Get The App

પોલિટિક્સમાં હાંસી માટે પોલ્યુશનમાં ખાંસી માટે તૈયાર રહેવું પડે

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
પોલિટિક્સમાં હાંસી માટે પોલ્યુશનમાં ખાંસી માટે તૈયાર રહેવું પડે 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

દુશ્મન વાર કરે ને ડોકટર સાર-વાર કરે. સારવારમાં થાય વાર તો દરદીના વાગી જાય બાર. માંદાને કહે છે કે દવાદારૂ કરાવો, પણ પ્રિસ્ક્રિપ્શન વિના દવા ન મળે અને (ગુજરાતમાં) રિસ્ટ્રિકશન વિના દારૂ ન મળે. આ ત્રણ પીછો ન છોડે: દરદી, વરદી અને શરદી. મોંઘા ઈલાજમાં થાય વાઢકાપ અને પછી ખિસ્સા પર મૂકાય કાપ. તબીબી કેર અને બીબી કેરમાં શું ફેર ખબર છે? તબીબ દરદીની સંભાળ લે એ તબીબી કેર કહેવાય અને પત્ની જો માંદા પતિ પર પણ કેર વર્તાવે તો એને કહેવાય બીબી-કેર.

માંદગી અને ઈલાજના આવાં અવનવા તુક્કા મગજમાં ઘુમતા હતા ત્યાં પથુકાકા ખાંસી ખાતાં ખાતાં નીકળ્યા એટલે મેં પૂછ્યું, 'આટલો કફ અને ખાંસી થયા છે છતાં દવા કેમ નથી લેતા? મુંબઈમાં એક પોશ એરિયાનું નામ કફપરેડ છે, ખબર છેને? તમારી છાતીમાં જામેલા કફને લીધે ઠોં... ઠોં... ઠોં ઉઘરસ ખાવ છો ત્યારે છાતીમાં જાણે 'કફ-પરેડ' ચાલતી હોય એવું લાગે છે, દવા કેમ લેતા નથી? જરીક વાર બેસો હું કફ સિરપ પીવડાવી દઉં.'

સિરપનું નામ  સાંભળતાની સાથે જાણે કોઈએ કાનમાં ધગધગતું સીસું રેડયું હોય એમ ભડકેલા કાકા બરાડયા, 'ખાંસી કાઢવા તારે મને ફાંસી આપવી છે કે શું? સિરપ પીને કેટલાયના બાર વાગી ગયા તને ખબર નથી? હું તો સિરપ-બિરપ કાંઈ લેવાનો નથી હો? માણસ દવાથી કા ખરાબ હવાથી મરે છે સમજાયું? ચેનલિયા કથાકારોની ભાષામાં કહું તો માણસને સિરપ મારે અને સારપ તારે...'

મુંબઈના પોલ્યુશનની બલિહારી તો જુઓ. હજી તો કાકાના આ 'ખાંસી-કરણ'ની વાત કરતા હતા ત્યાં અમારા જ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં રહેતા બહુ જાણીતા ડોકટર તનસુખરાય ખાંસી ખાતાં ખાતાં લિફટમાંથી ઉતરી પાર્ક કરેલી કારમાં બેસવા જતા હતા. મેં પૂછ્યું, 'સાહેબ, કંઈ બાજુ?' 

ડોકટરે જવાબ આપ્યો, 'ખાંસી બહુ થઈ છે તો સરકારી હોસ્પિટલના ડોક્ટર પાસે દવા લેવા જ જાઉં છું.' મેં નવાઈ પામી પૂછ્યું, 'તમે પોતે ડોક્ટર થઈને સરકારી હોસ્પિટલમાં કેમ દવા લેવા જાવ છો? તમે પોતે જ કેમ પોતાનો ઈલાજ નથી કરતા?' 

ડોકટરે જવાબ આપ્યો, 'એમાં એવું છે ને કે મારી ફી બહુ ઊંચી છે. મને ન પોષાય એનાં કરતાં સરકારી હોસ્પિટલમાંથી મફત દવા લઈ આવવી સારી.'

ડોકટર રવાના થયા પછી કાકા બોલ્યા, 'જોયુંને? મોટા મોટા ખાનગી ડોકટરો કેવી ઊંચી ફી લે છે? આવી ઊંચી ફી એમને પોતાને જ નથી પોસાતી તો તારા-મારા જેવાને ક્યાંથી પોસાય?'

