Get The App

ડબ્બા ડબ્બામાં ફેર છે... 'ડબ્બા' ઘેર ઘેર છે

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
ડબ્બા ડબ્બામાં ફેર છે... 'ડબ્બા' ઘેર ઘેર છે 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

કાકા-કાકી વચ્ચે કોઈ દિવસ શાબ્દિક કાપાકાપી ન થાય એવું બને જ નહીં. મુંબઈમાં પાણી-કાપ મૂકાય, પણ કાકીના મોઢે વાણી-કાપ ક્યારેય ન મૂકાય. કાકા હવામાં થોડાઘણા શબ્દો છોડે ત્યાં તો કાકીના 'કાકીસ્તાની' ડ્રોન હવામાં જ તોડી પાડે. એટલે કાકા બહાર ભલે ગમે એવા બોલ-બચ્ચન હોય, પણ ઘરમાં બંધ થઈ જાય. એટલે જ જાહેર કાર્યક્રમોમાં કે સભાઓ ગજાવવા માટે પંકાયેલા પથુકાકાને ખીજવવા માટે અમે જોડકણું સંભળાવીએ કે-

ભલે શબ્દબાણો છોડે સભામાં

પણ ઘરે કાકાની બકરી ડબ્બામાં

રવિવારે કાકીનો જન્મદિન હતો એ મને ઓચિંતુ યાદ આવ્યું. એટલે મીઠાઈનો ડબ્બો લઈ દોડાદોડ પહોંચ્યો એમને વિશ કરવા. મેં ઘરમાં પગ મૂક્યો અને કાકીને મોટા અવાજે 'હેપ્પી બર્થડે' કહી વિશ કરતાંની સાથે જ પથુકાકા બોલ્યા, 'કરો કરો વિશ આ અમારી 'વિશ-કન્યા'ને... આજે તો એને જ વિશ કરવાનો દિવસ છે.'

મેં સુંદર કોતરણીવાળો મીઠાઈનો ડબ્બો કાકીના હાથમાં મૂકતાંની સાથે જ કાકી રાજી થઈ ગયાં અને પછી કાકા સામે ફરીને બોલ્યાં, 'આમ જુઓ જરાક,આવા ભરેલા ડબ્બા અપાય, તમારી જેમ ખાલી ડબ્બા થોડા જ અપાય?'

કાકીનુલ્છેલ્લું વાક્ય સાંભળીને મારા કાન ચમક્યા. મેં પૂછયું ,'કાકી, શું વાત છે? કાકાએ તમને કેમ ખાલી ડબ્બો આપ્યો?'

કાકી છણકો કરીને બોલ્યાં, 'મારો બર્થ-ડે છે એટલે તારા કાકા ભેટમાં ઘરેણાં-બરેણાં આપશે એવી આશા રાખીને બેઠી હતી.  પણ તારાં કાકી તો ચોર બજારમાંથી ઘરેણાં રાખવાનો ડબ્બો લઈ આવ્યાં અને મને સાવ ખાલી ડબ્બો ભેટ આપ્યો. મારી કેવી ફજેતી થઈ, ખબર છે? હું તો મારી હમઉમર બહેનપણીઓની વચ્ચે એવી શરમાઈ કે વાત ન પૂછો.' 

આ સાંભળી કાકા બોલી ઉઠયા, 'અરે પગલી, શરમ જ અબળાનું આભૂષણ ગણાય છે... મને ખબર હતી કે તારી પાસે આ આભૂષણ તો છે એટલે પછી એ આભૂષણ રાખવાનો ડબ્બો લઈ આવ્યો. મજા કરને વ્હાલી...'

ખાલી ડબ્બાનો ખેલ કરીને રંગમાં આવી ગયેલા પથુકાકા 'નીલકમલ' ફિલ્મમાં મહેમૂદે ગાયેલું ગીત ગાવા માંડયા-

'ખાલી ડબ્બા ખાલી બોતલ

લે લે મેરે યાર,

ખાલી સે મત નફરત કરના

ખાલી સબ સંસાર...'

