લંગુરનાં લાગે પોસ્ટરે,બંદરનાં લાગે બેનર .

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
દિલ્હી દેશનું દિલ છે એટલે કહેવું પડે કે દિલ્હી દિલ-હી-તો હૈ... દિલ્હી રાજધાની છે. જેની સત્તા હોય એના માટે રાજ-ધાની છે અને સત્તા ગુમાવે એના માટે ના-રાજધાની છે. એક જમાનામાં દિલ્હીના ઠગ જગમશહૂર હતા ત્યારે ઠગ-બંધન જોવા મળતું, પણ આજે ગઠ-બંધન જોવા મળે છે. સુભાષબાબુએ આઝાદ હિન્દ ફોજ રચી અને નારો આપ્યો હતો 'ચલો દિલ્હી', પણ આઝાદ ભારતમાં તો ગલીના નેતા પણ પદ મેળવવાના સપનાં જોતા ગલ્લી અને દિલ્લી વચ્ચે 'ચલો દિલ્હી'નું મનોમન રટણ કરતા આંટાફેરા કરતા હોય છે.
દિમાગમાં દિલ્હીના વિચાર ઘુમતા હતા ત્યાં જ સવારના પહોરમાં પથુકાકાએ એન્ટ્રી મારતાની સાથે જ મોટા અવાજે સૂત્ર પોકાર્યુંઃ 'ચલો દિલ્હી'. મેં નવાઈ પામી પૂછ્યું, 'અત્યારમાં આઝાદ હિન્દ ફોજનો નારો કેમ લગાવ્યો?' કાકા હસીને બોલ્યા, 'આ નારો અમારી આઝાદ હિન્દ મોજનો નારો છે. આ વખતે અમારી સિનિયર સિટીઝન કલબે દિલ્હી ફરવા જવાનું નક્કી કર્યું છે. તારે પણ અમારી સાથે ગેસ્ટ તરીકે આવવાનું છે.' મેં પૂછ્યું, 'કાકા, દિલ્હી ફરવા જવાનું કેમ નક્કી કર્યું તમારી સિનિયર સિટીઝન કલબે?' પથુકાકા બોલ્યા, 'દિલ્હીમાં સિનિયર સિટીઝનો કેવું રાજ કરે છે કે ના-રાજ કરે છે એ નજરોનજર જોવું તો પડેને? કારણ કે આપણા દેશના રાજકારણમાં ઘણા નિવૃત થવાની ઉંમરે જ પ્રવૃત્ત થવા માંડે છે.' મેં કહ્યું, 'ચાલો સસ્તું ભાડું અને 'સત્તાપુર'ની જાત્રા, બીજું શું?' મેં પણ કાકાનો નારો દોહરાવ્યો, 'ચલો દિલ્હી...'
દિલ્હી પહોંચીને બીજે દિવસે સિનિયર સિટીઝનોના ગુ્રપ સાથે દિલ્હી-દર્શન માટે બે ટુરિસ્ટ બસમાં નીકળ્યા. એક ગાઈડ માઈકમાં જોવાલાયક સ્થળોની જાણકારી આપતો જતો હતો. હું, કાકા અને કાકી બેઠાં બેઠાં સાંભળતા હતાં. મેં કહ્યું, 'કાકા, ખરી જમાવટ છે હો! વડીલો માટે બે-બે બસ ભાડે કરી છે. શું વાત છે!' તરત કાકા બોલ્યા, 'ઘણા પરિવારોમાં વડીલો બેબસ હોય છે, જ્યારે અમારી ક્લબે વડીલો માટે બે-બસ કરીને રંગ રાખી દીધોને?'
