Updated: Feb 21st, 2023
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
આદિવાસી ઉત્સવની મજા માણવા માટે મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામે મોડી રાતે એસ.ટી. બસમાં પહોંંંચ્યો. અજાણ્યું ગામ અને એમાં વળી રાતે સોપો પડીગયેલો. આમાં રિક્ષા ગોતીને હોટેલ કેેમ પહોંચવું એની ગડમથલમાં હતો ત્યાં મારી સાથે બસમાંથી ઉતરેલા પાંચ-છ જણ મદદે આવ્યા અનેક્યાંકથી ખખડધજ રિક્ષા બોલાવીઆવ્યા. અમે છ જણ રિક્ષામાં ઘલાણા. એક જરાક ભણેલો લાગતો ગામવાળો કહે, 'શહેરમાં શેર-એ-રિક્ષા હોય છે એમ અમારા ગામડામાં પણ હોય છે જોયુંને?' મેં ભીડમાં ભીંસાઈને કહ્યું, 'વ્હાલા આ શેર-એ-રિક્ષા છે કે પછી શેર-એ-શિક્ષા? હોટેલ સુધી આમને આમ રિક્ષામાં ભીંસાઈને પહોંચવું એટલે શેર-એ-શિક્ષા જ કહેવાયને?'
મારી વાત સાંભળી પેલો ભણેલો લાગતો સ્માર્ટ ગામડિયો બોલ્યો, 'તમારે મુંબઈમાં જેમ શેર-એ-રિક્ષા હોય છે એવી રીતે શેર-એ-શિક્ષા પણ હોય છેને? શેર બજારમાં વગર વિચાર્યે રોકાણ કરવાવાળાએ સહિયારી શિક્ષા ભોગવવાનો વારો આવે એને શેર-એ-શિક્ષા જ કહેવાયને?'
ગામના છેડે એક જૂની પુરાણી હોટેલ આવી ત્યાં મને રિક્ષાવાળાએ ઉતારી દીધો. આજુબાજુ ખુલ્લું મેદાન હતું અને એમાં વળી ઘોર અંધારૃં હતું એટલે લોકેશનનો ખ્યાલ ન આવ્યો. હું તો થાક્યોપાક્યો 'મૈલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમ્હારે આવું...' એ ભજન ગણગણતો મેલી ચાદર ઓઢી સૂઈ ગયો. સવાર પડતાંની સાથે જ સામાન્ય રીતે કૂકડાનો અવાજ સંભળાય તેને બદલે બકરીનો બેં... બેં... બેં અવાજ આવવા માંડયો. બારીમાંથી જોયું તો મેદાનમાં એક નહીં સેંકડો બકરીઓ જોવા મળી. તરત બેલ મારી મેનેજરને બોલાવ્યો અને પૂછ્યું કે આ શું છે? મેનેજરે જવાબ આપ્યો, 'સર... આદિવાસી ઉત્સવ છેને! એ નિમિત્તે બકરીબજાર ભરાયું છે, તમારા મુંબઈમાં શેરબજાર ભરાય અને અમારા ગામડામાં આવું બકરીબજાર ભરાય, સમજાયું?' મેં હસીને કહ્યું, 'મારા ભાઈ મુંબઈના શેરબજારમાં રોકાણ કરવાવાળા જ્યારે મોટો ફટકો ખાયને ત્યારે 'શેર'માંથી બકરી બની જાય છે, ખબર છે?'
મુંબઈ આવીને પથુકાકાને બકરી બજાર અને શેરબજારની વાત કરી. પથુકાકા બોલ્યા, 'જો ભાઈ, રોકાણ કરતાય આવડવું જોઈએ, નહીંતર પછી મોકાણ જ થાયને? બાકી શેરબજારમાં ક્યારેક આવે મંદી તો ક્યારેક આવે તેજી, દુઃખી થાય જે સાચવીને વર્તેજી... બરાબરને ? આ અમિતાભ બચ્ચનનો જ દાખલો સામે છે. તેજીનું સંતાન છે છતાં કેવી આકરી મંદી જોવી પડી? વળી પાછા બેઠાં થઈ ગયા કે નહીં?'
