ?' કાકા બોલ્યા 'ભલેને ઇર્ષા કરે ? આપણે તો મંદિરની બહાર ડાબે અને જમણે જોડા રાખવાનો નુસ્ખો જીવનમાં  પણ અપનાવ્યો  છે. એટલે જ જોડા-જોડી અતૂટ રહી છે.' મેં કહ્યું સમજાયું નહીં કે ડાબે-જમણે જોડા રાખવાનો નુસ્ખો સંસારમાં કેવી રીતે અપનાવ્યો  છે ?' કાકાએ જવાબ આપ્યો કે આમ જોડે જોડે રહેવાનું અને આમ અલગ અલગ રહેવાનું. એકબીજાને નડવાનું નહીં  કે કનડવાનું નહીં. આમ લગોલગ તોય અલગ અલગ. બાકી જોડામાં જેમ ડંખ પડે એમ જોડે જોડે રહેતા બીજા  'જોડા' એકબીજાને ડંખે એમાંથી જ ડખો શરૂ થાય, પછી એકબીજાને જોડા ફટકારી છૂટા પડે ત્યારે નાછૂટકે ભૈરવી રાગમાં ગાવું પડે : દો હંસો કા જોડા બીછડ ગયો રે ગજબ ભયો રામા જુલમ ભયો રે.....

મેં કાકાની  વાતને દાદ દેતા કહ્યું કે હમણાં એક ઓનલાઇન મુશાયરામાં શાયરે જાણે તમારા જ સંસારનો પડઘો પાડતો શેર સંભળાવ્યો હતો કે :

શીશા ઔર પથ્થર

સાથ સાથ રહે તો

બાત નહીં ગભરાને કી

શર્ત બસ ય હૈ કી

જિદ ના કરે ટકરાને કી

ઓનલાઇન મુશાયરાની વાત સાંભળીને કાકા મને ધબ્બો મારી ઉભા થયા અને બોલ્યા : તે સારૂ યાદ અપાવ્યું. આજે અમારા સિનિયર સિટીઝન ગુ્રપની ઓનલાઇન સંગીત સંધ્યા છે. એમાં હું એક ફયુઝન ગીત ગાવાનો છું. આ ફયુઝન ગીતની પ્રેકટીસ કરવાની છે.' મેં  પૂછયું 'કયુ ગીત ગાવાના છો એ જરા સંભળાવો તો ખરા ?' પથુકાકાએ કરાઓકે માઇક હાથમાં લઇ યમન રાગમાં યમ-ન સાંભળી શકે એવાં રાગમાં ગાયું :

''સેન્ડલ'' સા બદન

ચંચલ ચિતવન

ધીરે સે તેરા યે મુસ્કાના.....

સ્ટોપ..... સ્ટોપ..... સ્ટોપ રાડ પાડીને મેં કાકાને ખખડાવીને પૂછયું 'ચંદન સા બદન..... ગીતમાં વચ્ચે સેન્ડલ કયાંથી આવ્યું ?' પથુકાકા બોલ્યા ચંદનના લાકડાને ઇંગ્લિશમાં સેન્ડલ-વૂડ જ કહે છેને ? એટલે મેેં આ ગીતે મોડર્ન ટચ આપી સેન્ડલ સા બદન, ચંચલ ચિતવન.... એવું  ફયુઝન કરી નાખ્યું, કેવું લાગ્યું ?' મેં ચેતવણીના સૂરમાં કહ્યું કે 'આવું ફયુઝન કે કન્ફયુઝન મ્યુઝિક ઓનલાઇન સંભળાવાના છો એટલે  વાંધો નહીં, બાકી બહાર ગાવાનો પ્રયાસ કરશોને તો કોઇક સેન્ડલે સેન્ડલે મારીને તમારા બદનને લાલચોળ કરી નાખશે સમજ્યા ?'