અમારી બસ નવી દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાંથી આગળ વધતી હતી ત્યાં મેટ્રો રેલ લાઈન પાસે વાંદરાનાં મોટાં મોટાં કટઆઉટ લગાડેલાં જોઈને અત્યાર સુધી શાંત બેઠેલાં (હો)બાળાકાકી તરત ઊંચા અવાજે બોલી ઉઠયાં, 'જુઓ જુઓ, દિલ્હીની ધરતીની કેવી કમાલ છે! વાંદરા પણ પોલિટિક્સમાં આવવા માંડયા છે. પ્રચાર માટે ઠેર ઠેર કેવાં તોતિંગ કટઆઉટસ લગાડેલાં છે?'
ગુજરાતી સમજતા ગાઈડે ખડખડાટ હસીને કહ્યું, 'ચાચીજી, બંદર પોલિટિક્સમે નહીં આયે હૈં... યે તો છોટે બંદરો કો ડરાકે ભગાને કે લિએ લંગુર કે કટઆઉટસ લગાયે હૈ...'
કાકાએ પૂછ્યું,'બંદરોનો એટલો ત્રાસ છે દિલ્હીમાં...' ગાઈડે કહ્યું, 'બંદર કી બડી પરેશાની હૈ... હાલ મેં જી-૨૦ દેશો કે ડેલિગેટ્સ દિલ્હી આયે થે ઉનકો બંદર તંગ ન કરે ઈસી લિએ યે સબ લંગુર કે કટઆઉટ્સ લગાયે હૈ...'
ગાઈડની વાત સાંભળી પથુકાકા બોલ્યા, 'નાના વાંદરાને ડરાવીને ભગાડયા, મોટા વાંદરાનાં કટઆઉટ્સ લગાડવામાં આવે છે એવી જ રીતે શહેરોમાં નાના કાર્યકરો પર ધાક જમાવવા મોટા લીડરોના જાતજાતનાં પોસ્ટરો અને બેનરોની ભરમાર જોવા મળે છેને? ગલ્લીના નેતાનો બર્થ-ડે હોય ત્યારે હેપ્પી બર્થડેનાં પોસ્ટરો લગાવવામાં આવે છે. વાર-તહેવારે ગલ્લીના નેતા જનસેવા (કે ધનસેવા) માટે કેટલું કરી છૂટે છે અને કેટલાયનું કરી નાખી પકડાય ત્યાર પછી કેવી રીતે છૂટે છે તેના ગુણગાન ગાતાં બેનરો ઝૂલાવવામાં આવે છે. કોઈ નેતા એક પક્ષ સાથે છેડો ફાડી નવા પક્ષ સાથે છેડો બાંધે ત્યારે એવાં 'છૂટા-છેડા'ના પણ હોર્ડિંગ્સ લાગે છે. જ્યારે જે પક્ષ છોડયો હોય એ પક્ષવાળા ધિક્કાર... ધિક્કાર... લખેલા એ જ નેતાના ફોટાવાળા પોસ્ટરો લગાડે છે. હમણાં કોઈક જગ્યાએ એક લોકલ લીડરે બે પત્નીઓને છૂટાછેડા આપી ત્રીજાં લગ્ન કર્યાં ત્યારે લીડરના ચમચાઓએ એરિયામાં મોટા પોસ્ટર લગાડી લીડરના ફોટા નીચે લખ્યું કે હેપ્પી હેટ્રિક.'
મેં કાકાની વાતમાં સૂર પૂરાવતાં કહ્યું, 'કોઈ પણ સુંદર શહેરને કદરૂપું બનાવવા માટે સૌથી વધુ જવાબદાર આ પોસ્ટરબાજો અને બેનરબાજો હોય છે.'
પથુકાકા તરત બોલી ઉઠયા, 'મારૂં માનવું છે કે આ બેનરબાજી ઉપરથી જ કદાચ બેનરજી અટક બની હશે, ભવિષ્યમાં બેનરજી જેમ પોસ્ટરજી અટક પણ બને તો કહેવાય નહીં.'
