Get The App

એક વાર વધ્યા પછી ઝટ ઘટે નહીં પેટ અને રેટ

Updated: Jul 20th, 2021

GS TEAM


Google News
Google News
એક વાર વધ્યા પછી ઝટ ઘટે નહીં પેટ અને રેટ 1 - image


- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી

પતિને ભાવતા પકવાન ખવડાવવા માટેના પાક-શાસ્ત્રમાં કાકાને ધાકમાં રાખવા માટેના ધાક-શાસ્ત્રમાં કાકીની કાબેલીયતને કોઇ ન પહોચે. એટલે જ પથુકાકા સંસાર ટકાવી રાખવાનું સનાતન સત્ય ઉચ્ચારતા કાયમ કહે કે વેડમી  અને  વઢ, માલપુવા અને માર, ઢોસા અને ઠોસા ખાઇ જાણે એ જ સાચું સંસારી સુખ માણે, બાકી ખાતા - ન આવડે ઇ ખતા ખાય અને ભડ થઇ ભેંકડા તાણે.

રવિવારની રજાને દિવસે કાકા અને કાકી પેટની ટાંકી ભરાય એટલું ખાય. ગયા રવિવારે છાપાની પૂર્તિ લેવા કાકાના ઘરમાં ગયો ત્યારે ખરો નઝારો જોવા મળ્યો. પથુકાકા ભરપેટ જમીને પેટ પર હાથ ફેરવતા ઓડકાર ખાતા હતા અને (હો)  બાળાકાકી દિવાનખાનામાં આમથી તેમ ધમ ધમ ધરતી ધણધણાવતા આંટા મારતા હતા. મેેં પથુકાકાને પૂછયું કે 'આ શું થયું છે કાકીને ?' સવાલ સાંભળી પથુકાકા લુચ્ચુ હસીને બોલ્યા 'આ પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને જતા જાય છે એટલે વધુમાં વધુ ગાડીઓ ગેસથી દોડવામાં આવે છે બરાબરને ? જેમ ગાડી ગેસથી ચાલે એમ આ મારી લાડી પણ ગેસથી ચાલે છે.'

મેં કહ્યું લાડી પણ ગેસથી ચાલે છે એટલે ?' પથુકાકા ખોંખારો ખાઇને બોલ્યા 'કારમાં  સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ભરવામાં આવે એટલે ચાલવા માંડે છે બરાબર ? ગાડી ચાલે એટલે ગેસ ઓછો થતો જાય. એવી જ રીતે આ તારી કાકી રવિવારે ઢોકળા, પૂરી, શ્રીખંડ જેવું ભારે ખાય પછી પેટમાં 'નેચરલ ગેસ' થાય. હવે જયાં સુધી તારી કાકી આમ ચાલે નહીં ત્યાં સુધી પેટમાંથી ગેસ ઓછો ન થાય. ચાલે તો ગેસ વપરાય અને હાશકારો થાય. એટલે જ મેં તને પહેલાં જ કહ્યું કે ગેસથી ગાડી ચાલે તો પછી ગેસથી લાડી કેમ ન ચાલે ?'

કાકાનું આ (કુદરતી) વાયુ પ્રવચન સાંભળીને હું બોલ્યો કે 'એમ કહેવાનું મન થાય કે કાકી ચાલે ગેસથી અને  કાકા ચાલે ટેસથી.'

હસીને કાકા બોલ્યા કે આ કપરા કોરોનાકાળમાં  હું તારી કાકીને કાયમ ટપારતો રહું છું કે મહામારીમાં જરા ખાવામાં ધ્યાન તો રાખ? આ પેટ વધતું જાય છે એ જોતી નથી ? ત્યારે આ તારી આ (હો) બાળાકાકી લાપરવાહીથી શું જવાબ આપે ખબર છે ? ઇ કહે છે કે ગેસમાં પેટ વધે અને દેશમાં રેટ (ભાવ) વધે એની શું ચિંતા કરવાની? પેટ અને રેટ વધવા માંડે પછી થોડા જ ઝડપથી ઘટે છે ? એટલે ભૂખ વેઠી પાતળી સોટા જેવી કાયાવાળી મોડેલો કેટ-વૉક કરે અને મારી આ ભારેખમ ભાર્યા પેટ-વોક કરે.'

