કેવો અજબ ખેલ છે, પોતીકાને ગેલ છે ને પારકાને જેલ છે

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
કેવો અજબ ખેલ છે, પોતીકાને ગેલ છે ને પારકાને જેલ છે 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

- 'નેતાઓ સમજે છે કે ભવિષ્યમાં જેલમાં જવાનો વખત આવે ત્યારે હેરાન ન થવું પડે માટે અત્યારથી જ બંદોબસ્ત કરી લેવો સારો. મારા પછી તારો વારો, સત્તાધારીની સામા થાય એને જેલમાં ગયા વિના નહીં આરો, બોલ... જરાય ખોટો છે મુદ્દો મારો?'

કાકાની વાત ન્યારી,  પરાણે લાગે પ્યારી અને ક્યારેક ઊંડાણ હોય ભારી... દિવાળી પછી કાકાના દરવાજે નવી નેમ-પ્લેટ જોઈ. એની ઉપર લખ્યું હતુંઃ પથેન્દ્રકાકા, ફ્રીડમ ફાઈટર... 

ઘરમાં જઈને પહેલો સવાલ કર્યો,  'કાકા, તમે વળી ક્યાંથી ફ્રીડમ ફાઈટર થઈ ગયા? તમે ક્યારેય ફ્રીડમ મુવમેન્ટમાં ભાગ લીધો હતો?જેલયાત્રા ભોેગવી હતી?' સવાલ સાંભળી ખોંખારો ખાઈ કાકા બોલ્યા,'જનમકુંડળી મેળવી આ તારી કાકીને પરણ્યો એ પછી જનમટીપ જ ભોગવું છુંને? એમાંથી છુટકારો મેળવવા અને ફ્રીડમ મેળવવા સતત લડત આપું છું. 

કારાવાસની જેમ કાયમ તારી કાકીના દેકારાને લીધે દે-કારાવાસ ભોગવું છું. નાના-મોટા ગુના કર્યા હોય એ પાંચ-દસ વર્ષે પણ છૂટી  જાય, પરંતુ મારી જેવાં પીડિત પતિદેવોએ તો આખી જિંદગી જનમટીપ ભોગવવી પડે છે, આમાંથી છુટકારો થાય માટે આઝાદીની લડતને બદલે આ-જાડી (કાકી)ની સામે લડત આપું છું સમજાયું કે નહીં?'

કાકાનું હજી તો વાક્ય પૂરૂં થાય એ પહેલાં જ ધમધમાટી બોલાવતાં મહિલા જેલર જેવાં રૂઆબમાં (હો)બાળાકાકીએ એન્ટ્રી મારી અને તાડૂક્યાં, 'નવા નવા પરણ્યા ત્યારે કેવાં ગેલમાં રહેતા હતા અને હવે આટલા વર્ષે ઘરમાં જેલ લાગે છે?'

પથુકાકા બોલ્યા, 'મને તો લાગે છે કે આપણા સંસારને જોઈને જ કદાચ સરકારને ઓપન-જેલ ખોલવાનો વિચાર આવ્યો હશે. ઓપન-જેલમાં ખબર છે ને? કેદી પોતાની પત્ની સાથે રહી શકે છે. સંત્રીનો ખર્ચો નહીં, ઘરની માથાભારે 'મંત્રી' જ એમાં માટીડાને રાખે ધાકમાં.'

મેં વચ્ચે ટાપશી પૂરી, 'કાકા, હવે તો મંત્રીઓ પણ જેલની હવા ખાઈ આવે છેને? હમણાં દિલ્હીની જેલમાં આપના એક પછી એક મંત્રીઓ આવતા જોઈને ગદ્ગદ્ થઈ ગયેલા કેટલાક કેદીઓ તો રીતસર ગાવા માંડયા કે, આપ આયે બહાર આઈ...'

પથુકાકા બોલ્યા, 'દિલ્હીના નેતાઓ વિચારતા હશે કે બહાર રહીને પ્રદૂષિત હવા ખાવી એના કરતાં ટેસથી જેલની હવા ન ખાઈએ?'