મેં કાકાને કહ્યું, 'તમે જાળવ્યા જજો હો? ડોકટર સાહેબને મોઢામોઢ હકીકત સંભળાવીને નારાજ ન કરતા હો?' 

પથુકાકા બોલ્યા, 'એમાં શું છે? ડોકટરને નારાજ કેમ ન કરાય?' 

મેં કહ્યું, 'ડાયરામાં હાસ્ય કલાકારે શું કહેલું યાદ છેને? માંદગી આવે ત્યારે ઘણા કહેતા હોય છે કે ઉપરવાળો નારાજ લાગે છે. એટલે ભગવાન નારાજ થાય ત્યારે ડોકટર પાસે જવું પડે, પણ ડોકટર નારાજ થાય તો ક્યાંક સીધા ભગવાન પાસે ન મોકલી દે એવો મનમાં ફફડાટ રહે, સમજી ગયા?

મારી વાત સાંભળીને હસી પડેલા કાકાને ફરી ઉઘરસ ચડી એટલે બોલી ઉઠયા, 'ઠીક છે ભાઈ, ઠીક છે... પોલિટિક્સમાં હાંસી માટે તૈયાર રહેવું પડે અને પોલ્યુશનમાં ખાંસી માટે તૈયાર રહેવું પડે...'

ખાનાથી દવાખાના સુધી

અગાઉ નાનાં ગામડામાં ક્યાંક ક્યાંક નાડીવૈદના નામનાં પાટિયાં ઝૂલતાં નજરે પડતાં. હવે તો જાત જાતના એ-નાડીવૈદ (ઈલાસ્ટીક વૈદ) ફૂટી નીકળ્યા છે. સ્વમૂત્રનો પ્રયોગ કરાવતા એક વૈદરાજે પોતાના ક્લિનિકની બહાર પાટિયું મૂકીને એમાં લખ્યું હતું - રેલોપેથી ક્લિનિક. હોમિયોપેથીની મીઠી ગોળીઓ ખવડાવી ઓછામાં ઓછી ત્રણ-ચાર  મહિલા દર્દીઓને દિલ દઈ ચૂકેલા (હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ) એક ડોકટરના પાટિયાનું લખાણ જ કોઈ ફેરવી ગયું.

હોમિયોપેથીની જગ્યાએ ચોકથી કોઈએ લખી નાખ્યું હતું 'રોમિયોપેથી'. હજી ગયા અઠવાડિયે જ અમારી શેરીને નાકે  નવું દવાખાનું ખુલ્યું અને દરવાજે બોર્ડમાં લખાયું - 'પેટ ડોકટર.'

એક દિવસ એવું થયું કે ખાના અને દવાખાના વચ્ચે અનબ્રેકેબલ સંબંધ સ્થાપી ચૂકેલા પાડોશણ ઠમકુ ભાભી ઓચિંતાં જ જઈ ચડયાં પેટ ડોકટરને દરવાજે, પણ જે ઝડપથી ગયાં હતાં એનાથી બમણી ઝડપે રિબાઉન્ડ થયાં. મેં પૂછ્યું, 'કેેમ ભાભી, આમ ઓચિંતાં વાવાઝોડાની જેમ પેટ ડોકટરને ત્યાં કેમ ચકરાવો મારી આવ્યાં?'

 વીલા મોઢે અને ઢીલા સાદે ભાભીએ હળવેકથી પોતાની પગની પાની તરફ નજર નોંધી જવાબ આપ્યો, 'આ તમે તો ઘરના છો એટલે મેં અક્કલનું નવું પ્રદર્શન કર્યું એ કહેવામાં વાંધો નહીં. ગઈ રાત્રે વડાં ખાધાં એ વાયડાં પડયાં એટલે પેટમાં દુખાવો ઉપડયો, એટલે હું તો સવારમાં દોડી પેટ ડોકટરને ત્યાં પેટ દેખાડવા, પણ મૂઆ ડોકટરે બધાની વચ્ચે મને ચાટ પાડતાં કહ્યું કે હું તો પેટ ડોકટર છું, પેટ ડોકટર એટલે પાળેલાં પ્રાણીઓનો ડોકટર. તમારું પેટ ક્યાંથી તપાસું?'

