- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
દિવાળી નજીક આવવા માંડી એટલે પથુકાકાના ઘરમાંથી વોઈસ ઓફ દિવાળીબેન (હો)બાળાકાકીનો અવાજ સંભળાવા માંડયોઃ શેરી વળાવી સજ કરૃં ઘરે આવોને... હજી તો ગીતની કડી પૂરી થઈ ત્યાં તો આજે જે ફેશનમાં ખપે છે એવાં ફાટેલાં કપડાંમાં સજ્જ થયેલા પથુકાકા ઘૂંઆપૂંઆ થતા હાથમાં ઝાડુ સાથે ઘસી આવ્યા અને કાકી સામે જોઈને તાડૂક્યા, 'શેરી વળાવી સજ- કરૃં ઘરે આવોને... એવું ગાઈને શું તારે આખી શેરી મારી પાસે વળાવવી છે? ઘર વળાવી વળાવી વાંકો વાળી નાંખ્યો અને હવે શેરી વળાવવી છે?'
મેં વચ્ચે પડી કાકાને જરા ટાઢા પાડતા કહ્યું, 'દિવાળીમાં ફટાકડાની તડાફડી ફોડાય, કાંઈ મોઢેથી તડાફડી ન ફોડાય હો?'
દિવાળીની સફાઈનું કામ કાકા પાસે પૂરૃં કરાવી લેવાની ચાલાકી અજમાવી લટકો કરતાં (હો)બાળાકાકી બોલ્યાં, 'મોંઢેથી તડાફડીની ક્યાં વાત કરો છો? તારા કાકા એટલા પ્રેમાળ એટલે કે એવા લવિંગીયા છે કે વાત ન પૂછો. એટલે તો મારા સાસુમાને યાદ કરીને કહું છું કેઃ પરભાગૌરીની કૂંખે પાક્યા એવા બેટા, જાણે પ્રેમાળ લવિંગીયા ટેટા, એનાંથી કેમ રહેવાય છેટા...'
જોડકણું સાંભળી છંછેડાયેલા ઝાડુગર કાકા બરાડયા, 'લવિંગીયા ટેટાની સગલી થા મા... દિવાળીની સાફસૂફી કરાવીને લવિંગીયામાંથી સૂરસૂરિયામાં ફેરવી નાખ્યો છે. હું તો ઉપરવાળાને પ્રાર્થના કરૃં છું કે હે હજાર હાથવાળા આવતા જન્મે મને સફાઈમાં સાથ આપે એવી ઘરવાળી દેજે અને નહીંતર ઘર-વાળી દેજે...'
(હો)બાળાકાકી જરાય ઉશ્કેરાયા વિના બરાબરની મુત્સદીગીરીથી કામ લેતાં હોય એમ મારી સાથે જોઈને કાકાના વખાણ કરતા બોલ્યાં, 'તારા કાકાને જરાય ગંદકી ન પોષાય. જરા અમથો કચરો ભાળીને મંડે સાવરણીથી કચરો વાળવા. તારાં કાકાની જેમ જેનું તન સાફ અને મન સાફ હોય એનું ઘર-સાફ રહેવું જોઈએ કે નહીં? સૂફી સંત કહે છે ને કે મન સાફ તો સબ કુછ સાફ... મન સાફ ઉસે સબ કરે માફ...'
કાકીને મોઢેથી સૂફીવાદની વાણી સાંભળીને આશ્ચર્યમાં ગળા સુધી ગરકાવ થઈ ગયેલા કાકા બોલ્યા, 'તું તન સાફ અને મન સાફની સુફિયાણી સૂફી વાતો કરીને મારી પાસે સાફ-સૂફી કરાવીને મને સૂફી સંતને બદલે સાફ-સૂફી સંત બનાવી દીધો છે, જોતો ખરી?'
