ચશ્માના કાચ દેખાડે સાચ, ફ્રેમના પ્રેમમાં પડે એને આવે આંચ
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ચશ્મા ચડાકે માના બન ગયે જનાબ હિરેા... રહે પઢાઈ ઔર લીખાઈ મેં તો ઝીરો... પથુકાકા ઓટલા પર નવા ચશ્મા ચડાવીને બેઠા હતા અને એમના એન્ટીક ટ્રાન્ઝીસ્ટર રેડિયોમાં 'ભાભી' ફિલ્મનું આ ગીત વાગતું હતું. મેં જઈને પૂછ્યુ 'કાકા શું વાત છે? નવાં ચશ્મા ચડાવી હિરો થઈને કેમ બેઠા છો?' પથુકાકાએ જવાબ આપ્યો કે આ કોરોનામાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો નિયમ પાળવા માટે ખાસ પૈસા ખેંચીને મેં આ ચશ્મા ખરીદ્યા છે. મેં સવાલ કર્યો કે 'ચશ્માથી વળી સોશ્યલ ડિસ્ટન્સિંગ કેમ જળવાય? કાકાએ હસીને ખુલાસો કર્યો કે જોતો નથી? આ દૂરના ચશ્મા છે દૂરના એટલે બધા દૂર જ રહેને?'
પથુકાકાએ હજી વાક્ય પૂરૂં કર્યું ત્યાં (હો) બાળાકાકીએ વચમાં ડબકું મૂકતા મને કહ્યું કે તારા કાકાની 'ચશ્મેરી-ચાલુગીરી' જોઈને? અરે શું વાત કરૂં? બર્થડે પાર્ટી કે લગ્ન-પ્રસંગે જમણવારમાં જવાનું હોય ત્યારે છાનામાના નજીકના ચશ્મા પહેરી વાંચી લે અને પહોંચી જાય. પણ અમારી ૬૫મી મેરેજ એનિવર્સરીની ઉજવણી માટે કોને કોને બોલાવવા એ વાત થતી હતી ત્યારે ધરાર દૂરના ચશ્મા ચડાવીને બેઠા હતા. અમે કહીએ ફલાણાને બોલાવીશું? તો કહે એ દૂરના છે, ઢીંકણાને બોલાવશું? તો કહે એ દૂરના છે. આમ જ્યારે બીજાને જમાડવાનો પ્રસંગ આવ્યો ત્યારે દૂરના થઈ ગયા. જોઈને એમની ચશ્મેરી-ચાલુગીરી?'
પથુકાકા બોલી ઉઠયા કે 'હવે મારે બીજું કાંઈ નહીં, આ જાતી જિંદગીએ એકલતા ટાળવા માટે વધુને વધુ લોકોનો સંપર્ક થઈ શકે એવાં જ જાદુઈ ચશ્મા પહેરવા છે, ભલેને ગમે એટલો ખર્ચ થાય?' મેં કહ્યું 'એવાં વળી ક્યા જાદુઈ ચશ્માનીવાત કરો છો?' કાકાએ જવાબ આપ્યો 'અંગ્રેજીમાં એને કોન્ટેકટ લેન્સ કહે છેને? આ કોન્ટેક્ટ લેન્સ પહરીએ એટલે કોન્ટેકટ વધેને?'
કાકાની આ 'ચશ્મા-ચાલીસા'ને અધવચ્ચે અટકાવી કહ્યું કે 'ઘણાં નેતાઓ પણ ચૂંટણી આવે ત્યારે તમારી જેમ જ દૂરના અને નજીકના ચશ્મા પહેરતા લાગે છે. શું કામ ખબર છે? મત માગવા માટે નીકળે ત્યારે નજીકના ચશ્મા પહેરે અને બધાને નજીકના ગણે. પણ જેવાં ચૂંટણીમાં જીતી જાય પછી દૂરના ચશ્મા ચડાવી દે એટલે મતદારો દૂર થઈ જાય. કાશ્મીરમાં ચશ્મેશાહી બાગ છે એ નામમાં થોડો ફેરફાર કરી ચશ્માની આ ચાલાકીને શું કહી શકાય ખબર છે? ચશ્મે-લોકશાહી.'
