વતન પરસ્તી માટે આગેકૂચ અને તનપરસ્તી માટે પીછે કૂચ

Updated: Jan 17th, 2023


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

કદમ કદમ બઢાયે જા ખુશી કે ગીત ગાયે જા... વહેલી સવારે  આઝાદ હિન્દ ફોજનું  આ કૂચ ગીત એક સાથે ગવાતું  સાંભળ્યું અને સાથે સાથે લેફટ-રાઈટ-લેફટ-રાઈટનો અવાજ કાને પડયો. ઘરની બહાર નીકળી ગ્રાઉન્ડમાં  પહોચીને  જોયું તો પથુકાકાની આગેવાનીમાં  સિનિયર  સિટીઝન ક્લબના દિલથી  જવાન મેમ્બરો ૨૬મી જાન્યુઆરીની પરેડની પ્રેકટિસ કરતા હતા. જોકે  આ પરેડ વિચિત્ર લાગી.

કદમ કદમ બઢાયે જા... એવું ગાતી વખતે બધા આગળ એક સાથે વધતા હતા અને  પછી જેવું પથુકાકા લલકારે: આ અબ લૌટ ચલે... આ  અબ લૌટ ચલે... એટલે બધા  ઊંઘા ઊંંધા  પાછા આવવા માંડતા  હતા. મેં કાકાને  દૂરથી  જ રાડ પાડી સવાલ કર્યો , 'આ વળી આગેકૂચ અને પીછેકૂચનો શું નવો ખેલ શરૂ કર્યો છે?'

કાકાએ ઊંઘા પગે પાછળ આવતા લલકાર્યું, ' આગે ભી જાને ના તૂ... પીછે ભી જાને ના તૂ...' પછી બોલ્યા કે 'આગેકૂચ વતન માટે કરીએ છીએ અને પીછેકૂચ તન માટે કરીએ છીએ, હવે સમજાયું ?'

મે કહ્યું, 'મને તો કાંઈ ન સમજાયું. ઊંધા ચાલવાથી શું લાભ થાય?' પથુકાકા  હાંફતા હાંફતા બોલ્યા, 'ઊંઘા  ચાલવાની કસરતનેશુંકહે છે, ખબર છે? રેટ્રો વોકિંગ.  આ રેટ્રો વોકિંગથી શરીરને બહુ લાભ થાય છે. કોઈ હેલ્થ કોન્શિયસ જાણકારને પૂછી જોજે કે રેટ્રો વોકિંગથી  શુંલાભ થાય?બાકી તારા જેવાં હેલ્થ અનકોન્શિયસ શું જાણે? અમે આગેકૂચ કરીને વતનપરસ્તી અને પીછેકૂચ કરી તનપરસ્તી દેખાડીએ  છીએ.'

મેં કાકાને  જરા ઉશ્કેરવા માટે કાંડી લગાડતા કહ્યું, 'તમે એ કલા ઊંઘા  ચાલીને તન-દુરસ્તીની રક્ષા કરો છો તો ભેગા (હો)હાબાકાકીને કેમ ઊંઘા ચાલવાનું નથી શીખવતા?' કાકા તાડૂક્યા, 'તારી કાકી પરણીને આવી ત્યારથી એકેય દિવસ કયાં સીધી ચાલી છે? ઊંઘી જ ચાલે છેને?મારા જેવી જ દશા આ સિનિયર સિટીઝન ક્લબના કેટલાય સાથીઓની છે. અમારે ઊંઘા ચાલવાની પ્રેકટિસ કરવી પડે છે, જ્યારે  અમારા  બધાની ઘરવાળીઓ પહેલેથી ઊંઘી ચાલે છે. લાડી ચાલે આડી ત્યારે ઊંઘી વળે સંસારની ગાડી.'

