- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
પરમ પરાક્રમી પથુકાકાનું 'ધીમી-બંદૂક' એટલે સ્લો-ગન શું છે, ખબર છે? જીવવાનું શાનથી અને જવાનું સ્મ-શાનથી. મિની-સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતા મુંબઈના પરામાં મારી જેમ છેલ્લા છ દાયકાથી વસવાટ કરતા પથુકાકા કાયમ કહે કે અમે પરાવલંબી છીએ. મારે કાયમ તેમને ટપારવા પડે કે પરાવલંબી નહીં, પરાવાસી કહેવાય. જરા સમજો તો ખરા!
બે દિવસ પહેલા પથુકાકા ધૂંઆપૂંઆ થતા આવ્યા અને બોલ્યા, 'આ ઘાટકોપરમાં રહેવાનું ગમે, બાકી સ્મશાનની અવદશા જોઈ મરવાનું ન ગમે હો?' મેં પૂછ્યું, 'આમ કેમ આકળા થઈ ગયા? સ્મશાનમાં તમને વળી શું વસમો અનુભવ થયો કે આમ ધૂંધવાઈ ગયા?'
મારો સવાલ સાંભળતાની સાથે જ કાકા ચિંતાતુર અને 'ચિતાતુર' અવાજે બોલ્યા, 'ગયા અઠવાડિયે મારા નજીકના ઓળખીતાના માજી સ્વધામ સીધાવ્યાં. અંતિમ સંસ્કાર માટે લઈ ગયા ત્યારે ઈલેક્ટ્રિક અને ગેસની ચિતા બંધ. મેં ત્યાંના એકના એક રખેવાળને તાડૂકીને પૂછ્યું કે આ ઈલેક્ટ્રિક અને ગેસની ચિતા કામ કેમ નથી કરતી? સરખી લાઈટની વ્યવસ્થા નથી અને જાણે ડોગ શેલ્ટર હોય એટલાં બધાં કૂતરાં અંદર ફરે છે, કોઈને કરડી જશે તો? આવી હાલત હોય સ્મશાનની?' મેં ઉભરો ઠાલવ્યો એટલે રખેવાળે નનામી સામે આંગળી ચિંધીને કહ્યું કે જવાવાળા કાંઈ બોલતા નથી અને તમે કેમ બરાડો છો?'
મેં પૂછ્યું, 'કાકા, આ તો ભારે કહેવાયહો?જામનગરના સ્મશાનની ગણના જોવાલાયક સ્થળમાં થાય છે , જ્યારે ઘાટકોપરમાં આવી દશા?'
પથુકાકા બોલ્યા, 'હજી સાંભળ તો ખરો! અગ્નિસંસ્કાર થઈ ગયા પછી બીજે દિવસે અમે અસ્થિ લેવા માટે સ્મશાને પહોંચ્યા. એમાં એવું છે કે અગ્નિસંસ્કાર થઈ જાય પછી સ્મશાનના કર્મચારી અસ્થિ ભેગાં કરી માટલીમાં મૂકે અને પછી એની પર મૃતકનું નામ અને તારીખ લખેલું કપડું બાંધી દે. આ બધી માટલીઓ એક સ્ટોરરૂમમાં રાખી દે. મૃતકના પરિવારજને બે-ત્રણ દિવસમાં માટલી કલેક્ટ કરીને સીધા જ અસ્થિ-વિસર્જન માટે નીકળી જવું પડે.'
મેં પૂછ્યું, 'કાકા, રાજકારણમાં મોટાં મોટાં માથાં અસ્તિત્વ ટકાવવા હવાતિયાં મારે છે, પણ મર્યા પછી અસ્થિ બચે એનેય ટકાવી રાખવામાં નથી આવતા, સાચુંને?'
પથુકાકા બોલ્યા, 'અસ્થિ-વિસર્જનનો વધુ આંચકાદાયક અનુભવ શું થયો, ખબર છે? ઓળખીતા સાથે એમનાં માતાનાં અસ્થિ લેવા ગયા ત્યારે માટલી મળે જ નહીં. રેક ઉપર હારબંધ માટલીઓ ગોઠવેલી અને એની ઉપર બાંધેલા સફેદ કપડાંમાં નામ લખેલું... પણ આ તો ભારે થઈ હો! માજીના નામની માટલી જ ગાયબ.'