પણ વાંકા ન ચાલે તો કાકા નહીં,  એમણે બીજુ ગીત ફેરવીને ફટકાર્યું : 'સેન્ડલ' કા પલના રેશમ કી ડોરી, ઝુલા જુલાઉં મેં નિંદિયા કો તોરી.....

મેં હાથ જોડી કાકાને કહ્યું 'હે ભગવાન..... કાકા તમે કેમ આવાં સેન્ડલમય અને જોડામય બની ગયા છો ?' કાકાએ રાજ કપૂરની સ્ટાઇલમાં ગાયું :

મેરા જૂતા હે જાપાની

ઔર ચાચા હૈ ખેપાની

સર પે લાલ ટોપી રૂસી

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની

પછી કહે કે બૂટ-પોલીશ કરતા કરતા સની હિન્દુસ્તાની કયાં પહોંચી ગયો જોયુંને ? એમાં ભૂતકાળ તરફ નજર કરો તો એનો વસમો 'બૂટ-કાળ' નજરે પડશે. અને ગામના બૂટને પોલીશ કરીને ચમકાવતો સની હિન્દસ્તાની આજે પોતે કેવો દુનિયામાં ચમકી ગયો ? પોતાની કલાના જોરે માનભેર કમાણી કરે છે અને દિવારનો ડાયલોગ મનોમન બોલે છે : આજ ભી મેં ફેંકે હુએ પૈસે નહી લેતા.....

મેં કહ્યુું 'જે  વટવાળા હોય એ ફેંકાતા પૈસા નથી લેતા અને જે  'વોટવાળા' હોય એ તો ફેંકાતા પગરખા પણ હસતે મોઢે સ્વીકારી લે છે, કેવું લાગે?'

પથુકાકા બોલ્યા ચૂંટણી નજીક આવે એટલે જૂતાચોરોના ધંધામાં ખરો તડાકો પડે. કારણ મંદિરમાં તમારી જેમ જુદા જુદા જોડા ઉતારીને દર્શને જવાની ટેવ હોય એવાંના એક એક પગરખાં પણ કયારેક ચોર્યા હોય. આ મેળ વગરના જોડા કે -જોડા ચૂંટણી સભાઓ વખતે ફેંકવા માટે કામ આવે. એટલે જૂતાચોરો સભાસ્થાને જઇને આ મેળ વગરના જોડા સસ્તામાં વેંચી આવે છે.

આ વાત સાંભળતા જ પથુકાકાએ તો જોડાનું   જોડકણું સંભળાવી દીધું :

આવ ભાઇ હરખા

આપણે  બેઉ સરખા

સભામાંય કયાં ફેંકાય છે

સરખા પગરખા ?

વોટવાળાને કયારેક જૂતમ પ્રહાર સહન કરવો પડે છે. પણ લેખકને જોેડા  મળ્યા એમ કોઇ કહે  ત્યારે નવાઇ જ લાગેને ? પણ કેટલાય વર્ષો પહેલાં કવિ અને સાધક સ્વ. મકરન્દ દવેને સન્માનવા સાહિત્ય અકાદમીએ  ધરમપુરના નંદિગ્રામ આશ્રમમાં કાર્યક્રમ યોજયો હતો. લેખકો, કવિઓ, સાહિત્યકારો હાજર રહ્યા હતા.

બન્યું એવું કે રાત્રે કાર્યક્રમ પૂરો થયા પછી ઓચિંતી લાઇટ ગઇ, ચારે બાજુ (સાહિત્યિક) અંધારૂ છવાઇ ગયું. સભાગૃહમાંથી બહાર આવેલા લેખકો અને કવિઓ પોતપોતાના જોડા ગોતવા માટે ફાંફા મારવા માંડયા. સાક્ષરોને જોડા શોધતા જોઇ કોઇ બોલ્યું આને કહેવાય જોડા-ક્ષરો. હવે  બધા જોડા પહેરીને 'સજોડે' આવ્યા હતા એટલે ગોત્યા વિના છૂટકો જ નહોતો.

