Get The App

ભવિષ્યમાં યુ.પી.થી દોડશે કાર .

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
ભવિષ્યમાં યુ.પી.થી દોડશે કાર                                 . 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

- અગાઉ સર-કારને ધક્કા મારીને ચલાવવી પડતી અને અત્યારે કારને ધક્કા મારી ચલાવવી પડે છે

ઈંધન વિના ગાડીને ન ચાલે અને ધન વિના લાડીને ન ચાલે. સડક પર ગાડી ચલાવવા ઈંધન જોઈએ અને સંસારની ગાડી ચલાવવા માટે ધન જોઈએ. ઈંધન ખૂટે તો ગાડી અટકે અને ધન ખૂટે તો લાડી વટકે. હવે તો ગાડીઓ ગેસથી પણ ચાલે છેને? ગેસ સ્ટેશનમાં ગેસ ખૂટે ત્યારે ગાડીને પ્રોબ્લેમ થાય જ્યારે વધુ બટેટા ખાધા હોય ત્યારે લાડીને ગેસનો પ્રોબ્લેમ થાય. ગાડી માટે સારો શોફર જોઈએ અને લાડી માટે સારો શૈૌહર જોઈએ.

હું અને કાકા મારી ખડખડ પાંચમ જેવી ગાડી લઈને લોંગ ડ્રાઈવમાં નીકળ્યા ત્યારે મેં લાડી અને ગાડીની આ સરખામણી કરી એ ચૂપચાપ સાંભળતા પથુકાકા ઓચિંતા બોલી ઉઠયા કે તારા નસીબમાં તો સારી ગાડી કે લાડી લખી જ નથી લાગતી,  બરાબરને? ગાડી સારી ન મળી એટલે તારે કાયમ ગેરેજમાં ધક્કા ખાવા પડે છેને? સારૃં થયું તે મેરેજ ન કર્યા નહીંતર મારી જેમ ગેરેજના અને મેરેજના ધક્કા ખાઈ ખાઈને તારો ડૂચો નીકળી જાત ડૂચો. તું ભલે વર ન બન્યો પણ ડ્રાઈ-વર બન્યો એ પણ ઘણું છે.

અમે લાડી-ગાડીની અને વર-ડ્રાઇવરની વાતોનાં વડા કરતા કરતા આગળ વધ્યા ત્યાં ગાડી ડચકાં ખાવા માંડી. કાકા બોલ્યા કે 'ભાઈ આ શું થાય છે? ગાડીને વગોવી એટલે એને માઠું લાગ્યું કે શું? ગાડીને માઠું લાગે તો બહુ બહુ તો ડચકાં ખાઈને ઊભી રહી જાય પણ જો લાડીને માઠું લાગે તો સીધું ''માવઠું'' જ થાય, મને જાતઅનુભવ છે હો? તારી એકની એક (હો) બાળાકાકીની ગાડી ખડી પડે તો ભોજન ર-ખડી પડે ર-ખડી સમજાયું કે  નહીં...

કાકાએ વાક્ય પૂરૃં કર્યું ત્યાં તોગાડી રસ્તાની વચ્ચોવચ્ચ ઊભી રહી ગઈ. જોયું તો પેટ્રોલ જ ખૂંટયું હતું. હવે શું થાય? એક ટાયર પંકચર કરતા કેરળવાસીને પૂછ્યું કે પમ્પ કિધર હૈ? એને બરાબર સંભળાયું નહીં એટલે કહ ટ્રમ્પ તો અમેરિકા મેં હૈ...' મેં કહ્યું 'ટ્રમ્પ નહીં પેટ્રોલ પમ્પ કિધર હૈ? ગાડી મેં પેટ્રોલ નહીં હૈ... પ્રોબ્લેમ હુઆ હૈ...' આ સાંભળી દોઢ ડાહ્યો બોલ્યો કે 'ટ્રમ્પ કી વજહ સે સારી દુનિયા કો પેટ્રોલ કા પ્રોબ્લેમ હુઆ હૈ સમજે...' માંડ માંડ એણે આંગળી ચિંધીને દેખાડયું કે દેખો આગે હી એક પેટ્રોલ પમ્પ હૈ... કાર કો ધક્કે માર કે લેકે જાવ...

કારને ધક્કા મારવા પડશે એ સાંભળીને પથુકાકાના મોતિયાં મરી ગયા. પણ શું થાય? કારને ધક્કા મારવા તો પડેને? હૈયો... હૈશા હૈયો... હૈશા કરતા કાકા અને પંકચરવાળો ધક્કાી મારવા માંડયા. પછી આ વાતને રાજકીય રંગ આપતા બોલ્યા અગાઉ સર-કારને ધક્કા મારીને ચલાવવી પડતી અને અત્યારે કારને ધક્કા મારી ચલાવવી પડે છે. 

