- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
પાડાએ નાખી પાડી, ને ડોશીએ રાડ પાડી, 'અરરર...માંડી!' સવારે શાક માર્કેટમાં ગયેલા આપણાં (હો)બાળાકાકીને જોઈને વિફરેલા પાડાએ જોરદાર ઢીંક મારવાથી રસ્તા પર પટકાયેલા કાકીનો હાથ ગયો.
કમઅક્કલ શાકવાળાએ અધ્ધર શ્વાસે પથુકાકાને મોબાઈલ પર આ સમાચાર આપતા કહ્યું, 'જલ્દી આવો, પાડા સાથે કાકી ભટકાણા છે.' કાકા બોલ્યા, 'તારી કાકી મને એકને ભટકાણી એમાં મારા હાડકાં ખોખરા કરી નાખ્યા, તો પાડાની કેવી દશા થઈ હશે?' શાકવાળો બોલ્યો, 'ના કાકા, મારી બોલવામાં ભૂલ થઈ ગઈ. પાડાએ કાકીને અડફેટે ચડાવી પાડી નાખ્યા એટલે હાથ ભાંગી ગયો છે. તમે જલ્દી આવો.'
આ સમાચાર મળતાંની સાથે જ હું અને કાકા દોડાદોડ શાક માર્કેટમાં પહોંચ્યા. ચાર-પાંચ શાકવાળા કાકીને ખુરશીમાં બેસાડીને હાથ પર બરફ ઘસતા હતા અને એક-બે જણ પૂઠાંથી પંખો નાખતા હતા. અમે કાકીને ટેક્સીમાં બેસાડયાં અને નજીકમાં જ એક ઓર્થોપેડિક હોસ્પિટલમાં લઈ ગયા. બહાર બોર્ડમાં લખેલંા - 'અસ્થિભંગ નિષ્ણાત.'
બોર્ડ વાંચીને મેં મજાકમાં કાકાને પૂછ્યું, 'આ અસ્થિભંગ નિષ્ણાત એટલે હાડકા ભાંગવામાં નિષ્ણાત છે કે શું?'
કાકાએ કહ્યું, 'આપણાં દેશમાં અત્યારે જોડ-તોડની રાજનીતિ જ ચાલે છે ને એ ક પાર્ટી તોડો બીજી પાર્ટી સાથે નાતો જોડો, આંદોલનો થાય છે, ભારત જોડો અને પોતાની પાર્ટી તોડો... એટલે ટૂંકમાં જે હાથ જોડે એ જ હાથ તોડે ને સાથ છોડે...'
(હો)બાળાકાકીને અમે ટેક્સીમાં ઘરે લઈ ગયાં. કાકીનો ઝોળીમાં હાથ જોઈને કાકાને મસ્તી સૂઝી. તેઓ બોલી ઉઠયા: 'ઓળીઝોળી પીપળ પાન... ભઈએ પાડયું (હો)બાળા નામ...' આ સાંભળીને છંછેડાયલા ંકાકી બરાડયાં, 'મારૃં નામ શું કામ બગાડો છો? તમારૃં નામ પાડો...'
કાકા ખડખડાટ હસીને બોલ્યા, 'શું? મારૃં નામ 'પાડો'...'
મેં કાકાને હળવાશથી સવાલ કર્યો, 'કાકીએ તમને પાડો કહ્યું?'
કાકાને તરત લગ્નના રિસેપ્શનનો કિસ્સો યાદ આવ્યો. તેઓ બોેલ્યા, 'ભત્રીજાના મેરેજ રિસેપ્શનમાં હું અને તારી કાકી ગયાં હતાં. સ્ટેજ ઉપર ગયા પછી ફોટો પડાવવા માટે અમે ઊભા રહ્યા. સામે ફોટોગ્રાફર કેમેરો સેટ કરતો હતો ત્યારે કાકીની ધીરજ ન રહી એટલે એટલા મોટા અવાજે બોલી: મારો પાડો... મારો પાડો... આ સાંભળી ઓળખીતા ફોટોગ્રાફરે ટીખળ કરતા કહ્યું, કે હા કાકી, મને ખબર છે તમારો જ 'પાડો' છે...
બે દિવસ પછી હું અને કાકા (હો)બાળાકાકીને લઈ અસ્થિભંગ ક્લિનિક એટલે ઓર્થોપેડિક ક્લિનિકમાં પાટો બદલવા માટે લઈ જતા હતા. કાકીને દુ:ખાવો થતો હોવાથી ઊંહકારા કરતાં હતાં. પથુકાકા બોલ્યા, 'જોયુંને? તને પાડો નડયો એટલે વસમું લાગે છે, જ્યારેે દેશન ે વસમો પાડો-શી (પાક) નડે છે... એટલે એક યાદ રાખ કે પાડાથી અને વસમા પાડોશીથી કાયમ ચેતીને ચાલવું.'
મેં ટાપશી પૂરી, 'કાકા, તમે જ એક વાર ચોટચુંક વાક્ય કહ્યું હતું ને કે સુખી થવું હોય તો ત્રણથી સંભાળવું - રસ્તાના ખાડાથી, વધતા ભાડાથી અને યમરાજાના અનબ્રેકેબલ પાડાથી.
ઓર્થોપેડિક ક્લિનિકમાંથી અમે પાછા ફરતા હતા ત્યાં નજીકના રિક્ષા સ્ટેન્ડ પાસે કાકીને જે પાડાએ ઢીંક મારી હતી એ જ પનોતી પાડો ટહેલતો જોવા મળ્યો. એને જોઈને કાકીની રાડ ફાટી ગઈ. કાકા બોલ્યા, 'તું ડર નહીં, એ પાડો બીજી વાર તારી સાથે પંગો લેવાની હિંમ્મત નહીં કરે.'
