Get The App

મંગલ મંદિર ખોલો... પાપ અમારા છોલો

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
મંગલ મંદિર ખોલો... પાપ અમારા છોલો 1 - image

- બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

હું અને પથુકાકા અમારી સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખને મળવા એમને   ઘરે ગયા. એ વખતે પ્રમુખનો પૌત્ર ડાઈનિંગ ટેબલ પર બેસી જમવાનું શરૂ કરવાની તૈયારીમાં હતો. આ જોઈને પથુકાકાએ ટેણિયાને સલાહ આપી,'બેટા, જમવાનું શરૂ કરતા પહેલાં પ્રાર્થના કરવી જોઈએ.' 

આ સાંભળી સ્માર્ટ ટેણિયો બોલ્યો,'દાદાજી, પ્રેયરની જરૂર નથી, મારી મમ્મી સારી રસોઈ બનાવે છે.' આ સાંભળીને અમે સહુ ખડખડાટ હસી પડયા.

બહાર નીકળતી વખતે મેં કહ્યું,'કાકા, તમને ખબર છે? હાસ્ય અને રમૂજ પણ પ્રાર્થના જ છે. હાસ્યથી ટેન્શન દૂર થાય છે, હાસ્યથી હેલ્થ સારી રહે છે અને નિર્દંશ હાસ્યથી બીજાના જીવનમાં પણ અજવાળું થાય છે. એટલે જ એક ચિંતકે કહ્યું છે કે તમે જ્યારે હસો છો એ ઈશ્વરની પ્રાર્થના જ છે, પણ જ્યારે તમે બીજાને હસાવો છો ત્યારે ઈશ્વર તમારા માટે પ્રાર્થના કરે છે.'

મારી વાત સાંભળીને મરક મરક હસી કાકા બોલ્યા,'તારી એકની એક કાકી તો મારી બધી વાત જ હસવામાં કાઢી નાખે છે એનું શું કરવું?' 

મેં કહ્યું, 'કાકા તમારાં ધર્મપત્ની તમારી બધી વાત હસી કાઢે છે એ જોઈને આડોશીપાડોશી પ્રાર્થના કરે છે કે ભગવાન આ (હો) બાળાકાકી અમારા કાકાની વાત ગંભીરતાથી લે તો સારૂં.'

માગે એનાથી સૌ ભાગે, ખબર છેને? તોય માણસનું મન એવું માગણ જેવું થઈ ગયું છે કે બસ માગ્યા જ કરે છે. માણસ સામો મળે તોય માગે અને ભગવાનને પ્રાર્થના કરે તોય માગે. માગવામાંય પછી ચાલાકી કેવી કરે છે, જુઓ તો ખરા? સોશિયલ ક્લબોમાં રાતો ગાળી જુગાર રમીરમીને એન્ટિસોશિયલ ઈન્કમ પર જીવતા ગાંગજી ગેમ્બલર હવે રોજ સવારે મંદિરે જઈને પ્રાર્થના કરે છે,'હે હજાર હાથવાળા, સીધેસીધી જુગારની કમાણી પર કેટલા દિવસ પાનાં ટીચી ટીચીને જીવવું? એના કરતાં હે દીનાનાથ, મને ક્રિકેટ રમતો કરી દેને!' 

ઘણા તો હાથ જોડીને પ્રભુને વીનવે કે પ્રાર્થના કરે તો એમાંય એમના ધંધાની ભાષા આવી જ જાય. આ રહ્યા આવી ધંધાદારી પ્રાર્થના (પ્રોફેશનલ પ્રેયર)ના થોડાં સેમ્પલ...

