- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
- રાતોરાત પૈસાદાર થઈ ગયેલા તત્કાળ ધનપતીઓને જોયા છે. ડાન્સ બારને રવાડે ચડી ધૂમ પૈસા ઉડાડતા હતા, પણ અનીતિનો પૈસો ક્યાંથી ટકે? એટલે જોતજોતામાં ખાલી થઈ ગયા. એટલે જ કહું છું કે માણસ પૈસા ઉડાડે અને પૈસો માણસને ડૂબાડે
દેખો દેખો બંદર આયા... જૈસે કોઈ સિકંદર આયા... બંદર કા ખેલ દેખો ડુગડુગી કા મેલ દેખો...ઘણાં વખતે ડુગડુગીનો અવાજ સાંભળી હું અને કાકા વાંદરાનો ખેલ જોવા ગયા. થોડીવારમાં તો ટેણિયા મેણિયાની સાથે મોટેરા પણ મન્કી-બાતની મજા લેવા ઉમટી પડયા.
માકડાવાળાએ બે ટૂટલી ફૂટલી ખુરશી રાખી હતી. ત્રણ બંદર ખેલ કરવા માટે તૈયાર બેઠા હતા. માકડાવાળાએ કહ્યું દેખો દેખો મૈં ડુગડુગી બજાઉંગા ઔર બંદર ગોલ ગોલ ધૂમેંગે... ડુગડુગી બંધ કરુંગા તો બૈઠ જાયેગે... ડુગડુગડુગડુગી... ત્રણેય વાંદરા દોડવા માંડયા અને જેવી ડુગડુગી બંધ થઈ એટલે બે ખુરશી પર બેસી ગયા. ત્રીજો રહી ગયો. આ મ્યુઝિકલ ચેરની રમત જોઈને કાકા રાજી થઈને બોલી ઉઠયા કે વાહ વાહ શું ખેલ છે... નર પણ ખેલે ખુરશીનો ખેલ અને વાનર પણ ખેલે ખુરશીનો ખેલ... થોડીવારમાં એક વાંદરાની કમાન છટકી એટલે ખુરશી પર બેઠેલા વાંદરાનો પગ ખેંચી નીચે પછાડયો. લોકોએ તાલીઓ પાડી એટલે કાકાએ તરત ટકોર કરી કે વાંદરાઓ પણ ખુરશી ખાતર એકબીજાની ટાંટિયાખેંચ કરતા શીખી ગયા છે, જુઓ તો ખરા? ત્રણ અક્ષરનો શબ્દ છે ખુરશી, એમાંથી વચ્ચેનો 'ર' ઉડી જાય ત્યારે મળે ખુશી. ખેલ જોઈને બધા પૈસા ફેંકવા લાગ્યા૩, ત્રણેય વાંદરા એવાં તૈયાર કે ક્રિકેટના મેદાનના ફિલ્ડરોની જેમ ફટાફટ પૈસા કેચ કરતા જાય, સિક્કા ઝીલતા જાય અને માકડાવાળાને આપતા જાય.આ જોઈ ખેલ કરાવવાવાળો વાંસળીમાં ગીત વગાડવા માંડયો 'પૈસા ફેંકો તમાશા દેખો... પૈસા ફેંકો તમાશા દેખો...
આ ખેલની ધમાલ સાંભળી (હો) બાળાકાકી પહેલા માળની બાલકનીમાં આવ્યા એટલે કાકાએ નીચેથી બૂમ પાડીને પૂછ્યું 'અરે બાળા તેં વાંદરાને જોયા કે નહીં?' સવાલ સાંભળી કાકીએ છણકો કરીને જવાબ આપ્યો કે 'વાંદરા જોવાની અહીં કોને ફુરસદ છે? પરણીને આવી ત્યારથી તમને જ જોયા છે...' કાકીનો જવાબ સાંભળી સહુ ખડખડાટ હસી પડયા. શ્રાવણ મહિનો ચાલતો હોવાથી દયાભાવનો દેખાડો કરવા માટે (હો) બાળાકાકીએ ઉપરથી સિક્કા ફેંક્યા એ સિક્કા તૈયાર ઊભેલા વાનર ત્રિપુટીએ ઝીલી લીધા.
આ સીન જોઈને મેં કાકાને કહ્યું કે 'કાકીએ તો વાંદરા પર પરચુરણ વરસાવ્યું, પણ વાંદરા મોકો મળે તો માણસની ઉપર કડકડતી ચલણી નોટો વરસાવી જાણે છે તમને ખબર છે?'
પથુકાકા નવાઈ પામીને બોલી ઉઠયા કે 'શું વાત કરે છે? વાંદરા કડકડતી નોટું ઉડાડવા માંડયા તે શું જંગલમાં પણ ડાયરા યોજાવા માંડયા? ડાયરાના કલાકારો ઉપર ઘોળ કરીને પૈસા વરસાવવામાં આવે છેને?'
મેં હસીને કહ્યું કે ના કાકા આ જંગલમાં કોઈ ડાયરાની ઘટના નથી. આ તો એવું થયું કે તામલિનાડુના કોડાઈકેનાલની ગુનાની ગુફા જોવા માટે ટુરિસ્ટો પહોંચ્યા ત્યારે અચાનક ઝાડ ઉપરથી ૧૦૦, ૫૦૦ની નોટોનો વરસાદ થવા માંડયો. ટુરિસ્ટોએ ઉપર જોયું તો એક વાંદારો મોટી બેગમાંથી ચલણી નોટોની થોકડીઓ કાઢી કાઢી ટેસથી ઉડાડતો હતો. લોકોએ તો નોટો ઝડપી લેવા માટે રીતસર પડાપડી કરી. કેટલીય વાર સુધી આ નોટોનો આ વરસાદ ચાલુ રહ્યો...
