- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
- 'જેની ગેસ-ભક્તિ. બાકી તો મુંબઈ અને અમદાવાદ જેવાં શહેરો તો સતત વધતા જતા વાયુ-પ્રદૂષણને કારણે ગેસ-ચેમ્બરમાં ફેરવાઈ ગયાં છે. આ ગેસમય વાતાવરણમાં ગેસ સૂંઘીને હસવું કે રડવું એ જ નથી સમજાતું.'
'ગેસવર્ક કરવા જતાં કેવા ગોટાળા થાય છે! પૂરતી ચોકસાઈ વિના અનુમાન કરવું એને ગેસ-વર્ક જ કહેવાયને'? પથુકાકાએ 'ગેસ'થી થયેલા ગોટાળાનો કિસ્સો સંભળાવતા પહેલાં ભૂમિકા બાંધી.
મેં કહ્યું , 'કાકા, વાતમાં મોણ નાખ્યા વગર દેશ-ભક્તિનો નહીં પણ ગેસ-ભક્તિનો જરા કિસ્સો તો સંભળાવો!'
પથુકાકાએ ખોંખારો ખાઈને જય યો-ગેસ-વર બોલીને કિસ્સો સંભળાવ્યો, 'મુંબઈમાં જ્યારે પાઈપ ગેસની શરૂઆત નહોતી થઈ ત્યારે ઘર ઘરમાં ગેસના લાલ રંગના સિલિન્ડર વપરાતા, બરાબરને? બસ એ વખતની યાદ આવે છે.
હું અને તારી (હો)બાળાકાકી સૌરાષ્ટ્ર મેલમાં રાજકોટથી મુંબઈ આવવા નીકળ્યઆઁ. ટ્રેન મુંબઈ સેન્ટ્રલમાં દાખલ થઈ એ પહેલાં સિગ્નલ પર થોડીવાર ઊભી રહી. ટ્રેનમાંથી પ્લેટફોર્મ દેખાતું હતું. તારી કાકીએ બારીમાંથી ડોકું બહાર કાઢીને આખો ડબ્બો સાંભળે એમ કહ્યું કે, આપણને ટાઈમસર ગેસની કોઠીઓ મળતી નથી અને આ મુંબઈ સેન્ટ્રલમાં ગેસની લાલ કોઠીઓ કેમ હારબંધ ખડકી દેવામાં આવી હશે?
તારી કાકીનો સવાલ સાંભળી મેં કહ્યું, હમણાં જોજે ખરૂ જાદું થશે. જેવી આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મમાં દાખલ થશે કે તરત જ ઈ ગેસની લાલ રંગની કોઠીઓ દોડવા માંડશે... ખરેખર એવું જ થયું. પ્લેટફોર્મમાં ગાડી દાખલ થઈ ત્યારે ગેસની લાલ કોઠીઓ દોડવા મંડી... આ દ્રશ્ય જોઈને ડબ્બાના બીજા પેસેન્જરો પણ ખડખડાટ હસી પડયા અને કોઈએ તોે તારી કાકીની મશ્કરી કરતા કહ્યું કે આન્ટી, તમે જેને ગેસની કોઠી સમજી બેઠેલાને એ તો ટ્રેનની રાહ જોઈને ઉભડક બેઠેલા લાલ રંગના પહેરણવાળા કૂલી હતા કૂલી... હા-હા- હા...'
ગેસની કોઠીનું ગેસ-વર્ક કરવા જતા ડબ્બાના પેસેન્જરો ખડખડાટ હસી પડયા.
ગેસની કોઠીનો કિસ્સો સાંભળીને મેં હસતાં હસતાં કહ્યું , 'પથુકાકા, તમારી ગેસની કોઠીની વાત સાંભળીને પેસેન્જરો હસી પડયા, બરાબરને? પણ તમને ખબર છે? ગેસથી માણસને હસાવી શકાય છે, બોલો!'
