દંગલને બદલે જંગલમાં મંગલ: ગન છોડી લ-ગન
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
બહાદુરીથી બહુ દૂર એવાં 'બહા-દૂર' પથુકાકા બડાશ હાંકવામાંથી ઊંચા ન આવે. હમણાં જ કાકા સાથે એમના વતનના ગામે ગયો ત્યારે બાપદાદાએ બાંધેલી હવેલીના દિવાનખંડમાં પ્રવેશતાંની સાથે જ પથુકાકા અને (હો)બાળાકાકીનું મોટું તૈલચિત્ર જોઈને આશ્ચર્યથી મારી આંખો પહોળી થઈ ગઈ.
પથુકાકા અને કાકીનાં લગન વખતના આ તૈલચિત્રમાં પથુકાકા હાથમાં બંદૂક પકડીને બેઠા છે અને પડખેના સિંહાસન (કે સિંહણાસન?) પર બાળાકાકી સોળે શણગાર સજી સેંથીમાં સિંદૂર પૂરીને બેઠા છે.
મેં પથુકાકાને પૂછ્યું, 'પથુકાકા, તમે ખરેખર સાચી બંદૂક ભેગી રાખતા?'
સવાલ સાંભળીને ખોંખારો ખાઈને કાકા બોલ્યા, 'તને શું લાગે છે? અમે ખોટી બંદૂક રાખતા? મારી બંદૂકના ધડાકા ત્રણ ગાઉ દૂર સંભળાતા, ખબર છે? જંગલમાં જંગલી જાનવરોના ભયને લીધે ભરી બંદૂક ભેગી રાખવી જ પડતી હો?'
મેં કહ્યું, 'કોઈ વાર જંગલમાં જંગલી જાનવરનો સામનો થયેલો કે નહીં?'
પથુકાકા ફરી ખોંખારો ખાઈને બોલ્યા, 'અરે, એક વાર ભેગી બંદૂક નહોતી ત્યારે ડાલામથ્થા સિંહનો ભેટો થઈ ગયો હતો.'
મેં પૂછ્યું, 'ડાલામથ્થા સિંહનો મુકાબલો ખાલી હાથે કેવી રીતે કર્યો?'
પથુકાકા બોલ્યા, 'બંદૂક ઘરે ભૂલી ગયો હતો તોશું થયું? મેં તો ખિસ્સામાંથી બંદૂકનું લાયસન્સ કાઢી સિંહને દેખાડી દીધું એટલે એ માથું ધુણાવતો જંગલ ભેગો થઈ ગયો, બોલ!'
કાકાની બહાદૂરીને બિરદાવતા મેં કહ્યું, 'કાકા, લગન પછી તમારી બહાદૂરી ક્યાં ગઈ? બંદૂક ફોડવાનું કેમ બંધ થઈ ગયું?'
કાકા જરા ઝંખવાણા પડીને બોલ્યા, 'પરણીને કિસ્મત જ ફૂટયા હોય ત્યારે પછી બંદૂકડી કોણ ફોડે?'
મેં હવેલીના તૈલચિત્ર તરફ આંગળી ચીંધીને કહ્યું , 'ચિત્રમાં તો તમે કેવા વટથી હાથમાં ગન પકડીને બેઠા છો?'
પથુકાકા બોલ્યા, 'આ ગન સાથેનું તૈલચિત્ર લગન વખતનું છે. ચિત્રમાં સેંથીમાં સિંદૂર પૂરીને બેઠેલી તારી કાકી સાથે સંસાર માંડયા પછી એણે મારી સામે એવું ઓપરેશન સિંદૂર ચલાવ્યું કે ગન ફોડવાનું ભૂલી ગયો, બોલ.'
મેં કહ્યું, 'રંગ છે તમારી બહાદુરીને રંગ છે... લગન કરી સુહાગન બનેલી બાળાએ તમને ગન ચલાવવાનું ભૂલાવી દીધું, બરાબરને?'
પથુકાકા છાપામાં નજર કરીને બોલ્યા, 'ગન છોડાવવી હોય તો લ-ગન કરાવી નાખવાં જોઈએ. આ મહારાષ્ટ્રની સરકાર માયબાપે એવું જ કર્યુંને? ગન મૂકી શરણે આવેલા મહિલા અને પુરૂષ નકસલવાદીઓનાં કેવાં સમૂહમાં લ-ગન કરાવી દીધાં?'
પહેલાં મને એમ થયું કે પથુકાકા ગપગોળા હાંકતા લાગે છે. પણ પછી મેં છાપા ંપર નજર કરી તો ખરેખર મહારાષ્ટ્રના સૌથી જોખમી નકસલવાદીગ્રસ્ત ઈલાકામાં ૧૩ પુરૂષ અને ૧૩ મહિલા નકસલવાદીના ધામધૂમથી સમૂહલગનના ફોટા સાથેના સમાચાર આંખે ચડયા.
મેં કહ્યું, 'કાકા, આ તો સરકારે જબરજસ્ત આઈડિયા લડાવ્યો હો! ગમે એવો મારકણો, મારઘાડિયો કે માથાભારે માણસ હોય, એક વાર એને પરણાવી દો પછી એની બધી જ હવા નીકળી જાય. ગમે એવો ખૂંખાર ગન-પતિ હોય એ લ-ગનપતિ બન્યા પછી ટાઢોબોળ થઈ જાય છે.'
પથુકાકા બોલ્યા, 'સમૂહ લગનમાં પરણેલા એ ક માજી માઓવાદીએ તો ન્યુઝ ચેનલવાળાને રમૂજમાં હસીને કહ્યું પણ ખરૂૅં કે પહેલાં અમે પોલીસને શરણે અને પરણીને સમસ્યાને શરણે...'