પથુકાકાએ અધીરાઈથી પૂછ્યું કે પણ એ વાંદરા પાસે એટલાં પૈસા આવ્યા ક્યાંથી?' મેં કહ્યું કે 'કોઈ પર્યટકની બેગ આ વાંદરાએ ઝૂંટવી લીધી અને ઝાડ પર ચડી ગયો. એને એમ કે એમાં ખાવાનું હશે. પણ ખાવાનાને બદલે અંદરથી નોટોની થોડકીઓ જોઈ ખીજાયેલા વાંદરાએ કાગળ સમજીને નોટો ઉડાડવા માંડી એ નોટો ઝીલવા માટે ઝાડ નીચે ખરી અફરાતરફી મચી ગઈ. વાનર ફેંક નોટ અને માણસ મૂકે દોટ...'
કાકા બોલ્યા 'આપણે ત્યાં વોટ માટે પણ નોટ વરસાવવામાં આવે જ છેને? સત્તા ભણી મૂકવી હોય દોટ તો વોટ મેળવવા વરસાવવી પડે નોટ... નેતાઓ પાસે ક્યોં છે પૈસાની ખોટ...'
મેં કહ્યું 'કાકા પણ જરા એ દ્રશ્યની કલ્પના તો કરો કે બે-ત્રણ વાંદરા ઝાડ પર ચડીને કડકડતી નોટો વરસાવતા હોય એ કેવું લાગે?'
કાકા બોલ્યા કે 'મંચ ઉપર કલાકારો મૂડમાં ગાતા હોય અને કેટલાય લોકો એમને માથે ઊભા રહીને નોટો વરસાવતા હોય એવું લાગે, બીજું શું? સાચું કહુેને તો મને તો કલાકારને માથે ઊભા રહીને કોઈ પૈસા વરસાવેને એ ખરખેર બહુ અપમાનજનક લાગે. આ પૈસાનો દેખાડો ન કહેવાય.?'
મેં કહ્યું કે 'કલાકાર પર થઈને ઓળઘોળ, કરે દિલથી ઘોળ અને કરે ખોટો ડોળ... મને તો વિચાર આવે છે કે લોકો પાસે થોકડાને થોકડા પૈસા ક્યાંથી આવતા હશે? આપણે તો બસની ટિકિટ કઢાવવા વીસની નોટ હાથમાં લઈને ઊભા હોઈએ અને હવાથી નોટ ઉડીજાય તો પણ ધ્રાસકો પડી જાય જ્યારે આ બધા કલાકારોની ઉપર કેટકેટલી નોટો ઉડાડતા હોય છે?'
કાકાએ વાત વાળી લેતાં કહ્યું કે 'પૈસાનો ધોળ કરવામાં આવે છે એમાંથી ઘણીખરી રકમ સદ્કાર્ય પાછળ વપરાય છે એટલું સારૃં છે.'
મેં અમસતું પૂછ્યું કે 'કાકા તમારા જીવનસંગીની (હો) બાળાકાકી પૈસા ઉડાડે કે નહીં?' પથુકાકા લુખ્ખું હસીને બોલ્યા કે 'મારી જીવનસંગીની નહીં પણ તંગીમાં જીવતી ''જીવનતંગીની'' મારૃં થોડુંઘણું પેન્શન આવે એ પૈસા ઉડાડે બાકી થોકબંધ પૈસા ક્યાંથી ઉડાડવાની?
મેં કહ્યું કાકા 'મેં એવાં કૈંક રાતોરાત પૈસાદાર થઈ ગયેલા તત્કાળ ધનપતીઓને જોયા છે. ડાન્સ બારને રવાડે ચડી ધૂમ પૈસા ઉડાડતા હતા, પણ અનીતિનો પૈસો ક્યાંથી ટકે? એટલે જોતજોતામાં ખાલી થઈ ગયા. એટલે જ કહું છું કે માણસ પૈસા ઉડાડે અને પૈસો માણસને ડૂબાડે.'
પથુકાકાએ ટાપશી પૂરીને જોડકણું સંભળાવી દીધું
ક્યાંક નર ઉડાડે નોટો
ક્યાંક વા-નર ઉડાડે નોટો
પૈસાનો આ બધો
દેખાડો સાવ ખોટો.
અંત-વાણી
નોટબંધી અમંલમાં આવ્યા પછી કોઈએ સંઘરી રાખેલી મોટી નોટો ઉકરડામાં ફેંકી દીધેલી અને એ નોટો એક ગધેડો (ખર) ચાવતો હતો એવું છાપામાં જોઈને દો-લાઈના સૂજીઃ
કોઈ પૈસા ખર્ચાવે
કોઈ પૈસા ખર-ચાવે.
** ** **
કોઈ પૈસા વરસાવે
કોઈને પૈસા તરસાવે.
માણસ પૈસાને ઉડાડે
પૈસા માણસને ઉડાડે.
** ** **
'બાર'માં ઊડે પૈસા
કારો-બારમાં ઊડે પૈસા.
** ** **


