ખોટી દવાની અને ખોટા દાવાની સાઈડ-ઈફેકટ
- બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી
- દાવાને અવળેથી વાંચો તો શું વંચાય ખબર છે? વા-દા. એટલે આપણા દેશનું રાજકારણ આ બે અક્ષરની આસપાસ જ ચકરાવા લીધા કરે છે, દાવા અને વાદા
ડયુટીની ખરી બ્યુટી શેમાં છે, ખબર છે? ગમે એવી આકરી ડયુટી પણ કોઈ જાતના ભાર વિના બજાવે એને કહેવાય ડયુટીની બ્યુટી. હમણાં જ એક ટ્રાફિક પોલીસનો વીડિયો વીજળીવેગે વાઈરલ થયો હતો. આ પોલીસ વાહનોને નાચતાં નાચતાં અને ગાતાં ગાતાં સાઈડ આપતો હતો. હાથના લટકા કરી વાહનોને અટકાવી ઊંચા અવાજે ગાતો હતોઃ રૂક જા ઓ જાનેવાલે રૂક જા... મેં તો રાહી તેરી મંઝિલ કા... પછી વાહનોને આગળ વધવા હાથ હલાવીને ગાઈને સૂચના આપતો હતોઃ જા જા જા રે તુઝે જાન ગયે, કિતને ટ્રાફિક મેં હૈ પહચાન ગયે...
મેં કાકાને આ ટ્રાફિક પોલીસનો વીડિયો દેખાડી કહ્યું, 'જુઓ, આ ડયુટીની બ્યુટી. કેવી ડયુટી બજાવે છે!' કાકા વીડિયો જોઈને છાશિયું કરીને બોલ્યા, 'આ પોલીસ ડયુટીસારી બજાવે છે, પણ મારા ઘરમાં એવું છે કે બ્યુટી છે એ મને અને તારી કાકીને બજાવે છે.'
મેં નવાઈ પામી પૂછ્યું, 'બ્યુટી તમને અને કાકીને બઝાવે છે એટલે એનો શું મતલબ?' પથુકાકા કહે, 'બાજુના ઘરમાં એક સુંદર બ્યુટીફુલ બાર ડાન્સર ભાડેથી રહેવા આવી છે. હવે આવતાં-જતાં એને કેમ છો - કેમ નહીં પૂછાઈ જાય તો તારી કાકી મારી સાથે બાઝી પડે છે, બોલો. એટલે કહું છું કે કાકી વહુ તરીકેની ડયુટી બજાવે છે અને પાડોશમાં રહેવા આવેલી બ્યુટી અમને વર-વહુને બઝાવે છે...'
આ વાત થયા પછી ચારેક દિવસ વિત્યા ત્યાં નવો જ સીન જોઈને હું તો તાજ્જુબ થઈ ગયો. પથુકાકા ટ્રાફિક વોર્ડનનો ડ્રેસ પહેરી ધસારાના સમયે વાહનોને સાઈડ આપતા હતા. એમણે પાણી પીવા બ્રેક લીધો ત્યારે મેં પૂછ્યું, 'શું વાત છે? તમે ટ્રાફિક વોર્ડન કેમ બન્યા?' પથુકાકા કહેે,'ઘરમાં લાડીના ઈશારે દોડાદોડી કરવી પડે એનાં કરતાં રિટાયર લાઈફમાં હાથને ઈશારે ગાડીઓ ન દોડાવીએ? આ ટ્રાફિક પોલીસ અને પોલીસી (મહિલા પોલીસ)ની સંખ્યા ઓછી છે એટલે જ ટ્રાફિક વોર્ડન બની સ્વૈચ્છિક સેવા આપીએ છીએ. આ પણ એક જાતની 'કાર-સેવા' જ છેને?'
મેં ઘરે જઈ કાકીને વધાઈ આપતા કહ્યું, 'કાકાનો વટ જોયોને? ચોકમાં ઊભા રહી ટ્રાફિક વોર્ડન તરીકે વાહનોને સાઈડ આપે છે!' મારી વાત સાંભળી (હો)બાળાકાકી બોલ્યાં, 'લગ્ન વખતે મારી અને તારા કાકાની જન્મકુંડળી મેચ કરાવેલી એ વખતે જ જ્યોતિષે મને કહેલું કે તમે ખૂબ સુખી થશો, તમારા ધણીની આસપાસ મોટરો ફરતી હશે, મોટરો. જ્યોતિષની ભવિષ્યવાણી આટલા વર્ષે સાચી પડી, બોલ!'
