- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ભાષા વળગે શું ભૂર, રણમાં જીતે તે શૂર... એને બદલે છાપાળવી ભાષા વાંચીને કહેવું પડે કે છાપાળવી ભાષાને વળગે જે ભૂર... વાચકો થાય એમાંથી દૂર!
ખરેખર છાપાળવી ભાષાના એકના એક શબ્દ પ્રયોગો વાંચી વાંચીને ઘણા વાચક બિચ્ચારા અ-વાચક બની જાય છે. ફલાણા કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો... ઢીંકણા રેકેટનો ઘટસ્ફોટ... પૂંછડા પ્રકરણનો ઘટસ્ફોટ...જેટલાં બોમ્બ-સ્ફોટ નથી થતા એટલા ઘટસ્ફોટ થાય છે. થોડા સમય પહેલાં મહારાષ્ટ્રના એક ભ્રષ્ટ નેતાનું કૌભાંડ બહાર આવતાની સાથે કશેક લખાયું કે ફલાણા નેતાના પ્રકરણનો ઘટસ્ફોટ... આ વાંચીને એક મરાઠી પત્રકારે સવાલ કર્યો કે 'તમારા છાપામાં લખ્યું છે કે નેતાના પ્રકરણનો ઘટસ્ફોટ, તો શું એ નેતાના છૂટાછેડા થઈ ગયા?'
મેં કહ્યું, 'આ પ્રકરણમાં છૂટાછેડાની વાત ક્યાં આવી?' મરાઠીભાષી પત્રકારે કહ્યું કે તમને ખબર નથી? મરાઠીમાં ઘટસ્ફોટ એટલે છૂટાછેડા. નેતાના પ્રકરણનો ઘટસ્ફોટ એટલે નેતાના છૂટાછેડા એવું જ લાગેને?'
મામલો બીચકે અ થવા મામલો થાળે પડે, ધોળે દિવસે ચોરી થાય, ભરરસ્તે ચીલઝડ થાય, ચકચાર જાગે, ઊભી પૂછડીએ ભાગે, પોલીસ લાલ આંખ દેખાડે, રોકાણકારોએ નાહી નાખ્યું કે પછી ગુંડાના સરદારનોજમણો હાથ ઝડપાયો... આવા શબ્દપ્રયોગો થતા જ રહે છે.
એમાં વળી કેટલાંય રિપોર્ટરો પ્રભાવિત શબ્દનો ખોટો અર્થ કરીને વાપર્યા કરે છે. આપણે કોઈથી ઈમ્પ્રેસ થઈએ તેને પ્રભાવિત થયા કહેવાય. પણ આ શબ્દનો ખોટા અર્થમાં ઉપયોગ કરી લખવામાં આવે છે કે 'ઝૂંપડપટીના તોડકામથી પ્રભાવિત લોકોનું રસ્તા-રોકો આંદોલન'. પણ તોડકામથી કોઈ પ્રભાવિત થતા હશે? આને માટે એમ લખી શકાય કે 'ઝૂંપડપટ્ટી તોડવામાં આવતા અસરગ્રસ્ત ઝૂંપડાવાસીએ કર્યું રસ્તા-રોકો આંદોલન'. હમણાં તો એક છાપામાં 'કૂતરાને કાઢવા'ને બદલે શું લખ્યું હતું ખબર છે? 'કૂતરાને નીકાળવા ગયેલા સુધરાઈકર્મી પર હુમલો'.
તાલુકા કક્ષાના નાના ફરફરિયા તો જાણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાની ભરપૂર ભેળસેળ કરીને ગુજરેજી ભાષાનો છૂટથી ઉપયોગ કર્યો હોય એવો ભાસ થાય. જેમ કે, 'ગામની સેફતા (સુરક્ષા) પોલીસના હાથમાં'. અંગ્રેજીમાં હગ કરવું એટલે ભેટવું. પરંતુ મેં ક્યાંક વાંચેલું કે ઘર ઘર શૌચાલયની યોજના છતાં ખુલ્લામાં 'હગીંગ કરતા કેટલાય ગ્રામજનો! ક્યાંક વાંચેલું કે 'લેધર બેગની માર્કેટમાં ગેરકાયદે સ્ટોલ ઊભા કરનારા 'બેગરો'ને દંડ'... 'તૃતીયપંથી 'સેમી-નાર'નો ટ્રેનોમાં ત્રાસ.'
