- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
દક્ષિણ મુંબઈના મેટ્રો સ્ટેશનની બહાર નીકળ્યો ત્યારે ગુજરાત બાજુથી આવેલા કાકાએ મને અટકાવીને પૂછ્યું કે, કે 'ભાઈ મેન્ટલ બજાર ક્યાં છે?' સવાલ સાભળીને હું ચોંકી ગયો. બજારમાં ક્યારેક કોઈ મેન્ટલ ભટકાય, બાકી આખી મેન્ટલની બજાર ક્યાં આવી એ છ દાયકા મુંબઈમાં વિતાવ્યા છતાં મને ખબર નહીં.
મેં કાકાને કહ્યું, 'મુંબઈમાં મેન્ટલ બજાર ક્યાં છે એ ખબર નથી.' કાકાએ કહ્યું, ' અરે ભાઈ, પેલા ધાતુબજારની વાત કરૃં છું. મને એમ કે તમે ભણેલગણેલ લાગો છો એટલે ધાતુનું અંગ્રેજી મેન્ટલ કરીને પૂછ્યું કે મેન્ટલ બજાર ક્યાં છે?'
આ સાંભળતાની સાથે જ મારા મગજમાં ટયુબલાઈટ થઈ અને મેં ખડખડાટ હસીને કહ્યું, 'કાકા, એને મેન્ટલ બજાર ન કહેવાય મેટલ બજાર કહેવાય, મેટલ બજાર... સમજાયું? હવે જાવ સીધેસીધા અને બીજા કોઈને સરનામું પૂછતા નહીં. ક્યાંક તમને મેન્ટલ સમજી બેસશે...'
ગાંડાનાં ગામ ન વસે, પણ ગામમાં તો ગાંડા વસેને? ગામમાં ગાંડાને ખુલ્લાદિલે ખડખડાટ હસતા જોઈએ ત્યારે ખરેખર આપણને એની અદેખાઈ આવે હો! આપણા જેવા ડાહ્યા મનાતા લોકો માથે ખટારા જેટલો ભાર ઉપાડી ટેન્શનમાં ફરતા હોઈએ છીએ અને આ જો ગાંડા... માથે કોઈ પણ જાતના બોજ વગર ખડખડાટ હસીને કેવી મોજ કરે છે!'
પથુકાકા કહે, 'મારા જેવા કેટલાય પત્ની-પીડિત પતિદેવો સંસારનો બોજો માથે લઈને ફરતા હોય અને ઉપરથી પત્નીની ધાકમાં રહેવાનું હોય એટલે ખુલ્લા મને હસી પણ ન શકે. એટલે જ હું હસબંડ શબ્દના બે અર્થ કરૃં છું. એક તો હસવા માટે જેણે બંડ કરવું પડે એ હસ-બંડ અથવા પરણીને જેનું હસવાનું બંધ થઈ જાય એને કહી શકાય હસ-બંધ. આવા હસ-બંડ કે હસ-બંધ કરતાં ગાંડા કેવાં ખડખડાટ હસી હસીને જીવન ગુજારતા હોય છે! એટલે હસતાં હસતાં ફરતા ગાંડાને જોઈને આપણને અદેખાઈ જ આવે ને? બાકી તો ઓલી કહેવત છે ને કે હસે એનું ઘર વસે, અને હસે એનું ન ખસે...એટલે એનું અનુમાન કરી શકાય કે અત્યારે ખુલ્લાદિલે હસતા આ દીવાનાઓમાંથી કોઈકને એની પત્નીએ હસવા દીધા નહીં હોય, એમાં મગજ ખસી ગયું હશે અને અત્યાર સુધી રોકી રાખેલા હાસ્યના ફુવારા ઉડાડતા હશે.'
મેં કહ્યું, 'ગાંડા હસે એનો વાંધો નહીં, બાકી બગીચાઓમાં ભેગા થઈ ગાંડાની જેમ મોટે મોટેથી હસવાવાળા અને અટ્ટહાસ્ય કરવાવાળા સવારમાં ન્યુસન્સ કરે છે એવી ફરિયાદો આવતી હોય છે.