કચ્છી શેઠની પ્રાર્થના

તૈયાર કપડાંના વેપારમાં કચ્છ વાગડવાળા શેઠ નાનજી વિશનજીનું સારું એવું નામ. માણસનુંય સસ્તા માઈલના કપડાં જેવું છે, ક્યારેક ચડી જાય ને ક્યારેક ઉતરી જાય. પૈસા પચાવી ન શકે. એ ચડી જાય અને એક ઘોણ સરખાઈનું થાય એટલે આપોઆપ ઉતરી જાય. નાનજી શેઠને પણ કંઈક એવું જ થયું. ધંધામાં ધોવાણ થવાથી સીધા ધરમમાં ઊતરી ગયા. એમની પ્રાર્થનામાં રેડીમેડ ભક્તિનો કેવો સૂર સંભળાય છે  જરા કાન તો માંડો-

હે પ્રભુ, ક્યાં તમારી સાઈઝ અને ક્યાં મારી સાઈઝ? હું તો તમારી પાસે સાવ સ્મોલ સાઈઝનો કહેવાઉં. તમે તો ફ્રી સાઈઝના. ગમે તે ભક્તની સાઈઝમાં ફિટમફિટ થતાં તમને આવડે  છે. અત્યાર સુધી ગામ આખાને ઢાંકતો હતો, પણ ફાંદાબાજીની લેટેસ્ટ ફેશનમાં ફસાયા પછી નામ પ્રમાણે આ નાનજી ઉઘાડો પડી ગયો છે.ભીંસમાં આવતાં ફેમિલીવાળાની મારા પ્રત્યેની લાગણી ઓસરવા માંડી છે.લાગણીનાં મોજાંનું આપણી દુકાને વહેંચાતાં સસ્તા મોજાં જેવું છે. ક્યારે ઈલેસ્ટિક ઢીલું પડી જાય કહેવાય નહીં. પ્રભુ હાજર  સ્ટોકમાં હૈયાવરાળ સિવાય કંઈ નથી રહ્યું. અધૂરામાં પૂરું,ઘરવાળીના મોઢાની પાક્કી સિલાઈ કરે એવો એકેય સંચો હાથ નથી લાગ્યો. એટલે એય આખો દિવસ કટકટ કરીને માસ્ટર કટર કે કટકટર બની ગઈ છે. આ બધા ભેગા થઈને મને સેલમાં મૂકે એ પહેલાં હે પ્રભુ, હે હજાર હાથવાળા (તારા હજારેહજાર હાથના માપની બાંયવાળા અંગરખાં લેતો આવીશ), તારા શરણમાં રાખી લે. સંસારના બધા ટાંકા તોડીને આ નાનજી તમારા લગી પહોંચે ત્યારે આ સેકન્ડના  માલને રિજેક્ટ ન કરતા. અત્યારે તો જેમતેમ ડબલ સિલાઈ કરીને હાંક્યે રાખું છું. હે પ્રભુ, પુણ્ય અમારાં માપજે ને પાપ બધાં કાપજે... જય હો... જય હો.

સોમો સુથાર વીનવે

અમારા ગામનો આમ તો એ એકનો એક સુથાર, પણ ન ામ સોમો સુથાર. દિવાળી પહેલાં ઘરે આવ્યો. કહેવા લાગ્યો,'આ વખતે લાકડાંનો મજબૂત કબાટ તમને બનાવી દઉં. બર્મા ટીકનાં લાકડાંમાંથી બનાવીશ. છ ચોર ખાનાં અને ચાર લોક ગોઠવીશ. ફક્ત પચીસ હજારનો ખર્ચ થશે, પણ ચોરીની કાયમની બીક ટળી જશે.' 

મેં કહ્યું, 'તને પચીસ હજાર દીધા પછી કબાટમાં રાખવા જેવું શું રહેશે?'

 ખેર, સોમા સુથારની લાકડા છાપ  પ્રાર્થના ભગવાન સાંભળે કે ન સાંભળે, પણ તમે સાંભળો-

હે દયામય મંગલ મંદિર ખોલો અને અમારાં પાપ બધાં છોલો. પ્રભુ પા ભાગના ખંડમાં ફેલાયેલી પાખંડીઓને પગે પડીને કમરનાં મિજાગરાં ઢીલાં થઈ ગયાં છે, કિચૂડ કિચૂડ બોલે છે. હે દ્વારકેશ, મે અત્યાર લગીમાં કંઈકના દરવાજા બનાવ્યા, પણ પ્રભુ તેં તો આ દરવાજા બનાવનારને બનાવ્યો છે. તારાથી ક્યાં કંઈ છાનું છે? આ મિસ્ત્રીના નસીબમાં સ્ત્રી પણ કેવી ભટકાણી છે, ખબર છેને? એની જીભ છે કે રંધો એ જ ખબર નથી પડતી. બોલતી જાય અને છોલતી જાય. પ્રભુ લાકડે માકડું ખરું વળગાડયું છે. એક દીકરો પણ માવડિયો છે. મારું કહ્યું માનતો જ  નથી.

