mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અજાણીને ડાર્લિંગ કહેવાની સજા બગાડી નાખશે મજા

Updated: Mar 19th, 2024

અજાણીને ડાર્લિંગ કહેવાની સજા બગાડી નાખશે મજા 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

પથુકાકાના દિવાનખાના કે 'દિવાના ખાના'માં હું અને કાકી બેઠાં હતાં. અચાનક કાકાએ ઘોઘરા સાદે ગાતાં ગાતાં ભલભલાને ડિસેન્ટ્રી થઈ જાય એવી રીતે એન્ટ્રી મારી. હાથમાં ગુલદસ્તો હતો એ કાકી સામે ધરીને લલકારવા માંડયાઃ

ઓ કંસની મેરી કંસની

કહાં ઉડ ચલી

મેરે અરમાનો કો જંગ લગા કે...

આ ગીત ગાંગરતા કાકાને અધવચ્ચે  અટકાવી મેં પૂછ્યું , 'શું વાત છે , કાકા? કઈ ખુશીમાં  કાકીને ગુલદસ્તો આપી મૂડમાં ગાવ છો?'

કાકા મસ્તીના મૂડમાં બોલ્યા, 'આજે અમારા મેરેજની ૨૫મી પુણ્યતિથિ છે એટલે કાકીને સરપ્રાઈઝ આપવા માટે હું ગુલદસ્તો લાવ્યો.'  મેં સવાલ કર્યો , 'કોઈ ગિફટનેબદલે માત્ર ગુલદસ્તો કેમ લાવ્યા?' ત્યારે કાકા બોલ્યા, 'ગુદલસ્તો અમારા સંસારી જીવનનું પ્રતીક છે, તને ખબર નથી. આકરા મિજાજની કાકી રસોડામાં રાંધતી હોય અને હું કંઈક સળી કરૃં એટલે એના મગજની કમાન છટકે. કમાન છટકે એટલે દસ્તો ઉગામે, આમ એ દસ્તો ઉગામે એટલે હું ગુલ થઈ જાઉં. એટલે જ ગુલ-દસ્તો અમારા નરમ ગરમ સંસારનું પ્રતીક જ કહેવાયને?'

મેં ખડખડાટ હસીને પૂછ્યું, 'બીજા સવાલનો જવાબ આપો. તમે કિશોરકુમારના ગીત 'ઓ હંસની...'ને બદલે 'ઓ કંસની...' કેમ ગાવ છો?' કાકી સાંભળે નહીં એમ ધીરેકથી  કાકા બોલ્યા, 'મારી ભલે હોય હંસની, પણ ક્રોધે ભરાય ત્યારે માસી લાગે કંસની, એટલે જ ગાઉં છું - ઓ કંસની મેરી કંસની...'

કાકી આ જવાબ સાંભળી એવાં ગુસ્સે થયાં કે રાડ પાડી, 'મને હંસનીને બદલે કંસની કહેતા શરમાતા નથી? બધાની દેખતા મારૃં અપમાન કરશોને તો બોલતી બંધ કરી દઈશ આખા વંશની...'

મેં  મામલો ટાઢો પાડવા માટે મધ્યસ્થી કરતા કહ્યું , 'કાકા, તમારે છે ને કાકીને પ્રેમથી બોલાવવા જોઈએ. આમ મેરેજ એનિવર્સરી વખતે પણ અપમાનિત કરો એ કેમ ચાલે? કાકીને વ્હાલી, જીવનસંગિની કે લાડકી કહોને! તો આવા ગૃહયુદ્ધ ટાળી શકાય, સમજાયું?'

અપલખણા કાકા બોલ્યા, 'હું તો એને કર્કશા કે કભારજા કહીશ... ડાર્લિંગ તો નહીં જ કહું.'

મેં પૂછ્યું,'કારણ શું?' ત્યારે કાકા બોલ્યા, 'હમણાં એક અદાલતે ફેંસલો સુણાવ્યો હતો કે અજાણી સ્ત્રીને જે ડાર્લિંગ કહેશે તેણે જેલની સજા ભોગવવી પડશે, એટલે જેલના સળિયા ગણવાની નોબત આવે એને બદલે તારી કાકીને કર્કશા કે કકળાટ ક્વીન કહું એમાં જ મારી ભલાઈ છે, સમજાયું?'

મેં ખણખોદ કરતાં કહ્યું, 'અજાણી મહિલાને ડાર્લિંગ કહેવું એ ગુનો છે, પણ કાકી ક્યાં અજાણ્યા છે? એને ડાર્લિંગ કહેવામાં શું વાંધો છે?' કાકાએ જવાબ આપ્યો ,'લગ્નને પચ્ચીસ-પચ્ચીસ વર્ષ વીત્યાં  છતાં હજી ક્યાં હું મારી ઘરવાળીને ઓળખી શક્યો છું? એટલે તારી કાકી અજાણી જ કહેવાયને? એટલે જ હું કહું છું કે-

અજાણીને કહી ડાર્લિંગ

નક્કામું જવું જેલમાં?

એના કરતાં કર્કશા કહીને

રહેવું ગેલમાં.'

