Get The App

કોઈ બાલ બાલ બચે, કિસી કે બાલ બચે

Updated: Jun 17th, 2025

GS TEAM

Google News
Google News
કોઈ બાલ બાલ બચે, કિસી કે બાલ બચે 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

પાકિસ્તાનના ('પાવ' વગરના) વડા  એમના આલિશાન (કે ખાલી-શાન) બંગલાના ભોંયરામાં ખુરશી ઉપર બેઠા હતા અને બાજુમાં એમનો નોકર હાથમાં ધારદાર કાતર લઈ ટટ્ટાર ઊભો હતો. આ નોકર થોડી થોડી  વારે મોટે અવાજે કહેતો હતોઃ 'ઈન્ડિયા કા મિસાઈલ આયા... ઈન્ડિયા કા  મિસાાઈલ આયા...' 

પછી કાતર માથાના વાળ પર  ફેરવતો હતો.

એ વખતે વડાનો નાનપણનો અંડરવેર ફ્રેન્ડ (લંગોટીયો દોસ્ત) આવ્યો. તેણે નોકરે પૂછ્યું, 'બાર બાર કયું ચિલ્લા રહે હો, ઈન્ડિયા કા મિસાઈલ આયા...?' 

વફાદાર નોકરે જવાબ આપ્યો, 'સાહબ કે સર પે જ્યાદા બાલ બચે નહીં હૈ, ફિર ભી ઝિદ કરતે હૈ કે બાલ ટ્રીમ કર દો... ટ્રીમ કર દો... ઈસ લિયે મૈંને દિમાગ લડાયા. જૈસે હી મૈં ચિલ્લાતા હું કિ 'ઈન્ડિયા કા મિસાઈલ આયા... મિસાઈલ આયા...' યે સુન કે ઉન કે બચેકૂચે બાલ ખડે હો જાતે હૈંૈ. ફિર મેં ઝટ સે કૈંચી સે કાટ દેતા હૂં...!'

આ સાંભળીને ખડખડાટ હસી પડેલા વઝીરે આઝમના દોસ્તે કહ્યું ,  'સાહબ કે સર પે ભલે જ્યાદા  બાલ બચે નહીં હૈ, પર  મિસાઈલ સે સબ બાલ બાલ બચ ગયે વો કયા કમ હૈ?'

પથુકાકાને આ ટુચકો સંભળાવ્યો ત્યારે તરત બોલી ઉઠયા, 'વાળને કેશ પણ કહેવાય અને અંગ્રેજીમાં કેશ એટલે રોકડા એવો અર્થ થાય, બરાબરને? એટલે હિન્દુસ્તાનમાં દેશભક્તિનાં દર્શન થાય અને  પાકિસ્તાનમાં કેશ-ભક્તિ જોવા મળે,  કારણ કે ચીનાઓ હવાયેલા ફટાકડા જેવા ડ્રોન અને એવાં બીજાં હથિયારો પધરાવી પાકલાઓને મૂંડી ગયા છે, અને રોકડ (કેશ) સહાય માટે બધા પાસે હાથ લાંબો કરી પૈસા માગતા 'મા-ગણતંત્ર' દેશ પાકની માગીભીખીને ગાડું  ગબડાવવાની 'કેશ-ભક્તિ' જ કહેવાય ને?'

મેં કાકાને સવાલ કર્યો , 'એવું કયું ગામ છે, જેના નામમાં  માથાના વાળ પણ આવી જાય અને માથાની ટાલ કે તાલ પણ આવી જાય?'

પથુકાકાએ માથાનાં વાળમાં આંગળીઓ ફેરવી અને પછી તરત બોલી ઉઠયા,  'હા... યાદ આવ્યું. એ  ગામ એટલે બાલ-ટાલ કાશ્મીરમાં જ આવેલું છે.'

મેં કાકાને દાદ દેતા કહ્યું, 'ખરેખર, તમારા ફળદ્રુપ ભેજાને દાદ  આપવી પડે... પણ તમને કાશ્મીરનું બાલ-ટાલ કેવી  રીતે યાદ આવ્યું?'

કાકા તરત બોલી ઉઠયા, 'થોડાં વર્ષ પહેલાં હું અને તારી કાકી અમરનાથની યાત્રાએ ગયા ત્યારે  આ બાલ-ટાલમાં બેઝ કેમ્પમાં અમે રોકાયાં હતાં. બાલ-ટાલમાં વિશ્રામ કરીને યાત્રીઓ અમરનાથની ગુફા તરફ આગળ વધે છે, અને હરામજાદા પાકિસ્તાની ટેરરિસ્ટોએ જ્યાં હિંદુ ટુરિસ્ટોને ગોળીનું નિશાન બનાવ્યા એ પહલગામથી આ બાલ-ટાલ ૨૪ કિલોમીટર જ દૂર છે.'

મેં કહ્યું, 'બાલ-ટાલ નજીક પહલગામમાં આતંકી હુમલાની હરકત જ પાકિસ્તાનને ભારે પડી ગઈને! ભારતે ઓપરેશન સિંદૂરનો સપાટો  બોલાવી પાકલાઓને કેવો ખાતમો બોલાવી દીધો! હવે એ હરામજાદાઓ આપણો વાળ પણ વાંકો કરવાની હિમ્મત નહીં કરે.'