પોર્ટરને માથે સામાનનો બોજો, રિપોર્ટરને માથે સમાચારનો બોજો. જેની પાસે પત્ર મળે પણ કાર ન મળે તોય કહેવાય પત્રકાર. હિન્દીમાં કહે સંવાદદાતા, ખિસ્સામાં ભલે કાણી કોડી પણ ન હોય છતાં કહેવાય દાતા, સંવાદ-દાતા. મરાઠીમાં પત્રકારને કહે વાર્તાહર, વાર્તહર એટલે બીજાની વાર્તા હરી જાય એવું નહીં હો! વાર્તા એટલે સમાચાર ભેગા કરે.
કાર વગરની નિરા-કાર દશામાંય મારફાડ કરતો ઘસી આવતો એક પત્ર-કાર ગેટ-વે ઓફ ઈન્ડિયા પાસે સામો ભટકાયો. મેં સ્પીડ બ્રેકરની જેમ આ ભાગેડુ ફિલ્મ પત્રકારને આંતરીને પૂછયું, 'ભાઈ , આમ ક્યાં દોડાદોડ જાય છે?' ફિલ્મ પત્રકારે હાંફતા હાંફતા જવાબ આપ્યો, 'પેલી ફિલ્મી કેબ્રે ડાન્સર શેન્ટી સેલનને કવર કરવા જાઉં છું.' મેં કહ્યું 'દોસ્ત, સેન્સરવાળા જેને કવર ન કરી શક્યા તેને તું ક્યાંથી કવર કરવાનો?' આવું છે, ભાઈ. ભ્રષ્ટોને ઉઘાડા પાડતી મહત્ત્વની સ્ટોરી છપાય એ કહેવાય કવર સ્ટોરી બોલો!
એક વાર એક ટ્રેઇની પત્રકારને સાહેબે કોઈ નેતાના મૃત્યુના સમાચારનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવા આપ્યું. ટ્રેઇનીએ લખ્યું, 'ફલાણા નેતાનું દુ:ખદ અવસાન થયું છે અને પોતાની પાછળ પત્ની અને બે સંતાનોને મૂકતા ગયા છે.' આ વાંચતાની સાથે જ સાહેબે ટેબલ પર મુક્કો પછાડી ત્રાડ પાડી, 'પત્ની અને સંતાનોને પાછળ મૂકતા નજાય તો શું એનેય ભેગા લેતા જાય? ઉપર શું આખા ફેમિલીનું બુકિંગ કરાવ્યું છે?' ટ્રેઇનીએ કાન પકડયા કે ફરી ક્યારેય આવી ભૂલ નહીં થાય.
એક સાંધ્ય અખબારમાં કેવું ભાષાંતર થતું ખબર છે? જાણે દહીંનું છાશાંતર થતું. એક વરિષ્ઠ સબ-એડિટર 'હરદ્વાર'નું કાયમ 'હાર્ડવેર' કરી નાખતા. વોટર સ્કેરસીટીનો તરજુમો 'મતદારોની ખેંચ'. બીજા એક વિદ્વાને રિવર-બેન્કનું ટ્રાન્સલેશન નદી-કાંઠાને બદલે શું કર્યું હતું, ખબર છે? 'નદીની બેન્ક'! ડિઅરનું હરણને બદલે કર્યું હતું 'પ્રિય પ્રાણી'. એક વખત સમાચાર સંસ્થાના મશીન ઉપર અમેરિકાના ઈન્ડિયાના સ્ટેટની પોલીસના સમાચાર આવ્યા. આ વાંચીને એક નવા નિશાળીયા બોલી ઉઠયા, 'અમેરિકામાં વળી ભારતના પોલીસ ક્યાંથી?'
વર્ષો પહેલાં થોડા સમય માટે સૌરાષ્ટ્રના અખબારોમાં કામ કર્યું એ દરમિયાન સાંજના છાપાના મથાળા ંવાંચવાની મજા આવતી. એક વાર મથાળું વાંચવા મળ્યું: ' એ... ગઈ એ... ગઈ'. હેડિંગ વાંચીને થયું કે કોઈની કન્યા ભાગી ગઈ? કોંગી નેતાની ગાદીએ બેસવાની તક છીનવાઈ ગઈ? કે પછી આઝાદીની (એ વખતની) અડધી સદી પૂરેપૂરી સદી ગઈ? શું હશે સમાચારમાં? વિગત વાંચતા ખબર પડી કે 'એ ગઈ' એટલે ગામના ચોકની પાસે ઊભી રાખેલી ત્રણ સાઈકલ ચોરાઈ ગઈ.