મેં કાકાને પૂછ્યું કે નકસલવાદીઓના સમૂહલગ્નમાં કોઈ રમૂજી પ્રસંગ બન્યો હતો કે નહીં?
કાકા બોલ્યા, 'એમાં એવું થયું કે સમૂહલગ્નની વિધિ ચાલુ હતી એ વખતે કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ મંડપમાં દાખલ થયા. ત્યારે આદત સે મજબૂર બે-ત્રણ વરરાજાએ ગન શોધવા ફાંફા માર્યા અને પછી ઠેકડો મારીને ભાગ્યા... ત્યારે આજુબાજુ ઉભેલા બે-ત્રણ સગાવ્હાલાએ તેમને રોકતા કહ્યું કે હવે તમારે પોલીસથી ડરવાનું નથી, હવે પત્નીથી ડરવાનું છે. એટલે પાછો ઠેકડો મારીને મંચ પર ચડીને માંડ પરણવવા બેઠા. આ કિસ્સો સાંભળીને મેં ઉમેરો કર્યો કે ધણિયાણીથી ધણધણી ઉઠે એનું નામ ધણી...'
મેં વધુ ખણખોદ કરતા સવાલ કર્યો, 'આ સમૂહ-લગનમાં લગ્નગીત કેવા ગવાયા હશે?'
પથુકાકા બોલ્યા, 'રામ જાણે કેવા ગવાયા હશે... બાકી હું જો ત્યાં હાજર હોત તો ગળું છૂટ્ટું મેલીને ગાત: નાણાવટી રે જોખમ બેઠું માંડવે... પહેલાં કરતા'તા જંગલમાં દંગલ ને હવે કરીશું જંગલમાં, મંગલ... અમે થાક્યા ખાખી દૂર દોડી દોડી, ગોળીની રમઝટ છોડી છોડી, જુઓ કેવી જમાવી જોડી જોડી...'
મેં કાકાને કહ્યું, 'હું તો જૂનું ગીત છેને? બનવારી રે જીને કા સહારા તેરા નામ રે ... એના ઉપરથી ગીત બનાવીને ગાઈ સંભળાવત: ગન-ધારી રે જીને કા સહારા તેરા નામ રે... મુઝે પુલીસવાલોં સે ક્યા કામ રે...'
કાકા બરાડયા, 'તું આવું ગાવાની ભૂલ ન કરતો, ગન-ધારીને બદલે કોઈ 'ગંધારી' એવું સમજશે તો ઉપાધિ થશે હો!'
મેં કાકાને પૂછયું, 'શરણે આવેલા બધા જ નકસલવાદી ચૂપચાપ પરણવા માટે રાજી થઈ ગયા એ બહુ કહેવાય...'
કાકા બોલ્યા, ' સાચું-ખોટું રામ જાણે, પણ કહેવાય છે કે એક સુધરી ગયેલો નકસલી ગન છોડયા પછી લ-ગન માટે તૈયાર જ નહોતો થતો. પોલીસ અધિકારીએ પણ મનાવવાની કોશીશ કરી ત્યારે તેણે હાથ જોડી કરગરીને કહ્યું કે ભાઈસા'બ, તમારે બીજી ગમે તે આકરી સજા કરવી હોય એ કરો, પણ મને પરણાવીને જનમટીપની સજા ન આપો. પહેલાં લગન વખતે ભટકાયેલી ત્રાસવાદી જીવનસંગિનીના ત્રાસથી છૂટવા ગન લઈને વનની વાટ લીધી અને નક્સલવાદી બન્યો. હવે હૃદય પરિવર્તન થયા પછી ફરી લગન કરવાની ભૂલ કરી જીવનને વાટ નથી લગાડવી, કારણ કે જેની પાછળ ગન લાગે એમાં વ્હેલાં-મોડાં ધડાધડી થયા વિના રહે જ નહીંને? પાછળ ગન લાગે એટલે સમજી ગયાને? મશીન-ગન, લાઈટ મશીન-ગન, સ્ટેન ગન, લ-ગન અને સુહા-ગન...'
અંત-વાણી
સ: અંધારી આલમની જેમ જ્યાં સહુ ગન લઈને ફરતા હોય તેને શું કહેવાય?
જ: ગન-ધારી (કે ગંધારી) આલમ
** ** **
જૂનું લગન ગીત:
પરણ્યા એટલે પ્યારા લાડી
નવું લગન ગીત:
પરણ્યા એટલે પડયા લડી...
** ** **
આઉટર-વર્લ્ડમાં: ગણતંત્ર
અંડર-વર્લ્ડમાં: ગન-તંત્ર
** ** **
લગ્ન મંડપમાં પતિને પગલે પગલે પત્ની ફેરા ફરે અને લગ્ન પછી પતિએ પત્નીની આજુબાજુ ફરવું પડે. જે વરને પત્નીની આજુબાજુ ફરવાની નોબત આવે તેને ગુજરાતી અનેે અંગ્રેજીની મિલાવટવાળી ગુજરેજી ભાષામાં કહેવાય - રિવોલ-વર (રિવોલ્વર).
** ** **
સ: લગન વખતે લગ્નગીત ગવાય છે એમ ગન-ધારી આલમમાં લગન વખતે કેવાં ગીત ગવાય?
જ: ગન-ધારી આલમમાં લગન વખતે લગનગીત નહીં પણ આવાં ગન-ગીત ગવાય:
ગોલી માર ભેજે મેં,
ભેજા શોર કરતા હૈ...
** ** **
સ: જે મહિલાના પતિ કાયમ ભેગી ગન લઈને ફરતા હોય તેને ગુજરેજીમાં શું કહેવાય?
જ: ગન-પતિ.
** ** **