સુથારના ઘરમાં આવા સન-માઈકા ક્યાંથી પોસાય? હે જગતના નાથ, જતી જિંદગીએ નેતાની જેમ ખુરશી ન મળે તો કંઈ નહીં, ખુશી મળે તોય હાંઉં.

કનુ કડિયો

કબૂતરને ચણ અને કડિયાને ચણતર તું જ આપે છે. જીવનના પાયામાં ભેળસેળવાળી સિમેન્ટને બદલે ભક્તિ મળે એવું વરદાન આપ. જ્ઞાાનીઓ નેતિ નેતિ કરે અને હું રેતી રેતી કરું એટલો ફેર છે.  હે પ્રભુ, તું તો ભક્તોને ભક્તિથી ભીંજવે છે એ ખરું, પણ અત્યારે તો મેં જ બાંધેલા મકાનની છત ગળવાથી  ભીંજાઈ રહ્યો છું. સંસારની શું વાત કહું? એ તો 'મલ્ટિ-સ્ટોરી' છે. નિરાંતે કહીશ.  ટૂંકમાં, મેં ચણેલો ઉંબરો ઠેકીને ઘરવાળી ભાગી ગઈ છે. સંસ્કારોની સિમેન્ટમાં ભેજ આવી  ગયો એટલે સંતાનો પણ હચુડચુ થતાં આ બાપને ટેકો આપવાને બદલે  કાટમાળની જેમ વેરણછેરણ થઈ ગયાં છે. હે પ્રભુ, આ કાનજી કડિયો અછતની દશામાં છત પર ચડી ક્યાં લગી તારી વાટ જુએ?

નેતા વચન પાળે છે

આ દેશનું રાજકારણ જ પડતર અવસ્થામાં છે. તક જોઈને પહેલાં રાજકારણમાં પોતે પડે અને પછી બીજાને પાડે. આવા જ એક નેતા ઘણા દિવસથી દેખાતા બંધ થઈ ગયા.  લોકો અંદરોઅંદર અટકળ કરવા માંડયા કે નેતા કેમ દેખાતા નથી?  ક્યાંક માણસ તો નથી બની ગયાને?  બહુ તપાસ કરી ત્યારે ખબર પડી કે નેતાને ધરમનો રંગ લાગ્યો છે. પોતાના લત્તામાં ફૂટપાથ પર બાંધેલા ગેરકાયદે મંદિરને ઓટલે બેસી નેતાજી પ્રભુને વિનંતી કરતા હતા-

હે પ્રભુ, આજે તો વચન આપ કે દર્શન દઈશ. તું અમારા જેવું નહીં કરે એની ખાતરી છે. મેં તો જર્મનીથી   ખાસ જર્મન શેફર્ડ ડોગ ઈમ્પોર્ટ કરીને પાળ્યો છે. એનું દેશી નામ 'વચન' રાખ્યું છે, એટલે કોઈ મહેણું ન મારે કે અમે 'વચન'  પાળતા નથી. એક જમાનો વચનપરસ્તીનો હતો, હવે વચન પર હસતી પ્રજાથી અમે ટેવાઈ ગયા છીએ. પ્રભુ, તું તો (સરકારી તંત્રના ભ્રષ્ટાચારની જેમ) સર્વવ્યાપી છે. તું તો આ પામર (પા-મર એટલે આખો મરેલો નહીં પા-મરેલો)ને દર્શન દે!

અંત-વાણી

મેરેજ એવી મેડિસીન છે જેની ઉપર એક્સ્પાયરી ડેટ લખેલી નથી હોતી. કેટલું ટકે એ ન કહી શકાય.  પરસ્પર પ્રેમ હોય તો ટકે, પરસ્પર વ્હેમ હોય તો વટકે, બેમાંથી એકનો ઉગ્ર સ્વભાવ હોય તો ગમે ત્યારે ફટકે અને જ્યારે છૂટા પડીને છટકે પછી બેઉ છૂટા છૂટા ભટકે.