Get The App

ખીર-પૂરીની ઉડે છોળમછોળ રે... .

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
ખીર-પૂરીની ઉડે છોળમછોળ રે...                                       . 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

ડુંગરે ડુંગરે કાદૂ તારા ડાયરા

દારૂગોળાની ઉડે છોળમછોળ રે

મકરાણી કાદૂ

ડંકો રે દીધો તે સોરઠ દેશમાં...

'બહારવટિયા' કાદૂ મકરાણીના ગવાતાં આ લોકગીત પરથી આપણાં 'અંદરવટિયા' (અને ચોવટિયા) કાકુ ચકરાણી ઉર્ફે કાકા પેરોડી બનાવી લલકારવા માંડયા-

ધાબે ધાબે કાકાની નામના

ખીર-પૂરીની ઉડે છોળમછોળ રે

ચકરાણી કાકૂ

ડંકો રે દીધો પિતૃના દેશમાં...

'કાકુ ટકરાણી'નું આ ગીત સાંભળીને  મારું તો ભેજું જ ચકરાવે ચડી ગયું.  મેં કહ્યું, 'ઓમ ધ બાય નમઃની જેમ ધાબે ધાબે કેમ તમારી નામના છે?' 

મારો સવાલ સાંભળી પથુકાકા ખોંખારો ખાઈને બોલ્યા, 'મુંબઈ, રાજકોટ, અમદાવાદ કે વડોદરા ગમે ત્યાં શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ કાગડાનું રૂપ ધારણ કરી ખીર-પૂરી ખાવા આવે છે, બરાબર? હવે ધાબા પર ખીર-પૂરી ખાવા આવતા ઈ બધા કાગરૂપી પિતૃઓ આવતાની સાથે જ કાકા... કાકા... કાકા... કાકા... એવોે 'કાકારવ' કરીને મને જ યાદ કરે છે, બરાબરને? એટલે બધાનાં પિતૃઓ આ તારા કાકાને નામથી ઓળખે છે, સમજ્યો? એટલે જ હું વટથી ગાઉં છું કે ધાબે ધાબે કાકાની નામના... ખીર-પૂરીની ઉડે છોળમછોળ રે...' 

મેં કાકાને દાદ દેતા કહ્યું, 'લોકો તો માતૃષાભાની રક્ષાની વાતો કરતા હોય છે, પણ તમે તો પિતૃભાષાનો ડંકો વગાડી, દારૂગોળાને બદલે ગપગોળા દાગી કમાલ કરી હો?'

પથુકાકા બોલ્યા, 'માતૃભાષા મરી પરવારશે... મરી પરવારશે એવાં મરશિયાં ઘણા ગાતા હોય છે એને બદલે મરી પરવારેલા પિતૃઓને લગતું પિતૃભાષાનું ગીત કેમ ન લલકારીએ? સ્વર્ગે સીધાવેલાં ડોશીમાના રૂપમાં કાક નહીં, કાકી ઝટ આવે નહીંં ત્યારે પિતૃભાષામાં ગાવુંય પડે કે 'કા-કા કરૃં સજની આયે ના બાલમ...' આમાં તો છે ને, 'કા'ને બદલે 'કા-કા'  કરી ઠુમરીને બદલે 'મીઠું-મરી' ઉમેરીને  ગાવાનું અને પછી અને નામ આપવાનું કાક-વાણી કે પિતૃભાષાનું, બરાબરને?'

મેં કહ્યું, 'કાકા, તમે ગીતોની ભાંગતોડ  અને જોડ કરો છો મને એક દોહો ફેરવીને ફટકારવાનું સૂઝ્યું, સાંભળો-

કાગા ભરપૂર ખાઈયો

ખીર-પૂરી ઔર છાશ

દો નૈના મત ખાઈયો

મોહે મોબાઈલ દેખન કી આશ'

નિસાસો નાખીને કાકા બોલ્યા, 'આ સોશ્યલ મિડિયાએ જ વાટ લગાડી છે વાટ. અહિત કરે એને સોશ્યલ નહીં એન્ટી-સોશિયલ મીડિયા જ કહેવાય. હવે તો રીલ બનાવવાનો વળગાડ હોય એની જુવાનડીઓ બેક-ગ્રાઉન્ડમાં કાગડા ખીર-પૂરી ખાતા નજરે પડે તે રીતે નાચતાં ગાયઃ 'કા-કા કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે... ના-ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે...' કાગડારૂપી પિતૃઓ આવા ઊઘાડા નાચ જોઈને શું વિચારતા હશે?'

મેં કહ્યું ,'પિતૃઓ મનોમન વિચારતા હશે કે અમે જીવતા ત્યારે આ બધી નાચણિયાણીયું ક્યા ગઈ હશે? જીવતા  ત્યારે હાલાકીના હલ્લેસા અને મૂઆ પછી શું કામના જલસા?'