મેં ક્હ્યું, 'કાકા, આ તો સંસાર છે, આમ જ ચાલ્યા કરે. મોટા ભાગના  ધણી-ધણિયાણીનો સંસાર આવી જ રીતે ચાલે. ક્યારેક પ્રેમની ઝરમર તો ક્યારેક ઝાપટાં. એટલે જ જોડકણું કે તોડકણું કહેવું પડે-

જીવનની ગોડી દોડતી રહે

બદલાતા રહે આટાપાટા

ક્યારેક માથે પડે ઝાપટાં

તો ક્યારેક પ્રેમના છાંટા

ભેગા જ વીતાવે જીવન 

તોય ઘણા છૂટા જ રહે 

જાણે રેલના પાટા.'

કાકા કહે, 'તારી (હો)બાળાકાકીની ગામમાં કેવી ધાક છે, ખબર છે? કોની  મગદૂર છે કે એનું નામ લઈ શકે? એટલે જ તો નામ લીધા વિના બધા એને કાકી... કાકી કહીને જ સંબોધે છેને? એટલે જ હું કહું છું કે કાયમી પળોજણ ઊભી કરે પાકિસ્તાન અને આ કાકીસ્તાન...'

કાકીએ આ સાંભળતાની સાથે જ હાથમાં મુખવાસની ડબ્બી હતી એનો છૂટો ઘા કર્યો અને તાડૂક્યાં, 'મને તો માઁણસો કાકી-કાકી કહીને બોલાવે છે, જ્યારે તમને તો એક માત્ર કાગડા કા-કા-કા... કરતા કાકા કહીને બોલાવે છે એનું ભાન નથી?'

પથુકાકા બોલ્યા, 'તારા લીંબડીના વતનીઓની પત્નીઓની લેડીઝ કલબમાં જાય ત્યારે તો લટકા કરી મારી વાત નીકળેે ત્યારે તો મારા હબી આવા ને માર હબી તેવા... એવી વાત કરે છે અને ઘરમાં હબીને ડબ્બી મારે છે?'

કાકી કહે, 'આપણામાં ધણીનું નામ ન લેવાય એટલે પછી હબી જ કહુંને? બાકી તમે તો સાવ નવરા છો એટલે કંઈકને કંઈક વાતનું વતેસર કરો છો.'

કાકા બોલ્યા, 'તને પરણ્યો એ દિવસથી ભલે હું નવરો થયો છતાં તેં એક દિવસ મને નવરો બેસવા દીધોે છે. મરાઠીમાં ધણીને 'નવરો' કહે છે, ખબર છે? હું નવરો અને તું નવરી! ડોન્ટ વરી... એક વાર ફેરા ફરી પછી કાયમ પસ્તાવાનું અફસોસ કરી કરી...'

કાકાની વાત સાંભળીને મેં નવાઈભેર પૂછ્યું,'કાકા, કહો તો ખરા કે પત્નીને મરાઠી ભાષામાં શું કહેવાય?' પથુકાકા છંછેડાઈને બોલ્યા, 'તું મરાઠી ભાષાની ક્યાં વાત કરે છે? પત્નીને મરાઠીમાં તો શું કોઈ ભાષામાં કંઈ ન કહેવાય...'

મેં કહ્યું, 'પતિ-પત્ની વચ્ચે અવારનવાર મીઠો ઝઘડો થવો જોઈએ, એમાંથી પ્રેમ ટકી રહે એમ માનસશાસ્ત્રી કહેતા હોય છે.' કાકા છણકો કરીને બોલ્યા, 'આમને આમ બાઝી મર્યા પછી પ્રેમને બદલે આપણા મઢેલા ફોટોની ફ્રેમ ટકે એનો શું અર્થ?'

મેં કહ્યું, 'કાકા, પતિ-પત્ની વચ્ચેનો જે સંબંધ છે એને સાયકોલોજિકલ રિલેશનશિપ કહેવાય, બન્નેએ એકબીજાના માનસમાં ડોકિયું કરી એકમેકને  સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. એને સાયકોલોજિકલ રિલેશનશિપ કહેવાય, ખબર છે?'

પથુકાકા માથું ધુણાવીને બોલ્યા, 'અમારા બેમાંથી સાયકો કોણ છે અને  લોજિકલ કોણ છે એ જ કોને ખબર છે?'

કાકી કહે, 'આમને આમ લગનને પચ્ચીસ વર્ષ વતિી ગયાં, ખબર જ ન પડી હો?' કાકા બોલ્યા, '(વસમાં) સમયની ખબર કેદીને જ પડે, જેલરને નહીં. બોલો જય જય ગરવી ગુજરાત... હસતા મોઢે સહેશું તુજ-લાત...'

અંત-વાણી

સઃ પરણીને ખુલ્લા દિલે હસવા માટે પણ જેને બંડ કરવું પડે એને શું કહેવાય?

જઃ હસ-બંડ.

**  **  **

સઃ પત્નીની ધાકથી દૂર ભાગતા પતિને જોઈ કયું ફળ યાદ આવે?

જઃ નાસ-પતિ.

Gujarat