Get The App

દીપડા ભલે આતંક મચાવે, પ્રાણીપ્રેમીઓ બકરી બચાવે

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
દીપડા ભલે આતંક મચાવે, પ્રાણીપ્રેમીઓ બકરી બચાવે 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

- 'મહારાષ્ટ્રના રાજકારણીઓને કદાચ ખબર નથી લાગતી કે દીપડાની ફેવરિટ ડિશ સ્ટ્રીટ-ડોગ છે. નહીંતર એક કરોડ રૂપિયાની બકરીઓ જંગલમાં છોડવાને બદલે ક્યાંક શેરીમાંથી કૂતરા પકડી પકડીને જંગલમાં છૂટા મૂકી દેતાં નહીં અચકાય. બકરી અને કૂતરાની નવી વાનગી ગોટ-ડોગ પણ જંગલમાં પાર્સલ કરે તો નવાઈ નહીં.'

લાઈવ-શો, લાઈવ-ટેલીકાસ્ટ અને લાઈવ પર્ફોમન્સ... જ્યાં જુઓ ત્યાં બસ લાઈવ-લાઈવ જ સાંભળવા જોવા મળે છે. પરંતુ રાજકોટ ગયો ત્યારે એક સ્ટોલ ઉપર બોર્ડ વાંચીને હું ચોંકી ગયો. બોર્ડ ઉપર લખ્યું હતું. લાઈવ ઢોકળા મેં વિચાર્યું કે લાઈવ ઢોકળા એટલે જીવતાં ઢોકળા વળી કેવાં હશે?

મેં સ્ટોલ ચલાવતા ભાઈને પૂછ્યું, 'આ લાઈવ ઢોકળા એટલે શું?' ભાઈએ જવાબ આપ્યો, 'આ જુઓ, તમારી આંઈખુ (આંખો) સામે ચૂલા ઉપર કૂકરમો (કૂકરમાં) ઢોકળાની થાળી મૂકીએ છીએ અને પછી ફળફળતા ગરમાગરમ વરાળ નીકળતા ઢોકળા પીરસીએ છીએ એને કહેવાય લાઈવ ઢોકળા લ્યો ચાખો.' મને તો કૂકરમાં શબ્દનો ઉપયોગ 'કૂકરમો' કર્યો એ સાંભળી મનમાં થયું કે માણસ પણ 'કુકર્મો' કરીને પછી તેને બાળી નાખવાની વ્યર્થ મથામણ જ કરતો હોય છે ને? ગરમાગરણ ઢોકળું મોઢામાં મૂકતાં ખરેખર મજા આવી ગઈ અને મારા મોંઢામાંથી તારીફ રૂપે કાવ્ય-પંક્તિ સરી પડી કે: જ્યારે કળા કળા નહીં ઢોકળા બની જશે...

પથુકાકાને જ્યારે લાઈવ ઢોકળાની વાત કરી ત્યારે તરત બોલી ઉઠયા, 'તું તો લાઈવ ઢોકળા ખાઈને આવ્યો,પણ હવે મહારાષ્ટ્રનાં જંગલોમાં દીપડાઓને લાઈવ બકરી ખવડાવવામાં આવશે લાઈવ બકરી.'

મેં નવાઈ પામી પૂછ્યું, 'લાઈવ બકરી એટલે જીવતી બકરીઓ કોણ ખવડાવશે  દીપડા-દીપડીઓને? શિયાળામાં ટાઢા-પ્હોરના ગપગોળા ઝીંકો છો કે શું?'

મારી વાત સાંભળી છંછેડાયેલા કાકા તરત બોલ્યા, 'મારી વાતમાં જ્યાં સુધી તું શંકા-કુશંકા  લઘુશંકા-ગુરુશંકા ન કરે ત્યાં સુધી તને સખ ન વળે, કેમ? વિશ્વાસ ન બેસતો હોય તો ગયા અઠવાડિયાનાં છાપાં પર નજર કરી જા. પુણે, નાસિક, અહિલ્યાનગર સહિતના વિસ્તારોમાં દીપડાનો ત્રાસ એટલો વધી ગયો છે કે રોજબરોજ માનવવસ્તીમાં કૂતરાનો શિકાર કરવા ઘૂસે છે અને એમાં જો કોઈ માણસ ઝપટે ચડે તો એનોય ખાતમો બોલાવી દે છે. એટલે મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે કે શિકાર કે ભોજનની શોધમાં દીપડા ગામમાં ઘૂસીને આતંક ન મચાવે એ માટે સેંકડો બકરીઓને જંગલમાં છોડી દેવામાં આવશે. જંગલમાં જ લાઈવ બકરીઓ મળી રહેવાથી દીપડાઓએ ગામ કે શહેરમાં ધક્કો ખાવો નહીં પડે.'

