Get The App

મતદારો સાથે કરે દગો, એ જ સત્તાનો સગો

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
મતદારો સાથે કરે દગો, એ જ સત્તાનો સગો 1 - image

- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી

મેદાનમાં ખેલાડીનું અને મંડપમાં લાડીનું મહત્ત્વ હોય છે. ખેલાડી થાય રિટાયર પણ લાડી ક્યારેય ન થાય ટાયર. ખેલાડીને મળે અર્જુન એવોર્ડ પણ લાડીના વરને ક્યારેય ન મળે 'વર-જુન' એવોર્ડ. લાડી અને ખેલાડીની આ વાત ઉખેળીને મેં પૂછ્યું , 'કાકા મારી વાત બરાબર લાગી કે નહીં?'

પથુકાકા બોલ્યા, 'આ બધું તો ઠીક, પણ ઉત્તર ભારતમાં એક એવો પરણવીર પાક્યો કે એક પછી એક આઠ-આઠ લાડીઓને લાડ લડાવી, ચણાના ઝાડ પર ચડાવી અને પૈસા પડાવીને પલાયન થઈ ગયો હતો. આ સમાચાર વાંચ્યા કે નહીં?'

મેં કહ્યું, 'કાકા, લગ્ને લગ્ને કુંવારા  અને ફાંકાબાજીના ઉડાડે ફુવારા... એવા આ પરણવીરને તો પરણવીર ચક્રથી નવાજવો જોઈએ એવું નથી લાગતું?'

પથુકાકા બોલ્યા, 'હજી ધીરજ તો રાખ! આ પરણવીર છેલ્લી વાર પરણીને પલાયન થયો ત્યારે તો એણે કમાલ કરી, ખબર છે? આઠમી વાર જે કન્યાની સાથે લ ગ્ન કર્યાં તેની સાથે પંદર દિવસ જલ્સા કર્યા અને પછી કન્યાની મા એટલે કે સાસુને પટાવી એન ે લઈને પલાયન થઈ ગયો, બોલ!... અને નકટો પાછો 'સાંસો કી જરૂરત હૈ જૈસે બસ એક સનમ ચાહિયે આશિકી કે લિયે' ગીત ફેરવીને ગાતો ગાતો ગયોઃ ''સાસુ' કી ઝરૂરત હૈ જૈસે... બસ એક સનમ ચાહિયે 'ઐયાશી' કે લિયે...' 

પરણવીરચક્રની વાત સાંભળીને મેં કહ્યું, 'અત્યારે પોલિટિક્સમાં પણ આવી જ રીતે વારંવાર પરણવાની પરણ-ટ્રીક્સ ચાલે છે તેમ જુઓ છોને? પહેલાં એકનો પકડે હાથ પછી બીજાનો મેળવે સાથ અને પછી કૈંકને બનાવી અ-નાથ નાસે નઠારા નાથ...'

ખડખડાટ હસીને કાકાએ કપાળ કૂટીને કહ્યું , 'આમાં કંઈ પાર્ટીને મત આપવો? કયા પક્ષની વિચારધારાને ટેકો આપવો કે પછી ક્યા પક્ષની પડખે રહેવું એ જ  સમજાતું નથી. કારણ કે ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી સત્તાની ભૂખ મિટાવવા કટ્ટર દુશ્મનો પણ ભોગ થઈ જાય છે. મહારાષ્ટ્રમાં મહાપાલિકાઓ અને નગર પાલિકા ઓની ચૂંટણીમાં આવો સગવડિયો સત્તાનો ખેલ જોવા મળ્યો હતોને? એટલે જ મતદારો બખાળા કાઢતા બોલી ઉઠયા હતા કે હમને જીસે ચૂના વો હમકો હી લગા કે ગયા ચૂના...'

મેં કહ્યું, 'પથુકાકા, એક સત્ય સમજાઈ ગયું છે કે મતદારો સાથે કરે દગો, એ જ જાણે સત્તાનો સાચો સગો...' 