અમે પેટ્રોલ-પમ્પ પર માંડ પહોંચ્યા ત્યારે અમારી અને કાકાની દશા જોઈને પેટ્રોલ પમ્પના માલિકે સહાનુભૂતી દેખાડતા પૂછયું કે 'ઓ...હા... હો... તમે આમ એકી સાથે ક્યાંથી કારને ધક્કા મારતાં મારતા આવ્યા?' પથુકાકાએ તરત  જવાબ આપ્યો કે જુઓ ભાઈ અમે 'એકી' સાથે ચાર કિલોમીટરથી ધક્કા મારતા આવ્યા છીએ, રસ્તામાં એકી કરવાનો ય ટાઈમ ન મળ્યો સમજ્યા? હવે ઝટ અમને કહો કે અમે સામૂહિક રીતે ક્યાં 'એકીકરણ' કરીએ?'

પેટ્રોલ પમ્પવાલાએ ખડખડાટ હસીને કહ્યું કે 'જાવ પાછળના ભાગમાં જઈ આવો. મોટી ટાંકી છે એની ઉપર ઊભાં રહીને ખુલાસો કરી લેજો નેકી ઔપ પૂછપૂછને બદલે કાકા બોલ્યા એકી ઔર પૂછપૂછ? સહુ ચાલો જીતવા જંગ... એકી-કરણ વિના નહીં આવે વાતોમાં રંગ...'

અમ ેટાંકી પાસે ગયા, ત્યાં બાથરૂમની પાઈપ સીધી ટાંકીમાં પડતી હતી. અમે ટેસથી હળવા થયા. પાછા ફરીને પેટ્રોલ ભરાવતી વખતે પમ્પના માલિકને પૂછ્યું કે 'આઈ આવડી મોટી ટાંકી કેમ રાખી છે?' માલિક બોલ્યા 'આને કહેવાય યુપી... યુ.પી... અથવા પી પી... પી પી... મેં કહ્યું 'કાંઈ  સમજાયું નહીં.  યુ.પી. એટલે ઉત્તર પ્રદેશ વચ્ચે ક્યાંથી આવ્યું? અને પી.પી. એટલે શું અર્થ થાય?' માલિક બોલ્યા કે આ ઈરાન-અમેરિકાની લડાઈને લીધે ઈંધણની કેવી કટોકટી સર્જાઈ છે? પેટ્રોલ અને ડિઝલના ભાવ કેવાં ઊંચે ચડવા માંડયા છે? પણ હવે પેટ્રોલનો વિકલ્પ પેશાબમાં મળી ગયો છે. અમેરિકાની એક યુનિવર્સિટીએ માનવ મૂત્રમાંથી હાઈડ્રોજનનું ઈંધણ બનાવવાની શોધ કરી છે. ત્યાંની આર્મી રિસર્ચ લેબમાં નેનો-એલ્યુમિનિયમના પાઉડરનો ઉપયોગ કરીને પેશાબમાંથી હાઈડ્રોજન ઈંધણ બનાવવાની રીત શોધી કાઢી છે. ભારતમાં કેરળની એક ઈન્સ્ટિટયુટે પણ મૂત્રમાંથી ઈંધણ બનાવવાની શોધ કરી છે. એટલે આવનારા દિવસોમાં યુરિન પાવરથી વાહનો દોડશે અને પેશાબનો ઉપયોગ ઈંધણ બનાવવામાં થશે. એટલે અમે તો અત્યારથી જ ટાંકીમાં પેશાબ ભેગો કરવામાં મંડી પડયા છીએ. આને કહેવાય યુ.પી. એટલે યુરિન પાવર અને પી.પી. એટલે પેશાબ પાવર, સમજાયું?'

પેટ્રોલ પમ્પવાળાની વાત સાંભળી તાજ્જુબ થઈ ગયેલા પથુકાકા બોલ્યા કે 'હવે ટ્રમ્પની ઐસીતૈસી, થાય એ કરી લે ટ્રમ્પ હવે તો ધડાધડ ખુલશે મુત્રોલ-પમ્પ...'