નાતાલના વેકેશનમાં એક હિલસ્ટેશન પર ફરવા ગયો ત્યાં અજબ નઝારો જોયો. ચાર-પાંચ ઘોડા એમના લંચ ટાઈમમાં ગોગલ્સ પહેરીને ચૂપચાપ ચારો ખાતા હતા. મેં ઘોડાવાળાને પૂછ્યું કે 'ઘોડાને ગોગલ્સ પહેરાવીને હિરો બનાવ્યા છે?' ઘોડાવાળાએ હસીને જવાબ આપ્યો ના ભાઈ ના, ઘોડાને કાંઈ હિરો નથી બનાવ્યા. આ તો સૂક્કું ઘાસ આપીએ ત્યારે લીલો ચારો સમજીને ખાય એટલે લીલા કાચના ગોગલ્સ પહેરાવ્યા છે.' આ સાંભળી પથુકાકાએ ટકોરાબંધ ટકોર કરી કે 'કોમવાદી કાચના ચશ્મા પહેરી ફરતા લીડરો આમ જ સૂક્કા ભેગું લીલું બાળે છેને? એટલે જ કહું છું
કોમવાદી કાચમાંથી જે ભાળે
એ સૂક્કા ભેગું લીલું પણ બાળે.
મેં કહ્યું 'કાકા જોયું ને કાચની જ કમાલ છેને? સાચને ન આવે આંચ અને કાચથી ઢંકાય સાચ... મોટાભાગે કાચ પારદર્શક હોય છે પણ અમુક કાચ વાર-દર્શક હોય છે, આ કાચમાંથી જોઈને જ વાર કરવામાં આવે છે ને?'
હું અને કાકા કાચની કમાલ અને કાચથી કમબખ્તીની વાત કરતા કરતા ટહેલતા હતા ત્યાં અમારી સોસાયટીના ફેશનેબલ લેડી રક્ષા રાજકોટી સામે મળ્યા. ભેગો હસબંડનહીં પણ ભસીને બંડ કરે એવો 'ભસ-બંડ' ડોગી બ્રાઉની હતો. મેં પૂછ્યું સવાર સવારમાં ક્યાં નીકળ્યા? તેમણે જવાબ આપ્યો કે 'મોતિયો ઉતરાવવા બીજે ક્યાં?' મેમ નવાઈ પામી પૂછ્યું 'આટલી નાની ઊંમરે મોતિયો આવી ગયો? ' ત્યારે લેડી હસીને બોલ્યા મારોનહીં આ બ્રાઉનીનો મોતિયો ઊતરાવવા પેટ કિલનિકમાં જાઉં છું.' આશ્ચર્યચક્તિ થઈ ગયેલા કાકા બોલ્યા અમારા લીંબડીમાં તો મોતિયા અને લાલીયા ચડી જતા ત્યારે ભલભલાના મોતિયા મરી જતા અને શહેરમાં ડાઘીયાના મોતિયા ઉતારવાના?'
મેં કાકાને કહ્યું 'તમને ખબર નથી? હવે તો પાળેલા કૂતરાને પણ એકદમ મોંઘા ગોગલ્સ અને ચશ્મા પહેરાવવાની ફેશન ચાલી છે? ઓનલાઈન પેટ ડોગ ગોગલ્સનું ધૂમ વેંચાણ થાય છે. હવે તો ધૂળ સામે શ્વાનની આંખોનું રક્ષણ કરે એવાં પ્રોટેકટીવ ચશ્મા પહેરાવવાનો પણ ટ્રેન્ડ ચાલ્યો છે.' આ સાંભળી કાકા બોલ્યા શું વાત કરે છે? ચાલો ચશ્મા ચડાવ્યા પછી ગમે તેને નહીં ભસે, માણસ જોઈને ભસશે બરાબરને?
મારી વાત સાંભળી કાકાએ કહ્યું 'આપણા કહેવાથી કૂતરા ભસવાનું બંધ થોડું જ કરવાના છે? માણસના ભાગ્યમાં જેમ જશરેખા હોય છે એમ કૂતરાના ભાગ્યમાં ભસ-રેખા હોય છે. આપણાં ભાગ્યમાં તો ભાષણબાજી અને આ ભસણબાજી સહન કર્યા વિનાં છૂટકો જ નથી. હવે ચશ્માં પહેરીને તું કહે છે એમ જોઈ જોઈને ભસશે, પણ ભસશે તો ખરા.'