કાકાની મશ્કરી કરવાના મૂડમાં કાકીએ 'ખમ્મા મારા નંદજીના લાલ...' રાગમા પેરડી સોંગ લલકાર્યું -
ખમ્મા મારા ગંદકીના કાળ
ગંદકી કયારે ઉપાડી,
હું રે સૂતી'તી મારા
શયનભવનમાં...
સાંભળ્યો મેં ઝાડુ કેરો નાદ
ગંદકી ક્યારે ઉપાડી...
પથુકાકા બોલ્યા, 'એક જમાનામાં બહારવટિયાના રાસડા ગવાતાઃ ડુંગરે ડુંગરે કાદૂ તારા ડાયરા... જ્યારે કાકી કોણ જાણે કેમ મારા રાસડા ગાવા માંડી છે એ જ મને નથી સમજાતું.'
કાકી બોલ્યાં, 'ગામધણીનો માલ સાફ કરતા બહારવટિયાના ગાણાં હું શું કામ ગાઉં? હું તો ઘર-સાફ કરતા અંદરવટિયા ઘર-ધણીના જ રાસડા ગાઉંને?'
આ સાંભળીને પથુકાકાએ સિક્સર મારતાં કહ્યું, 'ઘરસાફ કરનારાનાં ગાણાં ગાવાનો કોઈ અર્થ નથી. સરકારી તિજોરી સાફ કરવાવાળાના જે દિવસે છડેચોક ગવાશે દાણા ત્યારે એ નઠારા નેતાઓને માથે થપાશે ગાણાં ને જનતા જ ઝૂંટવશે એનાં નાણાં...'
મેં કાકાને કહ્યું , 'તમે પોતાના ઘરની સફાઈ કરીને આવા થાકી ગયા, પણ દિવાળીના તહેવારના દિવસોમાં ફોડવામાં આવતા ફટાકડાને લીધે જે સેંકડો ટન કચરો નીકળે છે એ ઉપાડી ઉપાડીને સફાઈ કર્મચારીઓની કેવી દશા થતી હશે એ કોઈ દિવસ વિચાર્યું છે?'
પથુકાકા બોલ્યા, 'દિવાળીમાં ફટાકડાં ફૂટે પછી કચરો તો થાય જ ને? રાજકારણમાં પણ આખેઆખી પાર્ટીઓ ફૂટે છે ત્યારે અંદરનો કચરો કેવો બહાર ફેંકાય છે? અને ઈ બહાર ફેકાયેલા કચરાની ઈજ્જતનો કેવો કચરો થાય છે? બસ, આને જ કહેવાય કચરાનું રિસાઈકલીંગ...
મેં કહ્યું , 'કોઈ કચરો વાળે તો કોઈ વળી કચરો (પોતાની પાર્ટી તરફ) વાળે. બસ પછી આ કચરાછાપ ભેગા મળીને બધું કરે 'સાફ' એને કોણકરે માફ?'
કાકા બોલ્યા, 'તને ખબર છે? હવે તો કચરામાંથી પાવર પેદા થવા માંડયો છે.'
મેં કહ્યું 'કાકા કચરામાંથી ભલેને પાવર પેદા થાય! એનો વાંધો નહીં, બાકી (બિહારમાં ભૂતકાળમાં આવેલો એમ) કચરાના હાથમાં પાવર ન આવવો જોઈએ.'
પથુકાકા બોલ્યા, 'તને ખબર છે? આપણે કોઈની સરભરા કરીએ તેને ઊર્દૂમાં કહેવાય ખાતર-બરદાસ્ત. હવે એ ખાતરનો ગુજરાતીંમાં અર્થ કરીને આપણે કહેવું પડે કે આપણા દેશમાં કચરામાંથી બનતા આવા ખાતરને બરદાસ્ત કર્યા વિના છૂટકો જ નથીને?'