મારી વાત સાંભળી કાકા બોલ્યા, 'આ ન્યુસન્સ બંધ કરવા માટે 'રસ્તા રોકો'ને બદલે કયું આંદોલન કરવું જોઈએ ખબર છે? 'હસતા રોકો.'
યે મેરા દીવાના-પન હૈ
'યે મેરા દીવાનાપન હૈ...' ગીત ગણગણતો ઘરની બહાર નીકળ્યો કે તરત પૂછી-પૂછીને પૂંછડિયો બની ગયેલો પાડોશી એક પછી એક સવાલ કરવા માંડયો અને હું પીછો છોડાવવા ટૂંકમાં જવાબ આપવા માંડયોઃ
'શું બાપુ? અટાણમાં ક્યાં નીકળ્યા?'
'મેન્ટલ હોસ્પિટલમાં જાઉં છું.'
'શું વાત કરો છો? તમે તો સાવ ડાહ્યાડમરા લાગો છો.'
'હોસ્પિટલમાં દાખલ થવા નથી જતો.'
'દાખલ નથી થવાના તો પછી તમને કેમ અંદર જવા દેશે?ે'
'તને બહુ ખબર, મને કેમ અંદર નહીં જવા દે?'
'તમને ત્યાંના નિયમની ખબર નથી. ડાહ્યાને અંદર ન આવવા દે અને ગાંડાને બહાર ન જવા દે.'
થાણેની મેન્ટલ હોસ્પિટલના દરવાજે પહોંચ્યો ત્યારે પાડોશીની વાત સાચી લાગી કે ડાહ્યાને અંદર આવવા નથી દેતા. કહે છે ને કે માણસને ડગલે ને પગલે ડહાપણ જ આડું આવે છે. દુનિયાના રસ્તેથી ચીલો ચીતરીને પોતાની રીતે સડસડાટ આગળ જનારા દીવાના જ હોય છે. મેન્ટલ હોસ્પિટલના દરવાનને મારું ઓળખપત્ર બતાવ્યું. મોટા સાહેબનું નામ આપ્યું તો બોલ્યો, 'કોણ શહાણે સાહેબ? તે કદી પાસૂન કામાતૂન ગેલે?'
હું સમજ્યો કે સાહેબ કામથી ગયા એટલે ગાંડા થઈ ગયા હશે કે શું? મારી મૂંઝવણ પારખીને દરવાને ફોડ પાડયો, 'શહાણે સાહેબ ઘણા વખત પહેલાં રિટાયર થઈ ગયા છે.'
બહુ રકઝક કરી એટલે વળી અંદર એન્ટ્રી મળી.
મેન્ટલ હોસ્પિટલના ગાર્ડનનો માહોલ જોઈને મજા આવી ગઈ. જુદા-જુદા પ્રાંતનું પ્રતિનિધિત્વ કરતા પાગલોને જોઈને મિની પાર્લામેન્ટ જેવો દેખાવ લાગતો હતો. ડાહ્યા થવાની અણી પર હોય, પાગલપનની શરૂઆત હોય (એપ્રન્ટિસ) કે પછી ગાંડપણ સવાર થાય ત્યારે હિંસક ન બનતા હોય એને ખુલ્લામાં ફરવાની છૂટ આપવામાં આવે છે. લીલા યુનિફોર્મમાં બે ગાંડા સામસામે બેસીને ખડખડાટ હસીને એકબીજાને તાળી આપતા હતા.
મેં હોસ્પિટલના એક રખેવાળને પૂછ્યું, 'આવા રૂડારૂપાળા આ બે જુવાનિયા કેવી રીતે ગાંડા થઈ ગયા?'
રખેવાળે ધીરેકથી કહ્યું,'આ ડાબી તરફનો જુવાન જેના પ્રેમમાં હતો એ છોકરીએ દગો દીધો એટલે મગજનો કન્ટ્રોલ ગુમાવી બેઠો.'
મેં વળી પૂછયું, 'જમણી તરફનો જણ કેવી રીતે ગાંડો થઈ ગયો?'