મેં કહ્યું કાકા થોડા વખત પહેલાં પરદેશમાં એક માનસશાસ્ત્રીે એવું તારણ કાઢયું હતું કે પાળેલા શ્વાન અને તેનાં માલિકના ચહેરામાં સમાનતા જોવા મળે છે. જ્યારે પેટ ડોગ ખરીદીને લાવે છે એ વખતે તેમાં સબ-કોન્શિયસ માઈન્ડમાં હોય છે કે તેના પાળેલા ડોગીનો ચહેરો પોતાને મળતો આવવો જોઈએ. હવે જ્યારે પરદેશમાં માલિક અને તેનો શ્વાન બન્ને ચશ્મા કે ગોગલ્સ ચડાવીને ફરવા નીકળશે ત્યારે થોડીવાર તો ઓળખી નહીં શકાય કે આમાં માલિક કોણ છે, બોલો ચશ્માની કેવી કમાલ?
કાકા બોલ્યા 'આપણે ત્યાં તો કૂતરાને ચશ્મા પહેરાવીને નીકળીએ તો વાંદરા ઝપટ મારીને લઈ જાય કાં ભીડનો લાભ લઈ કોઈ ઉઠાવગીર પણ ચશ્મા કે ગોગલ્સ તફડાવી જાય તો કહેવાય નહીં બોલ શું કહે છે? આપણે ત્યાં ગાંધીજીના ચશ્મા પણ ચોરાયા હતા કે નહીં? વર્ધા આશ્રમમાંથી ગાંધીબાપુના ચશ્મા ચોરાયા હતા ત્યારે હોબાળો મચી ગયો હતો યાદ છેને?'
મેં કહ્યું 'કાકા ગાંધીજીના ચશ્મા ચોરીને પહેરનારા ગાંધીજીની દ્રષ્ટિ ક્યાંથી લાવશે?' પથુકાકા બોલ્યા તારી વાત સાચી હો? ગાંધીજીનું નામ વટાવી ખાનારા મોટા ભાગના દંભીઓ ટૂંકી દ્રષ્ટિવાળા જ હોય છેને? '
મેં કહ્યું 'કાકા મને ઝાંખુ ઝાંખુ યાદ આવે છે કે તમે થોડા વર્ષ પહેલાં તીર્થયાત્રાએ ગયા ત્યારે કોઈ ચમત્કારિક ચશ્મા-ઉતાર બાબાનો ભૅટો થયો હતો સાચી વાત? તો એ બાબાએ ચશ્મા ઉતાર્યા કે નહીં?'
(હો) બાળાકાકી સાંભળતા નથી એની ખાતરી કરી પથુકાકા બોલ્યા ઉત્તર પ્રદેશની તાર્થયાત્રાએ ગયો હતો ત્યારે ધરમશાળાના રખેવાળના કહેવાથી ચશ્મા-ઉતાર બાબા ઉર્ફે રામપુરી બાબાના શરણે ગયો. મેં કહ્યું ચશ્મા ઉતારવા છે. બાબાએ આંખ તપાસતા પહેલાં ત્રાંસી આંખે મારૂં ખીસ્સું તપાલી લીધું અને બોલ્યા કે ચશ્મા ઉતરી જશે, ત્રણ દિવસ ચરી પાળવી પડશે. બસ રોકડા પંદરસો રૂપિયા દક્ષિણા આપવાની, પછી તમે પોતાના હાથે જ ચશ્મા ઉતારશો. મેં હકારમાં માથું ધુણાવ્યું એટલે બાબાએ કોથમીરનો રસ અને બીજી બે-ચાર વનસ્પતિનો રસ છંટાવ્યો. ત્રણ દિવસ રામપુરી બાબાએ ચરી પળાવી. ત્રીજે દિવસે ગંગાતટ પર બેઠેલા રામપુરી બાબા પાસે ગયો. બાબાએ કહ્યું બેટા ઈલાજ હો ગયા પૂરા, અબ અપને હાથ સે ચશ્મા ઉતારો ઔર ફેંકો ગંગામૈયા કી ધારા મેં.... મેં તો આદેશનું પાલન કર્યું એટલે રોકડા પંદરસો રૂપિયા પડાવી રામપુરી બાબા બોલ્યા 'મૈને કહા થા ના કી તુમ અપને હાથ સે ચશ્મા ઉતાર દોગે, બોલો સચ કહા થા કી નહીં? અબ જાવ બિના ચશ્મે સે દુનિયા કા ખેલ દેખો હવે પૈસા ચૂકવી દીધા હતા એટલે હું શું કહું? ગુંડા રામપુરી છરીથી લૂંટે અને રામપુરી બાબાએ 'ચરી'થી મને લૂંટયો, આમાં કોને કહેવા જઈએ? ઉત્તર પ્રદેશમાં ચૂંટણી નજીક છે ત્યારે વગર ચશ્મે આવાં જ ખેલ દેખાડવામાં આવે છેને?'
