For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આપણી સૌથી જાણીતી દેશી રમત એટલે મતની ર-મત

Updated: Nov 22nd, 2022

Article Content Image

- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી

કેમ છે કેમ છે કેમ છે

અહીં કૈંક સ્કેમ છે સ્કેમ છે

જીતેલા ખેલાડી પણ કરે જલ્સા

ને હારેલા પણ હેમ-ખેમ છે.

ચૂંટણીની જામેલી  હવા વચ્ચે  પથુકાકા ઓટલે બેસીને  આવા તત્કાળ જોડકણાં  ફફડાવતા હતા. કાકા બોલ્યા 'આપણાં દેશના વડા  દેશી રમતોને ઉત્તેજન આપવા માટે કેટલું  કરે છે એની તને ખબર છે? મેં સવાલ કર્યો કે 'કાકા તમે કઈ દેશી રમતની વાત કરો છો?'  પથુકાકા લુચ્ચું હસીને બોલ્યા કે  આપણી સૌથી દેશી રમત કઈ છે  ખબર છે? મતની ર-મત. એટલે જ  કહું છું ઃ

મત-રમતનો

આ દેશી ખેલ છે

ગાદી પર ઠેકે એને ગેલ છે

અને વાંકા હાલે એને જેલે છે.

કાકાની અવળવાણી સાંભળતો હતો ત્યાં જબરો સીન જોવામળ્યો. પાડોશી લખુકાકા એમના એકના એક ઓર્ડરથી બનાવેલા  અપલખણા અપ્પુનો  કાન પકડીને  મેદાનમાંથી ઘર તરફ પરાણે લાવતા હતા.કાન એવો કચકચાવીને પકડયો હતો કે  અપ્પુ કણસતો હતો અમે ધૂંઆપૂંઆ થતા લખુકાકાને ઊભા રાખી પૂછ્યું કે  એકના એક દીકરાને કેમ મારો છો?

જૂનવાણી લખુકાકા તાડૂક્યા કે 'મારે નહીં તો શું ચાટે?  હજી તો  ઉગીને ઊભો થયો છે ત્યાં જુગારને રવાડે  ચડી  ગયો  છે, શરમાતોય નથી.'

અપ્પુના હાથમાં બેટ જોઈને મેં સવાલ કર્યો કે 'લખુકાકા તમારો દીકરો ક્રિકેટ રમવા ગયો હતો અને તમેય શું જુગારની વાતે શું ધજાગરો  કરો છો?' આ સાંભળી લખુકાકા વધુ વિફરીને ચિલ્લાયા 'ક્રિકેટ જુગાર નથી? બેઉ ગેમમાં બેટિંગ જ થાય છેને?'

પથુકાકા માથું ધુણાવી બોલ્યા કે 'સાવ સાચી વાત છે  ગેમ અને ગેમ્બલીંગ વચ્ચે  કયા ભેદ  રહ્યો છે? પહેલાં ક્રિકેટની  ગેમની આબરૂનું  લીલામ થયું અને હવે તો ખુલ્લેઆમ ક્રિકેટરોના લીલામ થાય છે ને બોલી બોલાય છેને?

આ તો ગેમ છે ગેમ છે ગેમ છે

કે પછી શેમ છે શેમ છે શેમ છે

મેં કહ્યું 'કાકા નાનપણમાં આપણે ગિલ્લી-દંડા, સાતતાળી, ખો-ખો, લગોરી અને  ઠેરીથી  કેવી કેવી દેશી રમતો રમીને મજા લેતા?'

કાકા બોલ્યા 'હજી  એક રમત દિવ્યાંગડી  (લંગડી) કેમ ભૂલી ગયો? એક પગે  ઠેકતા ઠેકતા દાવ આપવાની અને સામેવાળાને પકડવાની  કેવી મજા  આવતી?  પણ અત્યારે એવું થયું છે કે મોટાભાગની દેશી રમત છેને ઈ ધીમે  ધીમે રાજ-રમતમાં ફેરવાતી જાય  છે એટલે જ  હું કહું છું કે સૌથી જૂની દેશી રમત ઈ મતની ર-મત છે.'