લોકો માંદા પડે ત્યારે ખબર કાઢવા જવાય, પણ મારું એવું છે કે હું જે દિવસે સાજો હોઉં એ દિવસે ઘણા ખબર કાઢી જાય છે.બે દિવસ પહેલાં જ હૃદયના ધબકારા સરકારી ઢબેે ધીમા ચાલવા લાગ્યા. હું તો સીધો પહોંચ્યો ઓળખીતા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ પાસે. ડોકટરે છાતી પર સ્ટેથોસ્કોપનું ચકતું રાખીને તપાસવાની શરૂઆત કરી. પછી આંખ બંધ કરીને માથું ડોલાવવા માંડયા. મને ચિંતા થઈ. અડધા બેઠા થઈ મેં પૂછ્યું, 'ડોકટર તમે હૃદયના ધબકારા સાંભળો છો કે શું કરો છો?' 

ત્યારે ડોકટરે આંખ ખોલી જવાબ આપ્યો, 'આ તો કમાલ થઈ ગઈ. તમે પહેલેથી જ સંગીત શોખીન રહ્યા એટલે તમારા હાર્ટબીટ તપાસવા સ્ટેથોસ્કોપ છાતીએ મૂક્યું તો 'દિલે નાદાં તુઝે હુઆ ક્યા હૈ... આખિર ઈસ દર્દ કી દવા ક્યા હૈ' એ ગીતની સુરાવલી સંભળાય છે.' 

મને ઝટકો લાગ્યો. મેં ડોકટરના બન્ને કાનમાંથી ભૂંગળી ખેંચી કાઢીને રાડ પાડી કહ્યું,'સંગીતની સુરાવલીની ક્યાં માંડો છો? સ્ટેથોસ્કોપની ભૂંગળીને બદલે વોકમેનની ભૂંગળી કાનમાં ભરાવો પછી આ ગીત જ સંભળાયને?' 

આવા ડોકટર ભટકાય ત્યારે હાર્ટએટેકને બદલે આર્ટએટેક જ આવેને ?

મુંબઈમાં નવોસવો આવ્યો ત્યારે એક નજીકના ડોકટરની દવા લેતો. ડોકટર એવા ઉતાવળિયા કે હજી તો તપાસવાનું  પૂરું કર્યા પહેલાં જ ગડબડિયાં અક્ષરમાં પ્રિસ્ક્રિપ્શન ઘસડી નાખે. ડોકટરના અક્ષર કેમિસ્ટ જ ઉકેલી શકે. એમાં એવું થયું કે અમારા લત્તાની જે એક છોકરી સાથે ડોકટર પ્રેમમાં પટકાયા. દિવસમાં ચારપાંચ ચિઠ્ઠી-ચબરખી લખીને ગમેતેમ કરી પેલી છોકરીને પહોંચાડે. રાત્રે બધી ચિઠ્ઠીઓ ભેગી થાય એટલે છોકરી છાનીમાની કેમિસ્ટની દુકાને પહોંચી  જાય અને વારાફરતી બધી ચિઠ્ઠીઓ વચાવી નાંખે. મને લાગે છે કે લગભગ બે-એક વર્ષ આમ જ ચાલ્યું. પછી શું થયું ખબર છે? પેલી છોકરી અને કેમિસ્ટ પરણી ગયાં. 

ક્યારેક સાર્વજનિક હોસ્પિટલોમાંય દિલફેક્  ડોકટરો ભટકાઈ જતા હોય છે. એક ઓળખીતી  નર્સ નંદુતાઈએ તો એક વાર કહ્યું,'અમારી હોસ્પિટલમાં નાઈટ ડયુટીમાં  જે નર્સો હોય  તેને ફરજિયાત સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે.' 

મેં પૂછ્યું ,'આવો નિયમ કેમ લાગુ કર્યો છે?' 

નર્સે કહ્યું, 'પેલી અંગ્રેજી કહેવત સાંભળી છે કે નહીં? રોજનું એક સફરજન ખાવ તો ડોકટર નજીક ફરકતા નથી.'

અંત-વાણી

ત્રણેક વખત પરણી ચૂકેલા પત્રકાર મિત્રને પૂછ્યું કે  તને કઈ બીમારી છે? તેણે જણાવ્યું: પરણ-વા.

***

વામાં શરીર ઝલાઈ જાય અને પરણ-વામાં આખો માણસ ઝલાઈ જાય.