કાકાએ નવાઈ પામી પૂછ્યું, 'શું વાત કરે છે? ગેસથી માણસને હસાવી શકાય એટલે શું ટાયર-ટયુબમાં હવા ભરીએ એમ માણસને ગેસ ભરવાનો?'
મેં કહ્યું ,'કાકા... કાકા...! એવા તુક્કા ન દોડાવો. એવો એક ગેસ આવે છે, જે લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે.'
કાકા બોલ્યા, 'રમખાણો કે તોફાનો વખતે ભીડને તીતરબીતર કરવા માટે ટીઅર ગેસ (અશ્રુવાયુ) છોડવામાં આવે છે એ સાંભળ્યું છે, પણ અશ્રુવાયુની જેમ આ હાસ્યવાયુ એટલે શું એ જરા કહે તો ખરો?' મેં કહ્યું, 'કાકા, લાફિંગ ગેસ નામ જેને અપાયું છે તે નાઈટ્રસ ઓક્સાઈડ (એનટુઓ) ગેસની શોધ ઈંગ્લેન્ડમાં ૧૭૭૨માં થઈ હતી. આ ગેસ સૂંઘવામાં આવતાની સાથે જ આપણાં લોહીમાં ભળીને મગજમાં હાસ્યનું કેન્દ્ર હોય છે તેને ઉત્તેજીત કરે છે. એટલે ગેસ સૂંઘતાની સાથે જ માણસ ગાંડાની જેમ ખડખડાટ હસવા માંડે છે.'
પથુકાકા બોલ્યા, 'આ ગેસ તો બહુ સારો હો? મારી જેવા કેટલાય પીડિત પતિદેવોનું પરણ્યા પછી હસવાનું બંધ થઈ જાય છે, એટલે એ હસ-બંધ કહેવાય છે. આનાથી વધુ કપરી દશામાં સંસાર નિભાવતા પતિદેવોએ હસવા માટે બંડ કરવું પડે છે. એટલે આ હસ-બંડ તરીકે ઓળખાય છે. એટલે મારા ફળદ્રુપ ભેજામાં એક તુક્કો સૂઝ્યો છે કે આવા હસ-બંધ અને હસ-બંડને લાફિંગ ગેસના પોર્ટેબલ સિલિન્ડર ભેટ આપવા જોઈએ. એટલે સૂંઘી સૂંઘીને ખડખડાટ હસી તો શકે!'
મેં કહ્યું , 'કાકા, ઉર્દૂનો એક શેર યાદ આવે છે-
યા તો દીવાના હસે
યા તું જીસે તૌફિક દે વો હસે,
વર્ના ઈસ દુનિયા મેં આકર
હસતા કૌન હૈ...'
શેર સાંભળી દાદ આપતા પથુકાકા બોલ્યા, 'આદાબ... આદાબ... જરાક આ-પગ-દાબ...' પછી કહે , 'મને થાય છે કે કેટલાય એવાં ફાલતું કોમેડી નાટક હોય છે જેની કચરા છાપ કોમેડી જોઈને મેડી ઉપર ચડી જવાનું મન થાય. લોકોને હસાવવા માટે ચીલાચાલુ જોક્સ સાંધી સાંધી ડાયલોગમાં ભેળવીને નાટકમાં ફફડાવતા હોય છે. આ નાટકના નિર્માતાઓએ શું કરવું જોઈએ, ખબર છે? નાટક પૂરૂં થવાની અણી ઉપર હોયને ત્યારે પોર્ટેબલ સિલિન્ડરની મદદથી લાફિંગ ગેસનો છંટકાવ કરવાનો. એટલે નાટક પૂરૂં થતાંની સાથે જ લોકો ખડખડાટ હસતાં હસતાં બહાર નીકળે એટલે એના વીડિયો ઉતારી અને ફોટા પાડી સોશિયલ મીડિયામાં મૂકી પબ્લિસિટી કરી શકે કે જુઓ અમારૂં નાટક જોઈને લોકો કેવાં ખડખડાટ હસતાં હસતા બહાર નીકળે છે!'