પથુકાકા બોલ્યા, 'લોકશાહીમાં આ બધો શાહી-લોકનો જ અજબ ખેલ છે કે મતદારો સાથે કરે દગો એ જ જાણે સત્તાનો સાચો સગો... લોકશાહીમાં શાહી-લોકનો જ બધો ખેલ છે, ખોટાને ગેલ છે અને સાચાને જેલ છે...'

મેં કહ્યું, 'સાંઠગાંઠના રાજકારણની બલિહારી જુઓ છોને?  વિરોધ પક્ષના ખરડાયેલા, કાળા રંગે રગદોળાયેલા, વિવાદમાં વગોવાયેલા અને સજાની 'મજા' માણી આવેલા નેતાઓ જ્યારે સત્તાધારી પાર્ટીમાં જોડાય એટલે એમને વોશિંગ મશીનમાં નાખીને ધોઈ ધોઈને ચોખ્ખા-ચણાક કરી નખાય. જપાને તો માણસ પહેરેલે કપડે મશીનમાં બેસે અને કપડાં સાથે ધોવાઈને બહાર આવે એવાં હ્યુમન વોશિંગ મશીન હમણાં શોધ્યા, જ્યારે દાગદાર નેતાઓને ધોઈને ચોખ્ખા કરવાના હ્યુમન વોશિંગનો આપણે ત્યાં ઘણા વખતથી ઉપયોગ થાય છે એવું નથી લાગતું?'

પથુકાકા બોલ્યા, 'અત્યારે સત્તાનો જે ખેલ ચાલીૂ રહ્યો છે એ જોઈને કહેવું પડે કે-

ગુમાવીને સત

ખંખેરીને લે મત

જીતવાની જ લાગી લત

એમાં છે આ હા-લત.'

દેશી રમત ને રાજરમત

કાન અને ગોપીઓના રાસના જમાના ગયા. હવે તો કાન ક્યારેક ત્રાસ પણ આપે છે. હજી ગઈ કાલે જ પાડોશી જાનીકાકા એકના એક ખાસ ઓર્ડરથી બનાવેલા અપલખણા અપ્પુને કાન પકડીને ગ્રાઉન્ડમાંથી લઈ આવતા હતા. છોકરાને આમ મારવાથી પોતાની ખાનદાની જનહીં કાનદાનીનો ફજેતો થશે એની પરવા કર્યા વિના લાલચોળ થઈ ગયેલા કાનને લીધે કણસતા અપ્પુને ઠેબાં ખવડાવતા લઈ આવતા હતા. 

મેં ઘૂંઆપૂંઆ થતા જાનીકાકાને ઊભા રાખીને પૂછયું, 'અપ્પુને કેમ મારો છો?'

જાનીકાકાએ મારી તરફ ઘૂરકીને કહ્યું, 'મારે નહીં તો શું ચાટે?...આવડો અમથો છે અને જુગારને રવાડે ચડી ગયો છે. શરમાતો નથી?'

અપ્પુના હાથમાં બેટ જોઈને મેં કહ્યું, 'કાકા, આ તો ક્રિકેટ રમવા ગયો હતો અને તમેય શું જુગારની વાતે ધજાગરો કરો છો?'

આ સાંભળી જાનીકાકા છીંકોટા નાખતાં બોલ્યા, 'ક્રિકેટ જુગાર નથી? બેઉ રમતમાં બેટિંગ થાય છે ને?'

જાનીકાકાના જડબાતોડ જવાબે મને વિચારતો કરી મૂક્યો. સાપ ગયા ને લિસોટા રહ્યા એમ અંગ્રેજો ગયા અને કેટલીય અંગ્રેજી રમતોને રવાડે ચડાવતા ગયા. એના કરતાં ૪દેશી રમત કેમ ન રમી શકાય? અમે નાના હતા ત્યારે લીંબડીની શેરીઓમાં કેવી ચોર-પોલીસની રમત રમતા, ખબર છે? એક પાર્ટી ચોર બને અને એક પાર્ટી પોલીસ બને. અરે, વંડી ઠેકીએ, ઝાડ પર સંતાઈએ, હાંફી રહેવાય એટલું દોડીએ . એવી કસરત મળે કે વાત ન પૂછો. વર્ષો  પછી ભેગા થયેલા લીંબડીના જૂના ગોઠિયા મુન્ના નમુનાએ સહજ એ દિવસો યાદ અપાવતાં પૂછ્યું, 'હવે કેમ કોઈ ચોર-પોલીસ નહીં રમતું હોય?' સવાલ સાંભળી મુન્નો દાઢમાંથી બોલ્યો, 'ચોર કોણ અને પોલીસ કોણ એ હવે ઓળખવાનું જ મુશ્કેલ બની ગયું છે. પછી ક્યાંથી રમાય ચોર-પોલીસ?'

