Get The App

શેર-એ-રિક્ષા અને શેર-એ-ભિક્ષા

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
શેર-એ-રિક્ષા અને શેર-એ-ભિક્ષા 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

મુંબઈના પરામાં ચાલી ચાલીને ગોટો વળી ગયો ત્યારે મને માંડ એક ઓટો મળી. ઓટોરિક્ષા ઊભી રહી એટલે મેં પૂછ્યું કે, 'મીટર સે આયેગા?' ત્યારે વાયડા રિક્ષાવાળાએ જવાબ આપ્યો , 'કિલોમીટર  સે આયેગા.' મેં પૂછ્યું  કે, 'સ્ટેશન જવાનું કેટલું ભાડું લઈશ?' એ ચાલાક 'ચાલકે' કહ્યું, 'સાહબ, ફર્સ્ટ કલાસ કા ૧૦૦ રૂપિયા, સેકન્ડ કલાસ કા ૫૦ રૂપિયા ઔર થર્ડ કલાસ મેં કોઈ ભાડા નહીં, એેકદમ ફ્રી.'

મેં પૂછ્યું કે, 'ફર્સ્ટ કલાસ, સેકન્ડ કલાસ અને થર્ડ કલાસ એટલે શું એ જરા સમજાવ તો ખરો?' સવાલ સાંભળી રિક્ષાચાલક લુચ્ચું હસીને બોલ્યો, 'ફર્સ્ટ કલાસ મતલબ બિના ખડ્ડેવાલે એકદમ અચ્છે રોડ સે લે જાઉંગા. ઉસકા ૧૦૦ રૂપિયા. સેકન્ડ કલાસ મતલબ 'મુન્સીપાલ્ટી' કી મહેરબાની સે રાસ્તે મેં જો ખડ્ડે પડે હે વો રોડ સે એકદમ શોર્ટકટ મેં સ્ટેશન પહોંચાઉંગા. ઉસકા ૫૦ રૂપિયા ઔર થર્ડ કલાસ મતલબ ક્યા બતાઉં? આપ રિક્ષા ચલાના ઔર મે પીછે બેઠુંગા. એકદમ ફ્રી સવારી, મુઝે ભી સ્ટેશન હી જાના હૈ.'

રિક્ષાવાળાની આ મજેદાર સ્કીમ સાંભળીને મેં રાજી થઈને ફર્ર્સ્ટ કલાસમાં જવાનું પસંદ કર્યું અને સોની કડકડતી નોટ એને આપીને કહ્યું, ' યે સિર્ફ ભાડા નહીં હૈ, યે તો તુમ રિક્ષા કે સાથ દિમાગ ચલાતે હો ઉસકી કિંમત હૈ...'

એક જમાનો હતો જ્યારે મુંબઈમાં શેર-એ-પંજાબ, શેર-એ-કાશ્મીર જેવી હોટલોનાં બોર્ડ વંચાતાં, જ્યારે આજે મુંબઈમાં સ્ટેશનોની બહારના ઓટો સ્ટેન્ડ ઉપર શેર-એ-રિક્ષાનાંબોર્ડ વંચાય છે. 

મેં પથુકાકાને આ વાત કરતાંની સાથે જ એ બોલી ઉઠયા, 'અખંડ ભારતના ભાગલા પડયા ત્યારે વસમા પાડોશી પાકિસ્તાનવાળા પંજાબનો અડધો ભાગ (શેર) લઈ ગયા અને કાશ્મીરનો કેટલોક ભાગ (શેર) પણ પડાવી ગયા આને કહેવાય શેર-એ-પંજાબ! અને શેર-એ-કાશ્મીર એટલે... કાશ્મીરનો જે શેર (પીઓકે) હડપ કરી ગયા છે ને એ હવે પાછો ખૂંચવી લેવાની ઘડી ગણાઈ રહી છે.' મેં  કહ્યું , 'શેર-એ-રિક્ષાની વાત પરથી તમે પરબારા પંજાબ અને કાશ્મીર ક્યાં પહોંચી ગયા?'

પથુકાકાએ જવાબ આપ્યો કે-

શેર અને શેરમાં ફેર છે

શેર બજારમાં, ગઝલમાં,

ઓટોમાં ને જંગલમાં શેર છે

એ સમજવામાં ક્યાં દેર છે?

મેં કાકાને કહ્યું, 'હવે તો મુંબઈમાં મહિલાઓ પણ રિક્ષા દોડાવવા  માંડી છે તમને ખબર છેને?' પથુકાકા બોલ્યા, 'મને ખબર છેને! પહેલાં તો મહિલાઓ દીક્ષા લેતી, હવે રિક્ષા લેવા માંડી છે. રિક્ષામાં મીટર જોવાય એમ  રિક્ષામાં થર્મોમીટર નહીં, ધર્મોમીટર જોવાય.'