સૌરાષ્ટ્રના એક પીઢ અને રમૂજી પત્રકારે દાયકાઓ જૂનો એક મજેદાર કિસ્સો સંભળાવેલો. સૌરાષ્ટ્રના શહેરની બહાર નાનો એવો રેડ-લાઈટ એરિયા હતો. રૂપજીવિનીઓ પેટનો ખાડો પૂરવા દેહ વ્યવસાય ચલાવે અને જે 'પબ્લિક ઈસ્યુ' બહાર પડે એને મોટા કરે. એમાં એવું થયું કે કોઈ પર્વ પ્રસંગે ખાદીધારી અગ્રણીઓને સોલો ચડયો કે ચાલો, આપણે બદનામ વસ્તીમાં જઈને સુધારાનો સંદેશો આપીએ. એટલે ચાર-પાંચ જણ ખભે થેલા લટકાવી માથે ટોપી પહેરીને પહોંચ્યા રેડ-લાઈટ એરિયામાં. નાની ઓરડીઓની બહાર ટેણિયામેણિયા રમતા હતા. 'સમાજ-સુધારકો' ઓરડીમાં ગયા અને રૂપજીવિનીઓને હાથ જોડી પ્રશ્ન કર્યો કે 'બહેનો, તમારો પુરૂષ વર્ગ ક્યાં છે?' સવાલ સાંભળી એક બોલકણી બલાએ એક આંખ મારી જવાબ આપ્યો, 'અમારો પુરૂષ-વર્ગ તેમ જ છો, આવોને?' થેલાવાળા જવાબ સાંભળીને ઊભી પૂંછડીએ ભાગ્યા.
પરદેશમાં પણ દેશી પત્રકારોને અવનવા અનુભવ થતા હોય છે. એક અંગ્રેજી અખબારના પત્રકાર મિત્રે વર્ષો પહેલાં ફ્રાન્સનો પ્રવાસ કરી પાછા આવ્યા બાદ અનુભવ વર્ણવતા કહ્યું હતું , 'ભાઈ, આપણને તો પેરિસમાં યુપીનો એવો અનુભવ થયો કે આંખે અંધારા આવી ગયા.'
મેં નવાઈ પામી પૂછયું, 'ફ્રાન્સમાં તમને ઉત્તર પ્રદેશ જેવો વસમો અનુભવ થયો એટલે શું કોઈ ગુંડા ભટકાયા હતા?'
અંગ્રેજી પત્રકારે હસીને જવાબ આપ્યો કે 'યુ.પી. એટલે ઉત્તર પ્રદેશ નહીં, યુ.પી. એટલે યુરિન-પ્રેશરની વાત કરૃં છું. પેરિસમાં પાણીના ૪૦ રૂપિયા અને શંકા-નિવારણ માટે કે એકીકરણ માટે ૧૮ રૂપિયા (આજથી દાયકાઓ પહેલાં) ચૂકવવા પડે. હવે આપણી પાસે લિમિટેડ ફોરેન કરન્સી હોય એમાં આવો ખર્ચો ક્યાંથી પોષાય? એટલે પછી હાજત દાબી જ રાખીએ. આને અમે કોડવર્ડમાં એલ-ઓ-સી એટલે લાઈન ઓફ કન્ટ્રોલ કહેતા. પણ એટલે ગર્વ થયો કે પરદેશમાં આપણા પૈસાની કિંમત ભલે ન હોય પણ પેશાબની ઊંચી કિંમત આંકવામાં આવે છે.'
છાપાંમાં છપાતી મરણનોંધનું ખૂબ જ મહત્ત્વછે. દૂર દૂરના ઉપનગરોમાં વસતા ગુજરાતી પરિવારોને સગા-સંબંધીના મૃત્યુના સમંચાર આ મરણનોંધ મારફત જ મળે છે. એક વાર સાંજના અખબારમાં વાચકોને એપ્રિલ-ફૂલ બનાવવાનું સાંજના અખબારની ટીમે નક્કી કર્યું. પહેલી એપ્રિલે બહાર પડેલા છાપાના પહેલે પાને સમાચારનું મથાળું છપાયું : મુંબઈમાં ૨૫ ગુજરાતી મૃત્યુ પામ્યા. નીચે કૌસમાં લખ્યું (વધુ વિગત માટે જુઓ પાનું ૭મું). સાતમું પાનું મરણનોંધનું હતું. આ પાને ૨૫ ગુજરાતીઓની મરણનોંધ છપાયેલી!
અંત-વાણી
કબર મળે એ કબ્રસ્તાન
ખબર મળે એ ખબ્રસ્તાન.