મેં નવાઈ પામી પૂછયું,'ેઊંધા ચાલવાથી શું ફાયદો થાય એ મનેય કહો તો ખરા?' કાકાએ રેટ્રો-વોકિંગના ફાયદાનો  લેખ કોઈ છાપામાં છપાયો હતો તેની ઝેરોક્સ દેખાડી કહ્યું, 'ઊંધા ચાલવાથી શરીર સીધું ચાલે છે. રેટ્રો વોકિંગમાં આપણી સીધા ચાલવાની સામાન્ય ગતિની વિરુદ્ધ ઊંધા  ચાલવાનું હોય છે. પરિણામે હાર્ટ વધુ જોરથી  પમ્પિંગ કરે છે એટલે શરીરને ઓક્સિજનનો ઝડપી પુરવઠો મળે છે. રેટ્રો વોકિંગમાં શરીરનાં અવયવો વચ્ચે  બહેતર  કો-ઓર્ડિનેશનની જરૂર પડે છે, એટલે વધુ સતર્ક બનતું મગજ સારી રીતે માર્ગદર્શન  આપે છે. ઘુંટણ ઉપર ઓછું દબાણ આવવાથી દુ:ખાવાની તકલીફ ઓછી થાય છે. રેટ્રો-વોકિંગમાં ૪૦ ટકા વધુ કેલરી બર્ન થાય છે એટલે વજન ઉતારવું  હોય એને  માટે ઉપયોગી છે. એક  દાખલો  આપું. આપણા દેશના વડાની દિશાથી જે ઊંધા ચાલવાની કોશિશ કરે તેનું વજન આપોઆપ  ઉતારી નાખવામાં આવે છેને? ઊંધા  ચાલવાથી પગની માસપેશીઓ મજબૂત બને  છે. બસ, હવે તો તું પણ મારી જેમ ઊંધા ચાલવાની પ્રેકટિસ કરીશને?'

મેં કહ્યું, 'કાકા, ઊંધા ચાલવાના આટલા ફાયદા છે એની રાહુલ ગાંધીને પહેલેથી ખબર હોત તો કદાચ ભારત જોડોને બદલે ઊંધા દોડો યાત્રા કાઢી હોત એવું નથી લાગતું?' કાકા દાઢમાંબોલ્યા, 'ઈ બધા લોકોની વાત કાને ધર્યા વિના ઊંધા રસ્તે ચાલ્યા અને દેશને પણ ઊંધે પાટે ચડાવ્યો એમાં જ  સત્તાસન પરથી  ઊંધા મોઢે  પટકાયાને? એટલે જ હવે સીધાદોર થઈ ગયેલા  આ બધા હવે  સીધે રસ્તે  ચાલવાનો દેખાડો કરવા માટે જાતજાતની યાત્રા કાઢવાના ઉધામા કરે છે. એટલે જ કહેવું પડે ને કે, સાધુ ચલતા ભલા ઔર તક-સાધુ છલતા ભલા...'

ધર્મ હોય કે ધોરીમાર્ગ, સીધા કરતાં ઊંધા જ વધુ ભટકાય છે. થોડા વખત પહેલાં શહેરમાં પગપાળા જતો હતો. ત્રણેક કિલોમીટર ચાલ્યા પછી  પાછળથી એક જણ આવીને મારી સાથે જોરથી ભટકાયો. સામાન્ય માણસ માંડ માંડ બેન્ક બેલેન્સ જાળવે એમ હું  શરીરનું 'બેક-બેલેન્સ' જાળવી ઊભો રહ્યો. પાછળથી આવી ઊંધા ભટકાયેલા એ ઊંધિયાને કોલરથી પકડી ધમકાવીને  પૂછ્યું : એલા દેખતો નથી? આંધળાની જેમ શું ઊંધો દોડયો જાય છે?

ઊંધિયાએ હાથ જોડી સોરી સોરી બોલીને કહ્યું, 'માફ કરજો, હું  ઊંધા પગે દોડીને મંદિરે માનતા પૂરી કરવા જતો હતો એમાં તમારી સાથે ભટકાઈ ગયો.' જવાબ સાંભળી મનમાં થયું, આને જ કહેવાય અંધી અને ઊંધી દોટ. મેં  ઊંધિયાને  સવાલ કર્યો, 'શેની માનતા છે?' ઊંધિયાએ જવાબ આપ્યો,'મારા બે  દીકરા  ઊંધા રસ્તે ચડી ગયા છે, એ  બન્ને સીધી લાઈન પર  નહીં  આવી જાય ત્યાં સુધી દર સોમવારે  ઊંધી દોડ  લગાવીને દર્શને જઈશ.' 

