- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
આપણાં કાકા ગાવાના શોખીન અને ખાવાના શોખીન. હું કાકાને મળવા ગયો ત્યારે હિંચકા પર બેસી (હો)બાળાકાકી સામે જોઈ ગાતા હતા:
'ગાયે જા ગીત 'વિલન' કે
તું અપને લગન કે
સજન ઘર જાના હૈ...'
ગીત સાંભળી મેં કાકાને ટપાર્યા, 'ગીતના શબ્દો કેમ ફેરવો છો? ૈંૈગાયે જા ગીત વિલન કે એમ નહીં ગાયે જા ગીત મિલન કે એમ ગાવ...'
ખડખડાટ હસીને કાકાએ ફોડ પાડયો, 'મેં અને તારી કાકીએ ભાગીને પ્રેમલગ્ન કર્યાં ત્યારે મારા સસરા વિલન બન્યા હતા અને મિલનમાં હવનમાં હાડકાં નાખતા હતા એ વાત યાદ અપાવવા માટે તારી કાકીની સામે જોઈને ગાઉં છું -
ગાયે જા ગીત વિલન કે
તું અપને 'લગન' કે
સજન ઘર જાના હૈ..'
મેં કાકાને કહ્યું, 'તમે આટલી હદે સૂરની સૂતરફેણી કરીને બેસુરૃં ગાવ છો છતાં કાકી સાંભળે છે એ બહુ કહેવાય.'
કાકા કહે, 'અરે તારી કાકી એકલી નથી સાંભળતી, અમારી કરાઓ કે કલબના ૩૦૦ મેમ્બર સાંભળે છે એની તને ક્યાં ખબર છે? વિશ્વાસ ન બેસતો હોય તો આજે સાંજે કરાઓ કે ક્લબના 'સૂર- બહાર' શોમાં આવજે.'
મેં કાન પકડીને કહ્યું, 'તમારા શોનું ટાઈટલ સૂર- બહાર કેમ આપવામાં આવ્યું છે એની મને ખબર છે. બધા સૂરની બહાર ગાય એટલે શોનું નામ 'સૂર- બહાર' શો, બરાબરને? બાકી મેં હજી સુધી કાનનો વીમો નથી ઉતરાવ્યો કે તમારા કરાઓ કે શોમાં આવવાની હિમ્મત કરું, સમજાયું? કર્ણપ્રિય નહીં કર્ણકંટક ગીતો સાંભળી કાનની દુકાન ગુમાવી બેસું એ મને ન પોષાય હો!'
પથુકાકાએ વાતને જરાક રાજકારણનો રંગ આપતા ટકોર કરી, 'આપણા દેશનાં કેટલાક નકટા, નપાવટ અને નઠારા નેતાઓ વારંવાર નાક કપાય છે છતાં આજ સુધી કોઈએ નાકનો વીમો ક્યાં ઉતરાવ્યો છે? તો પછી તારે કરાઓ કેના ડરને લીધે કાનનો વીમો શું કામ ઉતરાવવાની શું ચિંતા છે? સાંભળ, કાન અને ગોપીની રાસલીલા હોય એમ તારા કાન ભલે કોપી કરી ગાતા કોપીબાજો ગાયકોની ત્રાસલીલા સહન કરે. 'કાન- ગોપીની રાસલીલા' અને 'કાન- કોપીની ત્રાસલીલા' - વાહ, ક્યા પ્રાસ મિલા મિલા.'
મેં કાકાને કહ્યું, 'હોલિવુડની હિરોઈનોમાંથી કોઈ પોતાની સુડોળ કાયાનો તો કોઈ ધાટીલા પગનો કે પછી એકદમ પાતળા હોંઠનો વીમો ઉતરાવે છે, એમ જ્યાં સુધી કોઈ વીમા કંપની મારા બે કાનનો વીમો ઉતારવા તૈયાર નહીં થાય ત્યાં સુધી તમારી કરાઓ કે (કે પછી બંધ કરાવ કે) ક્લબમાં હું આપવાનો નથી. જાન જાય તો જાય કાન ન જવા જોઈએ. બરદાસ્ત કરનેકી હોતી હૈ એક સીમા.... ઈસ લિયે ઉતરાઉંગા કાન કા બીમા....'
