- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
- 'હવે તો દિલ્હી અને જયપુર જેવાં મોટાં શહેરોમાં તો કૂતરા કૂતરીને ધામધૂમથી પરણાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. પાળેલા શ્વાનરાજા અને શ્વાન રાણીને પરણાવતા પહેલાં કેટલાંક તો જ્યોતિષ પાસે જઈ બન્નેની કુંડળી પણ મેચ કરાવે છે, એ તમને ખબર છે ?'
પથુકાકા ઘોઘરા સાદે મંત્રોચ્ચાર કરતા સંભળાયાઃ 'અત્ર તત્ર સર્વત્ર કૂતરમ્ કરડમ્ બહુ દુઃખમ્...'
કાકા છણકો કરીને બોલ્યા, 'ગઈ કાલે તારી કાકીને ઘરે ગયો હતો ત્યાં અજાણ્યા કૂતરાએ પગે લોચો તોડી લીધો. એટલે કૂતરમ્ કરડમ્ બહુ દુઃખમ એવો મંત્રોચ્ચાર કરૂં છું.'
મેં પૂછ્યું, 'કૂતરૂં કરડયું એમાં આવો મંત્રોચ્ચાર કેમ કરો છો?'
કાકાએ જવાબ આપ્યો, 'ચારે તરફ ભાષાવાદનું ભૂત ભમી રહ્યું છે, ત્યારે આપણે કંઈ ભાષામાં બોલવું એ પણ પારકા નક્કી કરે એ કેમ ચાલે? એટલે મેં સંસ્કૃતને બદલે મારી હાથ બનાવટની અસંસ્કૃત ભાષામાં બોલવાનું નક્કી કર્યું છે. કુતરમ્ કરડ્મ બહુ દુઃખમ... પાડાપિંડી ઈન્જેકશન પશ્ચાત પરમ સુખમ્...'
મેં કાકાને કહ્યું, 'હવે આ તમારી અસંસ્કૃત વાણીનું રસપાન કે દુઃખાવાનું હ-રસપાન કરવાનું બંધ કરો અને બળબળતી ગરમીમાં એ.સી. ચાલુ કરો.'
પથુકાકાએ એ.સી.ની સ્વીચ દાબવાની સાથે જ વધુ એક અસંસ્કૃત શ્લોક ફફડાવ્યોઃ
'નગરે નગરે ઉષ્ણ વા-છૂટમ
ઘરે ઘરે શીત-વાછૂટમ...'
કૂતરૂં કરડયા પછી અચાનક કાકા અસંસ્કૃત વાણી ઉચ્ચારવા માંડયા એટલે મેં જરા ચિંતામાં સવાલ કર્યો, 'કાકા, તમને ક્યાંક હડકવા નથી ઉપડયોને?'
કાકા ખડખડાટ હસીને બોલ્યા, 'ના ભાઈ ના... ભાષાવાદીઓને ભલે ભડકવા ઉપડે પણ આપણને હડકવા ન ઉપડે...'
મેં કહ્યું, 'પથુકાકા, આ રખડતા અને રઝળેલા કૂતરાની કૂદકે ને ભૂસકે વધતી જતી આબાદી જોઈને થાય છે કે ભવિષ્યમાં ઉત્તરાંચલની જેમ કૂતરાઓનું અલગ કૂત્તરાંચલ રચવું પડશે. કૂત્તરાંચલમાં ફરતા દિલફેંક ડોગીઓ સૂરમાં ભસીને રાગ ભસમાં-સૂરમાં ગાશેઃ ભસના એ હસીનો લો મેં આ ગયા... કોઈ શ્વાનરાણી વળી કરાઓકેને બદલે 'કરડાવકે'માં બેસૂરા અને બેતાલા ગીતો ગાંગરશે ઃ 'ડોગી' હમ તો લૂંટ ગયે તેરે પ્યાર મેં જાને તુઝકો ખબર કબ હોગી... પૂછડીવાલે પૂછડી હિલા... મેરે ઘૂંઘરૂં બુલાતે હૈ આજ... મેં 'નોચું' તું છૂપ જાયે... હમ 'ડોગ' દે ચૂકે સનમ...'