મેં ચોંકીને પૂછ્યું,'માજીના અસ્થિફૂલ ભરેલી માટલી જ ગુમ થઈ ગઈ? તો રખેવાળને ખખડાવ્યો કે નહીં?'
પથુકાકા બોલ્યા, 'મે એનેબહુ ઝાટકી નાખ્યો કે 'પૈસા લીધા અને છતાં માટલી ખોઈ નાખી? હવે અમારે અસ્થિ કેમ પધરાવવા?' મારો સવાલ સાંભળીને એ નકટો બોલ્યો કે ઘણીવાર એવું થાય કે ભૂલથી કોઈ બીજાની માટલી લઈ જાય છે, તમેય કોઈની લઈ જાવ... જો સામેના ખૂણામાં બે-ત્રણ વર્ષની અનકલેઈમ્ડ માટલીઓ પડી જ છે, ગમે તે એક પસંદ કરીને ઉપાડી લ્યો અને બાણગંગામાં જઈ પધરાવી આવો, તમને પુણ્ય જ મળશે...'
મેં પૂછ્યું, 'પછી શું થયું કાકા, કહો તો ખરા!'
પથુકાકા બોલ્યા, 'ચૂંટણી વખતે જેમ મતદારયાદીમાંથી મતદારના નામ ગુમ થઈ જાય પછી દોડાદોડી કરીને નામ ગોતવા પડે એવી રીતે આખા સ્મશાનમાં ગોતાગોત કર્યા પછી માંડ બે ચિતા પાસેથી માટલી મળી અને અમે માટલી લઈને બાણગંગામાં અસ્થિ-વિસર્જન કરી આવ્યા.'
મેં પથુકાકાની આ દાસ્તાન-એ-અસ્થિ સાંભળીને કહ્યું, 'કાકા, આ અસ્થિફૂલની ગોતાગોતની વાત સાંભળીને પેલું વાક્ય યાદ આવે કે, ઢૂંઢતે રહ જાઓગે... માણસ જન્મ્યા પછી બસ શોધતો રહે છે, શોધતો જ રહે છે. થાકેલો માણસ આરામ શોધે છે, ધર્મને રસ્તે આગળ વધતા આ-રામને શોધે છે, પૈસાભૂખ્યા ધન શોધે છે, દાનનો દેખાડો કરવાવાળા નિર્ધનને શોધે છે... આમ જન્મથી મરણ સુધી આ શોધયાત્રા ચાલુ જ રહે છેને!'
માથું હલાવી હકારમાં જવાબ આપતા કાકા બોલ્યા, 'હાસ્યના મૂળમાં આંસુ રહેલાં હોય છે એ આનું નામ. મરણ જેવા કરૂણ પ્રસંગે પણ અજાણતા જ આવા અનુભવ થતા હોય છે. હું તો બસ ટૂંકમાં એટલું કહું છું કે પીનારા શોધે બાટલીને, આળસુઓ શોધે ખાટલીને, નેતાઓ શોધે સત્તાની પાટલીને અને અસ્થિ-વિસર્જન માટે શોધવી પડે માટલીને...'
અનોખી અસ્થિ બેન્ક
હવે અસ્થિવિસર્જન કરવા ઠેઠ હરદ્વાર, અલાહાબાદ કે બનારસ સુધી ધક્કો ખાવાનું ન ફાવે એમ હોય એને માટે મુંબઈમાં સગવડ થઈ ગઈ છે-અસ્થિવિસર્જન થુ્ર કુરિયર સર્વિસ.
ઘણાં વર્ષો પહેલાં નરસિંહ મહેતાના જૂનાગઢ શહેરમાં જવાનું થયું. એ વખતે જાત-જાતનાં બેન્ક કૌભાંડો ચાલતાં હતાં. કોઈ પણ નવી બેન્કનું નામ વાંચવા મળે કે તરત મનમાં ધ્રાસકો પડે કે, 'ખલાસ,થોડા દિવસમાં આ બેન્ક પાણીમાં ન બેસી જાય તો સારું.'