મેં કહ્યું વર્ષો પહેલાં હિંમત કરીને એક ગુજરાતી ફિલમ જોઇ હતી ઃ 'દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા.' પણ તમે લખેલી કાકીની આ પટ-કથા નહીં પણ પેટ - કથા સાંભળીને નવું ટાઇટલ આપવાનું મન થાય છે ઃ પેટ રે જોયા દાદા ભરપેટ રે જોયા.'

કાકા રંગમાં આવી જાણે બાળપણમાં સરી પડયા અને ગાવા માંડયા છ દાયકા જૂનું ગીત ઃ

સીએટી કેટ - કેટ માને 

બિલ્લી

આરએટી રેટ રેટ

માને ચુહા

અરે દિલ હૈ તેરે પંજે મેં

તો કયા હુઆ.....

મેં હસીને કહ્યું કાકા મજેદાર ગીત કઇ કોમેડી ફિલ્મનું ખબર છે ? 'દિલ્હી કા ઠગ.'

ફિલ્મનું નામ સાંભળી કાકા મને તાલી દઇને બોલ્યા શું વાત કરે છે ? કિશોરકુમાર અને નૂતનની  'દિલ્હી કા ઠગ' ફિલ્મનું ગીત છે ? વાહ ! અત્યારે દિલ્લીવાળાને સહુ રેટ (આરએટીઇ) વધારા માટે દોષ દે છેે ને ? દિલ્લી-બિલ્લીના આ પંજામાંથી છૂટવાનું સહેલું નથી સમજ્યો બચ્ચું ? એટેલ જ ફેરવીને ગાણું ગાવાનું ઃ

આરએટીઇ રેટ

રેટ યાને 'દર'

આરએટી રેટ

રેટ યાને ઊંદર

અરે 'બિલ' હે તેરે પંજે મેં

તો કયા હુઆ.....

મેં કાકાને કહ્યું કે 'ખરેખર  દરેક ચીજના વધતા 'રેટ' સામે પેટ ભરવા માટે જ બધી દોડધામ કરવી પડે છેને ?' કાકા શબ્દરમત કરતા બોલ્યા રેટ એટલે દર અને રેટ એટલે ઊંદર બરાબર ? એટલે જ તું જેને દોડધામ કહે છે એ જ પેટ માટેની રેટ-રેસ કહી શકાય. આમ પણ (રેટ) ઊંદર શબ્દ માંય ઊં ઉપરથી અનુસ્વાર કાઢો તો શું થાય ? ઊદર, ઉદર એટલે પેટ પેટ માટે રેટ-રેસ. લોકડાઉનમાં ઘરની ઘૂસ થઇ બેસવું પડયું એ વખતે અગણિત લોકોએ નોકરી - ધંધા ગુમાવવા પડયા. એટલે જ હું કહું છુને કે ઃ

મહામારી, મોંઘવારી અને

એમાં રોજની  મગજમારી

મમ-મમની આ સિંહ રાશિએ 

ડૂચો કાઢયો મારી મારી

મેં કહ્યું કાકા ઇંધણની કિંમતમાં સતત વધારાથી અને રાંધણ ગેસના આસમાને ગયેલા ભાવથી દરેક ઘરમાં રસોડાની રાણી ખરેખર ગભ-રાણી છે ઉશ્કે-રાણી. કાકા કહે  છે તે સિંહ રાશિની વાત કરીએ એટલે કહું છું કે નામની પાછળ રાશિનું નામ લાગે એવાં દેશના કયા આ વડાપ્રધાન હતા ખબર છે ? મનમોહન -સિંહ હવેના જે વડા છે તેમના નામની પાછળ અટક સિંહ રાશિની છે, એટલો ફેર છે. બાકી તો સત્તા ગમે તેની આવે, સિંહાસન પર ગમે તે આવે આપણી જેવી પ્રજાના ભાગ્યમાં તો સહન કરવાનું જ લખ્યું  છેને ? એટલે ચૂપચાપ મોંઘવારી ખમો અને ન. મો. બીજું શું ?'