મેં કહ્યું 'કાકા આજે  તો લાભ જોઈને ઘણાંય  રમે છે  લંગડી  અને વળી રાખે ઉંચી પોતાની તંગડી. કેટલાય પાંખ વિનાના એક પગા પક્ષીઓ  એટલે  અપક્ષીઓ ચુનાવી  ખેલ પછી જે પક્ષ સત્તા સંભાળવાની વેતરણમાં હોય એમાં એક પગે  ઠેકતાં ઠેકતાં પહોંચી જાય છે  અને જોડાઈ  જાય છે. આને  કહેવાય બહારથીય ઠેકતા પાર્ટી, જે લાભ ખાતર રમે લંગડી અને ઊંચી રાખે તંગડી.'

'ગિલ્લી-ડંડાની દેશી રમત યાદ છે તને?' પથુકાકાએ સવાલ કર્યો. મેં કહ્યું 'ગિલ્લી ડંડા કેમ યાદ ન હોય? ગામના મેદાનમાં કે શેરીમાં તાતડિયે તડકે પણ આપણે કેવા રમતાં?' કાકા કહે કે 'હવે તો  મની અને મસલ પાવરના જોરે  કેટલાય ચૂંટાય છે. એટલે આ  ગેમને રાજકીય રંગ લાગતા કહેવું પડેઃ ગલ્લી-ડંડા અને દિલ્હી ફંડા... એનો મતલબ શું ખબર છે? ગલ્લીમાં ડંડાવાળી કરી ધાક જમાવનારા કૈંક ખેપાની ખેલાડીઓ નસીબ યારી આપે  ત્યારે ઠેઠ દિલ્હી પહોંચી જાય છે, એટલે કહેવું પડે કેઃ ગલ્લી-ડંડા અને દિલ્હી ફંડા, હારેલા પડે ઠંડા ને જીતેલા ગાડે ઝંડા...'

મેં કાકાને કહ્યું કે ચૂંટણીના ખેલમાં હવે નેતાઓ શક્તિ-પ્રદર્શનના રવાડે  ચડયા છે. મોટી મોટી જાહેરાતો થાય છે આજે  ફલાણા નેતાનું  શક્તિ-પ્રદર્શન, કાલે ઢીંકણા નેતાનું શક્તિ-પ્રદર્શન, પરમ દિવસે પૂંછડાનું શક્તિ-પ્રદર્શન... આ શું માંડયું છે નેતાઓએય'

પથુકાકા માથું ખંજવાળીને બોલ્યા કે  'તું શક્તિ-પ્રદર્શનનો ગુઢાર્થ સમજવાની કોશીશ કર. જેને જેને શક હોય કે પોતે  હારશે,  જેને શક હોય કે પ્રતિસ્પર્ધી જોર કરી જશે એ બધાં આવાં દેખાડા કરતા હોય છે. એટલે જ તો હું આ શક્તિ પ્રદર્શનને શું  ગણું છું  ખબર? શકથી-પ્રદર્શન સમજ્યો? શકથી -પ્રદર્શન.

મેં કહ્યું કાકા ખુરશી  ખાતર કેવા ખરાખરીના ખેલ  થાય છે? અત્યારે  સુધી  સાઈલન્ટ  મોડમાં  હોય એનાં  ખેલાડીઓ ચૂંટણી  નજીક આવતા એકદમ એકશન મોડમાં  આવી જાય છે એ જોઈને કહેવું પડે કેઃ

પહલે જીનકી ઉડતી

નહીં થી સુસ્તી

વો ભી ચુનાવી અખાડે મેં

કરને લગે કુશ્તી

પથુકાકા આ ચાર લાઈના પર માત્ર દાદ નહીં પણહગ-દાદ આપવા ઊંચાનીચા થતા  બોલ્યા  કે 'જ્યારૅ લીડરો  જાય અખાડે  ત્યારે જ બધું જાય ખાડે...'

મેં પૂછ્યું 'કાકા મતની  આ દેશી ર-મતમાં હાઈ-જમ્પને  સ્થાન ખરૃં કે નહીં?' પથુકાકા બોલ્યા કેમ નહીં?  કેટલાય એવાં ખેલાડીઓ ઠેકવામાં તો  એવાં ઠાવકા ઠેકેદાર હોય છે કે ઊંચો ઠેકડો મારી ઊંચા  આસને  પહોંચી જાય છે. પછી નીચે મો વકાસી ઊભા  રહેતા મતદારોનેભૂલી જ જાય છે. મતદારોની જે હાય લઈ ઊંચે  પહોંચે એ હાઈ-જમ્પના નહીં પણ હાય-જમ્પના ખેલાડી જ ગણાય ને? ખુરશીના આ દેશી ખેલને જોઈ ખુરશીદાસજી લખે છે કેઃ

'ખુરશી' હાય ગરીબ કી

કભી ન ખાલી જાય

મૂઆ ઢોર કે ચર્મ સે

લોહા ભસ્મ હો જાય.