એક નવોદિત કવિ પોતાના પગથી મોટી સાઇઝના કોઇના જૂતા પહેરીને ફસડ..... ફસડ અવાજ કરતો આવ્યો. મેં એને ચેતવ્યો કે ભાઇ કોઇ દિવસ મોટાના  પેંગડામાં નહીં પગરખાંમાં પગ ન ઘાલવો. મકરન્દ દવેએ જ લખ્યું છેને કે :  કોંકના તે વેણને વીણી વીણીને વીરા ઊછીઊધારા ન કરીએ.....

હું અને મુંબઇના એક કવિ પણ અમારા ચપ્પલ શોધતા હતા. કવિ બોલ્યા અંધારામાં ચપ્પલ શોધવા માટે ચપળતા નહીં ચપ્પલતા કામ આવે. અંધારામાં ઊભા હતા ત્યાં પગે સળવળાટ થતા સાપ હશે એમ ધારી ચીસ પાડી ઉઠયા.  સાપ નહોતો. વાત જાણે એમ હતી કે એક સાહિત્યપ્રેમી ભાઇ મીણબત્તી લઇને પોતાનાં મોંઘા બ્રાન્ડેડ શૂઝ શોધતા હતા. બધાના પગ પાસે મીણબત્તીના અજવાળે ગોતતા હતા એને સળવળાટથી  કવિમિત્ર ગભરાઇ ગયા હતા. મને તો રામજીનું ભજન ફેરવીને ગાવાનું મન થયું :

પગ મને ''જોવા'' દ્યો રઘુરાય

એજી મને શક પડયા છે મનમાય....

અંધારામાં કોઇના દિમાગમાં ઝબકારો થતા ત્યાં પાર્ક કરેલી કારની હેડલાઇટ ચાલુ કરી. પછી તો હેડલાઇટના અજવાળે અને ઉતાવળે જેના પગમાં જે જોડા આવ્યા એ પહેરીને ચાલવા માંડયા. એક લેખકને તરત જ પોતાના બૂટ મળી ગયા. મેં રહસ્ય પૂછતાં તેમણે કહ્યું કે પ્રકાશકો પાસે જઇ જઇને અને છાપાની ઓફિસોના ધક્કા ખાઇને જોડા એવાં ઘસાઇ ગયા છે કે તળિયે કાણાં પડી ગયા છે. એટલે કાણાંવાળા જોડા તરત મળી ગયા. કાણાંવાળા જોડા પહેરીને એ ભાઇ જાણે કાણે જતા હોય એવું મોઢું કરીને કહેતા ગયા કે સાહિત્ય જગતમાં એકબીજાના ટાંટિયા ખેંચવાની પ્રવૃત્તિ જોઇ છે, પણ પગરખાં  સુધ્યા ખેંચવાની પ્રવૃત્તિ પહેલીવાર જોઇ.'

આ દાસ્તાન સાંભળી પથુકાકા બોલ્યા 'અંતે લેખકોને જોડા મળ્યા ખરા  બરાબરને ? અંધારામાં  કારની હેડલાઇટે ખરો રંગ રાખ્યો. બાકી અજવાળામાં હેડ-લાઇટ જ નડતા  હોય છે.'  મેં  પૂછયું અજવાળામાં હેડ-લાઇટ નડે એટલે વળી શું ?' પથુકાકા હસીને બોલ્યા 'જેનું ભેજુ ખાલી હોય કે માથુ ખાલી હોય એવાં મૂરખાને ઇંગ્લિશમાં હેડ-લાઇટ જ કહેવાયને ?'

અંત-વાણી

પારકા ભલે સંબંધ તોડે

કે જોડે

પોતાનાએ કાયમ રહેવું સજોડે

કજોડે કે જોડે જોડે

Gujarat