હું અને કાકા ઓટલે બેસીને ચશ્માની ચાલબાજીની ચર્ચા કરતા હતા ત્યાં ભરબપોરે (હો) બાળાકાકી લેડીસ કલબની મિટિંગમાંથી આવ્યા. કાકી અપટુડેટ તૈયાર થયા હતા અને બદામ આકારના ચળકતી ફ્રેમના ચશ્મા પહેર્યા હતા.
મેં વખાણ કરતા પૂછયું કે 'કાકી તમે તો ફર્સ્ટકલાસ ચશ્મા પહેર્યાં છે, ફોરેનના લાગે છે, ક્યાંથી લાવ્યા?' પથુકાકા વચમાં બોલ્યા 'તારી કાકીને પૂછતો નહીં કે ચશ્મા ક્યાં દેશના છે, એ સરખો ઉચ્ચાર નહીં કરે. આ ચશ્મા ઈટલીના છે, પણ તારી કાકી કાયમ 'ઈડલી'ના કહે છે. મારા ભાગ્યમાં સાળી બહુ સારી મળી છે એટલે મારી જાતને ભાગ્ય-સાળી ગણું છું. આ એકની એક સાળી એના પરિવાર સાથે ઈટલી રહે છે ને? ઈ ગયા મહિને ક્રિસમસ વેકેશનમાં આવી ત્યારે ચશ્માની મોંઘી ઈટાલિયન ફ્રેમ લાવી હતી. પછી તારી કાકીના આંખના નંબર કઢાવી ફ્રેમમાં કાચ ફિટ કરાવી દીધા. પણ નંબર કાઢવામાં આંખના ડોકટરનો ડૂચો નિકળી ગયો.'
મેં પૂછયું કાકીની આંખના નંબર કાઢવામાં આંખના ડોકટરને કેમ તકલીફ પડી.' સવાલ સાંભળી કાકાએ બરાબરનું મોણ નાખી જવાબ આપ્યો 'ડોકટર સાહેબે કાકીને ખુરશીમાં બેસાડયા અને પછી આંખે ગોઠવેલી ફ્રેમમાં જુદા જુદા ગોળ કાંચ ગોઠવતા જાય અને દિવાલ પર ચાર્ટમાં લખેલા અક્ષર વાંચવાનું કહે. એ... બી... સી... ડી... આલ્ફાબેટ લખેલા જુદી જુદી સાઈઝના અક્ષરો વાંચવાનું કહે. કાકી માથું ધુણાવીને ના જ પાડયા કરે. પહેલી લાઈન નથી વંચાતી, બીજી લાઈન નથી વંચાતી. ત્રીજી લાઈન નથી વંચાતી... આમ કાકી ના પાડતી જાય અને ડોકટર જુદા નબંરના ગોળ કાચ ફેરવતા જાય. એક કલાક ડોકટર આ કસરત કરી અને થાક્યા. એમણે એમની લાઈફમાં આવો કેસ પહેલીવાર જોયો હશે કે જેને કદાચ એક પણ નંબરવાળા કાચમાંથી સરખું દેખાય નહીં. છેવટે કંટાળીને એમણે પૂછ્યું કે 'આંટી તમે ચાર્ટમાં અંગ્રેજી અક્ષરો કેમ વાંચી નથી શક્તા?' ત્યારે કાકી બોલ્યા 'અંગ્રેજી ભણ્યું છે જ કોણ? વગર ભણ્યે કાળા અક્ષર કોશ બરાબર ...' ડોકટરે ખડખડાટ હસીને જ્યારે ગુજરાતી કક્કો-બારાખડીનો ચાર્ટ સામે ટીંગાડયો ત્યારે માંડ ચશ્માના નંબર નીકળ્યા, અને એ નંબરવાળા કાચ આ ઈટાલિયન ફ્રેમમાં ફિટકર્યા બોલ હવે કંઈ કહેવું છે?'
મેં કહ્યું 'આ ઈટાલિયન ફ્રેમના ચશ્મા પહેરીને કાકી નીકળે ત્યારે એવો વટ પડે કે જાણે કેટલું ભણ્યા હશે, બરાબર કે નહીં?' પથુકાકા બોલ્યા 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને ગુજરાતના નાથ તરીકે નામ ગાજતું હતું ત્યારે તેમણે સોનિયા ગાંધીને શું સલાહ આપી હતી ખબર છે? એમણે સલાહ આપેલી કે સોનિયાજી આંખેથી ઈટાલિયન ચશ્મા ઉતારો તો ગુજરાતના ગૌરવના દર્શન થશે.'