(હો)બાળાકાકીએ તરત સવાલ કર્યો, 'આ કાયમ તમતમતાં અને ભમતાં રહેતાં મમતાની અટક પણ બેનર ઉપરથી જ બેનરજી પડી હશેને?'
મેં કાકીને જવાબ આપ્યો કે 'મમતાજીને તો બે-નરને ભાંગીને એક નારી ઘડી છે એટલે એમની સરનેમ બે-નરજી પડી હોય તો કહેવાય નહીં.'
દિલ્હીમાં વાનરોનાં કટઆઉટ જોતા જોતા અમે આગળ વધતા હતા ત્યાં તો વાંદરાનાં ઝુંડ ઝાડ ઉપર ઠેકાઠેક કરતા જોવા મળ્યાં. આ જોઈને પથુકાકા બધા સાંભળે એમ બોલી ઉઠયા કે આપણા નેતાઓએ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ઠેકાઠેક કરવાની પ્રેરણા આ દિલ્હીના વાનરો પાસેથી જ લીધી હોય એવું નથી લાગતું? મારે તો કહેવું પડે છે કેઃ
નોખાં નોખાં છે તો ય
કહે સહુ એક છે,
આ એકતાને નામે ઠેકતાની
બધે ઠેકાઠેક છે.
કાકાનું જોડકણું સાંભળી રાજી થઈ ગયેલા ગાઈડે ટકોર કરી,'દિલ્હી કે બંદરો કો દેખ કર આપને મન-કી-બાત ઔર સાથ આપનેે મન્કી-બાત ભી ક્યા ખૂબ કહ દી... વાહ... વાહ... દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા... અમે ફરતાં ફરતાં દિલ્હીના વિશાળ ગાર્ડન પાસે પહોંચ્યા ત્યાં પણ ગાર્ડનના દરવાજે કાળા મોંઢાવાળા લંગુર એટલે મોટા વાંદરાનાં મોટાં મોટાં કટઆઉટ્સ મૂકેલા હતાં, જેથી જીવતા વાંદરાઓ ટુરિસ્ટોને હેરાન ન કરે.
આ કટઆઉટ જોઈને કાકાથી રહેવાયું નહીં. તરત બોલી ઉઠયા, 'આ કટઆઉટની ભરમાર જોઈને મને મનમાં થયું કે દેશની મોટામાં મોટી પાર્ટીમાં પણ કટઆઉટની જ ફેશન છેને? કટઆઉટ એટલે શું ખબર છે? કોઈ નેતાનું કદ વધવા માંડે ત્યારે તરત જ ઉપરવાળા તેને કટ (ટુ સાઈઝ) કરી નાખે અને પછી આઉટ કરી નાખે.'
મેં કહ્યું, 'દિલ્હીની વાત જ ન્યારી છે. માર્કેટમાંથી આપણે ખરીદી કરી ત્યારે ફેરિયાએ તમારી પાસેથી સો રૂપિયાની બે નોટ સિફતથી તફડાવી લીધીને? આવું જ ચાલે છે આ જમાનામાં કોઈ નોટ પડાવી લે છે તો કોઈ સિફતથી વોટ પડાવી લે છે એટલે જ મારે કહેવું છેઃ
દિલ્હીમાં ઠેર ઠેર
કટઆઉટની ભરમાર છે,
નોટ કે વોટ પડાવનારા
અંદર ને બહાર છે.
અંત-વાણી
લોકશાહીમાં ગાદી શોભાવે
શાહી-લોક
એક વાર જીત્યા પછી
વચન કરે ફોક
બસ આ જ છે જોક-શાહીની
મોટામાં મોટી જોક.
** ** **
રાજકારણનું અપરાધીકરણ અને ખરડાયેલા લીડરો જોઈને રાહત ઈન્દોરીનો શેર યાદ આવે છે-
ચોર, ઉચક્કો કી કરો કદ્ર
માલુમ નહીં કૌન, કબ, કૌન-સી
સરકાર મેં આ જાયે.

