ખરી દિવાળી... ખરીદી-વાળી!
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
'આવી દિવાળી... આવી દિવાળી... આવી છે આ વખતે ખરી દિવાળી... ઓટલા ઉપર સુંદર રંગોળી પૂરતા જાય અને (હો)બાળાકાકી ગાતા જાય.
કાકીનો ઘોઘરો સાદ સાંભળી પથુકાકા બોલ્યા 'તારી વાત સાવ સાચી. કપરા કોરોનાકાળમાં દિવાળીની ઉજવણી 'કોવિડ-વાળી' રહી એટલે જમાવટ નહોતી થઈ. ખરી દિવાળી ને બેસતું વર્ષ આ વખતે આવ્યાં અને ખુશીઓના રંગ લાવ્યા.' (હો)બાળાકાકી લટકો કરીને બોલ્યાં, 'તમારી વાત ખરી છે, કોરોના કાળમાં રંગ રંગની ગોળી ખાઈનેૈ થાક્યા ત્યારે રંગ-ગોળીને બદલે આ રંગોળી કરવાનો અવસર આંગણે આવ્યો છે, એટલે જ હું ગાઉં છું આવી દિવાળી... ખરી દિવાળી... હવે સાંજે મોલમાં જઈને મારા માટે મોંઘી સાડી ખરીદી આવજો તો મન ે લાગશે આવી ખરી-દિવાળી...ખરીદી-વાળી.'
કાકીની આ ફરમાઈશ સાંભળી કંજૂસ કાકા ખિસ્સામાં પડેલા પાકિટ પર હાથ ફેરવી બોલ્યા 'હું તો તું જ્યારે ગાતી'તીને કે આવી દિવાળી ખરી દિવાળી... ત્યારે જ હું સમજી ગયો હતો કે તું ચોક્કસ કોઈ ભેટની ખરીદીની ફરમાઈશ કરીશ... એટલે જરા કરન્ટ ભલે લાગ્યો છતાં કરન્ટ એકાઉન્ટમાંથી ખરીદી માટે પૈસા કઢાવી આવ્યો છું, સાડી ખરીદીને આવ્યા પછી હું જરા ફેરવીને ગાઈશ આવી દિવાળી... ખરીદી-વાળી આવી દિવાળી ખરીદી-વાળી...'
હું આ છેલ્લો સંવાદ ચાલતો હતો ત્યારે પહોંચ્યો, પણ એટલો ખ્યાલ આવી ગયો કે કંજૂસ કાકા, કાકી માટે દિવાળીની સાડી ખરીદવા જવાના છે. એટલે મેં વધાઈ આપતા (હો)બાળાકાકીને કહ્યું, 'જોયુંને? આને કહેવાય ખરી દિલ-વાળી દિવાળી... કાકાનો કેવો પ્રેમ છે તમારી તરફ?'
કાકી હરખાઈને બોલ્યાં, 'તારા કાકા બહુ લવિંગિયા છે હો લવિંગિયા...' પથુકાકા વચ્ચે ડબકું મૂકતા બોલ્યા, 'અરે? મને પતિમાંથી લવિંગિયો ટેટો બનાવી દીધો?' કાકી કહે , ' અરે મારા લવિંગિયા... તમે પ્રેમાળ છો અને બહુ લવ કરો છો એટલે લવિંગિયા કીધા...' કાકા હસીને બોલ્યા, 'મોટા ભાગના લોકોના સંસારમાં આવું જ ચાલતું હોય છે. ધણી કરે લવ અને ધણિયાણી કરે લવ- લવ (બોલ-બોલ), બરાબરને? બાકી આજે મારી ધરમની પત્નીને નવી નક્કોર સાડી પહેરાવીને એકદમ ફટાકડી ન બનાવું તો મારું નામ પથુ નહીં...'
મેં કહ્યું, 'કાકા, એક જમાનામાં જ્યારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ નહોતો ત્યારે રસ્તા પર અને મેદાનોમાં જઈ ફટાકડા ફોડવાની અને આતશબાજી કરવાની કેવી મજા આવતી? તમને યાદ છે? હાઈ સોસાયટીમાં તો ફટાકડા ફોડવા માટે રીતસર પાર્ટી યોજાતી, એ વખતે જે ધૂમધડાકા થતા... ઓહ માય ગોડ, હવે ફટાકડા ફોડવા માટેની આવી પાર્ટીઓ કેમ નહીં થતી હોય?'
કાકાએ દાઢમાંથી જવાબ આપ્યો, 'ફટાકડા ફોડવાની ક્યાંથી પાર્ટી થાય? દિવાળી પહેલા કેટલીય પાર્ટીઓ જ ફૂટવા માંડી એ તેં જોયું કે નહીં?'