સ્કૂલમાં છોકરીઓ લંગડી બહુ રમતી. એક પગે ઠેકતાં-ઠેકતાં દાવ દેવાનો અને બે પગે દોડે એને પકડવાના. આજે રાજકારણમાં જરા જુદી રીતે આ રમત રમાય છે. સાવ નિરાધાર નેતાઓ ઠેંકતા-ઠેંકતા ક્યાંયના ક્યાંય એવી નીકળી જાય છે કે આપણે બે પગે દોડીને પણ તેમને નથી પકડી શકતા. એક વાર કોઈએ કહ્યું હતું કે સત્તા આંધળી છે, નહીંતર લંગડા તૈમૂર લંગના હાથમાં શું કામ આવત?

હવે તો મુંબઈ જેવા શહેરમાં ક્યાંય કોઈ લંગડી રમતી છોકરીઓ નથી દેખાતી. અરે, છોકરીઓ પણ ક્રિકેટ રમતી થઈ ગઈ છે.

કેટલાયની હાય લઈને પૈસાના જોરે હાઈ-સોસાયટીમાં પહોંચેલા હસુભાઈ હાઈફાઈને એક પાર્ટીમાં મળ્યા ત્યારે પૂછ્યું, 'તમારી ડોટર હેતાલીએ હવે ભણી લીધું હશે, નહીં? લગ્ન કર્યાં કે નહીં?'

હસુભાઈએ વટથી કહ્યું, 'અત્યારમાં પરણાવીને શું કરવું છે? અટાણે તો ફાસ્ટ ડિલીવરીની ટ્રેઈનિંગ લે છે.'

હું તો હેબતાઈ ગયો. પરણ્યા પહેલાં ડિલિવરી? મારી મૂંઝવણ પારખીને હસુભાઈ બોલ્યા, 'કોલેજની લેડીઝ ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થઈ છે એટલે બોલિંગની ડિલીવરીની વાત કરું છું.'

મનમાં થયું, શુ જમાનો આવ્યો છે? મેટરનિટી હોમને બદલે મેદાનમાં ડિલીવરી થવા માંડી છે. સ્લો ડિલીવરી, ફાસ્ટ ડિલીવરી, સ્પિન ડિલીવરી એમ જાતજાતની ડિલીવરી થાય છે. દીકરી ને ગાય મેદાનમાં જાય એવું થયું છે.

આજે ભલે મેદાનોમાં કે કમ્પાઉન્ડમાં દેશી રમતો ન રમાતી હોય, પણ પોલિટિક્સમાં અને આજના માહોલમાં આમાંની કંઈક દેશી રમતોની છાની ઝલક દેખાય છે. હું તો ઓલિમ્પિક્સ કમિટીને કાગળ લખવાનો છું કે આવતા ઓલિમ્પિકમાં કબડ્ડીને પણ સ્થાન આપે. કબડ્ડી તો હવે રાષ્ટ્રીય રમત બની ગઈ છે. કબડ્ડીમાંથી જ આપણા નેતાઓએ ટાંટિયા ખેંચની  પ્રેરણા લીધી છે ને? મંચ હોય કે મેદાન, છેવટે તો ખેદાનમેદાન કરવા જ આ બધા ઊતરી પડે છેને?

અંત-વાણી

રાજીનામું શબ્દ થોડા ફેરફાર સાથે આ રીત વાપરવો જોઈએઃ

બધું ખેદાન મેદાન કરી જાય-

તારાજીનામું

પરાણે જવું પડે-નારાજીનામું

ખરડાયેલી છાપ ધોવા 

જાય-ધો-રાજીનામું.