જેનો પતિ ઉતરાવે વીમા એની વહુની પાંચેય આંગળી ઘીમાં. નાનપણમાં ગીત ગવાતું સાંભળ્યું'તું કે 'મારી મેંદીનો રંગ ઊડી જાય રે સૂરજ ધીમા તપો'... પણ હવે બૈરાંવ ગાવા માંડયાં છે - 'મારી મેંદીનો રંગ (ભલે) ઊડી જાય રે સૂરજ વીમા તપો. ..'
મારા એકલાની વાત નથી કરતો. મારી જેવા અનેક પતિદેવોનો અનુભવ હશે કે રાત્રે ઘરે પહોંચવામાં મોડું થયું તો ખલાસ. મોડા પડે અને વહુ મોળા પાડે. કેમ લેટ આવ્યા? દિલ કોઈ સગલીને સબ-લેટ (પેટાભાડે) કર્યું છે? પ્રેમમાં પડયા ત્યારે તે લેટર ઉપર લેટર લખતા, પણ પરણ્યા પછી પહેલાં લેટ, પછી લેટર અને હવે લેટેસ્ટ થતા લજવાતા નથી?
આવો દેકારો બોલાવી ઈંડાં વગરની આમ-લેટ બનાવે. પણ ભૂલેચૂકેય એને ગંધ આવી જાય કે પતિદેવ ઓફિસમાં કોઈ એજન્ટ પાસે વીમો ઉતરાવીને આવવાના છે તો તો એના આનંદની કોઈ સીમા ન રહે. ભલેને પતિ લેટ આવે? કારણ પછી તો પતિના નામની આગળ ક્યારે લેટ (સ્વ.) લખાય છે એની જ વાટ જોવાની રહે ને? જેવો પતિ ઘરમાં પગ મૂકે કે દીવડા પ્રગટાવી આરતી ઉતારી ગાય- 'મૈં તો આરતી ઉતારું રે પોલિસી (ભોલી-સી નહીં હો) માતા કી...' પછી પોલિસી માતાનો જય જયકાર કરે. જય મા... જય મા... જય મા... આ સાંભળી ઓફિસેથી ભૂખ્યો ઘરે આવેલો પતિ બિચારો ધીમા અવાજે કહી કહીને થાકે, 'નથી જયમા. .. નથી જયમા .... પહેલાં મને જમાડ પછી જયજયકાર કર જય મા... જય મા...
મારી વાત કરું તો અત્યાર સુધીમાં મારાં આઠેક પુસ્તકનાં વિમોચન થયાં હશે. એકવાર વાઇફે અચાનક વહાલથી અને લટકો કરી મારો ટકો કરવાની સ્ટાઇલમાં પૂછયું, વહાલા, તમે વીમો ઉતરાવ્યો છે કે નહીં? જીવનનો ક્યાં કોઈ ભરોસો છે? મેં જેવી હા પાડીને કહ્યું કે મારો દસ લાખનો વીમો ઉતરાવી લીધો છે. એ સાંભળતાંની સાથે જ આનંદભેર વહુરાણી તાલી પાડી ઊઠી. પછી કહે, 'તમે તો વહાલા ભવિષ્યની ચિંતા ટાળી દીધી. તમે તો મારા હાથી મેરે સાથી જેવા છો. હાથી જેવું જ છે ને તમારું? જીવતા લાખના અન મર્યા પછી દસ લાખના...'
આ વાત સાંભળતાંની સાથે જ મેં હિંમત એકઠી કરીને કહી જ દીધું કે, 'અત્યાર સુધી મારાં પુસ્તકોનું વિમોચન થયું, પણ હવે જ્યારે મેં વીમો ઉતરાવ્યો એટલે તું હવે મારા વિમોચનની જ રાહ જુએ છે ને?