મેં કહ્યું, 'કાકા, તમે માનો ન માનો પણ જુદાં જુદાં રાજ્યોની સરકારો જેલમાં બંધ કેદીઓની સગવડ વધારતી જ જાય છે. પહેલાં કરતાં સારૂં ખાવાનું, લાઈટ-પંખા, રમતગમતની સુવિધા અને બાકી હતું તે એમાં બંદીવાનની માનસિક તાણ ઘટાડવા માટે કારાગૃહના સેલ-ફોનમાં કેદીઓને પત્ની અને બીજા ફેમિલી મેમ્બરો સાથે ચોક્કસ સમય માટે વાત કરવાની પણ કેવી સગવડ કરી આપી છે? સરકારમાં બેઠેલા જનપ્રતિનિધિઓ ઠરાવો પાસ કરીને કેદીઓની સગવડો વધારતા જ જાય છે એ જોઈને કેવી નવાઈ લાગે!'

પથુકાકા બોલ્યા, 'એમાં નવાઈ શું લાગે? એ બધા નેતાઓ સમજે છે કે ભવિષ્યમાં જેલમાં જવાનો વખત આવે ત્યારે હેરાન ન થવું પડે માટે અત્યારથી જ બંદોબસ્ત કરી લેવો સારો. કિન્નાખોરીના રાજકારણમાં આવું જ ચાલે છેને? મારા પછી તારો વારો, સત્તાધારીની સામા થાય એને જેલમાં ગયા વિના નહીં આરો, બોલ જરાય ખોટો છે મુદ્દો મારો?'

મેં કહ્યું, 'આ નેતાઓ જુદા પ્રોજેકટોનું લોકાર્પણ કરે છે એમ બરાબર લાગ જોઈને વિરોધી પોલિટિશિયનોનું  જેલાર્પણ કરવાનું ચૂકતા નથી. '

કાકા બોલ્યા, 'પોતાના લખણને લીધે કે પછી પૈસાના કાળાધોળા કે પછી ઉત્તરપ્રદેશની જેમ મોટા ગુના આચરીને મોટાં મોટાં માથાં જ જેલયાત્રા કરે છે એ તો જાણે સમજ્યા, પણ કંચન અને કામિની કે નક્કામિનીની મોહજાળમાં અટવાઈ કેટલાય બની બેઠેલા ગુરુઘંટાલો, તક સાધુઓ, સંસાર છોેડયા પછી કોઈને ન છોડતા અ-ધરમગુરુઓ પણ જેલની હવા ખાઈ ચૂક્યા છે અને કેટલાંક તો હજીય જેલસ્થ છેને?'

મેં કહ્યું, 'કાકા, એક વાત યાદ રાખો. કૃષ્ણનો જન્મ જેલમાં થયો હતો, બરાબરને? કૃષ્ણએ જેલમાંથી બહાર આવીને લીલા કરી, જ્યારે આ પ.પૂ.ધ.ધૂ. (પરમ પૂજય ધર્મ ધૂરંધર) ગુરુઘંટાલો બહાર લીલા કરીને પછી જેલમાં ગયા છે. એ નકટાઓ અને નફ્ફટો તો જેલમાં પણ ચેલકીઓના સેલફોનમાં સેવ કરેલા ફોટા જોઈને મનોમન ગાતા પણ હશેે કે ઃ ભેજ દે ચાહે જેલ મેં પ્યાર કે ઈસ ખેલ મેં...'

પથુકાકા બોલ્યા, 'કહેવાતા ગુરુઘંટાલો જેલમાં ગયા પછી અમુક જેલમાં ધાર્મિક કાર્યક્રમો પણ થવા માંડયા છે. ટૂંકમાં, પોતે ભલે બગડયા પણ કેદીઓને સુધારવાનો પ્રયાસ કરે તો પણ ઘણું છે. શું કહેવું છે તારૂં?'