મેં કહ્યું કાકા નમે એ સહુને ગમે પણ કાયમ નમાવે એ કેમ કામ-આવે ? અત્યારે તો એવી દશા છે કે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરવાનો વિચાર પણ  કોઇ ગરીબ કરી શકતો નથી. એટલે જ હમણાં કયાંક વાંચ્યું કે એક જણે કોઇની મોટરસાઇકલમાંથી થોડું પેટ્રોલ ચોરીને પછી અગ્નિસ્નાન કર્યું. બોલો આવી દશા કરી છે આ મોંઘવારીએ, મરવા માટે પણ ચોરી જીવવા માટે પણ ચોરી કરવાની ?'

કાકા બોલ્યા 'મુંબઇની લોકલ ટ્રેનમાં આપણી જેવાં સામાન્ય લોકોને પ્રવાસની પરવાનગી નહોતી લોકડાઉનમાં ખબર છે ? ત્યારે હું બસની ભીડમાં ભીંસાતો  ભીંસાતો પરાંમાંથી તળ મુંબઇ તરફ જતો હતો. હું બસમાં હાલકડોલક થતો હેન્ડલ પકડીને ઊભો હતો. ત્યાં અચાનક કંઇક સળવળાટ થયો. ભીડ વચ્ચેથી માંડ નીચે જોયું તો એક કાળો હાથ આવ્યો અને સીફતથી મારૂં પાકિટ સેરવી લીધું ગભરાઇને મેં  ચોર..... ચોર..... ચોર..... બૂમાબૂમ કરી મૂક. એટલે ડ્રાઇવરે બસને બ્રેક મારી. કન્ડકટરે એક પછી એકને નીચે ઉતારી મને પૂછવા વાગ્યો કે બોલો આ છે..... આ છે..... આ છે..... પણ મેેં કહ્યું ભાઇ મેં એનો ચહેરો જોયો જ નહોતો. ફકત હાથ જ જોયો હતો. આપણે ત્યાં કોઇ મોટી ખાનાખરાબી થાય ત્યારે નેતાઓ કહે છેને કે આની પાછળ વિદેશી હાથની શંકા છે, પણ પાકિટ ગયું એ નાની ખાનાખરાબી છે એટલે મને આની પાછળ દેશી હાથની શંકા લાગે છે. ચાલો વાંધો નહીં. કન્ડકટરે પેસેન્જરને પાછા બસમાં ચડાવી દીધા અને હું ચાલીને જવા માંડયો. થોડે દૂર ગયો ત્યાં એક મવાલી નજીક આવ્યો અને બમ્બૈયા હિન્દીમાં બોલ્યો 'અરે ચાચા યે લો તુમારા પાકિટ, ખાલીપીલી બીસ રૂપિયા પાકિટ મેં રખકે કયું નીકલતા હૈ ? કમારા 'હેન્ડીક્રાફટ' કા આખ્ખા મહેનત પાની મેં  ગયા માલૂમ?' મેં કહ્યું મેરી બીબી પાકિટ મેં જયાદા પૈસે રહને હી નહીં દેતી હૈ, તેરે હાથ મેં કયા આયેગા ?' મવાલી માસ્ટર  સ્ટ્રોક મારતા બોલ્યો 'અપના દુશ્મન પડોશી પાકિસ્તાન પૂરા ખાલી હો ગયા હૈ. દુનિયા કે પાસ ભીખ માગતા હૈ માલૂમ? ફિર ભી ઇન્ડિયા કો સતાતા હૈ. ઔર ઇન્ડિયા મેં તુમ્હારે જૈસે ખાલી પાકિટવાલોને અપને ધંધે કી વાટ લગાઇ હૈ વાટ. બહાર સે પાકિસ્તાનવાલે સતાતે હૈ ઔર અંદર તુમ્હારે જૈસે ખાલી પાકિટ-સ્તાની સતાતે હૈ..... બોલો કયા કરને કા ?'