કાકા બોલ્યા, 'એ વસમા પાડોશી પાપીસ્તાનીઓ હાર્યા છતાં એમની શેખી ક્યાં ઓછી થઈ છે? ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરી સર્જિકલ સ્ટ્રાઈક કરી ત્યારે પાક લશ્કરના સેંકડો સૈનિકો હથિયાર મૂકીને  અને સેનાની નોકરી છોડીને પલાયન થઈ ગયા હતા. હવે ઈ જ બાયલાઓ  બજારમાં જઈ ખોટી મૂછો ખરીદી ચહેરા પર લગાડી તેને તાવ દેતા ફરવા માંડયા છે.'

મેં કહ્યું, 'કાકા એ નમાલા, નકટા અને નઠારા પાકલાઓને કોણ સમજાવે કે ખોંખારો ખાઈને તાવ દેવા માટે તમારી પાસે સાચી મૂછો પણ રહી નથી. જે ખોટી મૂછો ચડાવીને   રેોફ મારો છોને એ મૂછમાં વાળ પણ હિન્દુસ્તાનના છે, સમજ્યા?'

કાકાએ પૂછ્યું, 'મને કહો તો ખરા કે ખોટી મૂછમાં આપણા દેશના સાચા વાળ કેવી રીતે હોય?'

મેં કહ્યું,'ભારતમાંથી કરોડોની કિંમતના માનવકેશ દાણચોરીથી ચીન, મ્યાંમાર અને બીજા દેશોમાં પહોંચે છે. હવે ચીનમાં આ વાળમાંથી વિગ, ચોટલા, દાઢી-મૂછ બને છે અને ઈ પછી પાકિસ્તાન અને બીજા દેશોમાં વેંચાય છે.'

પથુકાકા પોરસાઈને બોલ્યા, 'વાહ ભઈ વાહ, ભારતના ઉતરેલા વાળનીય દુનિયામાં કિંમત ઉપજે છે, જ્યારે પાકિસ્તાનીઓ માથાં ઉતારીને આપેને તોય કોઈ એક ફદિયું પરખાવે એમ નથી. હું એટલે જ કહું છું કે-

પાકલાવ તમે 'બાલ' જુઓ

બલુચિસ્તાનની બ-બાલ જુઓ

સિંઘના બુરા હાલ જુઓ

હિન્દુસ્તાનની તરક્કીનો 

તાલ જુઓ.

અંત-વાણી

વાણી અને પાણી કાં તારે અને કાં ડૂબાડે. શહેરમાં પાણી-કાપ મૂકાય છે, પણ ભાષણબાજી કરતાં નેતાઓની વાણી ઉપર વાણી-કાપ કેમ નથી મૂકાતો? સાવ પાણી જેવી વાણી ન હોય, વાણી પાણીદાર હોય તો સાંભળવી ગમે. છેલ્લાં ત્રણ દાયકાથી અવિરત ચાલતી અંત-વાણી ૨૦૨૫માં ૩૧માં વર્ષમાં પ્રવેશ કરે છે.

**  **  **

જય જવાન જય કિસાન,

મિડલ કલાસ બને નિશાન.

**  **  **

બે બચાવવાનું અઘરૃં છે,

એક ગાદી અને બીજી શાદી.

**  **  **

દીકરી તો પારકી થાપણ કહેવાય,

ખીચડી તો પેટની થાપણ કહેવાય.

**  **  **

નવાનકોર જીન્સ પેન્ટ ફાડી આપતા ફાડુ ફેશન ડિઝાઈનરનો ફોન નંબરઃ ફાઈટુ ફાઈટુ ડબલ ફાઈટુ (૫૨૫૨૫૫૨)

**  **  **

વતનનું વતની થાય,

તો પતનનું 'પતની' કેમ ન થાય?

**  **  **

પાળે એ જનેતા,

બાળે એ-જે-નેતા.

**  **  **

અય મેરે વતન કે લોગોં

જરા આંખ મેં ભર લો પાની,

જો ખરીદે ગયે હૈ ઉનકી

મત યાદ કરો બેઈમાની.

**  **  **

લીડરો જાય અખાડે,

ત્યારે દેશ જાય ખાડે.

**  **  **

ઈન્ટરનેટના યુગમાં ભેસનું પણ ઓનલાઈન વેચાણ શરૂ થઈ ગયું છે. આને માટે ખાસ વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. બેંસ વેચવી હોય તેણે ભેંસના ફોટા સાથે તેની ખાસિયત વર્ણવવાની અને અપેક્ષિત કિંમત લખવાની. એક ભેંસભક્તે તો સોશિયલ મીડિયામાં ખાસ પેજ મૂક્યું છે અને ફેસબુકને બદલે નામ આપ્યું છે ભેંસ-બુક.

**  **  **

ભેંસ, ભામણ ને ભાજી,

ત્રણેય પાણી જોઈ રાજી.

**  **  **

નામ અને દામ ખાતર હજી પણ શરીરતોડ મહેનત કરતી કઈ 'બિગ' હસ્તીને આ દોહો લાગુ પડે એ તમે જ કહેજોઃ

ડોકી ડગમગ ડગડગે

શિથિલ થયું શરીર,

તો પણ ઊભો નાચતો

તૃષ્ણા નદીને તીર.

**  **  **

મને જરાય ન ગમે કૂતરા પાળનારા, પંપાળનારા અને ઢાળનારા. આને લગતો દોહો વાંચવામાં આવ્યોઃ

શ્વાન સાથે પ્રીતડી

દો પાંતીકા દુઃખ,

ખીજ્યા કાટે પાંઉકુ

રીઝયા ચાટે મુખ.

**  **  **

રામગંગા નદીને કિનારે ચેતવણીઃ

નદીમાં તરવાની મનાઈ છે.

જીવતા બહાર આવશો તો

તમારી સામે કાયદેસરના

પગલાં લેવામાં આવશે.

**  **  **