મેં કહ્યું, 'કાકા, સાચી વાત. એક જેલમાં દશેરા વખતે રામલીલા ભજવાઈ. સહુએ ખૂબ આનંદ લીધો. અચાનક મુખ્ય સંત્રી દોડતો દોડતો જેલર સાહેબ પાસે ગયો અને હાંફતા હાંફતા બોલ્યો કે સાહેબ, કેદીઓએ રામલીલા ભજવી એ ખબર છેને? જેલર સાહેબ બોલ્યા કે રામલીલા ભજવીએ તો બહુ સારૂં કહેવાય, પણ તું આમ ચિંતાતુર સાદે કેમ રામલીલાની ભજવણીની વધાઈ આપે છે? મુખ્ય સંત્રી કહે, રામલીલામાં જે કેદી હનુમાનનું પાત્ર ભજવતો હતો એ સંજીવની લેવા કૂદકો મારી જેલની દીવાલ ઠેકી ગયો એ ગયો, અઢી કલાક થયા પાછો નથી આવ્યો...'

ત્રાસવાદીઓ શસ્ત્રોથી હુમલો કરે અને પ્રાસવાદી કવિ શબ્દોથી હુમલો કરે. ત્રાસવાદી બીજાને જખમી કરે જ્યારે પોતે જખમી થયા હોય એમાંના કેટલાય પ્રાસવાદી બને. થોડાં વર્ષો પહેલાં ગુજરાતની એક જેલમાં કવિ સંમેલન યોજાયું હતું.  ગામેગામથી પ્રાસવાદી કવિઓ આવ્યા હતા. એમાં નવોદિત સુકવિ એટલા હતા કે એક કંટાળેલા કેદીએ અધવચ્ચે ઊભા થઈ રાડ પાડી કે હે સુકવિ, આવી  લાંબીલચક કવિતાનો મારો ચલાવીને અમને સૂકવી નાખશો કે શું? એમાં એક સૂકલકડી કવિ રમૂજી રાજકોટીએ કંઈક સારો શેર સંભળાવ્યોઃ

સુધરેલા બગડીને જાય

છે જેલમાં

અને બગડેલા જેલમાંથી સુધરી

છૂટી જાય છે ગેલમાં.

આ શેરને મંચ ઉપર બેઠેલા બીજા કવિઓ જોરજોરથી દાદ દેતા બોલ્યાઃ આદાબ... આદાબ... આદાબ... આ સાંભળી જનમટીપનો એક કેદી દોડીને કવિનું ગળું દાબવા દોડયો. જેલરે વચ્ચે પડી ધમકાવ્યો કે આ શું માંડયું છે? ત્યારે કેદી બોલ્યો, બીજા કવિઓ આ કવિની સામે જોઈ બરાડે છે આ-દાબ આ-દાબ... એટલે હું આદત પ્રમાણે ગળું દાબવા દોડયા...

બીજા કવિનું નામ જાહેર જેલરે કર્યું પપલુ પાણીપુરી અને ઓળખાણ આપી કે જનાબ પપલુ પાણીપુરી સાહેબે છેલ્લાં ૪૫ વર્ષથી નવોદિત કવિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આજના કવિ સંમેલનના આ આ અંતિમ કવિ છે.  એ બોલવાનું પૂરૂં કરે ત્યારે આપણે સહુ મળીને માનનીય કવિશ્રીઓના સન્માનની અંતિમ-વિધિ કરશું. અંતિમ કવિએ આજની રાજકીય સ્થિતિનો ચિતાર આપતી કવિતા સંભળાવીઃ 

ભણેલ ગણેલ બન્યા અંગુઠાછાપ

કારણ સહુના હાથમાં સેલ છે,

ઉંચી ઓળખાણવાળાને જેલમાં        

પણ સગવડતાવાળી 'જેલ' છે,

ચુનાવી રાજકારણનો આ કેવો

ખેલ છે,

પોતીકાને ગેલ છે અને

પારકાંને જેલ છે.

અંત-વાણી

ભ્રષ્ટ નેતાઓને જોઈને કહેવું પડેઃ

પહેલાં જેબ-ભરો

પછી જેલ-ભરો.


Google NewsGoogle News