પથુકાકા બોલ્યા, 'આપણાં જૂના પાડોશી મંછુમા યાદ છેને? મંછુમાના ધણી મગનબાપા બહારનું ખાવાના શોખીન. આખો દિવસ ખાઉ-ગલ્લીમાં જ ઘૂમતા અને પાવ-ભાજી, વડા-પાવ અને ભેળપુરી ઝાપટતા બહારનું ખાઈ ખાઈને સ્વર્ગે સીધાવ્યા. એ પછી શ્રાદ્ધ પક્ષમાં ફળદ્રુપ ભેજાવાળા મંછુમાએ શું કર્યું, ખબર છે? પહેલાં તો જૂના ટેપરેકોર્ડરમાં પોતાના અવાજમાં મેસેજ રેકોર્ડ કર્યો. પછી ઘરના છાપરા પર ખીર-પુરીને બદલે ટેપરેકોર્ડર મૂકીને ચાંપ દાબી એટલે જોર જોરથી કાગડાઓ સાંભળે એવો કાગડાલક્ષી સંદેશ ગાજવા માંડયોઃ ખાઉગલ્લીમાં જાવ અને પેટ ભરીને ખાવ... ખીર-પૂરી ભૂલી જાવ પાણી-પૂરી ખાવ  ને તાજા-માજા થાવ...'

મેં કહ્યું 'મંછુમાનો આ રેકોર્ડેડ મેસેજ  સાંભળવા માટે આજુબાજુના લોકો ભેગા થયા હશેને?' 

કાકા હકારમાં માથું ધુણાવી બોલ્યા, 'મંછુમાએ પતિના રૂપમાં આવેલા કાગડાઓને પણ ખાઉગલ્લી તરફ વાળી દીધાં. બોલો, કેવો નુસ્ખો અજમાવ્યો?' 

મેં કહ્યું, 'હવે તો ઘણાં શહેરોમાં કાગડાની પણ અછત વર્તાય છે હો?' 

પથુકાકા મારી વાતમાં સૂર પુરાવતા કહે , 'હું બહુ આખાબોલો છું એટલે કહું છું કે રીલમાં નાગડા જોવા મળે પણ રિયલમાં કાગડા જોવા ન મળે. એટલે જ તો પાળેલા કાગડા ભાડે ફેરવતા શખસનો વીડિયો ભારે વાઈરલ થયો છે, ખબર છે? ચાર-પાંચ કાગડા લઈ ફરતો રહે અને જે પચાસ-સો રૂપિયા ભાડું ચૂકવવા તૈયાર થાય એની અગાશીમાં જઈ ખીર-પૂરી ખવડાવી આવે.  બોલ, તું કાગડાનું ભાડું ચૂકવીને ખીર-પૂરી ખવડાવે કે નહીં?'

મેં કહ્યું, 'ધોળે ધરમેય હું ભાડૂતી કાગડાને ખીર-પૂરી ન ખવડાવું હો? મારા પિતૃઓ કાંઈ ભાડૂતી થોડા જ હતા?'

કાકા બોલ્યા, 'તને ખબર છે? લગ્નના મોટા મોટા જમણવારોમાં વણનોતર્યા મહેમાન જેવાં કેટલાય ગેટક્રેશરો બનીઠનીને ઘૂસી જતા હોય છે? આવા જ એક જમણવારમાં આયોજકની ચકોર આંખે પારખી લીધું કે પાંચ-છ અજાણ્યા ઘૂસ્યા છે એટલે એમની પરીક્ષા કરવા પૂછયું કે તમે વર-પક્ષ તરફી છો કે કન્યા પક્ષ તરફથી? ત્યારે અડધાએ કહ્યું વરપક્ષ તરફથી અને અડધાએ કહ્યું કન્યાપક્ષ તરફથી. ત્યારે આયોજકે એકને સણસણતો તમાચો ચોડી રાડ પાડીને કહ્યું કે વર-પક્ષ અને કન્યા-પક્ષની ક્યાં માંડો છો? આ તો શ્રાદ્ધ પક્ષનું જમણ છે, સમજ્યા?' 

મેં કહ્યું, 'કાકા, પક્ષાપક્ષીના રાજકારણમાં સાચાની ભેગા કેટલાય ખોટા ઘૂસી જ જાય છેને? એટલે જ હું કાયમ ચાર લાઈના સંભળાવું છું કેઃ

લોકશાહીને રસોડે વાળું છે

દરેકની દાળમાં કાળું છે,

તમતમારે મારો ત્રાપડ થાળી પર

કોણ-કોને પૂછવા-વાળું છે?'

મને દાદ આપતા પથુકાકાએ રાજ્કીય રંગ પકડીને કહ્યું,'મને લાગે છે કે મરવાને વાંકે જીવતા અને ડચકા ખાતા કેટલાક રાજકીય પક્ષ થોડા વખત પછી ક્યા પક્ષમાં ફેરવાઈ જશે ખબર છે? શ્રાદ્ધ-પક્ષમાં.'

અંત-વાણી

કંઈક એવાંય ભટકાય

જે હરકત કરે ગંભીર,

જીવતા વડીલોને પીવડાવે

નહીં નીર,

અને જે મર્યા પછી 

જમાડે પૂરી-ખીર.