આખું વેકેશન 'ગાળો'
દિવાળીનું વેકેશન નજીક આવતાંની સાથે જ હોટેલવાળા જાહેરખબરોથી છાપાં છલકાવી દે છે. બધા લખે છે કે મોજથી આખું વેકેશન ગાળો. પણ મારે એને કેમ સમજાવવું કે આ મોંઘવારીમાં છૈયાછોકરાવના લંગરને ક્યાંક લઈ જવાનું ટાળું એટલે ખલાસ. મારા માટે તો આખું વેકેશન બસ ગાળો ખાવી પડે છે. વેકેશન હોટેલમાં ગાળો કે ઘરમાં ગાળો બધું સરખું જ છે.
અમારી બાજુમાં સુરતી બ્રાહ્મણ રહે છે. નાનાથી લઈને મોટા બધા જ વાતવાતમાં તોપગોળાની જેમ ગાળો છોડે. મેં એવું સાંભળ્યું છે કે સુરતમાં બાળક જન્મે ત્યારે ગળથૂથીને બદલે ગાળથૂથી પિવડાવવામાં આવે છે. ભાંખોડિયાભેર ચાલતું થાય એટલે બાળોતિયાંને બદલે ગાળોતિયાં પહેરાવવામાં આવે છે. કહે છે કે સુરતમાં પ્લેગ વખતે ઉંદરો મારવા દવા ઓછી પડી ત્યારે કેટલાક સુરતી લાલાઓએ કટકે કટકે ગાળો ભાંડીને કેટલાય મૂષકોને અધમૂઆ કરી નાખ્યા હતા. આ ગાળબહાદુરોની સ્મૃતિમાં સુરત મ્યુનિસિપાલિટી ગોળગુંબજને બદલે ગાળગુંબજ બાંધવાના ટેન્ડર બહાર પાડે તો કહેવાય નહીં.
હવે અમારા સુરતી પાડોશીએ આગ્રહ કરીને મને પરાણે પોતાની સાથે ધંધામાં લીધો, સ્લિપિંગ પાર્ટનર તરીકે. મેં કહ્યું, 'પૈસા તો રોકું છું, પણ નફામાં ગાળો રાખજો, હો?'
બસ, થઈ રહ્યું. પહેલે જ વર્ષે ધંધામાં એટલો નફો થયો કે વાત ન પૂછો. હું મારો ભાગ માગવા પાડોશીને ઉંબરે ગયો ત્યાં તો ભાઈ અધમણની ગાળો સોફાવતા ધસી આવ્યા. મેં ગભરાઈને પૂછ્યું કે હું તો નફો માગવા આવ્યો છું અને તમે આ શું કરો છો? ત્યારે સુરતી લાલા બોલ્યા, 'ધંધાનું નક્કી થયું ત્યારે તમે જ નહોતા બોલ્યા કે નફામાં ગાળો રાખજો?'
અંત-વાણી
દિવાળીમાં ઘરની સફાઈ સહુ કરે, પણ મનની સફાઈ કોણ કરે? સ્નાન કરવાથી તન ચોખ્ખું થાય, મન નહીં. એટલે કબીરના આ દોહા વાંચવા જેવાં છે ઃ
મલમલ ધોએ શરીર કો
ધોએ ન મન કા મૈલ,
નહાએ ગંગા-ગોમતી
રહે બૈલ કે બૈલ.
** ** **
નહાએ ધોએ હરિ મિલ તો
મેં નહાઉં સૌ બાર,
હરિ તો મિલે નિર્મલ હૃદય સે
પ્યાર મન કા મૈલ ઉતાર.
** ** **
નહાએ ધોયે ક્યા હુઆ
જો મન કા મૈલ ન જાય,
મીન સદા જલ મેં રહે
ધોયે બાસ ન જાય.
** ** **
દિવાળીમાં ફૂટે જેમ ટેટા
એમ ફૂટે છે કૈંક નેતા,
જીતીને માથે બાંધે ફેંટા
પણ જનતાથી રહે છેટા
** ** **
નૂતન-વર્ષાભિનંદન
નૂતન-ચર્ચાભિનંદન
નૂતન-ખર્ચાભિનંદન