મેં કાકીને કહ્યું, 'આ તો જ્યોેતિષની ભવિષ્યવાણીની સાઈડ-ઈફેકટ જ કહેવાયને? જે કાકા આખી જિંદગી કાર ચલાવતા ન શીખ્યા ઈ આજે સાઈડ આપી આપીને સેંકડો કાર હાથને ઈશારે ચલાવે છે અને અટકાવે છેને?'
આ વાત સાંભળી કાકી બોલ્યાં, 'રાજકારણના રસ્તે પણ આવું જ છેને? જેને કાર ચલાવતા ન આવડતી એ આજે સર-કાર ચલાવવા માંડયા છે.'
મેં કહ્યું, 'કાકી, ચુનાવી રાજકારણના રસ્તે એવું છે કે ભલભલાને સાઈડ આપતા કે તમે આ પોસ્ટ પર જાવ, તમે તે પોસ્ટ ઉપર જાવ. એવા સાઈડ આપવાની તાકાત ધરાવતા હોય એમને જ અચાનક સાઈડ-લાઈન કરી નાખવામાં આવે છે. આને કહેવાય સત્તાના ખેલની સાઈડ-ઈફેકટ.'
મારી અને કાકીની વાત ચાલતી હતી ત્યાં જ સાઈડ આપી આપીને થાકીને ટેં થઈ ગયેલા પથુકાકા પરસેવે રેબઝેબ હાલતમાં આવી ચડયા. આવતાંની સાથે જ કાર અને સર-કારની વાતમાં ડબકું મૂકતા બોલ્યા, 'ચૂંટણીનું રિઝલ્ટ કેવું આવ્યું, જોયુંને? જીતના મોટા અને ખોટા દાવા કરવાવાળા કેવા પટકાયા! જોયુંને?' મેં કહ્યું, 'કાકા, જેમ ખોટી દવાની સાઈડ ઈફેકટ થાય એમ ખોટા દાવાની પણ સાઈડ-ઈફેક્ટ હોય!'
મારી વાત સાંભળી પથુકાકાના મગજમાં નવો મમરો ફૂટયો. તેઓ બોલ્યા,'આ ખોટા દાવાની તેં વાત કરીને એના પરથી મને સૂઝ્યું કે દાવાને અવળેથી વાંચો તો શું વંચાય ખબર છે? વા-દા. એટલે આપણા દેશનું રાજકારણ આ બે અક્ષરની આસપાસ જ ચકરાવા લીધા કરે છે, દાવા અને વાદા. સત્તા પક્ષી હોય કે પછી વિપક્ષી હોયખોટા અને મોટા દાવા કરવામાંથી અને વાદા કરવામાંથી જ ઊંચા નથી આવતા, એમાં પછી લોકોનું ક્યાંથી ભલું થાય? ચુનાવી રાજનીતિ નહીં, પણ નીતિ વગરના રાજની જ આ આડ-અસર છે, બરાબર?'
મેં હુંકારમાં માથું ધુણાવીને કહ્યું, 'ધ્યાનથી સાંભળો કે જનેતા જો બાળકોને ખોટા લાડ લડાવે તો આડ-અસરને બદલે લાડ-અસર થાય છે, એવી રીતે જનેતાની જેમ નેતા-જ મતદારોને ખોટા વાદા અને દાવા કરી લાડ લડાવે તો નેતાએ પણ ચૂંટણી પરિણામ વખતે આ આડ-અસર અને લાડ-અસર સહન કરવી જ પડે છે. આ બધા 'અસર-ગ્રસ્તો'એ પુનર્વસન માટે પાંચ વર્ષ રાહ જોયા સિવાય છૂટકો જ નથી, એટલે જ કહું છું કે-
ખોટા દાવા અને વાદાની
આ માઠી અસર છે,
બોલ્યું પાળવામાં તમારી
ભારોભાર કસર છે,
નહીંતર વોટરો ફેરવે નહીં 'વોટર'
તમારા મનસૂબા પર,
મતદારોને મૂરખ બનાવવાના
પ્રયાસની જ આડ-અસર છે.
અંત-વાણી
સઃ રાજકારણીઓને શું નડે?
જઃ તા-ના શાહી અને ભાઈ-ભતીજાવાળાને ના-તા શાહી.