આ સાંભળીને હું મનોમન સમસમી ગયો કે એક મામૂલી ખીસ્સાકાતરૂ મારી કિંમત કરી ગયો ? ત્યાં બસ-સ્ટોપ પાછળની દિવાલ ઉપર પાલિકાએ  લખેલી સૂચના વાંચી ઃ માસ્ક પહને ઔર હાથ સાફ રખે. આ વાંચીને થયું કે આ મહામારી અને મોંઘવારીએ એવો તો કમરતોડ ફટકો માર્યો છે કે કેટલાય લોકોને ચહેરો ઢાંકી એક યા બીજી રીતે 'હાથ સાફ' કરવાનો વારો આવ્યો છે. પાલિકાની સૂચના વાંચીને વિચારમાં ખોવાયો હતો ત્યાં જ બ્લ્યૂ યુનિફોર્મમાં એક માર્શલ આવ્યો અને મારો હાથ પકડી બરાડયો 'માસ્ક કયો નાક સે ઉતારા ? અબ લાવ દોસો રૂપિયા..... દંડ' હું મુંઝાણો ખીસ્સામાં બસો રૂપિયા હોય તો દંડ ભરૂંને ? મેં કાલાવાલા કર્યા અને પાકિટ દેખાડી કહ્યું આ જો વીસ રૂપિયા છે, જોઇએ તો લઇજા. પેલાએ ઝપટ મારી વીસ રૂપિયા પડાવીને ચાલતી પકડી. મારી પાસે સમ ખાવા પૂરતી કાણી કોડી પણ ન રહી. ત્યારે મનમાં થયું કે શું આને જ કેશલેસ ઇકોનોમી કહેવાય ?'

મેં કહ્યું કાકા જનતાની દશા સાવ કેશ-લેસ જ થઇ  જાયને બિઝનેસ-વોટર (ધંધા-પાણી) ઠપ થઇ ગયા હોય ત્યારે બીજું શું થાય ? આ સરકાર ચૂંટણી આવે એટલે રીતસર ધનના ખજાના ખુલ્લા મુકે અને જેવી ચૂંટણી જાય એટલે પછી કરદાતાને ઢીંકા મારી મારીને પૈસા કઢાવે, આને તે કાંઇ ઇકોનોમી કહેવાય કે ઢીંકો-નોમી કહેવાય ? મોંઘવારીના મરણતોલ ઉપરાઉપરી ફટકા મારીને મારી નાખે તેને અર્થતંત્ર કહેવાય કે અર્થી-તંત્ર ? રામ બોલો ભાઇ રામ..... એટલે જ મારે જોડકણું કહેવું પડે છે કે ઃ

રૈયતની સાંભળે નહી રાવ

મોંઘારતના થાય ઘાવ પર  ઘાવ

વોટ માટે લગાવે  સોંઘારતનો દાવ

જીતીને વકરાવે મોંઘારતનો ઘાવ

હે લોકશાહીના શાહી-લોક

કોક તો જરા શર-મવ ?

પથુકાક કહે કે 'કર્ણાટક બાજુ મેં સાંભળ્યું છે કે એક કોમ એવી છે જે ચિત્રવિચિત્ર નામો રાખે છે, જેવાં કે રોકેટ,  ડાયમન્ડ, બંદૂક, મોબાઇલ વગેરે વગેરે આમાં એક માતાએ ટ્વિન્સને જન્મ આપ્યો ત્યારે જોડકાનું શું નામ રાખ્યા ખબર છે ? પેટ્રોલ-ડિઝલ. કોઇએ  ટ્વિન્સના નામ પેટ્રોલ-ડિઝલ રાખવાનું કારણ પૂછતા માતાએ હસીને જવાબ આપ્યો કે બંને દિવસે  ન વધે એટલા રાતે વધેને ? એટલે પેટ્રોલ  ડિઝલ નામ રાખ્યા છે.'

મેં કહ્યું 'કાકા દરેક ચીજના વધતા દામ અને  ભાવની આ ભરમાર જોઇને આપણાં ગરવા ગુજરાતના કયાં બે ગામના નામ યાદ આવે ખબર છે ? ભાવ-નગર અને દામ-નગર.'

મેં વધતા ફુગાવા અને મોંઘવારીનું આ મહાપુરાણ પૂરૂં કરવાના ઇરાદે કહ્યું કે 'આપણે તો આશા રાખવાની કે ભાવ ઘટશે..... અચ્છે  દિન આયેંગે.....' કાકા કહે 'અચ્છે દિન આયેંગે નહીં અચ્છે દીન (ગરીબ) બઢેંગે ..... બાકી હું તો ફરી ફરી કહું છું કે પેટ અને રેટ એક વાર વધ્યા પછી ઝટ ઘટે નહી. દેહના ફુગાવામાં ફેટ (ચરબી) વધે અને દેશના ફુગાવામાં રેટ વધે.'

અંત-વાણી

ફુગાવો વધે ત્યારે દર વધે

ઉંદર વધે ત્યારે પણ 'દર' વધે.

Tags :