આ સાંભળીને ચીડાયેલાં (હો)બાળાકાકી તાડૂક્યાં, 'નસીબમાં ભટકાયેલા તમારી જેવા ખાલી ડબ્બાને  હું ક્યાં નફરત કરૃં છું? પ્રેમ જ કરૃં છું ને? રોજેરોજ ખાલી ડબ્બાની સાથે (નાસ્તાનો) ભરેલો ડબ્બો ઓફિસ જાવ ત્યારે તૈયાર કરીને આપું જ છું ને? મારે માટે તો બેય ડબ્બા સરખા.'

પથુકાકા બોલ્યા, 'મુંબઈગરાનું તો જીવન જ ડબ્બામય બની ગયું છે. મારી જેવા પીડિત પતિઓની બકરી ડબ્બામાં કામધંધે  જતી-આવતી વખતે ભીંસાવાનું લોકલ ટ્રેનના ડબ્બામાં, બપોરે ઓફિસ કે દુકાનમાં ખાવાનું ડબ્બામાં અને એ ખાવાનું પચે એટલે પછી જવાનું પણ ડબ્બા લઈને... 

ખાને મેં કામ આતા ડિબ્બા...

જાને મેં કામ આતા ડિબ્બા...

મેં કહ્યું 'કાકા એક જમાનામાં નાના ગામોમાં ડબ્બાવાળા જાજરૂ હતા યાદ  છે? જ્યારે આજે તો સડસડાટ દોડતી ટ્રેનોના ડબ્બાની અંદરના જાજરૂમાં પણ સ્ટીલના ડબ્બા કે ડબલા આવી ગયા છે, જો કે આ ખાલી ડબ્બા ચોરાય નહીં એટલે સાંકળથી બાંધી રાખવા પડે છે બોલો.'

પથુકાકા મને તાલી દઈ બોલ્યા કે 'સ્ટીલના સાંકળે બાંધેલા ડબલા પણ ચોરાઈ જાય છે, ખબર છે? કારણ કે ટ્રેનના જાજરૂમાં લખેલું હોય છે સાંકળ ખેંચો... સાંકળ ખેંચો... એટલે કેટલાય બૂડથલ લોકો સૂચનાનું પાલન કરી સાંકળ ખેંચી ખેંચી તોડી નાખે છે અને પછી ખાલી ડબલા ઉપાડી જાય છે એ તને ખબર છે?'

જૂના વખતમાં મુંબઈની ચાલીમાં રહેતા એ દિવસો કાકાને યાદ અપાવતા મેં કહ્યું કે 'ચાલીઓમાં કોમન સંડાસ જ હતા. દરેક માળ પર પાંચ-દસ કોમન ટોઈલેટ હોય. ઘર ઘર ટોઈલેટના એ દિવસો જ નહોતા.'

એ દિવસો યાદ કરી કાકા બોલી ઉઠયા કે જૂના દિવસોની એ જ તો ખરી મજા હતી મુંબઈની, ઘર ઘરમાં ક્યાં આજની જેમ સંડાસ હતા? એ વખતે તો કેવી પરિસ્થિતિ હતી ખબર છેને?  ઘરનું ખાવાનું અને બહાર જવાનુું, જ્યારે આજે ફાસ્ટ ફૂડનો ફેશનમાં બહારનું ખાવાનું અને ઘરમાં જવાનું... લોકો બહારનો કચરો નાખે પેટમાં અને પછી પેટનો કચરો નાખે ઘરમાં, પેટ બને જ્યારે કચરાના ડબ્બા ત્યારે શબ્બા-ખેરને બદલે કહેવું પડે ડબ્બા ઘેર... ઘેર...