અમારી આ લાફિંગ ગેસની વાત ચાલતી હતી ત્યાં (હો)બાળાકાકીએ બેડરૂમમાંથી મોટેથી રાડ પાડી, 'કયારના શું ગેસ... ગેસ કર્યા કરો છો? રસોડામાંથી ગેસની વાસ આવે છે એનું ભાન-બાન છે કે નહીં, બંધ કરો ઝટ ગેસ...'
આ સાંભળી પથુકાકાએ દોડીને રસોડામાં જઈ ગેસ બંધ કર્યો અને પછી ટકોર કરી, 'કોઈ ગેસ હસાવે અને કોઈ ગેસ (તારી કાકીને) ભસાવે... જોયુંને ભસી ભસીને મને કેવો ભગાડયો?'
મેં કહ્યું, 'કાકા, આમાં એવું છે ને કે જેવી જેની દેશ-ભક્તિ અને જેવી જેની ગેસ-ભક્તિ. બાકી તો મુંબઈ અને અમદાવાદ જેવાં શહેરો તો સતત વધતા જતા વાયુ-પ્રદૂષણને કારણે ગેસ-ચેમ્બરમાં ફેરવાઈ ગયાં છે. આ ગેસમય વાતાવરણમાં ગેસ સૂંઘીને હસવું કે રડવું એ જ નથી સમજાતું.'
પથુકાકા બોલ્યા, 'મારે દીકરોે ફોરેન રહે છે એણે મજેદાર વાત કરી કે વધતા જતા વાયુ-પ્રદૂષણને લીધે જતે દિવસે માણસના 'પવન-મુક્તાસન' ઉપર પર અંકુશ આવશે. લાફિંગ ગેસ સૂંઘવાથી જેમ લોકો હસે છે એમ કોઈ માણસ નેચરલ ગેસ મુક્ત કરે ત્યારે આસપાસના લોકોને કઠે છે. એટલે ત્યાંના એક મેડિટેશન સ ેન્ટરમાં 'નો-પાર્કિંગ'ની જેમ કઈ સૂચનાનું બોર્ડ લગાડવામાં આવ્યું છે, ખબર છે? નો-ફાર્ટિંગ.'
મેં કહ્યું ,'કાકા, અત્યારે તો એ.સી. ટ્રેનો દોડતી થઈ ગઈ છે, પણ જ્યારે એ.સી.ને બદલે માત્ર દેશી ટ્રેનો દોડતી ત્યારે ખબર છે, રાતને સમયે ટ્રેનમાં આપણે સૂતા હોઈએ અને અચાનક ગેસની માથું ફાડી નાખે એવી વાસ આવે એટલે ખબર પડી જતી કે અંકલેશ્વર આવ્યું લાગે છે. સાચુંને?'
પથુકાકા ફિલોસોફિકલ અંદાજમાં બોલ્યા, 'વાસ અને વાસનામાંથી મુક્તિ મેળવવી અઘરી છે. એટલે આપણા જેવા પા-મર (આખા નહીં) જીવોએ દેશભક્તિની જેમ ગેસ-ભક્તિ દેખાડયા સિવાય છૂટકો જ નથીને?'
અંત-વાણી
ભસતાં કૂતરાં કરડે નહીં
હસતાં છોકરાં રડે નહીં.
***
હસીના કેમ હસી-ના?
***
ખડખડાટ હસે એ અટ્ટહાસ્ય
તત્કાળ આવે એ ઝટ-હાસ્ય
નોનવેજ જોક સાંભળી
આવે એ ફટ-હાસ્ય.
***
સઃ એરકંડિશનને અ-સંસ્કૃતમાં શું કહેવાય?
જઃ શીત-વાછૂટમ્