જાપાનની મદદથી આપણા દેશમાં બુલેટ ટ્રેન દોડતી થવાની છે એ સહુ જાણે છે, પણ ઘણાને ખબર નહીં હોય કે હાથરિક્ષાની શોધ લગભગ બે-અઢી દાયકા પહેલાં જાપાનમાં એક સાધુએ કરી હતી હતી. ત્યારે તેને જીનરિક્ષા કહેતા. જીન એટલે માનવ અને રિક  એટલે શક્તિ. આમ, માનવશક્તિથી ચાલે એ જીનરિક્ષા. 

આપણા પક્કા અમદાવાદી કાકા એટલે પથુકાકા ઘણાં વર્ષે અમદાવાદ ગયા. અમદાવાદથી દૂર રહેવા છતાં અમદાવાદી સ્વભાવ ગયો નહોતો. સ્ટેશને ઉતરી થલતેજ જવા માટે રિક્ષામાં બેઠા. ૧૦૦ રૂપિયા ભાડું ઠેરવ્યું હતું. થલતેજ પહોંચીને રિક્ષામાંથી ઉતર્યા અને રિક્ષાવાળાને ૫૦ રૂપિયાની નોટ પકડાવી. રિક્ષાવાળો તાડુક્યો,'કાકા, ૧૦૦ નક્કી કર્યા હતા તો ૫૦ કેંમ આપો છો?' 

કાકા બોલ્યા, 'હું  એકલો થોડો જ થલતેજ આવ્યો છું રિક્ષામાં? તું પણ ભેગો આવ્યો ને? આને જ શેર-એ-રિક્ષા કહેવાય, તને ખબર નથી?'

બાકી હું તો બેફામ રિક્ષા હંકારતા અને વળાંક આવે ત્યારે પગેથી સાઈડ આપતા અમદાવાદના રિક્ષાવાળાઓની કાબેલિયત પર ફિદા છું. અમદાવાદ જવાનું થાય અને રિક્ષા કરૃં ત્યારે ફુલ સ્પીડમાં ધસમસતી રિક્ષાની પાછળ બેસીને અધ્ધર જીવે રિક્ષાવાળા સામે જોઈને એક જ ગીત ગાતો હોઉં છુંઃ આગે હૈ કાતિલ મેરા, ઔર મેં પીછે પીછે...

જો કે કિશોર કુમારે 'હું અમદાવાદનો રિક્ષાવાળો' ગીત ગાઈને અમદાવાદના રિક્ષાવાળાને ફેમસ કરી દીધા. આ ગીતમાં ભદ્રકાળીનું મંદિર, માણેકચોકની પાણીપુરી અને ફાફડા-જલેબી તેમ જ લૉ ગાર્ડન જેવી જાણીતી જગ્યાઓની  સફર કરાવી છે. ગીતના શબ્દો કેવા મજેદાર છેઃ

હું અમદાવાદનો રિક્ષાવાળો

નવસોનવાણું નંબરવાળો

અમદાવાદ બતાવું ચાલો...

લૉ ગાર્ડન કે લવ ગાર્ડન

એ હજીય ન સમજાય,

પણ સાંજ પડે ત્યાં છોરા-છોરી

ફરવા બહાને જાય...

લૉ ને લવની અંદર

થોડો થઈ ગયો ગોટાળો

હું અમદાવાદનો રિક્ષાવાળો...

થોડા વખત  પહેંલા અમદાવાદમાં એક લેખક ગુજરી ગયા. અંતિમ વિધિમાં હાજર રહેવા હું મુંબઈથી અમદાવાદ ટ્રેનમાં પહોૅંચ્યો. સ્ટેશનેથી બહાર નીકળી રિક્ષાની રાહ જોઈને ઊભો હતો ત્યાં માર માર કરતો એક રિક્ષાવાળો આવ્યો અને એવી બ્રેક મારી કે રસ્તામાં ટાયરના લિસોટા પડી ગયા.  રિક્ષાવાળાએ પૂછયુ કે કયાંં જવું છે? મેં કહ્યું 'સ્મશાન!' એટલે તરત બોલ્યો, 'ઝટ બેસી જાવ, વહેલા સ્મશાને  પહોંચાડી દઈશ, તમારા પહેલાં કેટલાયને સ્મશાને પહોંચાડી આવ્યું છું.' 

મનમાં ફફડાટ સાથે રિક્ષામાં બેઠો.  રિક્ષાવાળાનું છેલ્લું વાક્ય વારંવાર યાદ આવતું હતું કે વહેલા સ્મશાને પહોંચાડી દઈશ... મનમાં થયું, આમ માર માર કરતાં રિક્ષા દોડાવીને મને વહેલો સ્મશાને પહોંચાડી દેશે કે શું?