જૂનાગઢમાં સ મ્રાટ અશોકના પ્રાચીન શિલાલેખ જોવા માટે જતો હતો ત્યાં ક્યારેય ન સાંભળ્યું હોય એવી એક બેન્કનું નામ વાંચવા મળ્યું-'અસ્થિ બેન્ક.' મારી સાથેના ગામના ભોમિયા રાણાભાઈને પૂછયું, 'આ વળી કંઈ બેન્કે?' રમૂજી રાણાએ હસીને કહ્યું, 'આ બેન્કમાં બચત ખાતાં નહીં, મરણ ખાતાં ખૂલે છે. કોઈનું મૃત્યુ થાય ત્યાર પછી અસ્થિવિસર્જન કરવા માટે આઘે જવું ન હોય તો અસ્થિ બેન્કમાં બરાબર પેક કરીને બસો-પાચંસોગ્રામ અસ્થિફૂલ આપી આવવાનાં. બસ, કામ પત્યું. અસ્થિની માટલીઓ ભેગી થાય એટલે સેવાભાવી સંસ્થાના કાર્યકરો જઈને પવિત્ર નદીમાં પધરાવી આવે. આજે દોડધામ અને મોંઘવારીના જમાનામાં અસ્તિત્વ ટકાવવાનું મુશ્કેલ છે ત્યાં અસ્થિત્વ ટકાવીને વિસર્જન માટે લાંબા થવાનું મુશ્કેલ બની જાય.'
મફત અસ્થિ વિસર્જન કરાવતી સંસ્થાના સંચાલકને મેં પૂછ્યું, 'તમે સેવા શરૂ કરી એને કેવો રિસ્પોન્સ મળે છે? મોંઘવારીના જમાનામાં સ્થિતિ ન હોય એને માટે તો અસ્થિ વિસર્જનની કુરિયર સર્વિસ બહુ ઉપયોગી ગણાય.'
સંચાલકે કહ્યું, 'વાત સાચી છે. પચાસ-પચાસ ગ્રામ અસ્થિ (ભેજમુક્ત) ડબીમાં પેક કરીને ઘણા આપી જાય છે, પણ હમણાં એક માજી આવ્યાં હતાં. તેમણે કહ્યું કે ઘણા જીવતાં જગતિયું કરે છે એમ મારું જીવતાં અસ્થિ વિસર્જન કરો તો જીવને ટાઢક વળે. છોકરાંવે તો સ્થિતિ સારી હોવા છતાં ક્યારેય ગંગાસ્નાન કરાવ્યું નહીં. તમે મરણ પછી ઠાલાં હાડકાં પધરાવવાનો ખર્ચ કરવાના છો એના કરતાં થોડા વધુ પૈસા ખર્ચીને મને જ ગંગામાં ડૂબકી ખવડાવી દોને? જીવતાં અસ્થિ વિસર્જનનો અવસર કયારે મળશે?'
મુંબઈ જેવા શહેરમાં જાત-જાતની સેવાઓ આપવા નવી-નવી સંસ્થાઓ ઊભી થતી જાય છે. મને લાગે છે કે જતે દહાડે ઠેર-ઠેર હોલીવોટર પાર્લર ખુલી જશે. એમાં મોટા માટલામાં ગંગા, જમના અને ગોદાવરી નદીનાં પાણી ભર્યા હશે. નોમિનલ ચાર્જ ભરીને ઈચ્છા મુજબ અસ્થિ પધરાવીને ચાલતા થવાનું. કેવી સગવડ!
રીતસર લાઈનો લાગશે હોલીવોટર પાર્લરમાં. પાર્લરનાચાર ઈન્ચાર્જ (એટલે ચાર્જ લેતા) મહારાજ વારાફરતી બોલતા જશે. 'અસ્થિ પધરાવો સાવધાન...' એટલે અસ્થિ પધરાવવાનાં અને મહારાજને ધરાવવવાના.
અંત-વાણી
કફનને સિલાઈ કરો તો
કફની બની જાય,
પણ કફનમાં
ખિસ્સું નથી હોતું કારણ કે
મોતને લાંચ આપી શકાતી નથી.