આ સાંભળી મને  વિચાર આવ્યો કે માણસને ધરમને રસ્તે પણ સીધેસીધા  ચાલતા નથી આવડતું એમાં જ ગમે ત્યાં  ભટકાઈ જાય છેને? ચાલવાની ચર્ચા ચાલતી હતી એમાં વચ્ચે (હો)બાળાકાકીએ  ડબકું મૂક્યું. કોઈક ડાયરામાં સાંભળેલી વાત દોહરાવતાં  બોલ્યાં, 'આ તમે  ક્યારના સીધા ચાલવાની અને ઊંધા ચાલવાની પીંજણ શું કરો છો? આપણી  માણસજાત કેવી અકોણી છે એ ખબર છે? ભગવાને બધાં  પશુ-પ્રાણીઓને આડા બનાવ્યા છતાં કેવાં સીધા ચાલે છે? અને માણસને સીધો બનાવ્યો તોય આડો ચાલે છે. સાચી વાત કે નહીં?' પથુકાકા આ સાંભળીને  બોલ્યા,  'આપણાં લગ્ન થયાં એ વખતે  ગોર મહારાજ અને અગ્નિની સાક્ષીએ તું બોલી હતી કે મારા પતિનાં પગલે પગલે ચાલીશ. તો હવે હું ઊંધો ચાલવા જાઉં છું ત્યારે તું કેમ મારાં પગલે પગલે ચાલવા નથી આવતી? પોતે કેમ આડી ચાલે છે?'કાકી તાડૂક્યાં, 'તમે આમ પારોઠનાં પગલાં ભરો ત્યારે હું પણ તમારી વાદે  પારોઠનાં  પગલાં ભરૃં એવી કાંઈ ભોટ નથી, સમજ્યા? આપણી કામવાળી પાસેથી  હું મરાઠી  શીખી છું એટલે મને ખબર છે કે મરાઠી ભાષામાં પુઢે એટલે આગળ અને માગે એટલે પાછળ. એટલે ટૂંકમાં કહું તો  મને આગેકૂચમાં રસ છે, તમારી માગે-કૂચમાં નહીં, પડી સમજ? ક્યારેક ઊંધા ચાલતા ચાલતા ઊંધકાંધ પડશોને તો ટાંટિયા ભાંગશો, ઊંધા પગે ચાલવાના આવાં ખતરાવાળા અ-ખતરા બંધ કરો તો સારું.'

શિયાળાની એક કડકડતી સવારે પથુકાકા મને તેડવા આવ્યા. દરવાજેથી હાંક મારી, 'ચાલ, તૈયાર થઈ જા, ઊંધિયા પાર્ટીમાં જવાનું છે.' ઊંધિયાનું નામ સાંભળતા મારામોંઢામાં પાણી આવી ગયું. સવારના પહોરમાં ગરમાગરમ ઊંધિયું ખાવા મળશે એ વિચારે  ફટાફટ તૈયાર થઈને  કાકાની ભેગો ગયો. મને એમ કે કાકા કોઈ હોટલમાં ઊંધિયુંખવડાવવાની પાર્ટી આપવાના હશે, પણ કાકા તો રેસકોર્સના જોગિંગ ટ્રેક ઉપર લઈ ગયા.  રેસકોર્સના જોગિંગ ટ્રેક પર જઈને જોયું તો કાકાની ઊંમરના કેટલાય ડોસલાવ રેટ્રો-વોકિંગ કરતા હતા અને ઊંધા પગે  એકબીજાથી આગળ નીકળવાનો પ્રયાસ કરતા હતા. આ જોઈને મેં કાકાને ખભેથી હલબલાવી પૂછ્યું,ે 'ઊંધિયા પાર્ટીનું  શું થયું?' લુચ્ચું હસી કાકાએ કહ્યું, 'આ બધા ઊંધા હાલે છે એને જોતો નથી? આ જ અમારી ઊંધિયા પાર્ટી. રેટ્રો-વોકર્સ કલબ નામ ઘણાને અઘરૃં લાગતું હતું એટલે અમારી આ પાર્ટીને ગુજરાતી નામ આપ્યું ઊંધિયા પાર્ટી. બધાથી ઊંધી ચાલતી અમારી ઊંધિયા પાર્ટીની જોઈને ચાલ-બાજી?'

પથુકાકાની આ ઉલ્ટી ચાલબાજી જોઈને મને વિચાર આવ્યો કે કહેવત છે કે ઘરડા ગાડાં વાળે, પણ કાકા જેવા ઘરડા ગાડાં ઊંધાં વાળે.

અંત-વાણી

સ: ફૂટબોલનો દંતકથારૂપ ખેલાડી પેલે ઊંધા પગે પણ બોલને સોલિડ કિક મારતો, ખબર છે? આ ખેલાડી પર કઈ ગુજરાતી ફિલ્મ બનેલી?

જ: મારે જાવું 'પેલે' પાર.

**  **  **

ડોકટર: તબિયત સારી રહે માટે રોજ સવારે લોન પર ચાલો.

દરદી: મારું આખું ઘર 'લોન' પર ચાલે છે.

**  **  **

કાકા જેવાં  રટ્રોે-વોકરોને જોઈને વિચાર આવે કે-

મોટર ઊંધી આવે તો

રિવર્સ હોર્ન સંભળાય,

એમ મોટેરા ઊંધા આવે તો

કેમ રિવર્સ હોર્ન ન સંભળાય?

    Sports

    RECENT NEWS