રિક્ષા અને દીક્ષામાં ઉતાવળ નક્કામી

રિક્ષા લેવામાં અને દીક્ષા લેવામાં ખોટી ઉતાવળ ન કરવી જોઈએ તેનો હમણાં જ મને જાત અનુભવ થયો.  મુંબઈના એક પરાથી બીજા પરામાં પહોંચવા બસમાં જવું હોય તો કપરા ચઢાણ જેવો અનુભવ થાય. હું પણ 'બેસ્ટ' બસની રાહ જોઈને થાક્યો એટલે  રિક્ષા કરી.

મહાલક્ષ્મી રેસકોર્સમાં ઘોડા દોડાવવાનો અનુભવ લીધા પછી રિક્ષા દોડાવતો થયો હોય એવા જુવાનજોધ રિક્ષાવાળાએ ફુલ સ્પીડમાં રિક્ષા મારી મૂકી. યમરાજાના પાડાને પણ ઊંધો વાળી નાખે એવા ખાડા પરથી રિક્ષાને ધડાધડ ઉછાળતા દોડાવ્યે જતા રિક્ષાવાળાએ તો મને ભગવાન યાદ દેવડાવ્યા. મેં પ્રાર્થના કરી કે, હે પ્રભુ રક્ષા કરજો રક્ષા કરજો... અચાનક પ્રભુએ જાણે મારી પ્રાર્થના સાંભળી તત્કાળ રિપ્લાયઆપ્યો હોય એવો ભ્રમ થયો. પ્રભુ બોલ્યાઃ 'એક તો પહેલાં તમે જોયા વિના રિક્ષા કરો અને પછી સલામતીની જવાબદારી મારે માથે નાખીને  રક્ષા કરો... રક્ષા કરોનું કેમ રટણ કરો છો?'

પ્રભુવાણી સાંભળીને મનમાં થયું કે પ્રભુએ ભલે મને ઠપકો આપ્યો, પણ દીક્ષા લીધા પછી પણ ભાગ્યશાળીને જ પ્રભુવાણી સાંભળવા મળે. એ પ્રભુવાણી સાંભળવાનો લાભ મને રિક્ષા લેવાથી થયો.

રિક્ષાવાળો તો સિસોટી વગાડીને ગાતો હતો,'મેં નિકલા ગડ્ડી લેકે... એક મોડ આયા...' બસ, એ  જ વખતે ખરેખર મોડ આવતાં બેધ્યાન રિક્ષાવાળાએ ઓચિંતો ટર્ન મારતા રિક્ષા ઊંઘી વળી ગઈ અનેહું રસ્તા પર ઢોળાઈ ગયો. ભાંગેલી કોણીએ ઘરે ગયો ત્યારે પથુકાકા ખબર કાઢવા આવ્યા અને બોલ્યા કે 'હું કાયમ કહું છું ને? રિક્ષા મતલબ સફર રિસ્ક-કા.' મેં કહ્યું, 'જોયા વગર ઉતાવળે રિક્ષા કરી એમાં આ ભોગવવાનો વારો આવ્યો, ખબર છે?'

પથુકાકા બોલ્યા, 'હમણાં ઉત્તર ભારતમાં એક પત્ની પીડિત પતિદેવ ઉતાવળે દીક્ષા લઈને સાધુ બન્યો, પણ 'કામ' વિનાની આ નિષ્કામ સ્થિતિ  સહેવાણી નહીં, એટલે એક ભક્તાણી ભટકાણી એની સાથે ચાલુ થઈ ગયો.  એકવાર ગામડાના મંદિરની પછવાડે ગામ લોકોએ બન્નેને કામલીલા કરતા ઝડપી લીધાં. તત્કાળ દીક્ષા લઈ સ ાધુ બનેલા આ તકસાધુને એવો ફટકાર્યો કે હાથ તોડી નાખ્યો. એટલે તેં ઉતાવળે  રિક્ષા કરી એમાં ભોગવવાનો વારો આવ્યો અને પેલા તકસાધુએ ઉતાવળે દીક્ષા લઈ સાધુ થયા પછી ભોગવવા જતાં ભોગવવાનો વારો આવ્યો.એટલે તુ સાચું જ કહે છે કે રિક્ષા અને દીક્ષામાં ખોટી ઉતાવળ નક્કામી!'

અંત-વાણી

સઃ  શેર-એ-રિક્ષાની જેમ એક-બે સાધુ ગામમાંથી ભિક્ષા લઈ આવે અને આશ્રમમાં પાછા આવી બધા ભેગા ખાય તેને શું કહેવાય!

જઃ શેર-એ-ભિક્ષા.

Tags :