મને અચાનક યાદ આવ્યું કે આજે ૧૦૦ ટકા પાણી કાપ છે, એટલે મેં પથુકાકાને કહ્યું, 'હાલો ત્યારે મ્યુનિસિપલ સ્વિમિંગ પુલમાં નહાવાનું હું અને પથુકાકા ખભે ટુવાલ નાખીને સોસાયટીમાંથી બહાર નીકળ્યા ત્યાં મોર્નિંગ વોક લઈ પાછા ફરતા બે-ચાર પાડોશી સામા મળ્યા. એમણે ગંભીર મુખમુદ્રા ધારણ કરી પૂછ્યું 'કોણ ગયું?' કાકાએ જવાબ આપ્યો, 'આટલે નજીક રહો છો છતાં ખબર નથી કોણ ગયું? પાણી ગયું એટલે સ્વિમિંગ પુલમાં નાહવા જઈએ છીએ.' પાડોશી બોલ્યા, 'તો તો એમ કરો અમેય આવીએ, આપણે બધા ભેગા જ નાહી નાખશું.'
મેં હસીને કહ્યું, 'અગાઉ જ્યારે ખરી મંદીનો મરણતોલ માર પડયો હતો ત્યારે બધાએ ભેગા જ નાહી નાખવું પડયું હતુંને? ભવિષ્યમાં ફરી એવો ફટકો પડે ત્યારે જોરદાર આંચકો ન લાગે માટે ભેગા જ નાહી નાખવાની પ્રેક્ટિસ રાખીએ તો વાંધો ન આવે. બાકી તો શેરબજારમાં રોકાણ કરો ત્યારે એક સૂત્ર ગોખી જ લેવાનું કે ક્યારેક દિવાળી તો ક્યારેક મંદી-વાળી.'
કાકાએ મારી વાતમાં સૂર પુરાવતા કહ્યું ,'શેરબજાર જ નહીં, બીજી કોઈ પણ બજારમાં ધંધો કરો ત્યારે ધોવાણની માનસિક તૈયારી રાખવી જ જોઈએ, કારણ ધંધો શબ્દ શેમાંથી બન્યો છે ખબર છે? ધન-ધો, ધો એટલે ધનનું ધોવાણ પણ થાય અને હિમ્મત ન હારો તો નફાકારક રોકાણ પણ થાય.'
સ્વિમિંગ પુલમાં નાહીને પાછા ફરતા હતાં ત્યાં અમારી જ સોસાયટીમાં રહેતા કચ્છી માડું જખુભાઈ સામામળ્યા. માથા પર પટ્ટી લગાડેલી અને ફ્રેકચરવાળો હાથ ઝોળીમાં રાખેલો. અમે પૂછ્યું,'જખુભાઈ આ શું થયું?' જખુભાઈ ધીરેકથી બોલ્યા,'વગર વિચાર્યે કડકીમાં વહુને પિયર જઈ રોકા ણ કર્યું, પણ વગર વિચાર્યે ચાર-પાંચ મહિના રોકાણ કર્યું એમાં માથાકૂટ થતા સાલા સાળાએ મને ધોઈ નાખ્યો.' કાકાએ પૂછ્યું,'કચ્છમાં કયા ગામે વહુના ગામે રોકાણ કર્યું હતું?' જખુભાઈએ જવાબ આપ્યો, 'આધોઈ ગામે.' કાકા દાઢમાંથી બોલ્યા,'ગામનું નામ જ જ્યાં આધોઈ હોય ત્યાં વગર વિચાર્યે રોકાણ કરે એવાં કડકાબાલૂસ જમાઈને આ-ધોઈ જ નાખેને!'
મેં જખુભાઈને શીખામણ આપી, 'જો દુઃખી ન થવું હોયને તો સમજીને રોકાણ કરવું તો મોકાણ ન થાય. આ ચાર લાઈના યાદ રાખો-
શેરબજારમાં કે પછી સાસરિયે
જો સમજીને થાય રોકાણ,
તો પછી ક્યારેય ન થાય
મરણતોલ ફટકાની મોકાણ.'