વિવિધતામાં એકતા

વિધિવત ઠેકતા

આપણાં દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. પણ ચૂંટણી નજીક આવે ત્યારે  કેટલાય વિધિવત ઠેકતા જોવા મળે છે. કબડ્ડીની મેચમાં  જેમ પાલો બદલાય એમ   ગડબડીની મેચમાં  પણ કેટલાય પાલો બદલીને સામી ટીમમાં ભળી જાય છે.

આ ઠેકાઠેક  કરતા ઠેકેદારો  અને ટેકો  આપવા નીકળી પડતા  ટેકેદારોની ઠેકાઠેક  જોઈને તાજ્જુબ થઈ ગયેલા પથુકાકાએ સવાલ ર્્યો કે 'મેદાનમાં લાંબા વાંસડાની મદદથી ઊંચો ઠેકડો  મારવામાં આવતો હોય છે આ ગેમને અંગ્રેજીમાં  પોલ-જમ્પ શું કામ કહે છે?'

મેં કાકાને કહ્યું કે 'તમને  ખબર છે?  વાંસડાની મદદથી ઠેકવાની  ગેમને જેમ પોલ જમ્પ કહે છે એમ ચૂંટણીને પણ ઇંગ્લિશમાં  પોલ કહે છે બરાબરને? એટલે ચૂંટણી (પોલ) આવે ત્યારે  લાભ ખાતર લાંબા અને ઊંચા કૂદકા માટે એને પણ પોલ જમ્પ જ  કહેવાય બરાબર કે નહીં? '

ખડખડાટ હસીને પથુકાકા બોલ્યા કે પોલનો ગુજરાતી અર્થ પણ ચુનાવી રાજકારણ  માટે કેવો  બંધ બેસે છે? અંદર પોલાણ હોય એને પોલ કહે છે, ચૂંટણીના વાગતા નગારા અને  ધ્રીબાંગ ધ્રીબાંગ  પીટાતા ઢોલ એની અંદર પણપોલ જ હોય છે ને? એટલે ઢોલ-નગારાની  જેમ ગામ ગજાવતા  કેટલાય નેતાઓ  અંદરથી  પોલમપોલ જ હોય છે. આવા  કૈંક 'પોલિયા'ઓની વહેલી મોડી  પોલ પકડાતી  જ હોય છેને?  એટલે પ્રજાની  સેવા કરવા માટે  નહીં પણ જાણે ચૂંટણી લડવા જ જનમ લીધો હોય એવાં  આ બેટમજીઓને  હું શું કહું છું ખબર છેઃ ''પોલ-સન.'' આ પોલની પોલમપોલ જોઈને આ પંચલાઈના કહેવી પડેઃ

ઠેકતા ઠેકેદારોની 

જોલમજોલ છે

ફેંકવામાં ઉત્સાદ 

બોલરોના હાથમાં બોલ છે

ચુનાવી  ખેલમાં બધે લોલમલોલ છે

સંપ વિનાના પોલ-જમ્પમાં 

અંદર પોલમપોલ છે.

અંત-વાણી

નોટ માટે કામ આવે ગાંધીજી

ચોટ માટે કામ આવે ગાંધીજી

પદયાત્રા નહીં માટેની યાત્રા     વખતે

વોટ માટે કામ આવે ગાંધીજી.

**  **  **

સઃ દિલ્હીમાં પાણીપુરીને ગોલ-ગપ્પા કેમ કહે છે?

જઃ દિલ્હી પહોંચવાનું ગોલ(લક્ષ) સિદ્ધ કરવા ગપ્પા હાંકવામાં આવે છે એટલે પાણી-પુરીને દિલ્હીમાં કહે છે ગોલ-ગપ્પા.

**  **  **

જંગલમાં દીપડો

રાજકારણના જંગલમાં કૂ-દીપડો

**  **  **

ગાદી પર ખાદીના કવર

ખાદી પર ગાદીના લવર

**  **  **

સુપાત્રને મતદાન કરો

કુપાત્રને મત-દાન કરો.

Gujarat