અમે ત્રણ રિક્ષાની રાહ જોઈને ઊભા હતા ત્યાં અજબ દ્રશ્ય જોઈને અમારી આંખો ફાટી ગઈ. એક ગુજરાતી લાગતાં જીવદયા પ્રેમી મહિલા ઘી ચોપડેલી રોટલી પેલા મારકણા પાડાને ખવડાવતાં હતાં. કાકાથી ન રહેવાયું એટલે બહેન પાસે જઈને બોલ્યા, 'બહેન, આ ગાય નથી,પાડો છે પાડો.' પેલા બહેને હસીને કહ્યું ,'મને ખબર છે આ ગાય નથી પાડો છે, પણ આ પાડો દરરોજ બે-ત્રણ જણને ઢીંક મારી પછાડે છે અને હાથ-પગ ભાંગી નાખે છે એટલે મારા હસબન્ડ હાડકાનાં ડોકટરે છે એમને રોજેરોજ તાજા તાજા દરદી લમળતા જ રહે છે, એટલે પાડાનો પાડ માની ચોખ્ખું ઘી ચોપડેલી રોટલીઓ ખળડાવું છું. તમે કાકીને પાટો બંધાવા લઈ ગયેલા એ મારા હસબન્ડની જ ઓર્થો હોસ્પિટલ છે...
અમે રિક્ષામાં બેઠા પછી કાકીએ પેલી પાડાપ્રેમી મહિલા પર રોષ ઠાલવતા કહ્યું, 'કોઈ પાડા પાળે અને પાડા કોઈને પાડે, કોઈ ખાડા પાડે અને ખાડા કોઈને પાડે અને આવી પનોતીરૂપ પાડા પ્રેમીના પતિ થોકબંધ પૈસા પાડે...'
મેં કહ્યું, 'કાકા, આ પાડાપાડીનો જ જમાનો છેને? સમાજકારણ હોય કે પછી રાજકારણ હોય. એકબીજાને પાડવાની ચાલતી જ રહે છે પાડાપાડી, જેની ચામડી જાડી એ કર્યા કરે પાડાપાડી અને એમાં જ ઊંઘી વાળે સાવ સીધી જાતી ગાડી.'
પથુકાકા હસીને બોલ્યા, 'પાડાપાડીની તેં વાત કરી એનાં પરથી મને એક તદ્દન ફ્રેશ કહેવત સૂજી: રાજાને ગમે તે રાણી, પાડાને ગમે તે પાડી અને જાડાને ગમે તે જાડી.'
કાકા બોલ્યા, 'આપણે એક મુશાયરામાં ગયા હતા ત્યાં નિદા ફાઝલીએ એક સવાશેરનો શેર સંભળાવ્યો હતો એ યાદ આવે છે કે-
યહાં કિસી કોે કોઈ
રાસ્તા નહીં દેતા
મુઝે ગિરા કે અગર તુમ
સંભલ સકો તો ચલો.'
મેં કાકાને દાદ અને બગદાદ આપતા કહ્યું, 'મુંબઈમાં તો રસ્તા પર ખાડા પડે એમ કામવાળી રજા પાડે ત્યારે એને પણ ખાડા પાડે એમ કહેવાય છે એ તમને ખબર છે? એમાં વળી સુધરાઈમાં કર્મચારી રજા પર જાય અથવા કોઈ કર્મચારીને સસ્પેન્ડ કરાયા હોય અને તેની જગ્યાએ કામચલાઉ ભરતી કરવામાં આવે એને શું કહે છે ખબર છે?ખાડા-ભરતી.'
આ સાંભળી પથુકાકા બોલી ઉઠયા, 'સુધરાઈની ઓફિસમાં ખાડા-ભરણી થાય. બાકી તો રસ્તા પર ખાડા-ભરણી થાય તો લોકોને રાહત થાય. બાકી તો અત્યારે કેવી દશા છે, ખબર છેને? ખાડામય મુંબઈમાં યમરાજાના અનબ્રેકેબલ (બ્રેક વગરના) પાડા પણ આડા પડી જાય એવી દશામાં યમરાજા પણ પોતાના પિક અપ વેન જેવા પાડાને શહેરની ભાગોળે પાર્ક કરી ને પછી પગપાળા જ શહેરની અંદર એક્સપાયરી ડેટવાળા કેસને શોધવા નીકળી પડે છે અને ભોમિયા વિનાના મારે ભમવા'તા ડુંગરા... એવાંરાગમાં મનોમન ગણગણતા જાય છે: પાડિયા વિનાના મારે ગોતવા'તા મડદા...'
મેં કહ્યું ''મારતીય'' જમ-તા પાર્ટીના વડાએ આમ પાડા વગર બોડી બિલ્ડર નહીં પણ ડેડ-બોડી બિલ્ડર બની બોડી ઉપાડવાનો વારો આવે ત્યારે કકળતે હૈયે જમરાજા કયું ગીત ગાતા હશે ખબર છે? આ ગીત:
'પાડા' રે અબ મેરા
દિલ પુકારે
રો-રો કે 'જમ'ભી હારા
બદનામ ન હો 'ભાર' મેરા
પાડા રે...
અંત-વાણી
આશા ઘણીથી ને
ઘણે થે ભરોસે
પણ ભરોસે કી ભેંસને
પાડે જણે હૈ.