પથુકાકા આ પરેડી ગીતોનાં મુખડાં અને દુઃખડા સાંભળીને બોલી ઉઠયા, 'ખરેખર, અગાઉ હિન્દી ફિલ્મોમાં કર્ણપ્રિય પાર્શ્વ સંગીત સાંભળવા મળતું હતું જ્યારે હવે પશુલક્ષી પાશવીસંગીત સાંભળવા મળે છે. તું જ કહે કે હમણાં તે સંભળાવ્યા એ બધા ડોગ-સોંગ ક્યાં વગાડી શકાય?'
મેં કહ્યું, 'કાકા, આ બધા ડોંગ-સોંગ ડોગ-ડોગીની વેડિંગ સેરીમની વખતે સંગીત સંધ્યા યોજાય એમાં વગાડી શકાયને?'
કાકા નવાઈ પામી બોલ્યા, 'ડોગ-ડોગીની વેડિંગ સરીમની? શું વાત કરે છે? એમાં વળી સંગીત સંધ્યા યોજાય?'
મેં જવાબ આપ્યો, 'હવે તો દિલ્હી અને જયપુર જેવાં મોટાં શહેરોમાં તો કૂતરા કૂતરીને ધામધૂમથી પરણાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. પાળેલા શ્વાનરાજા અને શ્વાન રાણીને પરણાવતા પહેલાં કેટલાંક તો જ્યોતિષ પાસે જઈ બન્નેની કુંડળી પણ મેચ કરાવે છે, એ તમને ખબર નથી?'
કાકા છણકો કરીને બોલ્યા, 'કુંડળી મેચ કરાવ્યાથી શું વળે? મેં અને તારી કાકીએ લગ્ન કર્યાં એ પહેલાં અમારા બન્નેની કુંડળી મેચ કરવામાં આવી હતી. આમ છતાં પરણ્યા પછી કાયમ ટેસ્ટ-મેચની ફટકાબાજી જ સહન કરવાનો વારો આવ્યોને? ઠીક છે, મને એક વાતનો જવાબ આપ કે આ પાળેલાં કૂતરા-કૂતરીને પરણાવવામાં આવે છે તો શેરીના આ રઝળતાં કૂતરા-કૂતરી કેમ નહીં પરણતા હોય?'
મેં કહ્યું, 'કાકા, ઈ રઝળતા કૂતરાં વગર પરણ્યે પણ સાવ કૂતરા જેવું જીવન જીવતા હોય છે...'
પથુકાકા મારી વાતને અધવચ્ચેથી કાપી નાખતા બોલ્યા, 'ના...ના... ના... એવું નથી હોં! શેરીના રખડતાં કૂતરા-કૂતરી લિવ-ઈન રિલેશનશિપમાં રહીને ખુશ હોય તો પછી શા માટે પરણવાની પળોજણમાં પડે? મને તો લાગે છે કે પરદેશમાં માણસો પણ લિવ-ઈનમાં રહેલા આ ડોગ-ડોગીની આઝાદ લાઈફ સ્ટાઈલ જોઈને લિવ ઈનમાં રહેતા શીખ્યા હશે!' મેં કહ્યું, 'કાકા, જૂનાગઢના નવાબને કૂતરા પાળવાનો ગજબ શોખ હતો. એ તો વાજતે ગાજતે કૂત-રાજા અને કૂત-રાણીનાં લગ્ન કરાવતાં અને શણગારેલા ઘોડાગાડીમાં બારાત પણ કાઢવામાં આવતી, ખબર છે?'
આ સાભળતાંની સાથે જ પથુકાકા બોલી ઉઠયા, 'આઝાદ જિંદગી જીવતાં કૂતરા-કૂતરીએ પરણાવી લગ્ન-બંધનમાં નાખવાનું પાપ કરવાનું નવાબને ભારે પડયું, આ પાપને લીધે જ નવાબે ભારત છોડી પાકિસ્તાન કે પાપીસ્તાન ભાગી જવું પડયું ને? છોડયું જૂનાગઢ અને પહોંચ્યા ગરજૂના-ગઢ.'
અંત-વાણી
ઈન્સાનથી નસીબદાર
ઈ-શ્વાન છે
પાળેલા ને પંપાળેલાની
કેવી શાન છે!
** ** **
પાકની પૂંછડી વાંકી તે વાંકી
નહીં શીખે ક્યારેય વફાદારી,
ભલે ભૂલથીય ડોગ-બિસ્કિટ
લે ચાખી.