ઓનલાઈન ખાવાનું, જાવાનું અને નાહવાનું
એક નાટક આવ્યું હતું, 'મારો લાઈન તો તબિયત ફાઈન.' આ ટાઈટલમાં થોડો સુધારો કરીને કહી શકાય કે, 'લાઈનમાં રહો તો તબિયત ફાઈન અને ફસાવ ઓનલાઈન તો તરત ફાઈન (દંડ).'
હમણાં જ એક તાલબાજે ઓનલાઈન જાહેરાત આપી કે 'ફક્ત ૫૦૦ રૂપિયામાં ઘેરબેઠા કરો ગંગાસ્નાન. બોટલમાં ઘરે ગંગાજળ મોકલશું.' આ જાહેરાતથી લલચાઈને કાકા જેવા કૈંક ગાલાવેલા લોકોએ પાંચસો પાંચસો રૂપિયા મોકલ્યા. લગભગ દસેક દિવસે કાકાના એડ્રેસ પર બોટલ આવી, બોટલમાં થોડું ડહોળું પાણી ભરેલું. કાકાએ ધૂઆપૂંઆ થઈને ચાલબાજને ફોન કર્યો, 'પાંચસો રૂપિયા પડાવી ગંગાજળને બદલે આવું ડહોળું પાણી કેમ મોકલ્યું? આ ગંગાનું પાણી છે કે ગટરનું?' ચાલબાજે નકટાઈથી જવાબ આપ્યો કે 'ગંગાનદી કેટલી પ્રદૂષિત થઈ ગઈ છે તમને ખબર નથી? સરકાર પણ કરોડોનું પાણી કરે છે છતાં ક્યાં પાણી ચોખ્ખું થયું છે? ચૂપચાપ બોટલનું પાણી માથે રેડીને ગંગાસ્નાનનું પુણ્ય મેળવો, અમે બોટલ ઉપર સ્ટીકરમાર્યું જ છે જેમાં લખ્યું છેઃ રામ તેરી ગંગા મૈલી હો ગઈ, પાપીઓં કે પાપ ધાતે ધોતે ધોતે...' આ જવાબ સાંભળી ગુસ્સે ભરાયેલા કાકાએ બોટલનો છૂટ્ટા ઘા કર્યો અને તાડૂક્યા, 'મારા બેટો ઓન લાઈન નવડાવી ગયો.'
મેં કાકાને કહ્યું , 'કાકા, આજના જમાનામાં બધુંજ ઓનલાઈન થઈગયું છે. બહારથી મંગાવવાનું ખાવાનું ઓનલાઈન, ટ્રેનનું રિઝર્વેશન કરાવી જાવાનું ઓનલાઈન અને તમારી જેવાં ગાલાવેલા ફસાય ત્યારે આમ નાહવાનું ઓનલાઈન. હવે સાયગલ સાહેબના અવાજમાં ગાવઃ હમ જી કે ક્યા કરેંગે ઓન-લાઈન હી લૂંટ ગયા....'
ઓનલાઈન ગઠિયો કેવી રીતે ફસાવી ગયો એનો વસવસો કરતા કાકાએ મોબાઈલમાં કોઈ વિડીયો જોયો. પછી મને દેખાડીને બોલ્યા,'આ સેવાભાવી યુવકો લઘરવઘર ફરતા ઓઘરાળા ગાંડાઓને પકડી પકડીને કેવાં પરાણે નવડાવે છે?' વિડીયો જોઈને મેં કાકાને કહ્યું , 'ગાંડાને પકડી પકડી મહામહેનતે નવડાવવા પડે છે. જ્યારે તમારી જેવાં ડાહ્યા કે દોઢ ડાહ્યાને ઓનલાઈન ઠગો સહેલાઈથી નવડાવી જાય છે. હવે બનાવટી ગંગાજળથી નાહીને તમે બધા ગાલાવેલો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવનારા ગીત 'નાટૂ... નાટૂ... નાટૂ' ફેરવીને કોરસમાં ગાવા માંડોઃ 'નાહ-તું... નાહ-તું... ના- હતું...'
અંત-વાણી
જ્યાં 'ફસે' એક ગુજરાતી
ત્યાં સદાકાળ ગભરાટ.