અમારા ઘરમાં વીમાની આવી વિમાસણનો જાણે કોઈ અંત જ નથી. વાતવાતમાં મારી વીમામાલિની વીમાને નામે અવનવાં તિકડમ ચલાવતી જ રહે છે. મોડર્ન અને સોશિયલાઇટ ગણાવવાના ધખારામાં વીમામાલિની સવારે જોગિંગમાં જાય, પછી કૂતરાને ફેરવવા ડોગિંગમાં જાય અને બપોરે ફિગર જાળવવા કૂદકા મારવા જિમમાં ફ્રોગિંગમાં જાય. સાંજે કિટી પાર્ટી હોય તો રાત્રે ક્યાંક બર્થ-ડે પાર્ટી હોય ઘરમાં ટાંટિયો જ ન ટકે. મેં એક વાર ગુસ્સામાં કહ્યું, 'આ શું માંડયું છે? ઘરમાં તારાથી રહેવાતું નથી? તું કેવી ગૃહિણી છો?'
આ સાંભળતાંની સાથે જ હાજરજવાબી જોગમાયાએ કહ્યું, 'વેલ, હું ક્યાં ગૃહિણી છું? હું તો મોડર્ન ગૃહ- હીણી (ગૃહની બહાર રહેતી) જ છું. આઈ બાત સમજ મેં?'
એકવાર એવું થયું કે રાત્રે હું ઘરે પહોંચી ગયો, પણ એ કોઈની બર્થ-ડે પાર્ટીમાંથી સમયસર પાછી ન આવી. રાહ જોતો જ રહ્યો જોતો જ રહ્યો. મોડે મોડે જેવી એ આવી કે મેં રીતસર રાડ પાડી : 'આ શું માંડયું છે? ઘરમાં તારો ટાંટિયો કેમ ટકતો નથી? હવે જો પાર્ટીઓમાં રખડવાનું બંધ નહીં કરેને તો તારો ટાંટિયો જ તોડી નાખીશ, સમજી?'
મારું બોલવાનું પૂરું થતાંની સાથે જ એ સામી રાડ નાખશે એવા વળતા હુમલાની મને ધારણા હતી. પણ આ શું? તાડૂકવાને બદલે એ તો રાજીની રેડ થઈ ગઈ અને બોલી ઊઠી, 'ડિયર, તમે શું બોલ્યા? ફરીથી બોલો ને? વન્સ મોર... વન્સ મો૨!'
મેં બમણા જોરથી કહ્યું, 'તારો ટાંટિયો જ તોડી નાખીશ, સમજી?' આ સાંભળતાંની સાથે જ વાઇફે કહ્યું, 'વેઇટ ફોર ફિફટીન ડેઝ ઓકે? ટાંટિયો તોડવો હોય તો ખુશીથી તોડજો, પણ હમણાં નહીં, પંદર દિવસ પછી.'
આશ્ચર્યચકિત થઈ મારાથી પુછાઈ ગયું, 'ગુસ્સે થવાને બદલે ટાંટિયો તોડાવવા પંદર દિવસની મુદત કેમ આપે છે?'
વાઇફે કોઈ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીનું નામ ઉચ્ચારી જવાબ આપ્યો, 'પંદર દિવસમાં જોજોને મારા બન્ને ટાંટિયાનો બે-બે લાખનો વીમો ઉતરાવી લઈશ, પછી જેવી તમે ટાંટિયો તોડશોને એટલે મને જ લાભ થશે, સમજ્યા? જો તુમ તોડો પિયા... મેં નાહી તોડું ..'
પગના વીમાની વાત સાંભળીને હું તો બે ડગલાં પાછો હટી ગયો. મેં વિચાર્યું કે એક તો મારે જ પગના વીમાનું પ્રીમિયમ ભરવાનું, પ્રીમિયમ કેવું ઊંચું કે જે ભરતાં યમ દેખાઈ જાય અને ભૂલેચૂકેય ટાંટિયા તોડી નાખું તો બધીય ફાયદો ઘરવાળીને જ મળે. આ તો બહુ કહેવાય. કોણે કહ્યું સ્ત્રીની અક્કલ પગની પાનીમાં છે? અને જે પગ તોડાવી પૈસા પેદા કરવાનો નુસખો અજમાવી શકે એની કેટલી અક્કલ કહેવાય!
અંત-વાણી
જેનો વર ઉતરાવે વીમા એની વહુની પાંચેય આંગળી ઘીમાં