મેં કહ્યું, 'કાકા, પાર્ટીમાંથી કેટલાય ફટાકડા ફૂટયા પણ ખરા તો કેટલાક ફટાકડા તો સાવ સૂરસૂરિયા થઈ ગયા, તો કેટલાય સાવ હવાઈ ગયા. કેટલાંક રોકેટ આડા ફાટયાં અને ગમે ત્યાં ઘૂસી ગયાં. આજકાલ ફાટફૂટના રાજકારણમાં સત્તા ખાતર જે ફૂટે એવા ફટાકડાને શું કહેવાય ખબર છે? સત્તાકડા કાં ફાટફૂટાકડા... આમાં પણ અમુકને (એટલે મેમ્બરને) ફોડવા માટે ધનનો એટલે લક્ષ્મી છાપ ટેટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો જ હશેને?'
પથુકાકાએ તરત એક જોડકણું અને તત્કાળ તોડકણું સંભળાવી દીધું કે -
'જેના હાથથી સત્તા છૂટે,
એ બેઠાં બેઠાં કપાળ કૂટે.
જેને હોય સત્તાનો મોહ,
એવી તો આખેઆખી લૂમ ફૂટે.'
કાકાની તડાફડી લાંબી ચાલે એ પહેલાં જ મેં એમની વાત વચ્ચેથી કાપતા પૂછ્યું , 'કાકા, ફટાકડા ફૂટે ત્યારે ધ્વનિ-પ્રદૂષણ ફેલાય, બરાબર? તો આખેઆખી પાર્ટી ફૂટે તો એની પાછળ કયું પ્રદૂષણ કામ કરી જાય?
પથુકાકા વિચારીને બોલ્યા, 'ફટાકડા ફૂટે ત્યારે ફેલાય ધ્વનિ-પ્રદૂષણ અને પાર્ટી ફૂટે ત્યારે છાનું ન રહે મની-પ્રદૂષણ, સમજાયું?'
મેં મની-પ્રદૂષણની વાતમાં સૂર પૂરાવતા કહ્યું કે આજે ભલે 'મન કી બાત' થાય, બાકી કોઈ પણ પાર્ટી 'ધન કી બાત'ને જ મહત્ત્વ આપે છેને? એટલે જ કહું છું-
'ચૂંટણી જીતવા
કરદાતાના ધનની લ્હાણી,
સરકારો તોડવા અને ફોડવા
પૈસાની કાઢે ઘાણી,
જીતીને ફૂંકશે બણગાં કે
સહુએ મત આપ્યા છે
જાણી જાણી.'
પથુકાકા બોલ્યા, 'લખલૂટ પૈસો કમાઈને વિદેશી બેન્કોમાં રાખવાવાળા ધનકુબેરો અને સ્વિસ બેન્કમાં ખાતાં ધરાવતા હોય એવાં કૈંક નેતાઓ પણ હોંશે હોંશે લક્ષ્મીપૂજન કરીને મનોમન કેવો જયજયકાર કરતા હશે , ખબર છે? એ કહેતા હશે -
જય લક્ષ્મી માતાજી...
સ્વિસ બેન્કમાં અમારાં ખાતાજી... હોય લક્ષ્મીજી રાજી...
તો મગદૂર છે આંગળી ઊઠાવે કોઈ પાજી?'
લક્ષ્મીપૂજનની વાત આવતા પથુકાકા બોલી ઊઠયા, 'દિવાળી આવે એટલે છૂપી રીતે ઘુવડની હેરાફેરી ખૂબ જ વધી જાય. હજી કાલે જ છાપામાં વાંચ્યું કે એક જણના થેલામાંથી દસ જીવતાં ઘુવડ પકડાયાં. એ તને ખબર છે?' મેં પૂછ્યું કે દિવાળીનો ઘુવડ સાથે શું સંબંધ? કાકાએ જવાબ આપ્યો, 'અરે ભાઈ, તને ખબર નથી? લક્ષ્મીજીનું વાહન ઘુવડ છે જેને હિન્દીમાં ઉલ્લુ કહે છે. તાંત્રિકો અને અંધશ્રદ્ધાળુઓ એવું માને છે કે દિવાળીમાં લક્ષ્મીજી ઘરમાં પ્રવેશે છે એટલે જો એમના વાહનનો જ બલિ ચડાવી દેવામાં આવે તો લક્ષ્મીજી પાછા ન જઈ શકેને? ઘરમાં જ રહી જાય. એટલે બિચ્ચારાં કેટલાય ઘૂવડોનો બલિ ચડાવવામાં આવે છે.'
મેં નવાઈ પામી કહ્યંું, 'મને તો ખબર જ નહીં કે ઘુવડ એટલે કે ઉલ્લું લક્ષ્મીજીનું વાહન છે અને ઉલ્લુને આ રીતે મારી નાખવામાં આવે છે.'