મેં હસીને કહ્યું, 'હોટેલવાળા અને ફાસ્ટફૂડ આઉટલેટવાળા ઘેરબેઠા ફૂડ-પાર્સલ પહોંચાડે છે એમ દીપડાઓ જંગલમાં બેઠા ભોજન મેળવશે, એમ જ ને? મને તો સેંકડો બકરીઓનું દીપડાઓ ભક્ષણ કરશે એ વિચારે જ શરીરમાંથી ધુ્રજારી છૂટી જાય છે.પ્રાણી પ્રેમીઓ અને અહિંસાવાદીઓ વિરોધ કર્યા વગર નહીં જ રહે એવી મને ખતારી છે હો!'

કાકા બોલ્યા, 'મારા વ્હાલા... દીપડા, વાઘ, સિંહ એ બધાં માસાહારી પ્રાણી છે એટલે દીપડાને માનવવસતીમાં આવતા રોકવા માટે જંગલમાં બકરીઓન ે બદલે 'બેકરી'ની  આઈટમ તો ન મોકલી શકાયને? હિન્દી ફિલ્મનો બહુ ચવાયેલો છતાં સ-ચવાયેલો ડાયલોગ તેં સાંભળ્યો છેને? શેર કભી ઘાસ નહી ખાતા...'

પથુકાકાની બકરી અને બેકરીની શબ્દરમતને મેં દાદ આપતા કહ્યું, 'તમારી વાત સાવ સાચી છે, જેવું જેનું ખાણું અન ેજેવું જેનું ટાણું, એમાં પછી ગાવાનું ન હોય વિરોધનું ગાણું...'

પથુકાકા બોલ્યા, 'દીપડાને ભાવતી ્ર્રૅડિશ કઈ, તને ખબર છે? હોટ-ડોગ! હોટ-ડોગ ખાવા માટે એ ગામમાં આવતાં હોય છે.' 

મેં કહ્યું, 'આ વળી નવી વાત કરી તમે. ફાસ્ટ-ફૂડ સ ેન્ટરમાં વેંચાતી હોટ-ડોગની ડીશ ખાવા માટે દીપડા ગામમાં ચક્કર મારે?'  

ખડાખડાટ હસીને કાકા કહે ,'અરે ભાઈ, હોટ-ડોગ એટલે શેરીમાં રઝળતા કૂતરાં. કૂતરાંનું લોહી ગરમ હોયને? એટલે મેં તેને હોટ-ડોગ નામ આપ્યું એ કૂતરાનો શિકાર કરવા માટે જ દીપડા જંગલમાંથી ગામમાં કે શહેરમાં નીકળી પડે છે. શહેરના લોકો બહારનું ખાવા માટે ખાઉ... ખાઉ કરતા ખાઉ-ગલ્લીમાં પહોંચી જાય છે એમ દીપડા  હાઉ... હાઉ કરતા કૂતરાની હાઉ-ગલ્લીમાં પહોંચી જાય છે.'

પથુકાકાની વાત સાંભળીને મેં કહ્યું, 'મહારાષ્ટ્રના રાજકારણીઓને કદાચ ખબર નથી લાગતી કે દીપડાની ફેવરિટ ડિશ સ્ટ્રીટ-ડોગ છે. નહીંતર એક કરોડ રૂપિયાની બકરીઓ જંગલામાં છોડવાને બદલે ક્યાંક શેરીમાંથી કૂતરા પકડી પકડીને જંગલમાં છૂટા મૂકી દેતાં નહીં અચકાય. બકરી અને કૂતરાની નવી વાનગી ગોટ-ડોગ પણ જંગલમાં પાર્સલ કરે તો નવાઈ નહીં.'

પથુકાકા કહે, 'અરે ભાઈ, કૂતરાંને શેલ્ટરમાં મૂકવાની વાત આવી ત્યાં જ એનિમલ-લવર્સે કેવો વિરોધ કરવા માંડયો છે? રોજેરોજ હજારો લોકોને કૂતરાં કરડે છે એને માટે કોઈ એક હરફ સુદ્ધાં નથી ઉચ્ચારતા અને  કૂતરાને શેલ્ટરમાં મૂકવાની વાત આવે ત્યારે હોબાળો મચાવે છે. આપણે કૂતરાંના હુમલાના સમાચાર વાંચી બોલી ઉઠીએ છીએ - ઓહ માય ગોડ... જ્યારે શ્વાનરક્ષકો કૂતરાની વિરુદ્ધ કોઈ પણ ઉપાય અજમાવવામાં આવે ત્યારે બોલી ઉઠે છે ઓહ માય ડોગ...'

અંત-વાણી

જમીનના આખેઆખા પ્લોટ પચાવે,

ગરીબોનું લોહી ચૂસી અમથા નચાવે,

ખૂનખાર દીપડા ભલે આતંક મચાવે,

કૈંક એવાં છે જે બકરી બચાવે.

***

જીતે હૈ શાન સે

'બીતે' હૈ શ્વાન સે.

***

માંગો ઉપરવાલે સે દુઆ

મારે નહીં તેં-દુઆ.