મેં પૂછ્યું 'પેટ્રોલ-પમ્પ તો જાણે સમજાયું પણ મૂત્રોલ પમ્પ એટલે શું?' કાકાએ જવાબ આપ્યો કે ભવિષ્યમાં ટુ ઈન વન કામ થશે. યુરિનલમાં લોકો પેશાબ કરશે અને બાજુની ટાંકીમાં યુરિન ભેગું થશે એટલે ત્યાં જ પેશાબ ઉપર પ્રક્રિયા કરીને તાજેતાજું મૂત્રોલ કારમાં ભરવામાં આવશે લોકોને તો ભારે સગવડ થઈ જશે. એકીકરણ કરશે અને એ જ જગ્યાએથી વાહનમાં મૂત્રોલ ભરાવીને  પછીૂ સડસડાટ દોડાવશે. પહેલાં મોટર અટકાવી એકીકરણ કરવું પડતું, હવે એકીકરણથી મોટર દોડાવી શકાશે.'

મેં કહ્યું કાકા હજી તો ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી વાત છે. ખરેખર માનવ મૂત્રમાંથી ક્યારે ઈંધણ મળતું થશે એ કોણ કહી શકે? 

પથુકાકા બોલ્યા કે 'ઢોરના છાણ-મૂત્રમાંથી અને કચરામાંથી બાયોગેસ બને જ છેને? તો પછી માનવ મૂત્રમાંથી ઈંધણ બનાવતા કેટલી વાર લાગે ઈન્વેન્શન ઈઝ મધર ઓફ નેસેસિટી... સાચું બોલ્યોને?'

મેં કાકાને કહ્યું કે એક જમાનામાં અમારા નાનકડા લીંબડી ગામમાં નિશાળે જઈએ ત્યારે રસ્તામાં રખડતા કૂતરાને લાઈટના થાંભલા પાસે એક પગ ઊંચો કરી લિક્વિડ સેલ્યુટ એટલે પ્રવાહી સલામી આપતાં જોતા હતા. પછી જ્યારે રાત પડે એટલે લાઈટ થાય ત્યારે અમે બાળગોઠિયાઓ એવો તુક્કો દોડાવતા કે આપણાં ગામના કૂતરા થાંભલે થાંભલે પીપી કરે છે ને એ પીપીના પાવરથી રાત્રે લાઈટ થાય છે. પછી અમે એ લાઈટ નીચે રમતી વખતે ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા... એ ગીત પરથી પરેડી બનાવીને ગાતા કે થાંભલે થાંભલે કૂત્તા તારા ડાયરા... ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહબોતો કે ભવિષ્યમાં પીપીના પાવરથી ગાડીઓ દોડતી થશે.'

પથુકાકાએ વાત સાંભળીને નવો સાવલ કર્યો કે 'મોરારજી દેસાઈ સ્વમૂત્રનો પ્રયોગ કરતા ખબર છે ને? તો આજેૈ એવી રીતે સ્વમૂત્રનો પ્રયોગ કરવાવાળાને ડબલ ફાયદો થશે કે નહીં?' મેં પૂછ્યું કે 'ડબલ ફાયદો કવી રીતે થશે એ જરા સમંજાવો તો ખરા? કાકા કહે એક તો સ્વમૂત્ર પીનારાઓને ડોકટરોની  લાકડા જેવી ફી નથી આપવી પડતી,  હવે તેઓ સ્વમૂત્રનો અમુક ભાગ ઈંધણ બનાવવામાં આવશે એટલે પછી પેટ્રોલના પૈસા પણ બચી જશે ને? આને ડબલ ફાયદો જ કહેવાયને?

મેં કહ્યું પછી તો સરકાર જ યુરિન કલેકશન સેન્ટર (યુ.સી.સી.) કહેતા સરસ મજાની મૂતરડીઓ ઠેર ઠેર ઊભી કરશે. કારણ કે અત્યારે રસ્તા પર કે હાઈવે ઉપર ગમે ત્યાં ઊભા ઊભા રહીને શંકાનિવારણ કરવા વાળાને સરકાર અપીલ કરશે કે અમૂલ્ય ઈંધણ જ્યાં ત્યાં વેડફવાને  બદલે યુરિન કલેક્શન સેન્ટરમાં આવીને નિરાંતે કરો ખુલાસો અને બંધ કરો (જાહેરમાં ગમે ત્યાં ઊભા રહીને કરો છો એવાં) ખુલ્લા-શો.

અંત-વાણી

ભવિષ્યમાં યુ.પી.થી દોડશે કાર

પેટ્રોલ-પમ્પો કદાચ થશે બેકાર

ઈંધણના ટેન્શનથી છૂટશે સરકાર

કોણ જાણે ક્યારે સપનું થશે સાકાર

એમાં તો ભાઈ વાર લાગશે પારાવાર.