દરવાને કહ્યું, 'ડાબી તરફના જુવાનને દગો દઈ ચાલી ગયેલી છોકરીને એ પરણી બેઠો, એમાં પાગલ થઈ ગયો.'
ગાર્ડનના ખૂણામાં છ-સાત મહિલાઓ ફેરફુદરડી ફરતી હતી, સમજાય નહીં એવાં ગીતો ગાતી હતી અને થોડી થોડી વારે એલ્યુમિનિયમના ડબલામાંથી ઠાઠથી ચા પીતી હોય એમ પાણી પીતી હતી.
રખેવાળને પૂછ્યું, 'આ શું ચાલે છે?'
રખેવાળે કહ્યું, 'દરરોજ બપોરે કિટી પાર્ટી થાય છે.'
એક અઢારેક વર્ષનો ગાંડો વાટકામાં ગોળનો મોટો ગડબો લઈને ટેસથી ખાતો હતો. એ શું ખાય છે એ ખબર છે કે નહીં એની ટેસ્ટ લેવા મેં પૂછ્યું, 'એલા, શું ખાય છે?'
ગાંડાએ જવાબ આપ્યો, 'પૃથ્વી.'
મને નવાઈ લાગી એટલે ફરી સવાલ કર્યો, 'શું ખાય છે એનું ભાન નથી? વાટકામાં પૃથ્વી છે?'
ગાંડો બોલ્યો, 'તમને ખબર નથી પૃથ્વી ગોળ છે?'
આટલું બોલીને જાણે મને કેવો મૂરખ બનાવ્યો એવા ભાવ સાથે ખડખડાટ હસીને ચાલ્યો ગયો. ગાંડાના ગામ ન વસે એવું કહેવાય છે, પણ ગાંડાની હોસ્પિટલ તો વસેને?
તમે નહીં માનો, નાનપણથી જ ગાંડા પ્રત્યે મને ગજબનો લગાવ રહ્યો છે. લીંબડીમાં રહેતો ત્યાંનો ટક-ટક ગીધડી ગાંડો હજીય યાદ છે. ગામના સ્મશાનમાં ગીધડાં ઊડતાં-ઊડતાં આવે એને લાકડીથી ટક-ટક કરીને ઉડાડયા કરે એટલે નામ પડયું ટક-ટક ગીધડી. ખૂબ ભણ્યા પછી કમાન છટકી ગઈ હતી.
રાજકોટમાં જે જમાનામાં નળ ખોલતાંની સાથે પાણી આવતું એ વખતે શેરીના સાર્વજનિક નળ પર બેઠી રહેતી અને પાણી ભરવા ન દેતી ગોમતી ગાંડી કેમ ભુલાય? આજે તો એને મર્યે ઘણાં વર્ષો વીતી ગયાં. નળને બદલે નર્મદાનું પાણી રોકવા ઘેલાં કાઢનાર મેઘા પાટકરના ચહેરામાં મને અમારી ગોમતી ગાંડીનાં દર્શન થતાં.
મને તો ખરખેર મેન્ટલ પેશન્ટ્સની ઈર્ષા આવે છે. દુનિયામાં એના જેવું સુખી બીજું કોઈ નહીં. એના જેવું ખુલ્લા દિલે બીજું કોઈ હસી ન શકે. મનમાં કોઈ પાપ નહીં, કપટ નહીં. છતાં દુનિયાનો ન્યાય તો જુઓ. કહેવત છે ને હસે એનું ઘર વસે, પણ ખુલ્લા દિલે હસે એ કેમ હોસ્પિટલમાં વસે?
અંત-વાણી
સઃ ભારતના અસ્થિર મગજના લોકોને ઈંગ્લિશમાં શું કહેવાય?
જઃ 'મેડ' ઈન ઈન્ડિયા.
***
નોકરિયાતો આખો મહિનો ગધ્ધામજૂરી કરે અને મહિનાને અંતે પગાર ખાલી થઈ જાય એને ખર ઉપરથી શું કહેવાય ખબર છે?
આ-ખર તારીખ.