પથુકાકા બોલ્યા, 'લક્ષ્મીજીનું વાહન ઉલ્લુ છે એના પરથી ડાયરામાં ચોટદાર વ્યંગ કરવાાં આવેલો. કલાકારે કહેલું કે લક્ષ્મીજીનું વાહન ઉલ્લુ છે બરાબર? એટલે કોઈને તમે 'ઉલ્લુ' બનાવીને પૈસા કમાવ તો લક્ષ્મીજી રાજી થાય, બોલ!'
મેં કહ્યું -
'બધી ચીજના ભાવ
સાંભળીને જવાય છે દાઝી,
આવી મોંઘવારીમાં લક્ષ્મીજી
કોની પર થાય રાજી?'
કાકા કહે, 'તારી વાત સાચી, ફરસાણથી માંડી મીઠાઈ, ડ્રેસથી માંડી ડેકોરેશનની ચીજો અને રોશનીનાં તોરણોથી માંડી ફટાકડા બધાના ભાવ વધ્યા હોય ત્યાં સામાન્ય લોકો ક્યા મનથી દિવાળી ઉજવે? પછી મનથી ન ઉજવાય એવી દિવાળીને મન-દિવાળી ને બદલે શું કહેવાય? મંદીવાળી?'
મેં પંચાંગ પર નજર ફેરવીને કાકાને જાણ ખાતર પૂછ્યું, 'દિવાળીમાં ગ્રહણ છે એ સાચી વાત?' પથુકાકા છણકો કરીને બોલ્યા,'દિવાળીમાં ગ્રહણ હોય એમાં શું નવાઈ છે? દર દિવાળીએ મોંઘવારીનું ગ્રહણ તો લાગે જ છેને? પછી દેવું કરીનેય ઘી પીવાની જેમ ઉછીઉધારા કરીને દિવાળી ઉજવવી જ પડે છેને? એટલે દિવાળી બાદ દેવ-દિવાળી આવે એ પહેલાં 'દેવા-દિવાળી' દઝાડે જ છે, બરાબરને?'
આ સાંભળી રસોડામાંથી બુલેટ ટ્રેન નહીં, પણ બહુ-લેટ ટ્રેનની જેમ ઘસમસતાં આવેલાં કાકી તાડુક્યાં, 'આખો દિવસ મોંઘવારી... મોંઘવારી એવો શું કકળાટ કરો છો?તહેવારમાં તો મૂંગા રહો? આખું વરસ પડયું છે કકળાટ કરવા, બાકી મારા-તમારા જેવાં ગમે એટલો કકળટા કરે છતાં કિંમત ઓછી થાય છે?'
પથુકાકા જરાક મસ્તીના મૂડમાં બોલ્યા,'આ જો, તારી કાકી છે ને આ કાળી ચૌદસને દિવસે ઘરમાંથી કકળાટ કાઢવા માટે ગામના ચોકમાં વડાં મૂકી આવે છે. એ કકળાટીયા વડા ં ખાઈને કૂતરા બિચ્ચારા આખું વર્ષ ભસાભસ કરીને અડધા થઈ જાય છે. જરા વિચાર કર કે તારી કાકી વડાંમાં કેટલો બધા કકળાટ ભરતી હશે? પણ એક વાત છે, કાકી કાળી ચૌદસે ગમે તેટલો કકળાટ કાઢે તો પણ ૪૮ કલાકમાં પાછી હતી એવીને એવી રિચાર્જ થઈ જાય છે.'
મેં કહ્યું , 'કાકી, ચોકમાં વડાં મૂકી આવી કકળાટ કાઢે છે તો બીજી તરફ રાજકારણના ચોકમાં આપણા ગરમાગરમ 'વડા' સામે વિપક્ષો કાયમ કકળાટ કાઢતા રહે છે, શું ફરે પડે છે?'
કાકીએ અમારી મફતની માથાઝીંક સાંભળીને ફરી રાડ પાડી, 'સપરમા દિવસોમાં ઝટ નાહી-ધોઈને તૈયાર થઈ જાવ, ક્યાં સુધી આમ ખોટી લપ કર્યા કરશો?'
વાતાવરણ પલટાયું તે સાથે જ મેં ડાહ્યા-ડમરા થઈને ઘર ભણી ચાલવા માંડયું.
અંત-વાણી
કાનમાં બે રીતે ધાક પડે. એક બૈરીની બૂમથી અને ફટાકડાની લૂમથી.
** ** **
સવાલઃ મેરે પાસ પટાખે હૈ, રોકેટ હૈ, બમ હૈ, અનાર હૈ, ફુલઝરી હૈ... તુમ્હારે પાસ ક્યા હૈ...
જઃ મેરે પાસ મા-ચીસ હૈ.