મેં કહ્યું સાંભળો તો ખરા? આપણે બાળપણ ચાલીમાં જ વિતાવ્યું હતું ને? જાજરૂ ઓછા અને જનારા ઝાઝા એવી સ્થિતિમાં રોજ સવારે કોમન ટોઈલેટની લાઈનમાં કેવી 'ઓન-લાઈન'' બબાલ થતી? ચાલીમાં ઘરની બહાર તાર બાંધેલા કાલી ડબ્બા લટકતા હોય એ લઈને દોડવાનું અને શૌચાલય પાસે પહોંચીને નળમાંથી કે ડ્રમમાંથી પાણી ભરીને એલ.ઓ.સી. (લાઈન ઓફ કંટ્રોલ)માં જેમ તેમ કન્ટ્રોલ રાખી ઊભા રહેવાનું? બહુ રોકી રોકીને જાણે 'રોક-શો'માં ઊભા હોઈએ એવી દશા થતી  યાદ છે?

પથુકાકા બોલ્યા અરે ભાઈ મને તો આપણાં બાળગોઠિયા લાભુ લીંબડીઆના મામા એનસીસીમાં હતા એ એકવાર એરગન લઈને આવેલા એ કિસ્સો કેમ ભૂલાય? જરા મસ્તીખોર  મિજાજના મામાએ ચાલીની દરેક ખોલી (રૂમ)ની બહાર બાંધેલા ડબલામાં  એરંગનથી કાણાં પાડી નાખ્યા.  પછી  બીજે દિવસે શું થયું હતું યાદ છે ને? સવારે ધસારાના સમયે ચાલીવાળા વારો આવતા પીપડામાંથી ડબલામાં પાણી ભરી અંદર જાય અને પાર્સલ મૂકતા જાય એ પછી ડબલા સામે નજર પડતાની સાથે જ ધ્રાસ્કો પડે કે હવે શું કરશું? પછી તો ત્રણે માળ પરરના જાજરૂમાં પાણી... પાણી... પાણીની બૂમરાણ મચી ગઈ, ગોવાનીઝ પાડોશી અંકલે તો વોટર... વોટર... વોટર... એવો ગોકીરો મચાવ્યો, પછી તો જેમ તેમ બહાર ભેગા થયેલા લોકોએ સાજા ડબલાથી વારાફરતી પાણી આપ્યું ત્યારે બહાર આવ્યા અને એમાં ટેણિયામેણિયા તો ડ્રાયક્લિનિંગ કરીને જ નીકળ્યા યાદ છેને? ત્યારે ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા... એ રાગમાં ગાવાની નોબત આવી હતી કેઃ ડબલે ડબસલે કાણાં કોણે પાડિયા...

પથુકાકા બોલ્યા મને બરાબર  યાદ છે 'ગોવાનીઝ અંકલ જોનચાચા જાજરૂમાંથી જેમ વોટર... વોટર... વોટર...ની બૂમરાણ  મતાવી હતી એવી જ રીતે આજે કેટલાય ડબલાશ્રીઓ દબદબાભેર વોટર (મતદાર) ... વોટર વોટર...એવી બૂમરાણ મચાવે છેને? એટલે જ કહેવું પડે કે સાચા-ખોટા વોટરને મામલે જે મચાવે વોટર... વોટર...ની બૂમરાણ, એનામાં મીઠાની જ તાણ..., આની સહુને છે જાણ... એની આપવી ન  પડે ઓળખાણ... એ ગણાય અવળ ચંડાઈની ખાણ...

અંત-વાણી

સઃ ઓફિસોમાં લઈ જવાતા ખાવાના ડબ્બાને લંચ-બોક્સ કહેવાય, તો આ લંચ-બોક્સમાં રિશ્વતની રોકડની આપલે થાય ત્યારે ડબ્બાને શું કહેવાય?

જઃ એને કહેવાય લાંચ-બોક્સ.

**  **  **

ઘર ઘરમાં શૌચાલયની ઝુંબેશ ચાલુ હોવા છતાં ધરાર ખુલ્લામાં બેસણું કરવાવાળા અને કોઈથી ન ડરવાવાળાનું સૂત્રઃ ડબલું ભર્યું કે ના હઠવું ના હઠવું...

**  **  **